અમૃતસરઃ ભારતનું એ શહેર, જ્યાં કોઈએ ભૂખ્યા પેટે સૂવું નથી પડતું

ઇમેજ સ્રોત, Raphael Reichel
- લેેખક, સૃષ્ટિ ચૌધરી અને રાફેલ રિચેલ
- પદ, બીબીસી ટ્રાવેલ
શીખ ધર્મના ધબકતા હૈયાં જેવું ઉત્તર ભારતીય શહેર અમૃતસર તેની ઉદારતાની ભાવના માટે વિખ્યાત છે. અહીંના સુવર્ણ મંદિરમાં રોજ એક લાખ લોકોને મફત ભોજન કરાવવામાં આવે છે.
20 લાખ લોકોની વસ્તી ધરાવતું અમૃતસર અનેક બાબતો માટે વિખ્યાત છે.
આ ઐતિહાસિક શહેરમાં સ્વાદિષ્ટ ભોજન મળે છે અને તેમાં શીખ ધર્મનું સૌથી મહત્ત્વનું, શાનદાર સુવર્ણ મંદિર આવેલું છે. તેમ છતાં મંદિરથી માંડીને રસ્તા પરના લોકો સુધી દરેક જગ્યાએ તેનો અલગ ચહેરો જોવા મળે છે. ઉદારતાની ભાવના આ શહેરની સ્થાપના સાથે જોડાયેલી છે.
અમૃતસરની સ્થાપના 16મી સદીમાં એક શીખ ગુરૂએ કરી હતી અને તે પંજાબના એ પ્રદેશમાં આવેલું છે, જ્યાં શીખ ધર્મની ઉત્પત્તિ થઈ હતી. આ ધર્મ તેની સેવાની પરંપરા માટે જાણીતો છે. કોઈ અપેક્ષા વિના બીજા માટે કરવામાં આવતી સ્વૈચ્છિક સેવા. દુનિયાભરના શીખો ગુરુદ્વારામાં સેવા કરતા હોય છે. તેઓ ફરસની સફાઈ, ભોજન પીરસવા અને મંદિરની વ્યવસ્થા જાળવી રાખવા જેવાં સાદાં કામ કરે છે.
અન્ય લોકો વ્યક્તિગત જીવનમાં ઉદારતા અને દાનનાં કાર્યોના માધ્યમથી સેવા કરે છે.
એપ્રિલ-2022માં કોવિડને કારણે સમગ્ર દેશમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા હતા ત્યારે શીખ સમુદાયે તેમને ઑક્સિજન સિલિન્ડર અને ચિકિત્સા સામગ્રી જેવી મહત્ત્વની વસ્તુઓ પહોંચાડવાનો પડકાર ઝીલ્યો હતો.
જસરીન માયલ ખન્ના તેમના પુસ્તક ‘સેવાઃ શીખ વિઝડમ ફૉર લિવિંગ વેલ બાય ડૂઈંગ ગૂડ’માં લખે છે, “સેવાનો અર્થ છે નિઃસ્વાર્થ સેવા. શીખ ધર્મમાં સેવા માત્ર એક ઉપદેશ કે માર્ગદર્શક સિદ્ધાંત નહીં, પરંતુ એક દૈનિક પ્રવૃત્તિ છે. દયાની ભાવના શીખો માટે પહેલેથી જ મુદ્રાલેખ બની રહી છે.”
આઠ વર્ષની વયથી સેવા કરતા અને હાલ 23 વર્ષના અભિનંદન ચૌધરી કહે છે, “સેવાનું બીજું નામ પ્રેમ છે. વ્યક્તિએ એટલા વિવેકશીલ અને નિઃસ્વાર્થ હોવું જોઈએ કે તે જમણા હાથે સેવા કરતો હોય તો તેના ડાબા હાથને ખબર પડવી ન જોઈએ. આ સામાન્ય બોધ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વિશ્વનું સૌથી મોટું રસોડું

ઇમેજ સ્રોત, Raphael Reichel
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઝડપભેર વ્યક્તિવાદી અને મૂડીવાદી બની રહેલી દુનિયામાં જીવવાની આ ઉત્તમ રીત છે.
શીખ ધર્મમાં ઉદારતાની ભાવના સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. બ્રિટનમાં કોવિડ લૉકડાઉન દરમિયાન એક ગુરુદ્વારાના હજારો સ્વયંસેવકોએ રાષ્ટ્રીય આરોગ્ય સેવાના હજારો કર્મચારીઓને રોજ ભોજન પૂરું પાડ્યું હતું.
અમેરિકાના વિવિધ શહેરોમાં સેંકડો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તોફાનથી પ્રભાવિત કૅનેડા હોય કે પછી ચક્રવાતથી પ્રભાવિત ન્યૂઝીલૅન્ડ હોય, સંકટ કે કટોકટીની પરિસ્થિતિમાં શીખોએ જરૂરિયાતવાળા લોકોની સેવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી હતી.
જોકે, અમૃતસરમાં સેવાનું કામ વધુ ઊંચા સ્તરે થાય છે. અમૃતસરમાં કોઈએ ક્યારેય ભૂખ્યા પેટે ઊંઘવું પડતું નથી, એ વાત આખો દેશ જાણે છે.
તેનું કારણ એ છે કે સુવર્ણ મંદિરમાં દરેક વ્યક્તિ માટે ગરમાગરમ ભોજન કાયમ તૈયાર જ હોય છે.
સુવર્ણમંદિરનું લંગર એટલે કે વિનામૂલ્યે ભોજન આપતું રસોડું વિશ્વમાં સૌથી મોટું છે.
અહીં સપ્તાહના સાતેય દિવસ, રોજ એક લાખ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.
આશ્રય અને ભોજનની જરૂરિયાત ધરાવતી દરેક વ્યક્તિને કોઈ ભેદભાવ વિના અહીં ભોજન કરાવવામાં આવે છે અને ભોજન 24 કલાક ઉપલબ્ધ હોય છે.
ન્યૂયૉર્કસ્થિત મિશેલિન-સ્ટાર શેફ વિકાસ ખન્નાએ કોવિડ લૉકડાઉન દરમિયાન ભારતમાં અનેક લોકોના ભોજનની વ્યવસ્થા કરી હતી.
વિકાસ ખન્ના કહે છે, "મારો જન્મ અને ઉછેર અમૃતસરમાં થયો છે. અમૃતસરમાં એક વિશાળ સામુદાયિક રસોડું છે, જેમાં દરેકને ભોજન મળે છે."
"આખું શહેર ભોજન કરી શકે છે. હું ન્યૂયૉર્કમાં સંઘર્ષ કરતો હતો ત્યારે મને ભૂખ શું કહેવાય તેનો અહેસાસ થયો હતો."

સતત પીરસવામાં આવતું ભોજન

ઇમેજ સ્રોત, Raphael Reichel
બધા ગુરુદ્વારાની માફક સુવર્ણમંદિરનું સંચાલન પણ સારી રીતે કરવામાં આવે છે અને સ્વયંસેવકોનું દળ અત્યંત શિસ્તબદ્ધ રીતે સ્ટેનલેસ સ્ટીલની પ્લેટ્સમાં દાળ, રોટલી, છોલે અને દહીં સમાહિત સ્વાદિષ્ટ ભોજન પીરસે છે.
વિશાળ હૉલમાં લોકો પલાંઠી મારીને બેસે છે. હૉલમાં એક સાથે 200 લોકો ભોજન કરી શકે છે. તેમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, યુવાનો, ગરીબ અને શ્રીમંત બધા લોકો હોય છે. તેની પાછળનો ગર્ભિત અર્થ બધા લોકો જાણે છે.
કેટલાક લોકો વધારે ભોજન માગે છે, જ્યારે અન્ય લોકો ઝડપથી જમીને જતા રહે છે. પ્રત્યેક 15 મિનિટ બાદ સ્વયંસેવકો સફાઈ કરે છે અને બીજી પંગત માટે હૉલ તૈયાર કરે છે. ભોજન પીરસવાનું અને કરવાનું આ ચક્ર સતત ચાલતું રહે છે.
મંદિરથી માંડીને માર્ગ પરના લોકો સુધી, અમૃતસર દોસ્તી, ઉદારતા અને મદદનું ઉદાહરણ પુરું પાડે છે.
અમે ત્યાં ગયા ત્યારે સ્મિત અમારી સતત અમારી સાથે હતું. કોઈ અમને મદદ માટે પૂછે તે પહેલાં અમારે માત્ર ભ્રમિત કે ખોવાયેલા દેખાવાનું હતું. રાતે રસ્તા પર ચાલતા અજાણ્યા વટેમાર્ગુઓએ વ્યસ્ત વિસ્તારમાં અમને અમારી બૅગ સંભાળવા જણાવ્યું હતું.
અમે કેસર દા ઢાબા નામના પ્રખ્યાત ભોજનાલય પર પહોંચ્યા ત્યારે લોકોએ અમારા માટે જગ્યા ખાલી કરી આપી હતી. સ્વાગત અને શેરિંગની ભાવના સર્વવ્યાપક હતી.
અજાણ્યા લોકો માટે, અમને ચા પીવાનું આમંત્રણ આપવા કે પોતાના જીવન વિશે વાત કરવા એક મિલનસાર નજર અને સ્મિત પૂરતા હતાં.
અમૃતસરમાં જન્મેલા અને ઉછરેલા રાહત શર્માએ કહ્યું, "અમૃતસરમાં ઉછરવું તે એક વિશાળ સમુદાયમાં રહેવાનો અહેસાસ હોય છે."
"હું સુવર્ણમંદિરમાં સંતાકૂકડી રમીને મોટો થયો છું. અમે બધાએ ત્યાં સેવા કરી છે."
"દરેક વ્યક્તિ બીજી વ્યક્તિનો ખ્યાલ રાખે છે અને આ શહેરના શીખો તથા હિંદુઓ, પરસ્પર વિરોધી રાજકીય વિચારધારા ધરાવતાં હોવા છતાં સાથે રહે છે."

ઉત્સાહથી ભરેલું શહેર..

ઇમેજ સ્રોત, Raphael Reichel
આ શહેર ઉત્સાહથી ભરેલું છે, કારણ કે અમૃતસર જેટલું પરમાત્માનું શહેર છે એટલું જ જીવનસભર શહેર છે. તે સમજી શકાય તેવું છે. માર્ગો પર મળતા કુલચા, છોલે, માટીના વાસણમાંની ચોખાની ખીર (ફિરની) અને મોટા ગ્લાસ ભરીને છાશ સમગ્ર દેશ માટે ઈર્ષ્યાનો વિષય છે. સાંકડી શેરીઓ અને નાના ચોરસ ચોક તેમજ ધમધમતા બજારવાળા અદભુત છતાં ઉપેક્ષિત, જૂના શહેરમાં જીવન ધબકતું રહે છે. તે સમયની ગર્તામાં ખોવાઈ ગયું હોય તેવું લાગે છે.
જોકે, અમૃતસરની ભવ્ય અને વિશાળ હૃદયની પ્રકૃતિના કેન્દ્રમાં અંધારિયો સમકાલીન ઇતિહાસ છે. એ ઇતિહાસે શહેરને તેમજ સિખ ધર્મને, સ્વ-વિભાવનાને તથા ગતિશીલતાને આકાર આપવામાં નિર્ણાયક ભાગ ભજવ્યો છે.
અમૃતસર પંજાબનું બીજા ક્રમનું સૌથી મોટું શહેર છે. તેથી બ્રિટિશ શાસન દરમિયાન તે મેળાવડા અને વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બની રહ્યું હતું. આવી જ એક ઘટનાએ 1919માં અહીં હિંસક વળાંક લીધો હતો.
શાંતિપૂર્ણ રીતે એકઠા થયેલા લોકો પર ગોળીબારનો આદેશ એક બ્રિટિશ જનરલે આપ્યો હતો, જે જલિયાંવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખાય છે અને તેમાં લગભગ 1,500 લોકો માર્યા ગયા હતા.
એ ઉપરાંત 1947માં અંગ્રેજોએ ભારતમાં ઉતાવળે ઉચાળા ભર્યા પછી ભારતના વિભાજન વખતે જોરદાર હિંસા થઈ હતી અને તે હિંસામાં અમૃતસરને માઠી અસર થઈ હતી, કારણ કે આ શહેર નવા દેશની સરહદની એકદમ નજીક આવેલું હતું. (આ ઇતિહાસને ધ્યાનમાં રાખીને દેશનું સૌપ્રથમ અને એકમાત્ર પાર્ટિશન મ્યુઝિયમ અમૃતસરમાં 2017માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું)

ભવ્ય વારસો

ઇમેજ સ્રોત, Alison Wright/Getty Images
અમૃતસર 1984માં ફરી એકવાર પીડાદાયક ઘટનાનું કેન્દ્ર બન્યું હતું. તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ અલગતાવાદીઓને ખતમ કરવા માટે સુવર્ણમંદિરમાં પ્રવેશવાનો આદેશ સૈન્યને આપ્યો હતો.
તેની ધ્રુજારી આજે પણ અનુભવાય છે. એ ઘટનાને કારણે બે શીખ અંગરક્ષકોએ થોડા મહિના પછી ઇંદિરા ગાંધીની હત્યા કરી હતી અને તે પછીના દિવસોમાં સમગ્ર દેશમાં હજારો નિર્દોષ શીખોની હત્યા કરવામાં આવી હતી.
શીખો આવી ઘટનાઓની સ્મૃતિને સંગોપી રાખે છે, કારણ કે શીખ શહીદોની કથાઓ તેમની સાંસ્કૃતિક સ્મૃતિનો મોટો હિસ્સો છે. તેમની શહીદીની ગાથાઓનું પ્રાર્થનામાં, અરદાસમાં પઠન કરવામા આવે છે.
જસરીન માયલ ખન્નાએ લખ્યું છે, "એ કથાઓ વારંવાર કહેવાનો હેતુ ઉશ્કેરણી કે બદલો લેવાનો નથી. વાસ્તવમાં તેમાં રક્ષક બનવાના અમારા વારસા પર ભાર મૂકવામાં આવે છે."
તેથી સૌથી વધુ પ્રશંસનીય વાત એ છે કે જે સમુદાયે આટલા પ્રચંડ સામૂહિક આઘાત સહન કર્યા છે તે સમુદાય આટલું બધું આપી રહ્યો છે અને સ્વીકારી રહ્યો છે. જસરીન માયલ ખન્નાના જણાવ્યા અનુસાર, આ બાબત શીખોની પ્રકૃતિનો અભિન્ન હિસ્સો છે. "શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકે સેવાને સિખોનું ગીત બનાવી છે. શીખોએ તેમના ગુરુના શબ્દો તથા કાર્યોથી પ્રેરિત નિઃસ્વાર્થતાને પોતાના જીવનનો એક મોટો હિસ્સો બનાવી છે."
સેવા અને તમામ ધર્મના લોકોને સ્વીકારવા તથા આવકારવાની શીખ પરંપરા તેમની ઉદારતાનો પુરાવો છે.
એ પરંપરા આ શહેરનો સૌથી વધુ અનુકરણીય આધાર છે.
અમૃતસરમાં ઘણું બધું અંધકારમય ભલે લાગે, પરંતુ પ્રેમ અને ઉદારતાની ભાવના સતત જીવંત હોય છે.














