કથિત દારૂ કૌભાંડ કેસ: અરવિંદ કેજરીવાલ તમામ આરોપોમાંથી મુક્ત કરાયા, આ કેસમાં શું થયું હતું?

અરવિંદ કેજરીવાલ, આપ, બીબીસી ગુજરાતી, દિલ્હી દારૂ નીતિ કૌભાંડ

ઇમેજ સ્રોત, ANI

વાંચવાનો સમય: 4 મિનિટ

દિલ્હી ઍક્સાઇઝ પૉલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નવી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આરોપમુક્ત કરી દેવામાં આવ્યા છે.

આજે દિલ્હીની રાઉઝ ઍવન્યૂ કેસે આ ચુકાદો આપ્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલ રડી પડ્યા હતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, "છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપ દારૂ ગોટાળાને નામે અમારા પર આરોપો લગાવી રહ્યો હતો, પરંતુ આજે કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. હું હંમેશાં કહું છું કે સત્યની જીત થાય છે."

તેમણે કહ્યું હતું કે, "મોદીજી, અમિત શાહે મળીને આઝાદ ભારતનું સૌથી મોટું રાજકીય ષડયંત્ર રચ્યું. આમ આદમી પાર્ટીના પાંચ મોટા નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા. સત્તાધારી મુખ્ય મંત્રીને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા. ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા બે વર્ષ જેલમાં રહ્યા."

તેમણે રડતાં રડતાં કહ્યું હતું કે, "કેજરીવાલ ભ્રષ્ટ નથી. કેજરીવાલે જિંદગીમાં ઇમાનદારી જ રાખી છે. આજે એ સાબિત થયું. હું વડા પ્રધાનને કહેવા માગું છું કે સત્તા માટે આવું ન કરો."

"દેશ સામે કેટલી સમસ્યાઓ છે, એના માટે કામ કરવું જોઈએ. સત્તા માટે આવા ખોટા કેસ ન કરવા જોઈએ. આ વડા પ્રધાનને શોભા નથી આપતું."

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આ ભારતના મહાન બંધારણની જીત છે, બાબાસાહેબ આંબેડકરના બંધારણને કારણે સત્યનો વિજય થયો છે.

કેજરીવાલ સહિત આપના ઘણા નેતાઓ જેલમાં ગયા હતા

અરવિંદ કેજરીવાલ, આપ, બીબીસી ગુજરાતી, દિલ્હી દારૂ નીતિ કૌભાંડ

ઇમેજ સ્રોત, ANI

દિલ્હીની ઍક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ અંદાજે છ મહિના જેલમાં રહ્યા હતા.

એ સિવાય મનીષ સિસોદિયા પણ અંદાજે બે વર્ષ જેલમાં રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના અન્ય નેતા સંજયસિંહ પણ અલગ-અલગ કેસમાં જેલમાં ગયા હતા.

દિલ્હીની ચૂંટણીમાં ભાજપે કથિત દારૂ કૌભાંડને મોટો મુદ્દો બનાવ્યો હતો અને કેજરીવાલ સામે આરોપો કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના સંજયસિંહે કહ્યું હતું કે, "કોર્ટે આજે અમારા નેતાઓને આરોપમુક્ત કરી દીધા. એ સાબિત થઈ ગયું કે દેશની સત્તા પર એક ખતરનાક ષડયંત્રકારી વ્યક્તિ રાજ કરી રહી છે."

"તેણે ષડયંત્ર રચીને દેશના સૌથી લોકપ્રિય અને ઇમાનદાર મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને સૌથી યોગ્ય અને ઈમાનદાર શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તથા આમ આદમી પાર્ટીને બદનામ કરી."

તેમણે કહ્યું હતું કે, "અમારા નેતાઓને જેલમાં યાતનાઓ આપવામાં આવી. નરેન્દ્ર મોદીએ દેશ પાસે માફી માગવી જોઈએ."

કોર્ટે શું કહ્યું?

અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, આપ, ગુજરાત, દારૂ કૌભાંડ, દિલ્હી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મનીષ સિસોદિયાને પણ આરોપમુક્ત કરવામાં આવ્યા છે

રાઉઝ ઍવન્યૂ કોર્ટનો આ નિર્ણય કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલા મામલામાં આવ્યો છે.

લાઈવ લો અનુસાર , કોર્ટે પોતાના ચુકાદામાં સીબીઆઈ તપાસમાં રહેલી ખામીઓ અંગે પણ કડક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ચાર્જશીટના હજારો પાનામાં એવી સામગ્રી છે જે કોઈપણ સાક્ષીની જુબાનીને સમર્થન આપતી નથી.

વિશેષ ન્યાયાધીશ જિતેન્દ્રસિંહે કહ્યું કે ચાર્જશીટમાં 'ભ્રામક દાવા' કરવામાં આવ્યા છે.

કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઈ સિસોદિયા સામે પ્રથમ દૃષ્ટિએ કેસ બનાવવામાં જ નિષ્ફળ રહી હતી. વધુમાં, ન્યાયાધીશે જણાવ્યું હતું કે કેજરીવાલને કોઈ પણ નોંધપાત્ર પુરાવા વિના કેસમાં ફસાવવામાં આવ્યા હતા.

રાઉઝ ઍવન્યૂ કોર્ટે આ કેસમાં બંને નેતાઓ સહિત તમામ 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

શું હતી દિલ્હીની નવી દારૂનીતિ?

અરવિંદ કેજરીવાલ, આપ, બીબીસી ગુજરાતી, દિલ્હી દારૂ નીતિ કૌભાંડ

ઇમેજ સ્રોત, Getty Images

ફાઇનાન્સિયલ ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવી પૉલિસી અંતર્ગત દિલ્હી સરકારે પોતાને શરાબના વ્યવસાયથી બહાર કરી દીધી હતી.

આ નીતિના અમલ સાથે જ દિલ્હીમાં શરાબની સરકારી દુકાનો બંધ કરી દેવાઈ હતી અને શરાબવેચાણ માટે ખાનગી પાર્ટીઓને લાઇસન્સ અપાયાં હતાં. આ સિવાય દિલ્હીમાં શરાબ પીવાની કાયદાકીય ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 કરી દેવાઈ હતી.

નવી શરાબનીતિનો હેતુ સરકારની આવક વધારવાનો, ગ્રાહકોને સારો અનુભવ આપવાનો, શરાબમાફિયાની અસર ખતમ કરવાનો અને દારૂની કાળા બજારી બંધ કરાવવાનો હોવાનું જણાવાયું હતું.

આ પૉલિસી નવેમ્બર 2021થી અમલી બની હતી.

દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિના અમલીકરણથી સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો, જે 8,900 કરોડ રૂપિયા જેટલો હતો.

આ પૉલિસીને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે લાઇસન્સધારકોને શરાબની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી, જેમાં MRPમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા પણ વધી ગઈ હતી.

તમામ દુકાનો વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તેવી પરવાનગી પણ અપાઈ હતી તેમજ હોમ ડિલિવરી માટેની સુવિધા પણ ઊભી કરાઈ હતી.

શું હતો કથિત દારૂ ગોટાળો?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ દિલ્હી સરકારની 2021ની ઍક્સાઇઝ નીતિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાનો આદેશ 2022ની 22 જુલાઈએ આપ્યો હતો.

સીબીઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના મહામારીને લીધે દારૂના બિઝનેસમાં થયેલી ખોટનો હવાલો આપીને આ નીતિમાં લાઇસન્સ ફી ખતમ કરી નખાઈ હતી. તેને લીધે દિલ્હી સરકારને રૂ. 140 કરોડનું નુકસાન થયું હતું.

ઉપરાજ્યપાલે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલ યોગદાન, સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું.

કુમારે પોતાના રિપોર્ટમાં નોંધ્યું હતું કે દિલ્હીની દારૂ નીતિમાં બદલાવ ઉપરાજ્યપાલની મંજૂરી વગર કરાયો છે, જેનાથી દારૂના ખાનગી વેપારીઓને 'ખોટી રીતે ફાયદો' કરાયો હતો.

કુમારે આ નીતિ અંગે ઘણા પ્રક્રિયાસંબંધિત ત્રુટીઓ ગણાવી હતી. આ નીતિ અંતર્ગત કોરોનાના કારણે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફીમાં છૂટ અપાઈ હતી.

જેના માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. પ્રતિ બિયર 50 રૂપિયાની ઇમ્પૉર્ટ પાસ ફી માફ કરાઈ હતી. જેના કારણે સરકારને ભારે નુકસાન થયું છે અને સામેની તરફે લાઇસન્સધારકોને ભારે ફાયદો થયો છે.

'દિલ્હી ઍક્સાઇઝ રૂલ્સ, 2010' અને 'ટ્રાન્ઝેક્શન ઑફ બિઝનેસ રૂલ્સ, 1993' અંતર્ગત આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટે ઉપરાજ્યપાલ અને કૅબિનેટની મંજૂરી લેવી આવશ્યક છે.

જો એવું ન કરવામાં આવે તો આ બદલાવ ગેરકાયદેસર ઠરે છે. આ કારણે જ દિલ્હી પોલીસનો ઇકૉનૉમિક ઑફેન્સ વિંગ અને સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ આદરી હતી.

લાઇસન્સ આપવા માટે લાંચ લેવામાં આવી હતી અને તે પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી લડવા માટે કર્યો હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટી સતત આ સમગ્ર મામલો રાજકારણથી પ્રેરિત હોવાનો દાવો કરતી રહી છે. આમ આદમી પાર્ટી અનુસાર ભાજપ પક્ષના તમામ નેતાઓને જેલમાં નાખી દઈ આપને ખતમ કરી નાખવા માગતો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન