બ્રેઇન સ્ટ્રોક શું છે, અગાઉથી તેના વિશે જાણી શકાય ખરું અને તમારે કયાં લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, સ્વાસ્થ્ય,બ્રેન સ્ટ્રોક, અમદાવાદ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એમઆરઆઇ પર નજર દોડાવી રહેલાં ડૉક્ટર (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

બ્રેઇન એટલે કે મસ્તિષ્ક માણસના શરીરનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ મનાય છે, કારણ કે એ સમગ્ર શરીરને નિયંત્રિત કરે છે.

શરીરના દરેક અંગથી મગજ સુધી સિગ્નલ પહોંચે છે, એ બાદ મગજ જરૂર પ્રમાણે પ્રતિક્રિયા માટે એ અંગને સંદેશ આપે છે.

પરંતુ જ્યારે મગજને શરીરના કોઈ ભાગમાંથી મળતા લોહીના પ્રવાહમાં કોઈ અવરોધ પેદા થાય છે, તો તેને બ્રેન સ્ટ્રોક કહે છે.

બ્રેઇન સ્ટ્રોક શરીરના કોઈ ભાગ સાથે કે ઘણા ભાગો સાથે સંકળાયેલો હોઈ શકે છે.

જ્યારે શરીરના કોઈ અંગ કે ભાગમાંથી મગજ સુધી સિગ્નલ નથી પહોંચતું, તો એ ભાગ પેરાલાઇઝ્ડ એટલે કે લકવાગ્રસ્ત થઈ જાય છે.

જો કોઈ વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોકનો ખતરો હોય તો તેના સંકેતોને કેવી રીતે ઓળખી શકાય અને તેને રોકવા માટે શું કરવું જોઈએ?

ચાલો, આ જ વાત સમજવાનો પ્રયાસ કરીએ.

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, સ્વાસ્થ્ય,બ્રેન સ્ટ્રોક, અમદાવાદ, ભારત

બ્રેઇન સ્ટ્રોકને અચાનક થતી ઘટના માનવામાં આવે છે.

જોકે, કોઈ સ્વસ્થ વ્યક્તિ પર ભવિષ્યમાં બ્રેઇન સ્ટ્રોકનો ખતરો છે કે નહીં, એ વાત કેટલાંક પ્રારંભિક લક્ષણો વડે જાણી શકાય છે.

સામાન્ય રીતે ડૉક્ટર આને બીઇએફએએસટી (BEFAST) કહે છે.

  • બી- બૅલેન્સ : કોઈ સ્વસ્થ જણાતી વ્યક્તિનું સંતુલન અચાનક બગડી જાય અને પછી અમુક વાર બાદ ઠીક થઈ જાય.
  • ઇ - આઇ (આંખ) : અચાનક આંખ સામે કોઈ પડદો પડી ગયો હોય એમ અંધકાર છવાઈ જાય, અને બાદમાં ફરીથી સામાન્ય દેખાવા લાગે.
  • એફ - ફેસ (ચહેરો) : બોલતી વખતે અચાનક ચહેરો વાંકો થઈ જાય અને તરત ઠીક પણ થઈ જાય.
  • એ - આર્મ્સ (હાથ) : અચાનક હાથ ઊતરી જાય અને પછી ઠીક થઈ જાય
  • એસ - સ્પીચ (બોલવું) : અચાનક જીભ બંધ પડી જાય એટલે કે માણસ અમુક સમય સુધી બોલી ન શકે.
  • ટી - ટાઇમ : આવાં લક્ષણો દેખાય, તો તરત હૉસ્પિટલ પહોંચો.

જો આ પૈકી કોઈ પણ લક્ષણ જોવાં મળે, ભલે એ થોડાક સમય માટે જ કેમ ન હોય, તેમ છતાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

કારણ કે આ સંકેત જણાવે છે કે બ્રેઇન સુધી બ્લડ પહોંચવામાં અવરોધ છે, જે ભવિષ્યમાં સ્ટ્રોકના ખતરા તરફ ઇશારો કરે છે.

દિલ્હીના બીએલ કપૂર મૅક્સ હૉસ્પિટલના ન્યૂરોલૉજિસ્ટ ડૉક્ટર પ્રતીક કિશોર કહે છે કે, "આવાં લક્ષણો પાછળ કોઈ બીજી બીમારી પણ કારણભૂત હોઈ શકે છે. પરંતુ જો વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ હોય તો આ લક્ષણ જણાવે છે કે તેને ભવિષ્યમાં બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે. અને જો એ તરત ઠીક ન થાય, તો તેનો અર્થ છે કે વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોક આવી ચૂક્યો છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, સ્વાસ્થ્ય,બ્રેન સ્ટ્રોક, અમદાવાદ, ભારત

જો કોઈ વ્યક્તિમાં સંતુલન બગડવા, અચાનક ન દેખાવું, બોલવામાં તકલીફ, હાથ-પગ ન કામ કરવા કે ચહેરો વાંકો થવા જેવાં લક્ષણ દેખાય અને એ તરત ઠીક ન થાય, તો એ બ્રેઇન-સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે.

આવી સ્થિતિમાં સમય વેડફ્યા વિના તરત જ ડૉક્ટર પાસે જવું જરૂરી છે.

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઇમ્સ)ના ન્યૂરોલૉજી વિભાગનાં ડૉક્ટર મંજરી ત્રિપાઠી કહે છે કે, "બ્રેઇન સ્ટ્રોક આવ્યાના સાડા ચાર કલાકની અંદર ઇલાજ શરૂ થઈ જાય એ ખૂબ જરૂરી છે. આવું આર્ટરીમાં બ્લૉકેજ આવવા પર કે તેના ફાટવાથી થાય છે. જેથી મસ્તિષ્ક સુધી બ્લડ નથી પહોંચતો."

ડૉક્ટરો પ્રમાણે, બ્રેઇન સ્ટ્રોક આવે ત્યારે પ્રારંભિક સાડા ચાર કલાકના સમયગાળાને ગોલ્ડ પિરિયડ કહેવામાં આવે છે.

જોકે, કેટલાક મામલામાં જો છથી આઠ કલાકની અંતર ઇલાજ શરૂ થઈ જાય, તો પણ દર્દીની રિકવરી સંભવ હોય છે.

ડૉક્ટર મંજરી ત્રિપાઠી કહે છે કે, "આર્ટરીમાં બ્લડ ક્લૉટ બસ્ટર ઇન્જેક્શન આપીને તેને ઓગાળવાનો પ્રયાસ કરાય છે. ઘણી વાર, જો જરૂરી અને શક્ય હોય, તો થ્રોમ્બોક્ટૉમી (એક પ્રકારની સર્જરી) કરીને લોહીનો ગઠ્ઠો કાઢવામાં આવે છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, સ્વાસ્થ્ય,બ્રેન સ્ટ્રોક, અમદાવાદ, ભારત

મેટ્રો ગ્રૂપ ઑફ હૉસ્પિટલ્સનાં સિનિયર કન્સલ્ટન્ટ ન્યૂરોલૉજિસ્ટ ડૉક્ટર સોનિયા લાલ ગુપ્તા કહે છે કે, "સર્જરી મારફતે ક્લૉટ થયેલ બ્લડ કાઢી શકાય છે, પરંતુ તેની મર્યાદાઓ છે. મોટી આર્ટરીમાં બ્લડ ક્લૉટ હોય તો આ પ્રક્રિયા શક્ય છે. બ્રેન સ્ટ્રોકની સ્થિતિમાં સૌથી જરૂરી એ છે કે દર્દીને ઝડપથી હૉસ્પિટલ પહોંચાડવામાં આવે."

બ્રેઇન સ્ટ્રોકની સ્થિતિમાં દર્દીની રિકવરી શક્ય છે, પરંતુ તેના માટે સમયસર ઇલાજ અત્યંત જરૂરી છે.

સીટી સ્કેન અને એમઆરઆઇ જેવી તપાસો દ્વારા બ્રેઇન સ્ટ્રોકની પ્રકૃતિ અને ગંભીરતા અંગે માહિતી મેળવી શકાય છે, જેથી બહેતર ઇલાજ કરી શકાય.

ઘણી વાર લોકો બ્રેઇન સ્ટ્રોકના મામલામાં બેદરકારી કરે છે, જેથી દર્દીનું સંપૂર્ણપણે ઠીક થવું મુશ્કેલ થઈ જાય છે.

ડૉક્ટર સોનિયા લાલ ગુપ્તા કહે છે કે, "બ્રેઇન સ્ટ્રોક કે પૅરાલિસિસના દર્દીના સાજા થવા માટે પ્રારંભિક ત્રણ માસનો સમય ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. આ દરમિયાન ફિઝિયૉથૅરપીથી પણ ફાયદો થાય છે."

આવા દર્દીઓમાં ત્રણ માસ બાદ પણ સુધારો જોવા મળે છે, પરંતુ તેની ઝડપ ખૂબ ધીમી હોય છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, સ્વાસ્થ્ય,બ્રેન સ્ટ્રોક, અમદાવાદ, ભારત

બ્રેઇન સ્ટ્રોક આમ તો કોઈ પણ ઉંમરની વ્યક્તિને આવી શકે છે, પરંતુ કેટલાક લોકો માટે તેનો ખતરો ઝાઝો હોય છે.

અનિયંત્રિત અને સતત ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, કૉલેસ્ટ્રૉલ, સ્મોકિંગ, દારૂનું સેવન અને સ્થૂળતા આનાં પ્રમુખ કારણો છે.

ઘણી વાર યુવાનોમાં આનુવાંશિક કારણોથી લોહી જાડું હોય છે, જેનાથી બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધી શકે છે.

એઇમ્સનાં ડૉક્ટર મંજરી ત્રિપાઠી કહે છે કે, "સામાન્યપણે વૃદ્ધોમાં બ્રેઇન સ્ટ્રોક વધુ જોવા મળે છે. જોકે, ખરાબ લાઇફસ્ટાઇલ, જિમમાં કસરત વખતે થયેલી ઈજા અને ગરદન પર મસાજ કરાવવાથી પણ લોકો બ્રેઇન હેમરેજના શિકાર થઈ શકે છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, સ્વાસ્થ્ય,બ્રેન સ્ટ્રોક, અમદાવાદ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનિયંત્રિત અને વધુ બ્લડ પ્રેશરથી બ્રેઇન સ્ટ્રોકનું જોખમ વધે છે

ઠંડીમાં બ્રેઇન સ્ટ્રોકના મામલામાં વધારો જોવા મળે છે.

આના પાછળનું મોટું કારણ ભારત જેવા દેશોમાં ખાનપાનની આદતો મનાય છે, કારણ કે ઠંડીમાં લોકો સામાન્યપણે વધુ ચરબીયુક્ત ખોરાક લે છે.

સાથે જ, આ મોસમમાં બ્લ્ડ પ્રેશરને નિયંત્રિત રાખવું પણ અત્યંત જરૂરી બની જાય છે.

દિલ્હીમાં બીએલ કપૂર મૅક્સ હૉસ્પિટલના ન્યૂરોલૉજિસ્ટ ડૉ. પ્રતીક કિશોર જણાવે છે કે, "સામાન્યપણે 60-65 વર્ષના વૃદ્ધોમાં બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધુ હોય છે, પરંતુ હાલના સમયમાં અમે જોયું છે કે અમારી પાસે આવતા 40-45 ટકા બ્રેઇન સ્ટ્રોકના દર્દીઓની ઉંમર 50 વર્ષ કરતાં ઓછી હોય છે."

તેઓ પણ ખરાબ લાઇફસ્ટાઇલ અને શરાબ કે સિગારેટ પીવા જીવે ટેવોને આના માટે જવાબદાર માને છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન