ટી20 વિશ્વકપ : ઇંગ્લૅન્ડ સામે હાર બાદ ભારતની જેમ પાકિસ્તાનનો પણ સેમિફાઇનલમાં પ્રવેશવાનો ખેલ બગડ્યો, જુઓ શું છે સમીકરણ?

પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે તેની શક્યતા, પાકિસ્તાન ઇંગ્લેન્ડ મેચ, ટી20 વર્લ્ડકપ, સુપર એઇટ રાઉન્ડ, ન્યૂઝીલૅન્ડ ઉપર પાકિસ્તાનનો આધાર કેમ, બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ સમાચાર, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન ટી20 વર્લ્ડકપના સુપર-8 મુકાબલામાં એવા મુકામે પહોંચી ગયું છે કે સેમિફાઇનલમાં પહોંચવાની તેની શક્યતા 'જો' અને 'તો' ઉપર આધાર રાખશે
વાંચવાનો સમય: 6 મિનિટ

ટી20 વર્લ્ડકપનો સુપર-8 રાઉન્ડ દિવસે-દિવસે રસપ્રદ બની રહ્યો છે. મંગળવારે મહત્ત્વપૂર્ણ મૅચમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો અને છેક છેલ્લી ઓવરમાં 165 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

ઇંગ્લૅન્ડના કપ્તાન હૅરી બ્રૂકે 51 બૉલમાં સદી ફટકારી હતી, જેણે મૅચનું પાસું પલટી નાખ્યું હતું. ન કેવળ ઇંગ્લૅન્ડના ખેલાડીઓ, પરંતુ પાકિસ્તાનના ક્રિકેટરોએ પણ હૅરીને સોશિયલ મીડિયા ઉપર અભિનંદન પાઠવ્યા હતા.

હૅરી જ્યારે 100 રન બનાવીને આઉટ થયા, ત્યારે શાહીન અફ્રિદીએ તેની વિકેટ લીધી પરંતુ ઉજવણી ન કરી. તેઓ સીધા હૅરી પાસે ગયા અને તેની સાથે હાથ મિલાવીને ઇનિંગની પ્રશંસા કરી હતી.

આ મૅચમાં શાહિન અફ્રિદીએ ચાર, ઉસ્માન તારિકે બે અને મોહમ્મદ નવાઝે બે વિકેટ લીધી હતી.

આ પરાજયને કારણે સેમિફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની શક્યતાઓ 'જો' અને 'તો' ઉપર આધારિત થઈ ગઈ છે.

પાકિસ્તાનની ઇનિંગ

પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે તેની શક્યતા, પાકિસ્તાન ઇંગ્લેન્ડ મેચ, ટી20 વર્લ્ડકપ, સુપર એઇટ રાઉન્ડ, ન્યૂઝીલૅન્ડ ઉપર પાકિસ્તાનનો આધાર કેમ, બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ સમાચાર,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાબર આઝમ 24 બૉલમાં 25 રન બનાવીને આઉટ થયા હતા

પાકિસ્તાનના કપ્તાન સલમાન અલી આગાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રારંભિક ઓવરોમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે એ કદાચ સારો નિર્ણય ન હતો.

સઇમ અયુબ ફરી એક વખત મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જોફ્રા આર્ચરે મૅચની ત્રીજી ઓવરમાં સલીમનો કૅચ પકડ્યો હતો. સઇમ અયુબ માત્ર સાત રન બનાવીને પેવોલિયન પરત ફર્યા હતા.

એમના પછી સલમાન આગા મેદાન ઉપર આવ્યા હતા. પરંતુ પાકિસ્તાનની ટીમના કૅપ્ટન પણ કોઈ મોટો ફાળો આપવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે પાંચ રન બનાવ્યા હતા કે આઉટ થઈ ગયા હતા. આ સમયે પાકિસ્તાનની ટીમનો સ્કોર 27 રન હતો.

એ પછી સાહિબજાદા ફરહાન તથા બાબર આઝમે ટીમને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના ફૅન્સમાં 'કિંગ' તરીકે વિખ્યાત બાબરે 24 બૉલમાં 25 રન બનાવ્યા હતા. આ સિવાય ફખર ઝમાને 16 બૉલમાં 25 રન બનાવ્યા હતા.

શાહદાબ ખાને 11 બૉલમાં 23 રન, ઉસ્માન ખાને પાંચ બૉલમાં આઠ રન, તથા શાહિન શાહ અફ્રીદી અને સલમાન મિર્ઝાએ બે-બે રનનો ફાળો આપ્યો હતો.

પાકિસ્તાનની ટીમ તરફથી સૌથી મોટો ફાળો સાહિબજાદા ફરહાને આપ્યો હતો. તેમણે 45 બૉલમાં 63 રન બનાવ્યા હતા.

ટૉપ ઑર્ડરની ટીકા

પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે તેની શક્યતા, પાકિસ્તાન ઇંગ્લેન્ડ મેચ, ટી20 વર્લ્ડકપ, સુપર એઇટ રાઉન્ડ, હેરી બ્રૂકની સદી, સલમાન આગા, ન્યૂઝીલૅન્ડ ઉપર પાકિસ્તાનનો આધાર કેમ, બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ સમાચાર,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનની ટીમ તરફથી સૌથી મોટો ફાળો સાહિબજાદા ફરહાને આપ્યો હતો. તેમણે 45 બૉલમાં 63 રન બનાવ્યા હતા.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલના ટી20 વર્લ્ડકપમાં સઇમ અયુબ, સલમાન અલી આગા અને બાબર આઝમ સતત નિષ્ફળ જઈ રહ્યા છે, જેના કારણે તેમની વ્યાપક ટીકા થઈ રહી છે.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મોહમ્મદ યુસુફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર પોસ્ટમાં સઇમ અયુબની ટૅક્નિકની ટીકા કરી અને લખ્યું, "આ સ્તરે આવી ભૂલો ખૂબ જ મોંઘી પડે છે."

પાકિસ્તાનના કૅપ્ટન વિશે તેમણે લખ્યું, "સલમાન અલી આગાએ થોડા નીચેના ક્રમેથી બેટિંગ કરવા માટે આવવું જોઈએ, જેથી કરીને તેઓ પોતાની સહજ રમત રમી શકે."

એક યૂઝરે વ્યંગ કરતા લખ્યું, "જેમના ઘરમાં સઇમ અયુબ હોય, તેમણે બીજાના અભિષેક શર્મા વિશે વાત ન કરવી જોઈએ."

આ ટિપ્પણી ભારતના ઓપનર અભિષેક શર્મા સંદર્ભે હતી, જેઓ વર્તમાન વર્લ્ડકપ દરમિયાન કોઈ નોંધપાત્ર ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે ફૅન્સ અને વિવેચકો તેમની ટીકા કરી રહ્યા છે.

પત્રકાર મઝહર અરશદ ક્રિકેટ ઉપર ખૂબ જ ચાંપતી નજર રાખે છે, તેમનું માનવું છે કે ઇંગ્લૅન્ડના બૉલર આદિલ રાશિદે બાબર આઝમ ઉપર ભારે દબાણ ઊભું કર્યું હતું, જેના કારણે તેઓ જોખમી શૉટ રમવા વિવશ થઈ ગયા અને ઓવરટનના હાથ બોલ્ડ થઈ ગયા. ખરેખર તો એ વિકેટ આદિલ રાશિદની છે.

પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે તેની શક્યતા, પાકિસ્તાન ઇંગ્લેન્ડ મેચ, ટી20 વર્લ્ડકપ, સુપર એઇટ રાઉન્ડ, ન્યૂઝીલૅન્ડ ઉપર પાકિસ્તાનનો આધાર કેમ, બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ સમાચાર,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટી20 વિશ્વકપના સુપર-8 મુકાબલામાં ઇંગ્લૅન્ડની ટીમે પાકિસ્તાનને બે વિકેટે હરાવ્યું છે. ઇંગ્લૅન્ડે આ રોમાંચક મુકાબલો માત્ર પાંચ બૉલ બાકી રહેતા જીત્યો હતો.

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ફખર ઝમાનને પાંચમા ક્રમે બેટિંગ માટે ઉતારવાના ટીમ મૅનેજમેન્ટના નિર્ણયની ટીકા કરી હતી.

પાકિસ્તાનના બૅટ્સમૅન પાવર-પ્લૅ દરમિયાન ઊંચી એવરેજથી રમવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે તેમની ભારે ટીકા થઈ રહી છે.

હારૂન રાશિદે લખ્યું, "પાકિસ્તાનના ટૉપ ઑર્ડર બૅટ્સમૅનોએ પોલીસમાં જાસૂસ બની જવું જોઈએ. 11માંથી માત્ર બે ખેલાડી બહાર હોય છે, તો પણ (પાકિસ્તાની) બૅટ્સમૅન તેમને શોધી કાઢે છે."

ભારતના ક્રિકેટર હર્ષા ભોગલે જેવા કેટલાક ઍનાલિસ્ટનું માનવું છે કે ટુર્નામેન્ટ શરૂ થઈ, ત્યારથી પાકિસ્તાનની ટીમ માટે બધું સારું થઈ રહ્યું છે, 'કદાચ તેમણે સારી ટીમ પસંદ કરી છે.'

હૅરી બ્રૂકની આતશી ઇનિંગ

પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે તેની શક્યતા, પાકિસ્તાન ઇંગ્લેન્ડ મેચ, ટી20 વર્લ્ડકપ, સુપર એઇટ રાઉન્ડ, હેરી બ્રૂકની સદી, સલમાન આગા, ન્યૂઝીલૅન્ડ ઉપર પાકિસ્તાનનો આધાર કેમ, બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ સમાચાર,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ જીતમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તેમણે માત્ર 51 બૉલમાં 100 રન બનાવીને ઇંગ્લૅન્ડને જીતની નજીક પહોંચાડ્યું હતું.

મોહમ્મદ યુસુફે અન્ય એક પોસ્ટમાં લખ્યું કે હૅરી બ્રૂકની ઇનિંગને કારણે ઇંગ્લૅન્ડ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે, બીજી બાજુ, 'પાકિસ્તાનની રૉલર કૉસ્ટર રાઇડ ચાલુ છે.'

ઇંગ્લૅન્ડની ટીમના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉગને ટિપ્પણી કરી, "હૅરી બ્રૂકને ત્રીજા ક્રમે બેટિંગ કરતા જોઈને મને લાગે છે કે (કપ જીતવો) શકય છે. તેમની ઇનિંગ સાબિત કરે છે કે ટીમમાં જીનિયસ ખેલાડી છે."

હૅરી બ્રૂકના પર્ફૉર્મન્સ અંગે હર્ષા ભોગલેએ લખ્યું, "નિઃશંકપણે આ ટી20 વર્લ્ડકપના ઇતિહાસની મહાનતમ સદીઓમાંથી એક છે. તે હૅરી બ્રૂકની કારકિર્દીમાં માઇલસ્ટૉન સાબિત થશે."

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફિઝે લખ્યું હતું કે ન કેવળ આ મૅચમાં પરંતુ આખી ટુર્નામેન્ટ દરમિયાન ટૅક્નિકલ ખામીઓ કનડતી રહી છે.

એક યૂઝરે લખ્યું કે આગાની નબળી કપ્તાની, ખેલાડીઓને પસંદ કરવાના વિચિત્ર નિર્ણયોને કારણે પાકિસ્તાનના સેમિફાઇનલમાં પહોંચવા ઉપર સંકટ ઊભું થયું છે.

પાકિસ્તાન કઈ રીતે સેમિફાઇલનમાં પહોંચી શકે?

પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે તેની શક્યતા, પાકિસ્તાન ઇંગ્લેન્ડ મેચ, ટી20 વર્લ્ડકપ, સુપર એઇટ રાઉન્ડ, હેરી બ્રૂકની સદી, સલમાન આગા, ન્યૂઝીલૅન્ડ ઉપર પાકિસ્તાનનો આધાર કેમ, બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ સમાચાર,

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના ક્રિકેટર ફૈઝાન લાખાણીએ ટિપ્પણી કરતાં લખ્યું કે પાકિસ્તાન માટે 'જો' અને 'તો'ની શરૂઆત થઈ ગઈ છે.

ટી20 વર્લ્ડકપના સુપર-8 સ્ટેજમાં પાકિસ્તાન એવા મુકામે પહોંચી ગયું છે કે જ્યાં કિસ્મતના દરવાજાની ચાવી તેના પોતાના હાથમાં નથી.

ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં પરાજય બાદ, સેમિફાઇનલ સુધી પહોંચવાનો માર્ગ પડકારજનક થઈ ગયો છે અને તેણે ન્યૂઝીલૅન્ડના પર્ફૉર્મન્સ ઉપર આધાર રાખવો પડશે.

ન્યૂઝીલૅન્ડની બે મૅચ બાકી છે અને તેના પર્ફૉર્મન્સ પર, પાકિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશે છે કે નહીં તે નિર્ભર છે.

પહેલી શક્યતા: જો ન્યૂઝીલૅન્ડ બંને મૅચ હારે

જો ન્યૂઝીલૅન્ડની તેની આગામી બંને મૅચ હારે તો સેમિફાઇનલ સુધી પહોંચવાનો પાકિસ્તાનનો માર્ગ સરળ બની જશે. આ સાથે જ શ્રીલંકા સામેની મૅચમાં પાકિસ્તાનનો વિજય થાય, તો પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી જશે. આ એવી શક્યતા છે કે જેના માટે પાકિસ્તાની ફૅન્સ દુઆ કરી રહ્યા હશે.

બીજી શક્યતા: ન્યૂઝીલૅન્ડ એક મૅચ હારે અને એક જીતે

જો આમ થશે તો ટી20 વર્લ્ડકપમાં વળાંક આવશે અને તે રસપ્રદ બની જશે. આ સંજોગોમાં પાકિસ્તાને ન કેવળ શ્રીલંકાને હરાવવું પડશે, પરંતુ ખૂબ જ મોટા માર્જિનથી પરાજય આપવો પડશે, જેથી કરીને તેની રન-રેટ સુધરે. આ તબક્કે દરેક બૉલ, હરેક ચોગ્ગો, એક-એક છગ્ગો તથા પ્રત્યેક વિકેટ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

ત્રીજી શક્યતા: ન્યૂઝીલૅન્ડ બંને મૅચ જીતી જાય

જો આમ થાય, તો વર્તમાન ટી20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનની સફર સુપર-8 તબક્કે જ સમાપ્ત થઈ જશે અને તે સેમિફાઇનલમાં નહીં પહોંચી શકે. આ પણ એવી શક્યતા છે કે જે ન થાય, તેના માટે પાકિસ્તાની ક્રિકેટ ફૅન્સ દુઆ કરતા હશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન