સામાન્ય શરદી, ખાંસી કે ઠંડી જીવલેણ ક્યારે બની જાય, ન્યુમોનિયાથી બાળકોને બચાવવા શું ધ્યાન રાખવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
ન્યુમોનિયા એક શ્વાસને લગતી ગંભીર બીમારી છે. આ વાઇરસ, બૅક્ટેરિયા કે ફૂગ સંક્રમણથી થઈ શકે છે. આમાં ફેફસાંની વાયુથેલીઓ (ઍર સેક્સ)માં પાણી કે પરુ ભરાઈ જાય છે. આના કારણે જ શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સરળ ભાષામાં આને 'ફેફસાંમાં પાણી ભરાવું' એવું કહેવાય છે.
આ બીમારી નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામને અસર કરી શકે છે. જોકે, પરંતુ આ માંદગી માટે પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકો કે વૃદ્ધો વધુ સંવેદનશીલ મનાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ) અનુસાર, વર્ષ 2019માં ન્યુમોનિયાને કારણે સમગ્ર વિશ્વમાં પાંચ વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં લગભગ 7.4 લાખ બાળકોનાં મૃત્યુ થયાં હતાં.
કોવિડ-19 મહામારી દરમિયાન ભારે સંખ્યામાં દર્દીઓ "કોવિડ - ન્યુમોનિયા"થી પ્રભાવિત થયા અને ઘણાએ જીવ ગુમાવ્યા. ડૉક્ટરોનું કહેવું છે કે સમયસર ઇલાજ ન મળે તો આ બીમારી ઘાતક સાબિત થઈ શકે છે.
ન્યુમોનિયા એટલે શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આવો જાણીએ કે ન્યુમોનિયા શું છે, આ કેવી રીતે થાય છે અને તેનો ઇલાજ શું છે?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ન્યુમોનિયા ફેફસાંના ટિસ્યૂ ભાગ એટલે કે નાની-નાની વાયુથેલીઓ (એલ્વિયોલી)માં થતો સોજો અને ચેપ છે. આ થેલીઓ શ્વાસની પ્રક્રિયામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શ્વાસ લેતી વખતે એલ્વિયોલી અને લોહી વચ્ચે ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આદાન-પ્રદાન થાય છે. એલ્વિયોલી પાસેથી મળેલો ઑક્સિજન આખા શરીરની કોશિકાઓ સુધી પહોંચે છે.
વિશેષજ્ઞો પ્રમાણે, જ્યારે બૅક્ટેરિયા, વાઇરસ કે ફૂગ ચેપ વડે આ વાયુથેલીઓ પ્રભાવિત થાય છે, તો તેમાં પ્રવાહી કે પરુ ભરાઈ જાય છે. આના કારણે ઑક્સિજનનું સ્તર ઘટી જાય છે અને શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિ જ આગળ જઈને ન્યુમોનિયાનાં ગંભીર લક્ષણ પેદા કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યુમોનિયાનાં લક્ષણ
ન્યુમોનિયાનાં લક્ષણોમાં સામેલ છે -
- શ્વાસ લેવામાં તકલીફ કે અવરોધ
- ઊંડો કે ઉપરછલ્લો શ્વાસ લેવો
- હૃદયની ગતિમાં વધારો
- ભારે તાવ, ઠંડી લાગવી કે વધુ પડતો પરસેવો વળવો
- સતત ખાંસી અને છાતીમાં દુખાવો
- કેટલાક કેસમાં ઊલટી કે ઝાડા
વિશેષજ્ઞો પ્રમાણે શરૂઆતમાં જ આનાં લક્ષણો ઓળખી લેવાય એ અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત છે.
પલ્મોનોલૉજિસ્ટ ડૉક્ટર સલિલ બેન્દ્રે કહે છે, "દરેક પ્રકારનો ન્યુમોનિયા જીવલેણ નથી હોતો. તેમ છતાં, તેનો યોગ્ય સમયે અને તરત ઇલાજ થાય એ અત્યંત જરૂરી છે."
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, બૅક્ટેરિયલ અને વાઇરલ ન્યુમોનિયા ચેપ એક જેવા દેખાય છે, પરંતુ તેનાં લક્ષણ અલગ-અલગ પણ હોઈ શકે છે.
ડૉ. બેન્દ્રે કહે છે કે, "સફેદ, લીલો કે લાલ કફ, તાવ, ઠંડી લાગવી અને શ્વાસ લેવામાં તકલીફ ન્યુમોનિયાનાં દર્દીઓમાં જોવાં મળતાં સામાન્ય લક્ષણ છે."
બૅક્ટેરિયલ ન્યુમોનિયા

ઇમેજ સ્રોત, Getty Images
બૅક્ટેરિયલ ન્યુમોનિયાનું મુખ્ય કારણ બૅક્ટેરિયા હોય છે. સામાન્યપણે આનો ચેપ ખાંસી કે છીંક વડે ફેલાય છે.
ન્યુમોનિયાના લગભગ 50 ટકા કેસોમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા બૅક્ટેરિયા મળી આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ અનુસાર નાનાં બાળકોમાં ગંભીર ન્યુમોનિયાનું સૌથી સામાન્ય કારણ છે.
આ સિવાય, કેટલાક અન્ય પ્રકાર પણ જોવા મળે છે, જેમાં હીમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, ક્લેમાઇડોપિલા ન્યુમોનિયા અને માઇકોપ્લાઝ્મા ન્યુમોનિયા સામેલ છે.
વાઇરલ ન્યુમોનિયા
પેરાઇન્ફ્લુએન્ઝા, ઇન્ફ્લુએન્ઝા, કોરોના વાઇરસ અને રાઇનો વાઇરસ જેવા વાઇરસ પણ ન્યુમોનિયાનો ચેપ ફેલાવી શકે છે.
નિષ્ણાતો અનુસાર કોવિડ-19 વાઇરસ ફેફસાં પર હુમલો કરતો હોઈ કોરોનાગ્રસ્ત ઘણા દર્દીઓને ન્યુમોનિયાની સમસ્યા થઈ હતી.
વિભિન્ન પ્રકારની ફૂગથી ન્યુમોનિયાનો ચેપ થઈ શકે છે.
વોકહાર્ટ હૉસ્પિટલનાં ડૉ. હની સવલા પ્રમાણે, "નાનાં બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરનાં વૃદ્ધોમાં આ બીમારી ગંભીર સાબિત થઈ શકે છે."
નાનાં બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેથી તેમને ન્યુમોનિયાનો ખતરો વધુ હોય છે. નિષ્ણાતો પ્રમાણે, આ આયુ વર્ગમાં ન્યુમોનિયાના કારણે હૉસ્પિટલમાં દાખલ થવાનો દરે વધુ હોય છે.
ન્યુમોનિયા કેવી રીતે ફેલાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ન્યુમોનિયાનો ચેપ ઘણાં બધાં કારણસર ફેલી શકે છે.
ચેપ ફેલાવતા બૅક્ટેરિયા અને વાઇરસ નાનાં બાળકોનાં નાક અને ગળામાં હાજર હોય છે. જ્યારે એ ફેફસાંમાં પહોંચે છે, તો ત્યાં ચેપ ફેલાય છે. એ ખાંસતી વખતે કે છીંકતી વખતે નીકળતાં નાનાં ટીપાં દ્વારા હવામાં પણ ફેલાઈ શકે છે.
નવજાત શિશુના જન્મ સમયે કે જન્મ બાદ લોહી વડે પણ ન્યુમોનિયા ફેલાઈ શકે છે. નિષ્ણાતો અનુસાર, ભારતમાં ટીબી (ટ્યુબરકુલોસિસ) ન્યુમોનિયા ચેપનું એક મુખ્ય કારણ છે.
ન્યુમોનિયાનાં લક્ષણ અને સારવાર શું?
ન્યુમોનિયા હળવો હોઈ શકે છે કે કેટલાક દર્દીઓમાં એ ગંભીર ચેપને કારણે જીવલેણ પણ હોઈ શકે છે. તેથી તેનું સમયસર નિંદાન જરૂર છે.
પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની છાતીમાં કફ હોય કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેમની શ્વસનપ્રક્રિયાના આધારે ન્યુમોનિયાનું નિદાન કરી શકાય છે.
ન્યુમોનિયા માટે જવાબદાર વાઇરસ કે બૅક્ટેરિયાના ચેપ બાદ આ બીમારી આખા શરીરમાં ફેલતા અમુક દિવસથી માંડીને અમુક અઠવાડિયાં સુધી સમય થઈ શકે છે.
જો ન્યુમોનિયાનું કારણ બૅક્ટેરિયા હોય, તો તેનો ઇલાજ ઍન્ટિબાયોટિક્સ વડે કરી શકાય છે.
સામાન્યપણે ન્યુમોનિયાનો ચેપ દવાઓ વડે ઠીક થઈ જાય છે, પરંતુ કેટલાક ગંભીર દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ન્યુમોનિયા પીડિત દર્દીઓએ શક્ય એટલો વધુ આરામ કરવો જોઈએ અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જોઈએ.
નિષ્ણાતો જણાવે છે કે ન્યુમોનિયાના મોટા ભાગના દર્દીઓને લક્ષણોને આધારે દવા અપાય છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી હોતી, પરંતુ દર્દીઓએ જાત દવા ન લેવી જોઈએ.
નાનાં બાળકોમાં ન્યુમોનિયાનાં લક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈની ફોર્ટિસ હૉસ્પિટલનાં શિશુ રોગ વિશેષજ્ઞ ડૉ. જેસલ સેઠે નવજાત બાળકોમાં ન્યુમોનિયાનાં પાંચ પ્રમુખ લક્ષણ અને તેને ઓળખવાની રીતો અંગે માહિતી આપી હતી :
તાવ આવવો
નાનાં બાળકોને ઘણાં કારણસર તાવ ચડી જતો હોય છે. સામાન્યપણે જ્યારે ચેપ ખતમ થઈ જાય છે, તો તાવ પણ ઠીક થઈ જાય છે. આનાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
જો તાવ વધુ તીવ્ર હોય, દવાથી ઠીક ન થતો હોય, કે બાળક સક્રિય ન હોય, તો તરત ડૉક્ટરને બતાવવું જોઈએ.
ઊંડા શ્વાસ લેવા
નાનાં બાળકોની શ્વાસ લેવાની ગતિ દિવસમાં ઘણી વાર બદલાતી રહે છે. ન્યુમોનિયા ફેફસાંની બીમારી છે, તેથી જો ચેપ થઈ ગયો હોય તો બાળકો તેજ ગતિમાં શ્વાસ લેવાનું શરૂ કરી દે છે. કેટલાંક બાળકોમાં શ્વાસ લેતી વખતે સીટી જેવો અવાજ પણ આવે છે.
ઉપરછલ્લા શ્વાસ લેવા
ન્યુમોનિયામાં ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો બાળક ઉપરછલ્લા શ્વાસ લે તો એ બાબત તેમના માટે ઠીક નથી. જો બાળક ખૂબ જ શાંત થઈ જાય, તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
પેટની હલચલ પર ધ્યાન આપો
માતાપિતાએ બાળકોના પેટની હલચલ પર ધ્યાન આપવું જોઈએ. જેથી ખબર પડી શકે કે બાળકને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડી રહી છે કે નહીં.
શરદી
માત્ર શરદી થવાનો અર્થ એ નથી કે એ બાદ ન્યુમોનિયા થશે જ. પરંતુ આ પાંચ પ્રમુખ વાતો પર ધ્યાન આપવાથી ન્યુમોનિયાનાં લક્ષણોને આપણે ઓળખી શકીએ છીએ.
નિષ્ણાતોનું કહેવું છે કે રસીકરણની મદદથી ન્યુમોનિયા પર નિયંત્રણ મેળવી શકાય છે. 'નારાયણા હેલ્થ' હૉસ્પિટલે યૂટ્યૂબ પર એક વીડિયોના માધ્યમથી ન્યુમોનિયા વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
તેમાં હૉસ્પિટલના શિશુ રોગ વિશેષજ્ઞ ડૉ. વિજય શર્મા જણાવે છે કે, "બૅક્ટેરિયાથી થતા ન્યુમોકોકોલ ન્યુમોનિયાથી બચાવ માટે વૅક્સિન ઉપલબ્ધ છે. ફ્લુ વિરુદ્ધ પણ વૅક્સિન ઉપલબ્ધ છે. અને નાનાં બાળકોને થતા 'હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા'થી બચાવનારી રસી પણ ઉપલબ્ધ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












