તમારા નખ પર કોઈ રેખા છે? શું આ હૃદય અને કિડનીની કોઈ બીમારીનો સંકેત છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉપાસના
- પદ, બીબીસી સંવાદદાતા
હાથની સુંદરતા વધારતા નખને 'ડેડ સેલ્સ' કહેવામાં આવે છે. એટલે કે, એવી કોશિકાઓ કે જેમાં કોઈ જીવન નથી. પરંતુ આ નિર્જીવ નખ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું બધું કહી શકે છે.
ક્લિનિકલ ડર્મેટોલૉજી રિવ્યૂના એક સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે નખ જોઈને હૃદય અને કિડની સહિત શરીરના ઘણા અવયવોને લગતા રોગો શોધી શકાય છે.
ક્લિનિકલ ડર્મેટોલૉજી રિવ્યૂએ કર્ણાટક મેડિકલ કૉલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 272 દર્દીઓ પર એક અભ્યાસ હાથ ધર્યો.
આ અભ્યાસમાં, વિવિધ રોગોથી પીડાતા દર્દીઓ અને તેમના નખમાં થતા ફેરફારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ સંશોધનમાં સમાવિષ્ટ દર્દીઓમાંથી 26 ટકા દર્દીઓને શ્વસન સમસ્યાઓ હતી. 21 ટકા લોકોને લોહીની સમસ્યાઓ, 17 ટકા લોકોને લિવર અને ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ ટ્રૅક્ટ (GIT) ની બીમારી હતી. જ્યારે 12 ટકા દર્દીઓને હૃદય અને કિડનીની સમસ્યાઓ હતી.
એટલે કે, આ સંશોધનમાં એવું જોવા મળ્યું હતું કે જો શ્વસનતંત્ર ખરાબ થાય છે, તો તેની સૌથી વધુ અસર વ્યક્તિના નખ પર જોવા મળે છે.
તેવી જ રીતે, જો શરીરમાં લોહી સંબંધિત કોઈ રોગ હોય, અથવા લિવર, ગેસ્ટ્રો, હૃદય તથા કિડની સંબંધિત કોઈ રોગ હોય, તો પણ નખમાં ફેરફારો દેખાવા લાગે છે.
એકંદરે, જો કોઈને નખમાં કોઈ નવા ફેરફારો દેખાય છે, તો તેમણે ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ચાલો હવે જાણીએ કે નખમાં કયા પ્રકારના ફેરફારોને ખતરાના સંકેત તરીકે ગણી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નખમાં કેવા પ્રકારના ફેરફારો દેખાયા?

હાથ અને પગના નખ તેની નીચેની ચામડીને ઈજાથી બચાવે છે. આ ઉપરાંત, નખ આપણને શરીરને ખંજવાળવામાં અને ઘણી વસ્તુઓને છોલવામાં પણ મદદ કરે છે.
ક્લિનિકલ ડર્મેટોલૉજી રિવ્યૂમાં થયેલા સંશોધનમાં નખના બદલાતા રંગ અને આકારને ઘણા રોગો સાથે જોડવામાં આવ્યો છે.
આ સંશોધનમાં નોંધાયેલાં મુખ્ય લક્ષણોમાં નખમાં સોજો (ક્લબિંગ), લાંબી પટ્ટાવાળી રેખાઓ (રેખાંશિક રીતે ખીલવું), નખ પીળા પડવા, નખનો રંગ ઊડી જવો અને નખ ચપટા થઈ જવા વગેરેનો સમાવેશ થાય છે.
ક્યારેક નખમાં એક સાથે એક કરતાં વધુ લક્ષણો દેખાઈ શકે છે.
હૃદયરોગ અને નખમાં ફેરફારનું કનેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધનનાં પરિણામો કહે છે કે હૃદયરોગના દર્દીઓના નખમાં ક્લબિંગ (નખ વળાંકવાળા અને નીચે તરફ વળેલા) અને ઊભી રેખાઓ (લાંબી રેખાઓ) જેવાં લક્ષણો જોવા મળ્યાં છે.
મેટ્રો ગ્રૂપ ઑફ હૉસ્પિટલ્સના કાર્ડિયોલૉજી વિભાગના વડા ડૉ. સમીર ગુપ્તા કહે છે, "માનવ નખ સામાન્ય રીતે થોડા ગુલાબી રંગના હોય છે. જો તેમનો રંગ થોડો ઝાંખો થઈ જાય, તો તે શરીરમાં લોહીની ઊણપ દર્શાવે છે."
"એ જ રીતે, જો નખનો રંગ વાદળી થઈ રહ્યો હોય, તો તે સાઇનોસિસ રોગ સૂચવે છે, જે શરીરમાં ઑક્સિજનનો અભાવ દર્શાવે છે અને તે હૃદય અથવા ફેફસાં સંબંધિત કોઈપણ રોગને કારણે હોઈ શકે છે. આ રોગ શું છે તે જાણવા માટે પછી વિશેષ તપાસ કરવામાં આવે છે."
સાઇનોસિસ એટલે કે નખનો વાદળી રંગ થવો એ હાયપૉક્સિયા, અસ્થમા અને પલ્મોનરી હાયપરટેન્શનની શક્યતા દર્શાવે છે.
ફેફસાંની બીમારી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શ્વસનતંત્ર સંબંધિત રોગો ધરાવતા દર્દીઓમાં ક્લબિંગ એ સૌથી મુખ્ય લક્ષણ હતું. ત્યારબાદ લાંબી પટ્ટાવાળી રેખાઓ, નખ તૂટવા અને રંગ બદલાવા પણ જોવા મળ્યા. આનો અર્થ એ છે કે જો કોઈને તેમના નખમાં આ લક્ષણો દેખાઈ રહ્યાં હોય, તો તેમણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ગ્રેટર નૉઇડા સ્થિત ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના પલ્મોનરી મેડિસિન વિભાગનાં વડાં ડૉ. રશ્મિ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ફેફસાં સંબંધિત રોગો શરીરના વિવિધ ભાગોમાં અલગ-અલગ લક્ષણો તરીકે દેખાવાં લાગે છે.
"ઉદાહરણ તરીકે, ચામડીનો રંગ ઝાંખો પડે છે. ચામડી પાતળી અને ચમકદાર બને છે. નખમાં પણ ઘણાં લક્ષણો જોવાં મળે છે, જેને જોઈને આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે ફેફસાંમાં કંઈક ખોટું છે."
નખ સાથે સંકળાયેલું પહેલું લક્ષણ છે ક્લબિંગ.
તેઓ કહે છે કે "તાજેતરના સમયમાં, લંગ ફાઇબ્રોસિસ (તેમાં ફેફસાંનાં ટિશ્યૂ પ્રભાવિત થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પેદા કરે છે)ના કિસ્સાઓ વધી રહ્યા છે. લાંબા સમય સુધી લોહીમાં ઑક્સિજનના અભાવને કારણે, નખ સુધી પહોંચતી રક્તવાહિનીઓ પાતળી થઈ જાય છે. તેથી, નખમાં ક્લબિંગ દેખાવા લાગે છે."
આ ઉપરાંત યલો નેઇલ સિન્ડ્રોમમાં નખ જાડા અને પીળા રંગના દેખાવા લાગે છે. નખની આસપાસના વિસ્તારોમાં સોજો દેખાવા લાગે છે. આ સિન્ડ્રોમ બ્રૉન્કાઇટિસ, ફેફસાંના ફોલ્લાં અને કાયલોથોરેક્સનું લક્ષણ હોઈ શકે છે. આ બધી ફેફસાં સંબંધિત સમસ્યાઓ છે.
નખ જોઈને ખબર પડશે કે ગેસ્ટ્રો કે લિવરની સમસ્યા છે કે નહીં
આ જ રીતે ક્લિનિકલ ડર્મેટોલૉજી રિવ્યૂ દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં, ગેસ્ટ્રિક અને લિવરના રોગો ધરાવતા 46 દર્દીઓમાં જોવા મળતાં સૌથી સામાન્ય લક્ષણો પીળા નખ, લાંબી પટ્ટાવાળી રેખાઓ, ક્લબિંગ અને ટેરીઝ નેઇલ (નખની નીચેની બાજુ સફેદ થઈ જવી) હતાં. સૌથી પ્રબળ લક્ષણ ટેરીઝ નેઇલનાં હતાં.
ડૉ. સમીર ગુપ્તાના મતે ક્લબિંગ નેઇલ કે જે થોડો વળાંકવાળો અને નીચે તરફ ઢળેલો હોય છે, તે કોઈ જૂની બીમારી સૂચવે છે.
નખથી કિડની સંબંધિત બીમારીનો પણ મળે છે સંકેત

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિડનીની બીમારી ધરાવતા દર્દીઓમાં પીળા નખ, લાંબા પટ્ટાઓ, અડધા નખ, ઑબ્લિટેરેડ લુનુલા (નખના પાયા પર અર્ધ-ચંદ્ર આકારનું અદૃશ્ય થવું) અને બરડ નખનો અનુભવ થવાની શક્યતા સૌથી વધુ હતી.
ગાઝિયાબાદની યશોદા હૉસ્પિટલના નેફ્રૉલોજિસ્ટ ડૉ. પ્રજીત મજુમદાર કહે છે, "લાંબાગાળાના કિડની રોગ ધરાવતા દર્દીઓમાં અડધા નખ સૌથી સામાન્ય લક્ષણ છે."
'અડધા નખ' નો અર્થ છે કે અડધો ભાગ અલગ દેખાય છે અને બાકીનો અડધો ભાગ અલગ દેખાય છે.
જોકે, ક્યારેક કોઈ ઈજા થવાને કારણે કે નખની સુંદરતા વધારવા માટે લેવામાં આવેલા પગલાંને કારણે નખમાં ફેરફાર જોવા મળે છે.
તેથી, તમારા નખના આધારે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












