માણસને ખૂંધ કેમ નીકળે છે અને શું કરવાથી આ સમસ્યાને ટાળી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઓંકાર કરંબેલકર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
આજકાલ લોકો ગરદનની નીચે અને પીઠની ઉપર એક ગોળ ઉભાર જુએ છે. આને કારણે લોકોને ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે.
આ રિપોર્ટમાં એ જાણવાનો પ્રયાસ કરીશું કે આ સમસ્યાનું કારણ શું છે અને આ સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય?
આ પ્રકારની સ્થિતિ અથવા બીમારીને કોઇફોસિસ અથવા નેકહમ્પ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં આને ડૉજર્સ હંપ પણ કહેવામાં આવે છે.
મૂળે તો આપણા બધાની કરોડરજ્જુમાં કોઈને કોઈ પ્રકારની વક્રતા હોય છે. પણ જો આ વક્રતા 45 ડિગ્રીથી વધુ હોય તો મુશ્કેલી ઊભી કરે છે અને સારવારની જરૂરિયાત ઊભી થાય છે.
ઘણીવાર પીઠમાં ઉભાર સિવાય અન્ય કોઈ લક્ષણ જોવાં મળતાં નથી.
જોકે ઘણા દર્દીઓને પીઠમાં દર્દ, પીઠની માંસપેશીઓ જકડાઈ જવી, કરોડરજ્જ પાસે દુખાવો અને થાક જેવાં લક્ષણો અનુભવાય છે.
જો કાઇફોસિસની સ્થિતિ ગંભીર બની જાય તો મુશ્કેલીઓમાં વધારો થાય છે.
કેવી રીતે બેસવાની ટેવથી ખૂંધ નીકળે?

ઇમેજ સ્રોત, Getty Images
કાઇફોસિસ એક પ્રકારનું હન્ચબૅક છે જે ગરદનની નીચે ઘણાં કારણોથી વિકસિત થાય છે. આનું મુખ્ય કારણ બેસવાની ખોટી રીત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાક લોકો ખુરશી પર ઝૂકીને અથવા ખભો ઝુકાવીને બેેસે છે જેના કારણે આ સમસ્યા ઊભી થાય છે.
ખભા પર ભારે બૅગ ઉઠાવવાના કારણે પીઠ અને ખભાની માંસપેશીઓમાં દુખાવો થાય છે. આના કારણે કરોડરજ્જુનાં હાડકાં વાંકાં વળી શકે છે.
ક્યારેક કરોડરજ્જુનાં હાડકાંનો સરખી રીતે વિકાસ ન થવાને કારણે પણ આવી સ્થિતિ સર્જાતી હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન શિશુની કરોડરજ્જુ સરખી રીતે વિકાસ ન થવાને કારણે અથવા તો બે કરતાં વધારે વર્ટેબ્રા ભળી જાય તો આ સમસ્યા ઊભી થઈ શકે છે.
કરોડરજ્જુનાં હાડકાં ઊંમરની સાથે વાંકાં વળતાં જાય છે. આ કારણે ઘણા વયોવૃદ્ધ લોકોની પીઠ પર ઉભાર જોવા મળે છે.
મુંબઈના કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ડૉ. અભિજીત પવાર કહે છે, "આમ થવાનું મુખ્ય કારણ ખોટી રીતે બેસવાની ટેવ છે."
"લાંબા સમય સુધી આગળની તરફ ઝૂકીને બેસવું, ઝૂકીને ફોન જોવો, માથુ નીચું કરીને ફોનનો ઉપયોગ કરવો અને લાંબા સમય સુધી કૉમ્પયુટર પર કામ કરવાને કારણે પણ આ સમસ્યા થાય છે."
ડૉ. પવારના મત પ્રમાણે "ખોટી રીતે બેસવા ઉપરાંત એનું બીજું મુખ્ય કારણ ઑસ્ટિયોપોરોસિસ છે. જેમાં હાડકાં નબળાં પડવાથી કરોડરજ્જુનાં હાડકાંમાં ઈજા થાય છે અને તેની વક્રતા અસામાન્યપણે વધી જાય છે."
સ્થૂળતા પણ કરોડરજ્જુનાં હાડકાંમાં તણાવ વધારે છે. કેટલાંક મેડિકલ કારણોને લીધે પણ કાઇફોસિસ થઈ શકે છે."
ખૂંધ નીકળવાનાં કારણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ સ્થિત અપોલો હૉસ્પિટલના કંસલટન્ટ સ્પાઇન સર્જન ડૉ. અગ્નિવેશ ટિક્કૂએ જણાવ્યું, "નેક હમ્પને બફેલો હંપ પણ કહેવામાં આવે છે. આ સમસ્યા મુખ્યરૂપે લાંબા સમય સુધી બેસીને કામ કરતા લોકોમાં જોવા મળે છે."
"જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે, કૉમ્પયુટર પર મોડે સુધી કામ કરે છે અને મોબાઇલ ફોનનો વધારે ઉપયોગ કરે છે એને પણ આ સમસ્યા થઈ શકે છે."
"સતત આગળની તરફ ઝૂકીને મોબાઇલ ફોન અને કૉમ્પયુટરનો ઉપયોગ કરવો, ગરદન ઝુકાવવી જેવી આદતોને કારણે ગરદનની પાસેની માંસપેશીઓમાં અસંતુલન ઊભું થાય છે અને ગરદનના અંત ભાગમાં ચરબી જમા થાય છે."
ડૉ. ટિક્કૂના અનુસાર, પીસીઓએસ, લાંબા સમય સુધી સ્ટીરૉઇડનો ઉપયોગ, સ્થૂળતા અને આનુવંશિક વિકારોથી પીડિત મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે.
કેટલાક લોકોમાં માંસપેશિઓની નબળાઈ પણ આ સમસ્યાનું કારણ બની શકે છે.
આ ઉપરાંત ઍન્કિલૉજિંગ સ્પૉન્ડિલાઇટિસના દર્દીને પણ આ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
કેવી રીતે કાઇફોસિસનું નિદાન થાય છે?
દર્દીની પૂરી તપાસ કરીને નેકહમ્પ અથવા તો કાઇફોસિસનું નિદાન કરવામાં આવે છે. આના માટે ઍક્સ-રે, એમઆરઆઈ અને સીટી સ્કૅન કરવામાં આવે છે.
જો ડૉકટરને શંકા જાય કે આ સમસ્યા હોર્મોનને કારણે થઈ છે તો કૉર્ટિસોલના સ્તરની તપાસ માટે ટેસ્ટ કરવામાં આવે છે.
વિટામીન ડીની ઉણપની તપાસ કરવા માટે બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવે છે.
ખૂંધ ન નીકળે એ માટે શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
ગરદન અને પીઠમાં આ પ્રકારના ઉભારથી બચવા માટે સાચી મુદ્રામાં બેસવું જરૂરી છે.
ડૉ. અભિજીત પવાર કહે છે, "વ્યાયામ અને પૂરતા પ્રમાણમાં હરવું-ફરવું જોઈએ, આય લેવલ પર તમારી સ્ક્રીન હોવી જોઈએ, ટેબલ-ખુરશી પણ એ પ્રમાણે ડિઝાઇન કરવી જોઈએ."
ડૉ. પવારનું કહેવું છે કે ગરદન અને પીઠની માંસપેશીઓને સ્વસ્થ રાખવા માટે સ્ટ્રેચિંગ ઍક્સરસાઇઝ કરવી જોઈએ અને લાંબા સમય સુધી બેસવાનું ટાળવું જોઈએ.
જો લાંબા સમય સુધી બેસવાનું જરૂરી હોય તો વચ્ચે-વચ્ચે ઊઠીને થોડું ચાલવું પણ જોઈએ.
આનો ઇલાજ શું છે?
જો તમે નેકહમ્પ અથવા તો કાઇફોસિસથી પીડિત છો તો ડૉકટર સહી મુદ્રામાં બેસવાની, સ્ક્રીનની ઉંચાઈ બરાબર રાખવાની અને નિયમિત વ્યાયામ કરવાની સલાહ આપે છે.
જે લોકોને ગરદનની આસપાસ ચરબી જમા થવાથી ઉભાર થાય છે એને વજન ઓછું કરવા પર ધ્યાન દેવું જોઈએ. જો આ સમસ્યા હોર્મોનલને કારણે છે તો એનો ઇલાજ સંભવ છે. જો ટીબી અને કાઇફોસિસ વચ્ચે સંબંધ જોવા મળે તો એના આધારે ઇલાજ કરવામાં આવે છે.
ગરદનમાં કાઇફોસિસની ખબર વહેલી પડી જાય તો એનો ઇલાજ આસાનીથી કરી શકાય છે.
નિયમિત વ્યાયામ અને બેસવાની સ્થિતિમાં બદલાવ કરવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે. કેટલાક દર્દીઓને મેડિકલ અથવા તો સર્જિકલ ટ્રીટમેન્ટની પણ જરૂરિયાત પડી શકે છે. જો ગરદન અથવા તો પીઠમાં ઉભાર જોવા મળે, દુખાવો થાય, થાક અનુભવાય કે હોર્મોનલ સમસ્યા અનુભવાય તો તુરંત ડૉકટર પાસેથી સલાહ લેવી જોઈએ.
રોજબરોજની જિંદગીમાં શું ફેરફાર કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ખાણી-પીણી અને જીવનશૈલીનો શરીર સાથે સીધો સંબંધ છે. નેકહમ્પને ઓછો કરવા કે રોકવા માટે કેલ્શિયમ અને વિટામીન ડીથી ભરપૂર ભોજન લેવું જરૂરી છે. જો ડૉકટર સલાહ આપે તો સપ્લીમેન્ટ્સ પણ લઈ શકાય.
વધારે વજનવાળા લોકો માટે વજન ઓછું કરવાથી કરોડરજ્જુનાં હાડકાં પર દબાણ ઓછું થઈ શકે છે. આ સિવાય યોગ, વૉકિંગ, સ્વિમિંગ જેવી ઍક્સરસાઇઝ સારી મુદ્રા બનાવવામાં મદદરૂપ થાય છે.
જિમમાં વેઇટલિફ્ટિંગ જેવી ઍક્સરસાઇઝ માંસપેશીઓને મજબૂત બનાવવામાં અને એની તાકાત વધારવામાં સહાયક બને છે.
સૌથી જરૂરી એ છે કે સ્ક્રીનનો ઉપયોગ મર્યાદિત રાખવો. મોબાઇલનો વપરાશ કરતી વખતે માથું નીચું ન ઝુકાવવું જોઈએ.
જો તમે તમારી જીવનશૈલી, ખાનપાન અને વ્યાયામની આદતોમાં બદલાવ કરવા માંગો છો તો ડૉકટર અને યોગ્ય ટ્રેનરની મદદ લેવી જરૂરી છે.
સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે તમારા શરીર અને લક્ષણોની ડૉકટર પાસે તપાસ કરાવો અને એમની સલાહને આધારે જીવનશૈલીમાં બદલાવ કરો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












