વધતી જતી ગરમી તમારા મગજને કેવી રીતે અસર કરે અને આ 'કનેક્શન' સમજવું કેમ જરૂરી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગરમી, મગજ, માનવ મસ્તિષ્ક, હેલ્થ, સ્વાસ્થ્ય, ગ્લોબલ વૉર્મિંગ

ઇમેજ સ્રોત, Serenity Strull/Getty Images

ઇમેજ કૅપ્શન, ગરમી માત્ર બીમારીઓ જ નથી વધારતી, તે આપણને વધારે ચીડિયા, ગુસ્સાવાળા કે ઉદાસ પણ બનાવી શકે છે
    • લેેખક, થેરેસ લુથી
    • પદ, બીબીસી ફ્યૂચર

જેક જ્યારે માત્ર પાંચ મહિનાના હતા ત્યારે પહેલી વાર તેમને ટૉનિક-ક્લૉનિકનોઍટેક આવેલો.

પાંચ મહિનાના આ શિશુનું નાનું શરીર પહેલાં અક્કડ થઈ ગયું અને તે ઝડપથી ઝટકા ખાવા લાગ્યું.

તેમનાં માતા સ્ટેફની સ્મિથ કહે છે, "તે દિવસે અતિશય ગરમી હતી. તેને ખૂબ ગરમી લાગતી હતી. અમે જે જોયું તેનાથી લાગ્યું કે અમે અમારા જીવનમાં આનાથી વધારે ભયાનક દૃશ્ય નથી જોયું. પરંતુ, કમનસીબે એવું નહોતું."

ગરમ હવામાનમાં જેકને વારંવાર આ પ્રકારના ઍટેક આવવા લાગ્યા. જેવા ભેજભર્યા, તપતા ગરમીના દિવસ આવતા, ત્યારે આખો પરિવાર તેમના શરીરને ઠંડું રાખવાની વ્યવસ્થા કરવા લાગતો.

જેક જ્યારે 18 મહિનાના થયા, ત્યારે કરાવેલા એક જેનેટિક ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમને ડ્રેવેટ સિન્ડ્રોમ નામની ન્યૂરોલૉજિકલ બીમારી છે.

ડ્રેવેટ સિન્ડ્રોમમાં એક એવી વાઈ પણ સામેલ છે, જેનાથી દર 15 હજારે એક બાળક પ્રભાવિત છે.

તેમાં વાઈના હુમલાની સાથોસાથ માનસિક વિકાસમાં પણ ઊણપ અને બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે, જેવી કે, ઑટિઝ્મ, એડીએચડી, બોલવા-ચાલવા-ખાવા અને ઊંઘ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ.

ગરમી કે તાપમાનમાં અચાનક પલટાથી વાઈના હુમલા શરૂ થઈ શકે છે.

હીટવેવની ન્યૂરોલૉજિકલ અસર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગરમી, મગજ, માનવ મસ્તિષ્ક, હેલ્થ, સ્વાસ્થ્ય, ગ્લોબલ વૉર્મિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભીષણ હીટવેવ (લૂ) આપણા મગજની કામ કરવાની પદ્ધતિને અસર કરી શકે છે, જેનાથી વ્યવહાર અને મૂડમાં ફેરફાર થઈ શકે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જેક હવે 13 વર્ષના છે, પરંતુ તેમનાં માતા કહે છે કે હવામાન બદલાતાં જ તેમનેઍટેક આવવા લાગે છે.

સ્મિથ કહે છે, "સતત વધતી ગરમી અને હીટવેવ પહેલાંથી જ ગંભીર આ બીમારીને વધુ મુશ્કેલ બનાવી રહ્યાં છે."

યુનિવર્સિટી કૉલેજ લંડનના સંજય સિસોદિયા જળવાયુ પરિવર્તન અને મગજ પર તેની અસરના નિષ્ણાત છે. તેઓ કહે છે કે ડ્રેવેટ સિન્ડ્રોમ તો માત્ર એક ઉદાહરણ છે. એવી ઘણી ન્યૂરોલૉજિકલ બીમારીઓ છે, જે વધતા તાપમાનમાં વધુ બગડી જાય છે.

વાઈના નિષ્ણાત સિસોદિયા જણાવે છે કે તેમણે ઘણી વાર દરદીઓના પરિવારો પાસેથી સાંભળ્યું છે કે હીટવેવ દરમિયાન તેમની મુશ્કેલીઓ વધી જાય છે.

તેઓ કહે છે, "આ પ્રકારની વાતો સાંભળ્યા પછી મેં વિચાર્યું કે જ્યારે શરીર ગરમીનો સામનો કરી શકે તે માટે મગજમાં આટલી પ્રક્રિયાઓ સામેલ હોય છે, તો પછી જળવાયુ પરિવર્તનની અસર મગજ પર શા માટે ન થાય?"

સિસોદિયાએ જ્યારે આ વિષયનાં રિસર્ચ પેપર વાંચવાનાં શરૂ કર્યાં, ત્યારે જાણવા મળ્યું કે, વાઈ, સ્ટ્રોક, ઍન્સેફલાઇટિસ, મલ્ટિપલ સ્કેલેરોસિસ, માઇગ્રેન અને બીજી ઘણી ન્યૂરોલૉજિકલ બીમારીઓ ગરમી અને ભેજના કારણે વધારે બગડી જાય છે.

તેમણે જોયું કે જળવાયુ પરિવર્તનની અસર આપણા મગજ પર દેખાવા પણ લાગી છે.

ઉદાહરણ તરીકે, 2003ની યુરોપીય હીટવેવ દરમિયાન જેટલાં વધારાનાં મૃત્યુ થયાં, તેમાં લગભગ સાત ટકા મૃત્યુ સીધી રીતે ન્યૂરોલૉજિકલ સમસ્યાઓ સાથે સંકળાયેલાં હતાં.

આ પ્રકારના આંકડા 2022ની બ્રિટનની હીટવેવમાં પણ જોવા મળ્યા.

પરંતુ ગરમી માત્ર બીમારીઓ જ નથી વધારતી, તે આપણા વ્યવહાર પર પણ અસર કરી શકે છે. જેમ કે, તે આપણને ચીડિયા, ગુસ્સાવાળા કે ઉદાસીન બનાવી શકે છે.

એટલે, દુનિયા જ્યારે જળવાયુ પરિવર્તનના કારણે વધુ ગરમ થતી જાય છે, એ સ્થિતિમાં આપણે એ સમજવાની જરૂર છે કે તેની અસર આપણા મગજ પર શી થશે.

મસ્તિષ્કને ઠંડું રાખવું શરીર માટે મોટો પડકાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગરમી, મગજ, માનવ મસ્તિષ્ક, હેલ્થ, સ્વાસ્થ્ય, ગ્લોબલ વૉર્મિંગ

ઇમેજ સ્રોત, Magali Cohen/Hans Lucas/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા ભાગોમાં જળવાયુ પરિવર્તનના કારણે હીટવેવ પહેલાં કરતાં ઘણી લાંબી અને તીવ્ર થતી જાય છે

માનવ મસ્તિષ્કનું સરેરાશ તાપમાન ક્યારેક જ આપણા શરીરના મુખ્ય તાપમાન કરતાં એક ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હોય છે.

પરંતુ આપણું મગજ શરીરનાં સૌથી વધુ ઊર્જાનો વપરાશ કરનારાં અંગોમાંનું એક છે. વિચારવા, યાદ રાખવા અને પોતાની આસપાસની દુનિયા અંગે પ્રતિક્રિયા આપવા દરમિયાન મગજ ઘણી ગરમી પોતે જ ઉત્પન્ન કરે છે.

તેનો અર્થ એ છે કે આપણા શરીરને મસ્તિષ્કને ઠંડું રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે.

રક્તાભિસરણ, જે નસોની જાળ દ્વારા થાય છે, તે આ વધારાની ગરમીને દૂર કરવામાં મદદ કરે છે અને મસ્તિષ્કનાં તાપમાનનું સંતુલન જાળવી રાખે છે.

એ જરૂરી છે, કેમ કે, આપણા મગજની કોશિકાઓ તાપમાનની બાબતમાં ખૂબ વધુ સંવેદનશીલ હોય છે.

તે ઉપરાંત, કેટલાક મૉલિક્યૂલ્સ, જે આ કોશિકાઓ વચ્ચે સંદેશો પહોંચાડે છે તે પણ તાપમાન પર આધારિત મનાય છે.

એટલે કે, જો મસ્તિષ્ક ખૂબ ગરમ કે ખૂબ ઠંડું થઈ જાય તો તે યોગ્ય રીતે કામ નથી કરી શકતું.

સંજય સિસોદિયા કહે છે, "અત્યાર સુધી આપણને એ સંપૂર્ણ ખબર નથી કે મસ્તિષ્કના અલગ-અલગ ભાગો ગરમીથી કઈ રીતે પ્રભાવિત થાય છે. પરંતુ આપણે તેને એક ઘડિયાળની જેમ વિચારી શકીએ, જેમાં બધા પાર્ટ્સ એકસાથે યોગ્ય રીતે કામ ન કરતા હોય."

જોકે, અત્યંત ગરમી બધા લોકોના મગજના કાર્યને અસર કરે છે. જેમ કે, તે આપણા નિર્ણયો કરવાની ક્ષમતાને ઘટાડી શકે છે કે આપણને વધુ જોખમ લેવા માટે પ્રેરી શકે છે.

પરંતુ, જે લોકોને પહેલાંથી જ કોઈ ન્યૂરોલૉજિકલ બીમારી છે, તેઓ તેની સૌથી ખરાબ અસર સહન કરે છે.

સિસોદિયા જણાવે છે, "થર્મોરેગ્યુલેશન એટલે કે શરીરની અંદર તાપમાન નિયંત્રણ મગજનું જ એક કામ છે અને જો મગજના કેટલાક ભાગ યોગ્ય રીતે કામ ન કરતા હોય, તો આ વ્યવસ્થામાં ગરબડ થઈ શકે છે."

"જેમ કે, મલ્ટિપલ સ્કેલેરોસિસના કેટલાક પ્રકારમાં જોવા મળ્યું કે શરીરનું મૂળ તાપમાન જ બદલાઈ જાય છે."

તેઓ સમજાવે છે, "એ સિવાય, ન્યૂરોલૉજિકલ અને માનસિક બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ, જેવી કે, સિઝોફ્રેનિયાની દવાઓ, શરીરના તાપમાન નિયંત્રણને અસર કરે છે."

તેનાથી એવા લોકો જેમને આ દવાઓમાં આપવામાં આવતી હોય, તેઓ હીટ સ્ટ્રોક (મેડિકલ ભાષામાં હાઇપરથર્મિયા) પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ જાય છે અને તેમના માટે ગરમીના કારણે જીવનું જોખમ પણ વધી જાય છે.

ગરમી વધવાની ન્યૂરોલૉજિકલ બીમારીઓ સાથેની લિંક

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગરમી, મગજ, માનવ મસ્તિષ્ક, હેલ્થ, સ્વાસ્થ્ય, ગ્લોબલ વૉર્મિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જળવાયુ પરિવર્તનના કારણે જેમ-જેમ વૈશ્વિક તાપમાન વધતું જાય છે, તે આપણાં શરીર અને મગજ પર વધારે દબાણ ઊભું કરી રહ્યું છે

પુરાવો એ પણ જણાવે છે કે હીટવેવ દરમિયાન ડિમેન્શિયાથી પીડિત લોકોના હૉસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના દરમાં વધારો થાય છે.

તેનું એક કારણ ઉંમર પણ હોઈ શકે છે. વૃદ્ધોનાં શરીરમાં તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, પરંતુ તેમની સમજવા-વિચારવાની ક્ષમતામાં ઘટાડો પણ તેમાં ભૂમિકા ભજવે છે.

આ કારણે તેઓ પૂરતા પ્રમાણમાં પાણી પીવા, બારીઓ બંધ કરવા કે તડકામાં બહાર ન જવા જેવી સાવચેતી નથી રાખી શકતા.

સ્ટ્રોક (બ્રેઇન એટૅક) અને તેનાથી થનાર મૃત્યુની સંખ્યામાં વધારા સાથે પણ વધતા તાપમાનનો સંબંધ હોઈ શકે છે.

એક અભ્યાસમાં 25 દેશોમાં સ્ટ્રોકથી થતા મૃત્યુના આંકડા તપાસવામાં આવ્યા છે. સ્ટ્રોકથી થતા દર 1,000 મૃત્યુમાંથી સરેરાશ બે વધારાનાં મૃત્યુ સૌથી વધુ ગરમ દિવસોમાં થયાં છે.

યુનિવર્સિટી હૉસ્પિટલ સસેક્સ (બ્રિટન)માં વૃદ્ધોમાં થતી બીમારીઓનાં નિષ્ણાત બેથન ડેવિસ કહે છે:

"જ્યારે આપણે જોઈએ છે કે દર વર્ષે દુનિયાભરમાં લગભગ 70 લાખ લોકો સ્ટ્રોકથી મૃત્યુ પામે છે, તો ગરમીના કારણે દર વર્ષે 10,000થી વધુ વધારાનાં મૃત્યુ થઈ શકે છે."

બેથન ડેવિસની ટીમે ચેતવણી આપી છે કે જળવાયુ પરિવર્તનથી આગામી વર્ષોમાં આ સ્થિતિ વધુ બગડી શકે છે.

ટીમનું કહેવું છે કે, ગરમીથી આવતા સ્ટ્રોકનું ભારણ સૌથી વધુ મધ્યમ અને ઓછી આવકવાળા દેશો પર પડશે, જે પહેલાંથી જ જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત છે. આ દેશોમાં સ્ટ્રોકના કેસો પણ સૌથી વધુ હોય છે. ગરમ દુનિયા સૌથી નાનાં બાળકોના માનસિક વિકાસને પણ નુકસાન પહોંચાડી રહી છે.

ઇમ્પીરિયલ કૉલેજ લંડનમાં મહિલા આરોગ્ય પ્રોફેસર જેન હર્સ્ટ કહે છે, "અત્યંત ગરમી અને વહેલા પ્રસવ જેવી સમસ્યા વચ્ચે સંબંધ જોવા મળ્યો છે."

તાજેતરની એક વૈજ્ઞાનિક સમીક્ષામાં જોવા મળ્યું છે કે હીટવેવના લીધે સમય પહેલાં પ્રસવની સંભાવના 26 ટકા વધી જાય છે.

તેનાથી બાળકોના માનસિક વિકાસમાં વધુ સમય લાગી શકે છે, સાથે જ તેમની બૌદ્ધિક ક્ષમતા ઘટી શકે છે.

હર્સ્ટ કહે છે, "જોકે, હજુ પણ ઘણું બધું એવું છે જે આપણે જાણતા નથી."

જળવાયુ પરિવર્તનના કારણે અત્યંત વધુ ગરમી આપણા મગજ પર વધારાનો બોજ નાખી શકે છે. તેનાથી ન્યૂરોડીજેનેરેટિવ બીમારીઓ, જેવી કે અલ્ઝાઇમર કે પાર્કિન્સન થઈ શકે છે.

ગરમી મગજની એ સુરક્ષા દીવાલને પણ અસર કરે છે, જે સામાન્ય રીતે મગજને ઝેરી તત્ત્વો, બૅક્ટેરિયા અને વાઇરસથી બચાવે છે.

આ બેરિયર નબળું પડવાના લીધે હાનિકારક તત્ત્વો સરળતાથી મસ્તિષ્ક સુધી પહોંચી શકે છે.

જાણકારો કહે છે કે, જેમ-જેમ તાપમાન વધશે, મચ્છરોની સંખ્યા પણ વધશે, જે ઝીકા, ચિકનગુનિયા અને ડેંગ્યૂ જેવા વાઇરસ ફેલાવી શકે છે. તેનાથી ન્યૂરોલૉજિકલ બીમારીઓ પણ ઉદ્ભવી શકે છે.

સ્વિસ ટ્રૉપિકલ ઍન્ડ પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના મેડિકલ ઍન્ટોમોલૉજિસ્ટ ટોબિયાસ ઝૂટર કહે છે, "ઝીકા વાઇરસ ભ્રૂણને અસર કરી શકે છે અને માઇક્રોસેફેલી જેવી સમસ્યા ઊભી કરી શકે છે."

તેઓ કહે છે, "વધતા તાપમાન અને ઓછી ઠંડીના કારણે મચ્છરોનો પ્રજનનકાળ જલદી શરૂ થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે."

'ગ્લોબલ વૉર્મિંગનો યુગ પૂરો, હવે ગ્લોબલ બૉઇલિંગનો સમય શરૂ'

ગરમીની અસર દરેક વ્યક્તિ પર જુદી-જુદી થઈ શકે છે. અમુક લોકો ગરમ હવામાનમાં સારું અનુભવે છે, જ્યારે બીજાઓ માટે તે અત્યંત તકલીફકારક હોઈ શકે છે.

સિસોદિયા કહે છે, "જુદી-જુદી સંવેદનશીલતા માટે ઘણાં કારણો હોઈ શકે છે અને તેમાંથી એક કારણ આનુવંશિક પ્રવૃત્તિ પણ હોઈ શકે છે."

તેઓ કહે છે, "આજે આપણે ન્યૂરોલૉજિકલ બીમારીઓથી પીડિત લોકોમાં જે અસર જોઈ રહ્યા છીએ તે આવનારા સમયમાં એવા લોકોમાં પણ જોઈ શકીએ જે અત્યારે તંદુરસ્ત છે. જેમ જેમ જળવાયુ પરિવર્તન વધશે, આગળ જતાં આવી અસર જોવા મળી શકે."

હીટવેવ મગજ પર ઘણા સ્તરે અસર કરી શકે છે. જોકે, વૈજ્ઞાનિકો હજુ પણ એ સમજવાની કોશિશ કરે છે કે વધતું તાપમાન આપણા મસ્તિષ્કને કઈ રીતે અસર કરે છે અને શું અતિ વધુ તાપમાન સૌથી વધારે અસર કરે છે?

સવાલ એ પણ છે કે હીટવેવનો સમયગાળો કેટલો લાંબો હોય તો તેની મગજ પર અસર પડી શકે છે? શું રાતનું તાપમાન વધુ ખતરનાક હોય છે? કયા લોકોને વધુ જોખમ છે?

આ જ માહિતી આપણને એવી રણનીતિ બનાવવામાં મદદ કરશે, જે ગરમીથી સૌથી વધુ સંવેદનશીલ લોકોની સુરક્ષા કરી શકે.

આ રણનીતિઓમાં હીટવેવની શરૂઆતની ચેતવણી આપતી સિસ્ટમની સ્થાપના હોઈ શકે છે.

ગરમીના કારણે મજૂરી ન કરી શકનાર શ્રમિકોને વળતર આપવા માટે વીમા યોજના પણ બનાવી શકાય તેમ છે.

જ્યારે જુલાઈ 2023ને અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો જાહેર કરવામાં આવ્યો, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહેલું, "ગ્લોબલ વૉર્મિંગનો યુગ ખતમ થઈ ગયો, હવે ગ્લોબલ બૉઇલિંગનો (ઊકળવાનો) સમય શરૂ થઈ ગયો છે."

એ વાતને નકારી શકાતી નથી કે જળવાયુ પરિવર્તન આવી ચૂક્યું છે અને તે ઝડપથી વધી રહ્યું છે. એ સ્થિતિમાં 'હૉટ બ્રેઇન' એટલે કે મગજ બાબતની ચિંતા પણ શરૂ થઈ ગઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન