હરિકેન એરિન : દરિયામાં ખતરનાક વાવાઝોડું સર્જાયું, 260 કિમીની ઝડપે પવન ફૂંકાશે, હવામાનશાસ્ત્રીઓની કેમ નજર છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હરિકેન એરિન, વાવાઝોડું, નૅચર, એરિન, વરસાદ,

ઇમેજ સ્રોત, NOAA via Getty Images

ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે. કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદને પગલે ક્યાંક રાહત છે તો ક્યાંક ભારે વરસાદે મુશ્કેલી પણ નોતરી છે. ઘણી જગ્યાએ વરસાદને પગલે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી.

જન્માષ્ટમીના દિવસે એટલે કે શનિવારે સવારે ભારે પવન સાથે અમદાવાદમાં પડેલા વરસાદે તો હળવા વાવાઝોડાની ઝલક પણ બતાવી હતી. ગુજરાતમાં પણ મોટા ભાગે અરેબિયન સમુદ્રમાંથી વાવાઝોડાં ત્રાટકવાનું જોખમ રહેતું હોય છે.

પાછલાં અમુક વર્ષોમાં ગુજરાતના તટની પાસે પણ કેટલાંક વાવાઝોડાં સર્જાઈ ચૂક્યાં છે. જેમાંથી કેટલાક સંપૂર્ણ શક્તિથી તટ પર ત્રાટક્યાં છે. જોકે, કેટલાંક કાંઠા પાસેથી પસાર થઈને અન્ય દેશો તરફ વળી ગયાં છે.

જોકે, બંને સ્થિતિમાં ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી જોવા મળે છે. આ સિવાય ગુજરાતના મુખ્ય પ્રદેશ પર પણ આ વાવાઝોડાંની અસર જોવા મળે છે.

ભૂતકાળમાં ગુજરાત સહિત ભારતમાં તીવ્ર ગતિથી ફૂંકાયેલાં વાવાઝોડાંને કારણે જાનમાલનું ઘણું નુકસાન થઈ ચૂક્યું છે.

કેટલાંક સંશોધનો અનુસાર ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વાવાઝોડાં વધુ સર્જાવાની અને વધુ શક્તિશાળી હોવાનું વલણ જોવા મળી રહ્યું છે.

તાજેતરમાં આવું જ એક ખતરનાક વાવાઝોડું અમેરિકાની નજીકના સમુદ્રમાં ગતિ પકડી રહ્યું છે, જેનું નામ એરિન હરિકેન છે. આ વાવાઝોડું બહુ ઝડપથી તીવ્ર બનતું જઈ રહ્યું છે અને તાજેતરમાં તે કૅટગરી 5 સ્તર સુધી પહોંચી ગયું છે, જેની ઝડપ હાલ 260 કિમી પ્રતિ કલાક છે. જે હજુ વધવાની સંભાવના પણ ખરી.

ખૂબ ઝડપથી તીવ્ર બન્યું એરિન વાવાઝોડું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હરિકેન એરિન, વાવાઝોડું, નૅચર, એરિન, વરસાદ,

ઇમેજ સ્રોત, RICARDO ARDUENGO/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પુએર્તો રિકો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીનાં કેલા એપસ્ટીનના અહેવાલ અનુસાર યુએસ નૅશનલ હરિકેન સેન્ટરના ડાયરેક્ટર માઇક બ્રેનને કહ્યું હતું કે, "અત્યંત શક્તિશાળી" હરિકેન એક જ રાતમાં "અચાનક વધુ ઘેરું અને તીવ્ર" બન્યું છે.

એરિન હાલ કેરિબિયનમાં છે અને વીકેન્ડ દરમિયાન લીવર્ડ આઇલૅન્ડ્સના ઉત્તરેથી, ધ વર્જિન આઇલૅન્ડ્સ અને પુએર્તો રિકોથી પસાર થાય તેવી સંભાવના છે.

આ વાવાઝોડાને કારણે છ ઈંચ જેટલો વરસાદ ખાબકવાની શક્યતા છે, જેના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનનો ખતરો પેદા થયો છે.

આ ઍટલાન્ટિક સિઝન 2025નું પ્રથમ હરિકેન છે. જોકે, હાલ એ અમેરિકાની ધરતી પર ત્રાટકશે એવી કોઈ આગાહી કરાઈ નથી.

હરિકેન એરિન ખૂબ જ ઝડપથી તીવ્ર બની ગયું, આવી સ્થિતિમાં 24 કલાકના ગાળામાં વાવાઝોડુંની ઝડપ 34 માઇલ પ્રતિ કલાક સુધી વધે છે.

બ્રેનને કહ્યું કે એરિનની ઝડપ શનિવારે સવારે 100 માઇલ પ્રતિ કલાક હતી, જેમાં વધારો થઈને તેની ઝડપ 160 માઇલ પ્રતિ કલાક એટલે કે લગભગ 260 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી.

આગામી અઠવાડિયે, હરિકેન એરિન ધીરે ધીરે ઉત્તર તરફ આગળ વધે એવી આગાહી છે, જે બહામાસના પૂર્વમાંથી પસાર થઈને ઉત્તર કેરોલાઇનાના બહાર કાંઠા વિસ્તારો તરફ આગળ વધી શકે છે.

નિષ્ણાતોએ આપી ચેતવણી

બ્રેનને કહ્યું કે આ વાવાઝોડું શક્તિશાળી મોજાં પેદા કરી શકે છે અને અમેરિકાના સમગ્ર પૂર્વ કાંઠે લોકોના જીવને જોખમ ઊભું કરી શકે છે.

ફ્લોરિડા અને મિડ-ઍટલાન્ટિક સ્ટેટ્સમાં દરિયો સૌથી વધુ તોફાની બની શકે છે.

બ્રેનને ઉમેર્યું કે આ સિવાય બર્મુડામાં પણ ભારે વરસાદ અને "જીવને જોખમમાં મૂકે" એવાં મોજાં ઊછળી શકે છે.

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાને કારણે અમેરિક કોસ્ટગાર્ડે યુએસ વર્જિન આઇલૅન્ડ્સ, સાન ઉઆન સહિતની પુએર્તો રિકોની છ મ્યુનિસિપાલિટી અને સેન્ટ થૉમસનાં બંદરો પર વહાણો પર પ્રતિબંધ લાદી દીધો છે.

અમેરિકન સરકારની પ્રાથમિક વેધર એજન્સી નૅશનલ ઓશનિક ઍન્ટ ઍટ્મોસ્ફીરિક ઍડમિનિસ્ટ્રેશન (નોઆ) એ આ વર્ષે "સામાન્ય કરતાં વધુ" ઍટલાન્ટિક હરિકેન સિઝનની આગાહી કરી છે.

ગ્લોબલ વૉર્મિંગને કારણે કૅટગરી 4 અને 5નાં ટ્રોપિકલ વાવાઝોડાંની સંખ્યા વધે એવું અનુમાન છે.

પીટીઆઇ ન્યૂઝ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આ વાવાઝોડું સમુદ્ર પર જ રહે તેવી શક્યતા છે, તેમ છતાં એંગીલા, બર્બુડા, સેન્ટ માર્ટિન્સ, સેન્ટ બાર્ટ્સ, સાબા, સેન્ટ યુસ્ટેટિઅસ અને સેન્ટ માર્ટેન પર વાવાઝોડાની ચેતવણી જાહેર કરી દેવાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન