‘હલાલ હૉલિડેઝ’ શું છે અને મુસલમાનોમાં એની માગ કેમ વધી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઍમ્બ હાશમી
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
"મને તડકામાં રહેવું ખૂબ પસંદ છે. મને વિટામિન ડી પસંદ છે અને મારી ચામડી થોડી કાળી પણ પડી જાય તો મને વાંધો નથી. એટલે જ હકીકતમાં હું એ બધી જગ્યાએ જઇને ત્યાંનો આનંદ લઉં છું, જ્યાં એકાંત હોય અને રજાઓ ગાળી શકાય."
આ વાત કરે છે બ્રિટિશ ઇન્ફ્લુએન્સર ઝહરા રોઝ કે જેઓ ફરવા પણ માગે છે પરંતુ સાથે જ પોતાની મુસ્લિમ આસ્થા પ્રત્યે પણ ઇમાનદાર રહેવા માગે છે.
તેઓ 30થી વધુ ‘હલાલ હૉલિડેઝ’ પર જઈ આવ્યાં છે.
અરબી ભાષામાં હલાલનો અર્થ થાય છે કે ઇસ્લામના અનુયાયીઓ માટે શું સ્વીકાર્ય છે. ‘હલાલ હૉલિડેઝ’નો સંબંધ એવી જગ્યાઓ સાથે છે કે જ્યાં મુસલમાનો તેમની ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ સાથે સમાધાન કર્યા વગર જઈ શકે છે.
પોતાની આસ્થા અને પરંપરાને અનુસરતા લોકો સાથે રજાઓ માણવાની ઇચ્છા ધરાવતા લોકો માટે આ નવો ટ્રેન્ડ છે.
'પ્રાઇવસી સૌથી અગત્યની'

ઇમેજ સ્રોત, ZAHRA ROSE
વિશ્વભરમાં અનુયાયીઓની સંખ્યાના સંદર્ભમાં ઇસ્લામ ખ્રિસ્તી ધર્મ પછી બીજા ક્રમે આવે છે. ઘણા મુસ્લિમ દેશોમાં મધ્યમ વર્ગમાં લોકોની સંખ્યા વધી રહી છે. પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકામાં બીજી અને ત્રીજી પેઢીના મુસલમાનો પાસે રજાઓ પર પૈસા ખર્ચ કરવા માટે તેમનાં માતા-પિતાની સરખામણીમાં વધારે પૈસા હોય છે.
‘હલાલ હૉલિડેઝ’ એ એક ઊભરતું બજાર છે. ઝહરા રોઝ કહે છે કે, "મારા માટે હલાલ હોલિડેઝ અને સામાન્ય રજાઓના દિવસોમાં સૌથી મોટું અંતર પ્રાઇવસી છે." તેમનું એમ કહેવું છે કે આ દરમિયાન તેમને હલાલ ખાવાનું પણ આસાનીથી મળી જાય છે.
36 વર્ષીય હૅઝર સુજોગલુ આદિગુજાઈ ત્રણ બાળકોનાં માતા છે અને ઇસ્તંબુલમાં રહે છે. તેમને તુર્કીમાં ‘હલાલ હૉલિડેઝ’ માટે જગ્યા શોધવામાં કોઈ સમસ્યા થતી નથી પરંતુ જ્યારે બિન-ઇસ્લામી દેશોની સફરે જાય ત્યારે ઘણુંબધું સંશોધન કરવું પડતું હોવાનું અને યોજનાઓ બનાવવી પડતી હોવાની વાત કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તાજેતરમાં જ અમે મૅસેડોનિયા અને કોસોવો ગયા હતા. અમે અમારી હોટલમાં નાસ્તો કર્યો હતો અને લંચ માટે અમે ત્યાંનાં પરંપરાગત સ્થળોએ ગયાં હતાં જ્યાં દારૂ વિના ભોજન પીરસવામાં આવતું હતું."
અદિગુઝાઈ દિવસમાં પાંચ વખત બંદગી કરે છે અને ખાસ કરીને ઇસ્લામિક મૂલ્યોનું પાલન કરવામાં રસ ધરાવે છે. તેઓ કહે છે, "હલાલ હોટલોમાં તેઓ નમાજ પઢવા માટે સાદડીઓ પ્રદાન કરે છે. જો આપણે સામાન્ય હોટલમાં રહેવા જઈએ તો, હું મારી સાથે સાદડી લઈને જાઉં છું."
"હું હોટલોમાં ઓછાં કપડાં પહેરેલા લોકોને જોવા નથી માગતી. અમે ઇચ્છીએ છીએ કે અમારાં બાળકો એવા લોકો સાથે રહે જેઓ અમારી આસ્થા અને સંસ્કૃતિને અનુસરે છે. અમે તેમને એવા દરિયાકિનારે લઈ જવા નથી માગતાં જ્યાં લોકો નગ્ન થઈને સૂર્યસ્નાન કરે છે."
હૅઝર મહિલાઓને ઓનલાઇન આંત્રપ્રેન્યોરશીપ અને સોશિયલ મીડિયાની તાલીમ આપે છે. તેમનું માનવું છે કે પર્યટનઉદ્યોગ હજુ પણ હલાલ હૉલિડેઝની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શક્યો નથી.
ઊભરતું નવું બજાર

ઇમેજ સ્રોત, Getty Images
'ગ્લૉબલ મુસ્લિમ ટ્રાવેલ ઇન્ડેક્સ' અનુસાર 2022માં હલાલ ટ્રાવેલ બિઝનેસ 220 બિલિયન ડૉલરનો થઈ ગયો છે. કેટલીક કંપનીઓ 'હલાલ ટુરિઝમ'માં નિષ્ણાત છે જ્યારે અન્ય કંપનીઓ તેને વિકલ્પ તરીકે સામેલ કરી રહી છે.
માલદીવ પશ્ચિમના દેશોમાં તેની વિશિષ્ટ હોટલો માટે જાણીતું છે, પરંતુ હવે ત્યાં પણ વિશ્વભરમાંથી 'હલાલ પ્રવાસીઓ'ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માલદીવના પ્રવાસનમંત્રી ડૉ. અબ્દુલ્લા મૌસુમ કહે છે,"માલદીવ એક મુસ્લિમ દેશ છે અને અમારી પાસે પહેલાંથી જ મુસ્લિમ-મૈત્રીપૂર્ણ પ્રવાસનની વ્યવસ્થા છે અને આ ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે,"
ડૉ. મૌસુમ કહે છે કે તમામ હોટલોમાંથી એક ક્વાર્ટર હવે સમુદાય માટે અથવા સ્થાનિક પ્રવાસન માટે અલગ રાખવામાં આવ્યો છે. "ઘણા રિસૉર્ટમાં રૂમની ફાળવણી, રૂમની ડિઝાઈન અને ખાવાની બાબતમાં મુસ્લિમ-મૈત્રીપૂર્ણ વાતાવરણ હોય છે." દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું યોગદાન એક ચતુર્થાંશ કરતાં પણ વધુ છે.
'હલાલ હૉલિડેઝ' માટે બદલાવ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'2023 ગ્લૉબલ મુસ્લિમ ટ્રાવેલ ઇન્ડૅક્સ'માં મુસ્લિમ દેશોનું જ પ્રભુત્વ છે. ટોચના સ્થાને ઇન્ડોનેશિયા અને મલેશિયા છે. માત્ર બે બિન-મુસ્લિમ દેશો સિંગાપુર (11મું સ્થાન) અને બ્રિટન (20મું સ્થાન) આ યાદીમાં સ્થાન મેળવી શક્યા છે.
યુકેમાં ફાઇવ-સ્ટાર લૅન્ડમાર્ક હોટલ 1899માં ખુલી હતી અને હવે તે હલાલ માંસ પીરસે છે. હોટલ સ્ટાફને મધ્ય-પૂર્વની ધાર્મિક અને સાંસ્કૃતિક રીતભાતોની તાલીમ પણ આપવામાં આવે છે. મધ્ય-પૂર્વનાં સેલ્સ ડાયરેક્ટર મૅગ્ડી રૂસ્તમ કહે છે, "અમારી પાસે આલ્કોહોલયુક્ત ડ્રિંક્સની સાથે જ આલ્કોહોલ ન હોય તેવાં ડ્રિંક્સ પણ છે. અમારા બારમાં એક નૉન-આલ્કોહોલિક કૉકટેલ મળે છે જે ખૂબ લોકપ્રિય છે."
હોટલમાં પ્રવેશવા માટે બે દરવાજા છે. ઉત્તરમાં એક દરવાજો છે જે અંગત ઉપયોગ માટે છે. મોટા ભાગના મધ્ય-પૂર્વનાં પરિવારો, ખાસ કરીને સ્ત્રીઓને પોતાના પર કોઈની નજર પડે એ પસંદ નથી. તેથી તેઓ ઉત્તરના દરવાજામાંથી પ્રવેશ કરે છે. ત્યાં એક ખાસ લિફ્ટ પણ છે જે તેમને સીધા રૂમમાં જ લઈ જાય છે જેથી કોઈ તેમને જોઈ ન શકે. આ હોટલમાં નાચગાન માટે એક વિશાળ હૉલ છે જેનો ઉપયોગ લગ્નો માટે થાય છે અને ત્યાં ઇસ્લામિક રિવાજ મુજબ સ્ત્રી અને પુરુષ મહેમાનોને અલગ-અલગ રાખી શકાય છે. પરંતુ આ પ્રકારની વ્યવસ્થાઓ પર પૈસા ખૂબ ખર્ચાય છે જેનો સ્વીકાર ઇન્ફ્લુએન્સર ઝહરા રોઝ કરે છે.
તેઓ કહે છે, "હું જાણું છું કે સામાન્ય રજાઓ કરતાં પ્રાઇવસી માટે વધુ કિંમત ચૂકવવી પડે છે. જે રિસૉર્ટમાં કૉમન (સ્ત્રી અને પુરુષ) પૂલ હોય અથવા તમારા પોતાના પૂલ અથવા ખાનગી બાલ્કનીની પ્રાઇવસી ન હોય તેવા રિસૉર્ટમાં બુકિંગ કરવું વધુ સરળ છે. હું કહીશ કે કિંમતમાં ચોક્કસપણે તફાવત તો છે જ."












