બંગાળની પ્રિય અને સામા પ્રવાહે તરતી હિલ્સા માછલીનું ઉત્પાદન ગુજરાતમાં એટલું થયું કે બરફ ખૂટી ગયો

ભરૂચના ભાડભૂત ખાતે મહિલા માછીમારના બંને હાથમાં હિલ્સા માછલી

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE

ઇમેજ કૅપ્શન, ભરૂચના ભાડભૂત ખાતે મહિલા માછીમારના હાથમાં હિલ્સા માછલી
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી
  • વાંચવાનો સમય: 8 મિનિટ

બંગાળમાં સૌથી વધુ ખવાતી અને અત્યંત સ્વાદિષ્ટ ગણાતી હિલ્સા માછલી અચાનક ગુજરાતમાં તે હદ સુધી જોવા મળી કે તેને સ્ટોર કરવા બરફ ખૂટી ગયો.

હિલ્સા એક એવી અનોખી માછલી છે, જે પ્રવાહની સામે તરે છે અને સ્વાદ જ એની આગવી ઓળખ અને વિશેષતા છે.

ગુજરાતમાં માછલી એટલી મળી કે સ્થાનિક માછીમારોનું તો ત્યાં સુધી કહેવું છે કે, 25 ટન માછલીઓ તો બગડી જવાને કારણે ફેંકી દેવી પડી હતી.

માછલીનો મોટો જથ્થો મળતા તેનો ભાવ 150થી 200 રૂપિયે કિલો પણ થઈ ગયો હતો.

મુખ્યત્વે બંગાળમાં જોવા મળતી અને 'ભાવનાત્મક જોડાણ' ધરાવતી હિલ્સા ગુજરાતમાં જોવા મળે તે આશ્ચર્યચકિત કરનારું છે.

બંગાળી માન્યતા પ્રમાણે દરેક હિલ્સા એકસરખી હોતી નથી.

ધ પ્રિન્ટના એક અહેવાલ અનુસાર, બંગાળી લોકો ગુજરાતની હિલ્સાને બંગાળી લાગણીને જોડીને જુએ છે. ઘણા બંગાળીઓ માટે ગુજરાત અને બંગાળની હિલ્સા વચ્ચેનો આ તફાવત ફક્ત સ્વાદ વિશે નથી, પણ લાગણીઓ વિશે પણ છે. સ્વાદને આધારે બાંગ્લાદેશી અને તે પછી બર્માની હિલ્સા બજારોમાં સૌથી ઉપરનું સ્થાન મેળવે છે.

ભાડભૂત હિલ્સા માછલીનું ગુજરાતનું સૌથી મોટું કેન્દ્ર

ભરૂચમાં નર્મદા કિનારે આવેલ એક મોટું મત્સ્ય કેન્દ્ર "ભાડભૂત"

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE

ઇમેજ કૅપ્શન, ભરૂચમાં નર્મદા કિનારે આવેલું એક મોટું મત્સ્ય કેન્દ્ર "ભાડભૂત"

બંગાળમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિલ્સાનું ઉત્પાદન ઘટ્યું છે. તેવામાં ગુજરાતના ભરૂચમાં સ્થાનિક માછીમારો, વેપારીઓ અને નિકાસકારોનું કહેવું છે કે, ભરૂચમાં હિલ્સાનો જથ્થો 2025ના ચોમાસામાં પાંચથી સાત હજાર ટન રહ્યો છે, જે ખૂબ જ વધારે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતથી સી-ફૂડ ઍક્સપૉર્ટર નદીમ પાંજા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે આ વર્ષે સૌથી વધારે હિલ્સા ભરૂચમાં જોવા મળી છે.

તેમનું કહેવું છે કે ગુજરાતના ભરૂચ જિલ્લાના ભાડભૂત વિસ્તારમાં માત્ર બે મહિનામાં 6 હજાર ટનથી વધારે હિલ્સા આવી છે.

ભાડભૂત હિલ્સા માછલીનું ગુજરાતનું સૌથી મોટું કેન્દ્ર છે. ત્યાર બાદ વેરાવળમાં પણ આ જોવા મળે છે.

નદીમ પાંજાનું કહેવું છે કે ભરૂચમાં દૈનિક 200થી 300 ટન હિલ્સા માછલી ઊતરતી હતી.

ભરૂચથી મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી ચીમન ટંડેલ બીબીસી ગુજરાતીને કહે છે કે "આ વર્ષે તેટલી હિલ્સા પકડાઈ હતી કે તેને સ્ટોર કરવા માટે બરફ પણ ખૂટી ગયો હતો, કારણ કે તેને સાચવી શકવાની પૂરતી ક્ષમતા ન હતી. એક એક હોળીવાળા 100થી 500 નંગ હિલ્સા પકડી લાવતા હતા."

નદીમ પાંજા કહે છે, "ઉત્પાદન એટલું વધારે હતું કે વધુ હિલ્સાને કારણે ટ્રાન્સપૉર્ટેશન અને સાચવણીના પ્રશ્નો ઊભા થયા હતા, તેથી 20થી 25 ટન માછલી તો ફેંકી દેવી પડતી હતી."

ભાડભૂત ગ્રામપંચાયતના સરપંચ સુનીલભાઈ માછી બીબીસીને જણાવે છે કે આ વખતે હિલ્સાનું ઉત્પાદન આશરે મહત્તમ પાંચથી સાત હજાર ટન રહ્યું. તેને હું તે રીતે જોઉં છું કે ગુજરાતના નાનામાં નાના માણસે પણ આ વખતે હિલ્સા ખાધી છે.

માછલીનું ઉત્પાદન 2025ના મે, જૂન, જુલાઈમાં જોવા મળ્યું હતું.

કર્મશીલ મધુભાઈ સોનેરી જણાવે છે, વેરાવળમાં પણ આખી સિઝન દરમિયાન હિલ્સાનું ઉત્પાદન 88થી 100 ટન જેટલું થયું હોવાનો સ્થાનિક માછીમારો દાવો કરે છે.

ફિશરમેનના પ્રશ્નોને લઈને સક્રિય કર્મશીલ મનીષભાઈ થાવર બીબીસી ગુજરાતી કહે છે કે વેરાવળમાં અગાઉનાં વર્ષોની સરખામણીમાં છેલ્લાં બે વર્ષમાં હિલ્સાનું ઉત્પાદન વધુ જોવા મળ્યું છે. અત્યારે દેખાય છે કે હિલ્સા આવી રહી છે. જે ભરૂચ કરતાં ઘણું ઓછું છે પણ છેલ્લાં વર્ષોની સરખામણીમાં વધારે છે.

તેનાં કારણો વિશે પણ આપણે આગળ જાણીશું.

તે પહેલાં ગુજરાત સરકારના સૌથી છેલ્લે પ્રકાશિત થયેલ આંકડાઓ તરફ નજર કરીએ.

ગુજરાતમાં માછલીનું ઉત્પાદન

ભરૂચમાં કેટલીક માછલીઓ પર બરફ નાખતાં ભાડભૂતનાં મહિલા માછીમાર

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE

ઇમેજ કૅપ્શન, ભરૂચમાં કેટલીક માછલીઓ પર બરફ નાખતાં ભાડભૂતનાં માછીમાર

ગુજરાત સરકારની મત્સ્યઉદ્યોગ કમિશનરની કચેરી (ગાંધીનગર) દ્વારા બહાર પાડવામાં આવતા સત્તાવાર આંકડાકીય અહેવાલો અનુસાર, ગુજરાતમાં નદી તળાવ અંતર્દેશીય મત્સ્ય ઉત્પાદન વર્ષ 2008-09માં આશરે 82,047 મેટ્રિક ટન હતું, જે વર્ષ 2023-24માં વધીને 2,03,073 મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે.

આ દર્શાવે છે કે રાજ્યમાં મીઠા પાણીની માછલીઓના ઉછેરમાં છેલ્લાં 15 વર્ષમાં અઢી ગણો વધારો થયો છે.

બીજી તરફ, દરિયાઈ મત્સ્ય ઉત્પાદન પણ 7.04 લાખ મેટ્રિક ટન જેટલું રહ્યું હતું.

હિલ્સાના છેલ્લા આંકડા તરફ ધ્યાન આપીએ તો, હિલ્સા માછલી ગુજરાત માટે આર્થિક ધોરણે ખૂબ મહત્ત્વની છે.

દરિયાઈ હિલ્સાનું ઉત્પાદન વર્ષ 2011-12માં 1600 મેટ્રિક ટન હતું, વર્ષ 2023-24માં તે 8,084 મેટ્રિક ટન નોંધાયું.

હિલ્સા તેના ઊંચા ભાવને કારણે રાજ્યની આવકમાં મોટું યોગદાન આપે છે. વર્ષ 2022-23માં હિલ્સાનું કુલ મૂલ્ય આશરે રૂપિયા 305 કરોડ (23848.84 લાખ) જોવા મળ્યું હતું.

આ સૌથી છેલ્લે પ્રકાશિત થયેલા આંકડા છે.

આ વચ્ચે સૌથી મહત્ત્વનો સવાલ છે કે, ગુજરાતમાં હિલ્સાનું પ્રમાણ વધવા પાછળનું કારણ?

ગુજરાતમાં હિલ્સાનું પ્રમાણ વધવા પાછળનું કારણ?

2025ના મેં, જૂન, જુલાઈમાં જોવા મળેલ હિલ્સાના જથ્થાની તસવીર

ઇમેજ સ્રોત, Chiman Tandel

ઇમેજ કૅપ્શન, 2025ના મે, જૂન, જુલાઈમાં જોવા મળેલ હિલ્સાના જથ્થાની તસવીર

મત્સ્યઉદ્યોગ નાયબ નિયામક કિરીટ આર પટણી બીબીસીને જણાવે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં નર્મદામાં પાણીની આવક સારી જોવા મળી છે. તેથી સરદાર સરોવર ડૅમમાંથી પાણી છૂટ્યું છે, અને તેના લીધે હિલ્સાને સુરક્ષિત વાતાવરણ મળ્યું છે.

કિરીટ આર પટણી કહે છે, "હિલ્સા બ્રીડિંગ માટે નર્મદાના મુખમાં ખાસ આવતી હોય છે અને ભરૂચના નર્મદાના વિસ્તારો હિલ્સા બ્રીડિંગ માટેનું અનુકૂળ સ્થળ છે."

સેન્ટ્રલ ઇનલૅન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. બીકે દાસ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, આ વર્ષે પડેલો ભારે વરસાદ અને મીઠા પાણીની આવકમાં વધારો હિલ્સાના વધુ ઉત્પાદન પાછળ જવાબદાર છે.

વેરાવળની ફિશરિઝ કૉલેજમાં ડિપાર્ટમેન્ટ ઑફ ફિશરિઝ એન્જિનિયરિંગના પ્રોફેસર કેતન ટાંક બીબીસી ગુજરાતીને જણાવે છે, હિલ્સાના કિસ્સામાં પુખ્તવયનો (એડલ્ટ) નર દરિયામાં રહે છે. ત્યારે પ્રજનન માટે નર અને માદા માઇગ્રેટ કરીને ચોખ્ખા (મીઠા પાણી)માં આવતાં હોય છે. ત્યાં જ માદા ઈંડાં મૂકે છે.

"તે એક લાખથી પણ વધુ ઈંડાં મૂકી શકે છે. છ મહિના સુધી તે ઈંડાંમાંથી બહાર ન આવે ત્યાં સુધી હિલ્સા મીઠા પાણીમાં રહે છે."

"ત્યાર બાદ પાછા ફરતી વખતે હિલ્સાને સમુદ્ર અને નદી જ્યાં મળતા હોય ત્યાં પકડવામાં આવે છે. આ પરિસ્થિતિઓ પ્રમાણે ગુજરાતમાં નર્મદા અને ખંભાતનો અખાત હિલ્સા માટે અનુકૂળ સાબિત થાય છે."

પ્રો. કેતન ટાંક ઉમેરે છે, તે જ્યાં નદી દરિયા સાથે જોડાતી હોય ઉપરાંત બારે માસ વહેતી હોય તેવી નદીઓમાં હિલ્સા આવવાની શક્યતા વધી જતી હોય છે.

"તે એક કારણ છે કે નર્મદા જેવી નદી અને ગુજરાતમાં હિલ્સા વધુ જોવા મળે છે."

આ જ બાબત પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળે છે. ત્યાં પણ ગંગા નદી જેવી નદીઓ દરિયા સાથે જોડાય છે. બાંગ્લાદેશમાં પણ આવું જ જોવા મળે છે.

પ્રો. કેતન ટાંક અગત્યની માહિતી આપતા જણાવે છે કે, "ઉપરાંત હિલ્સાની સૌથી મોટી ખાસિયત છે કે, સમુદ્રથી નદી તરફ માઇગ્રેશન માટે જાણીતી છે. લાઇફ સાઇકલ પૂર્ણ કરવા માટે ચોખ્ખા પાણીની જરૂરિયાત રહેતી હોય છે. આ વખતે હિલ્સા આવી તેની પાછળનું મુખ્ય કારણ આ વર્ષે થયેલું તેમનું વધુ માઇગ્રેશન છે."

વેરાવળમાં બોટ માલિક ઍસોસિયેશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "વેરાવળ, માંગરોળ હોય કે પોરબંદરના દરિયાકિનારાઓમાં ભરૂચ જેટલું હિલ્સાનું ઉત્પાદન જોવા મળતું નથી. વેરાવળમાં સૌથી વધારે રિબન ફિશ, નરસિંગા જેવી માછલીઓ વધારે જોવા મળે છે."

ભરૂચમાં બરફના ઢગલા વચ્ચે રહેલ હિલ્સાના જથ્થાની તસવીર

ઇમેજ સ્રોત, Chiman Tandel

ઇમેજ કૅપ્શન, ભરૂચમાં બરફના ઢગલા વચ્ચે રહેલ હિલ્સાના જથ્થાની તસવીર

તુલસીભાઈ ગોહેલ કહે છે, "વેરાવળમાં જોવા મળતી હિલ્સા સ્થાનિક માછીમારોમાં ચાકસી તરીકે ઓળખાય છે. જે વેરાવળમાં જોવા મળતી પાલ્વાની જ એક પ્રજાતિ છે. જોકે હિલ્સા અને પાલ્વાના સ્વાદમાં ઘણો ફરક જોવા મળે છે. વેરાવળથી પાલ્વાની માત્રા ઘટી છે."

"અત્યારે વેરાવળમાં 1200 રૂપિયે કિલો તાજી ચાકસી (હિલ્સા) જાય છે અને થોડી નબળી પડે તો પણ તે 400 પર કિલો વેચાય છે."

પોરબંદરથી માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવણભાઈ જુંગી જણાવે છે કે, હિલ્સાનું પ્રમાણ તાપમાન પર આધારિત છે. બારેમાસ હિલ્સા જોવા મળતી નથી.

જીવણભાઈ જણાવે છે, જુલાઈ ઑગસ્ટમાં વેરાવળમાં જોવા મળે છે. પાણીનું તાપમાન વધઘટ થાય તે પણ તેમની હાજરીમાં વધારો કે ઘટાડો થતો હોય છે.

તેઓ કહે છે, અહીંયાં જોવા મળતી હિલ્સા પ્રમાણમાં નાની હોય છે. હિલ્સાને તેવું પાણી વધારે માફક આવે જે સ્થાનિક ભાષામાં ભાંભરું જે અખાત વિસ્તારમાં જોવા મળે જેમાં મીઠું અને ખારું પાણી ભેગું થતું હોય છે. કાંપ પ્રદેશમાં વધારે જોવા મળી છે."

ગુજરાતની હિલ્સા વિશે

જૂન માસ 2025માં પકડેલી તાજી હિલ્સાની તસવીર

ઇમેજ સ્રોત, Chiman Tandel

ઇમેજ કૅપ્શન, જૂન માસ 2025માં પકડેલી તાજી હિલ્સાની તસવીર

ડૉ. બીકે દાસ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, હિલ્સાના ચાર પ્રકાર જોવા મળતા હોય છે, પણ મુખ્યત્વે ભારતભરમાં બે જ પ્રકાર સૌથી વધારે જોવા મળે છે.

ભારતની બ્રહ્મપુત્ર નદીમાં હિલ્સાની બેથી ત્રણ જાત જોવા મળે છે.

પ્રોફેસર કેતન ટાંક બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, ગુજરાતની હિલ્સા માછલીમાં બે પ્રકાર પ્રખ્યાત છે, "હિલ્સા ઇલિશા, ટેન્યુઆલોસા ઇલિશા."

પ્રો. કેતન ટાંક કહે છે, "હિલ્સામાં અત્યંત સ્વાદિષ્ટ માછલી છે. તેનો સ્વાદ ખૂબ અલગ હોય છે. માછલી ખાનાર રસિકોનું કહેવું છે કે તેનો સ્વાદ રિજિનલ માછલીના સ્વાદનો અનુભવ કરાવે છે. તેને ફ્રાય કરીને ખાવામાં તે જાણીતી છે. ઉપરાંત સારા સ્વાસ્થ્ય માટે પણ કારગર સાબિત છે. તેમાં 18થી 20% પ્રોટીન હોય છે. તેમાં સફેદ માંસ હોય છે જેના કારણે તેનો સ્વાદ પકડાય છે."

જોકે, તેમાં કાંટા વધુ પ્રમાણમાં જોવા મળે છે.

ભરૂચના માછલી વેચતા વેપારીઓનું શું કહેવું છે?

ભાડભૂતના નર્મદા કિનારે માછીમારો

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE

ઇમેજ કૅપ્શન, ભાડભૂતના નર્મદા કિનારે માછીમારો

ભરૂચથી મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી ચીમન ટંડેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, ભરૂચમાં જ્યાં નર્મદા નદીનું દરિયામાં સંગમ થાય છે ત્યાં અને પશ્ચિમ બંગાળમાં જ્યાં ગંગા નદીનું દરિયામાં સંગમ થાય છે ત્યાં હિલ્સા સૌથી વધારે નીકળે છે.

ચીમન ટંડેલનું કહેવું છે કે, ભરૂચના ભાડભૂતથી મુંબઈ અને સૌથી વધુ કોલકાતા જેવા વિસ્તારોમાં હિલ્સા સપ્લાય થાય છે. ત્યાંથી ભારત બહાર પણ જાય છે.

ચીમન ટંડેલ જણાવે છે, ભાડભૂતની આસપાસ ભરૂચ વેજલપુર, હાંસોટ, દહેજ, જાગેશ્વર જેવા વિસ્તારો નર્મદા નદીના કિનારાઓએ સ્થિત છે. અહીંયાં ફિશિંગ એરિયા છે જે ભાડભૂતથી 20 કિલોમીટર દૂર છે.

"ઘણાં વર્ષોથી પ્રોડક્શન ઘણું ઓછું જોવા મળતું હતું, પરંતુ છેલ્લાં બે વર્ષોથી હિલ્સાનું ઉત્પાદન આસમાને જોવા મળ્યું છે."

તેઓ કહે છે, સરદાર સરોવર ડૅમ બન્યો ન હતો ત્યારે એક ફિશરમેનને 400થી 500 નંગ 6 કલાકમાં મળી રહેતા હતા. કેમ કે, તે બાજુ નર્મદાનો પ્રવાહ સૌથી વધારે જોવા મળતો હતો."

ભરૂચમાં હિલ્સાને ઈંડાંવાળી હોય તો ચાકસી અને ઈંડાં વગરની હોય પાલ્વા ઉપરાંત સ્થાનિક લોકો મોદણ તરીકે પણ ઓળખે છે.

ચીમન ટંડેલ કહે છે, ઈંડાં વગરની હિલ્સાનો ભાવ 600થી 700 રૂપિયા રહે છે. ઈંડાંવાળી હિલ્સાનો ભાવ 800થી 900 સુધી પણ રહેતો હોય છે.

મોંઘી માછલી હિલ્સા

ભરૂચથી ટેમ્પોમાં ભરાઈ રહેલી હિલ્સા

ઇમેજ સ્રોત, Chiman Tandel

ઇમેજ કૅપ્શન, ભરૂચથી ટેમ્પોમાં ભરાઈ રહેલી હિલ્સા

નદીમ પાંજા કહે છે, પાલ્વા હકીકતમાં કાળી હિલ્સા છે, જે વેરાવળના વરંગવાળામાં જોવા મળે છે. સફેદ હિલ્સા કરતાં કાળી હિલ્સા થોડી સસ્તી વેચાતી હોય છે.

નદીમ પાંજા જણાવે છે, ગુજરાતની હિલ્સાનો સ્વાદ તે હદ સુધીનો નથી હોતો જેટલો બાંગ્લાદેશી અને બર્માની હિલ્સામાં હોય છે, સ્વાદ અનુસાર બાંગ્લાદેશ અને બર્મા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે જોવા મળે છે.

"1200 રૂપિયે કિલો વેચાતી હિલ્સા આ વર્ષે 150થી 200 રૂપિયે કિલોના ભાવે વેચાઈ છે, કારણ કે અતિશય વધારે ઉત્પાદન થયું હતું."

બંગાળી લોકોમાં હિલ્સા ટ્રેડિશનલ ફૂડ છે, બંગાળી લોકો શુભ પ્રસંગો અને રોજિંદા ખોરાક તરીકે હિલ્સાનો ખાવામાં ઉપયોગ કરતાં હોય છે.

હિલ્સાના ભાવ વિશે પ્રો. ટાંક કહે છે કે અમુક વર્ષો પહેલા હિલ્સા ગુજરાતથી નિકાસ થતી હતી.

"પણ હાલમાં એવું જોવા મળ્યું છે કે, નિકાસમાં જે ભાવ મળે છે, તે જ ભાવ જ્યારે ડોમેસ્ટિક ટ્રાન્સફર કરવાં આવે ત્યારે મળી જાય છે."

હિલ્સાના ફાયદા

અન્ય એક મહિલા માછીમારના હાથમાં હિલ્સા માછલી

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE

ઇમેજ કૅપ્શન, અન્ય એક મહિલા માછીમારના હાથમાં હિલ્સા માછલી

"ન્યુટ્રિશનલ વેલ્યુઝ, કન્ઝમ્પશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ હિલ્સા"ના રિસર્ચ પેપર અનુસાર, હિલ્સામાં સૌથી મહત્ત્વનું ઓમેગા-3 ફેટી ઍસિડ હોય છે. તે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રૉલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રૉલમાં વધારો કરવામાં મદદ કરે છે.

હિલ્સાનું તેલ ત્વચા માટે પણ ગુણકારી થતું હોય છે. તેમાંથી મળતું ઓમેગા-3 સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપે છે.

ડૉ. બીકે દાસ કહે છે, હિલ્સામાંથી પ્રાપ્ત થતું ઓમેગા-3 હૃદય માટે ખૂબ સારું રહેતું હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન