ભારત-પાકિસ્તાન સંઘર્ષનું એક વર્ષ : ડ્રૉનને કારણે બંને દેશોની લશ્કરી રણનીતિ કેવી રીતે બદલાઈ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારતીય સૈન્ય,

ઇમેજ સ્રોત, Nasir Kachroo/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય સૈનિકો ઑપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ડ્રૉનને ઊંચકીને લઈ જતા દેખાઈ રહ્યા છે, આ ડ્રૉન અને હથિયારોને જાહેર જનતા માટે પ્રદર્શન માટે મુકાયાં હતાં
    • લેેખક, જુગલ પુરોહિત અને પ્રચેતા પાંજા
    • પદ, દિલ્હીથી
    • લેેખક, ફરહત જાવેદ
    • પદ, ઇસ્લામાબાદથી
  • વાંચવાનો સમય: 9 મિનિટ

એક વર્ષ પહેલાં ભારતે પાકિસ્તાનની અંદર આવેલી કથિત 'આતંકવાદી છાવણીઓ' પર હુમલા શરૂ કર્યા હતા. આ લશ્કરી કાર્યવાહીનું કોડ-નેમ રાખવામાં આવ્યું હતું 'ઑપરેશન સિંદૂર'.

22 એપ્રિલ, 2025ના રોજ પહલગામ શહેરમાં ચરમપંથી હુમલામાં 26 પ્રવાસીઓ અને એક સ્થાનિકની હત્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ભારતે આ હુમલા માટે પાકિસ્તાનસ્થિત ઉગ્રવાદી જૂથોને દોષી ઠેરવ્યાં હતાં. જ્યારે પાકિસ્તાને કોઈપણ પ્રકારની સંડોવણીનો ઇન્કાર કર્યો હતો.

ત્યારબાદ 7થી 10 મે, 2025ની વચ્ચે કંઈક નવુંં થયું, તેને વ્યાપક રીતે ઉપખંડમાં પરમાણુ હથિયાર ધરાવતા બે પડોશી દેશો વચ્ચેનું પહેલું ડ્રૉન યુદ્ધ માનવામાં આવ્યું.

'યિહા', 'હારોપ' અને 'સોંગાર' જેવા શબ્દો - જે બંને પક્ષો દ્વારા તહેનાત કરવામાં આવેલા માનવરહિત હવાઈ પ્રણાલીઓનાં નામ હતાં - હવે આ પ્રદેશના લશ્કરી શબ્દકોશમાં પ્રવેશ્યા.

માનવરહિત હવાઈ પ્રણાલીઓ દાયકાઓથી અસ્તિત્વ ધરાવે છે. અમેરિકાનાં 'પ્રેડેટર' ડ્રૉન્સે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને યમનમાં નિશાન સાધીને હુમલા કર્યાં છે, પરંતુ ટૅક્નૉલૉજીનો પ્રસાર પ્રચાર વધતા હવે આ ક્ષેત્રમાં એકાધિકાર કે એકલવાયું પ્રભુત્વ ખતમ થઈ ગયું છે.

ડ્રૉન ટૅક્નૉલૉજીની ગતિ, ઓછો ખર્ચ અને વ્યાપક ઉપલબ્ધતાએ આધુનિક યુદ્ધની રીતોને બદલી નાખી છે. યુક્રેનનાં યુદ્ધક્ષેત્રો હોય કે યુએસ, ઇઝરાયલ અને ઈરાન સાથે જોડાયેલા હુમલાઓ, ડ્રૉનકેન્દ્રિત લડાઇ હવે વધારે જાણીતી બની છે.

એક વર્ષ પહેલાં ભારતે લોઇટરિંગ મ્યુનિશન્સ, જેને પાકિસ્તાનની રડાર સિસ્ટમોને નષ્ટ કરવા માટે બનાવવામાં આવ્યાં હતાં, જેને ક્રુઝ મિસાઇલો સાથે જોડવામાં આવ્યાં હતાં. બીજી તરફ પાકિસ્તાને પણ ભારતીય સ્થાનો પર નિશાન સાધવા માટે ડ્રૉન સ્વૉર્મ્સ તહેનાત કર્યાં હતાં.

એક વર્ષ પછી પણ, એ ચાર દિવસમાં મળેલા બોધપાઠમાંથી શીખવામાં આવે છે.

આકાશમાં આંખ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારતીય સૈન્ય,

ઇમેજ સ્રોત, Nasir Kachroo/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય સૈન્યે ઑપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલાં હથિયારો અને ડ્રૉનનું પ્રદર્શન યોજ્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય અધિકારીઓ કહે છે કે ડ્રૉન તરફનો અભિગમ મે 2025ની પહેલાંથી જ શરૂ થઈ ગયો હતો. સત્તાવાર માહિતી મુજબ 1 નવેમ્બર, 2024 અને 31 ઑક્ટોબર, 2025ની વચ્ચે ભારત-પાકિસ્તાનની 3,323 કિમી લાંબી સરહદ પર કુલ 1,816 ડ્રૉન જોવાં મળ્યાં હતાં.

ભારતની બોર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) અનુસાર, ડ્રૉનનો ઉપયોગ પાકિસ્તાનમાંથી ભારતમાં નશીલા પદાર્થો, શસ્ત્રો અને દારૂગોળા સપ્લાય કરવા માટે કરવામાં આવતો હતો.

2023માં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝના તત્કાલીન સંરક્ષણ સલાહકારે પણ સલામતીની ચિંતાઓ અને આવી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે સરકારના પ્રયાસો પર ચર્ચા કરતી વખતે સરહદી વિસ્તારમાં દાણચોરો દ્વારા હેરોઇનના સપ્લાય માટે ડ્રૉનનો ઉપયોગ કરાતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

જૂન 2021માં જમ્મુમાં ભારતીય વાયુસેના (IAF)ના બેઝ પર બે વિસ્ફોટો થયા હતા. બાદમાં પોલીસે શોધી કાઢ્યું કે આ હુમલામાં ડ્રૉનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સૂચવે છે કે IAF વિમાન લક્ષ્ય પર હતું, જોકે કોઈ નુકસાન થવાનું નોંધાયું નથી. આ ઘટનાએ સંરક્ષણ એજન્સીઓને લશ્કરી છાવણીઓની આસપાસની સલામતી તેમજ હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવાની ફરજ પાડી હતી.

ઇસ્લામાબાદમાં સુરક્ષા નિષ્ણાત સૈયદ મુહમ્મદ અલીએ જણાવ્યું કે પાકિસ્તાનને પણ ડ્રૉનના પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેનો ઉપયોગ વર્તમાન ભારતીય સેના અને તાલિબાન બંનેએ કર્યો હતો.

2025થી માનવરહિત હવાઈ વાહનો (UAVs) ગુપ્ત માહિતી એકઠી કરવામાં અને હુમલાઓ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.

ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો અને હવાઈ ક્ષેત્રોને સલામત રાખવાનું કામ ભારત માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધેલી શત્રુતાને કારણે ખૂબ જટિલ બની ગયું છે. બીજી બાજું પાકિસ્તાને પણ 2024થી ભારત, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે અથડામણો કરી છે.

તેથી ભારત અને પાકિસ્તાન બંને પોતાની ક્ષમતાઓ વધારી રહ્યા છે. અને તેમાં ડ્રૉન, ભલે તે સશસ્ત્ર હોય કે નિઃશસ્ત્ર, તેમની યાદીમાં સામેલ છે.

નવાં જોખમ, નવું સંરક્ષણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારતીય સૈન્ય,

ઇમેજ સ્રોત, Nasir Kachroo/NurPhoto via Getty Images

IAFના ઍર ઑપરેશન્સના ડાયરેક્ટર જનરલ ઍર માર્શલ એકે ભારતીએ તાજેતરમાં જણાવ્યું હતું કે સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનનાં "અવિરત" ડ્રૉન ઑપરેશન્સ ભારતની જવાબી કાર્યવાહીનાં મુખ્ય કારણમાં હતાં.

સંરક્ષણ મંત્રાલય (MoD)ના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે, "પહેલાં અમે દુશ્મનનાં ફાઇટર જેટ, હેલિકૉપ્ટર અથવા મિસાઇલો પર નજર રાખતા હતા, હવે અમારે દરેક કદ અને આકારનાં વિવિધ ઊંચાઈ પર ઊડતાં ડ્રૉન પણ ઓળખવા પડશે."

અને તેની અસર માત્ર સંઘર્ષ પૂરતી સીમિત નથી.

પાકિસ્તાનમાં, લશ્કરી અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે કઈ રીતે આતંકવાદ વિરોધી કામગીરીમાં ડ્રૉન ધીમે ધીમે પરંપરાગત હવાઈ હુમલાઓનું સ્થાન લઈ રહ્યાં છે.

તાજેતરમાં આતંકવાદ વિરોધી ઑપરેશનમાં સામેલ એક પાકિસ્તાની અધિકારીએ બીબીસીને જણાવ્યું કે, "ડ્રૉન આધારિત ઑપરેશન્સ વધુ અસરકારક છે કારણ કે તેનાથી ઓછામાં ઓછું નુકસાન થાય છે."

ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO)ના ભૂતપૂર્વ ચૅરમૅન ડૉ. જી. સતીશ રેડ્ડીએ બીબીસીને જણાવ્યું કે ભારતની સંકલિત પ્રણાલીએ "કાઇનેટિક ઇન્ટરસેપ્ટર, ઇલેક્ટ્રોનિક વૉરફેર જામર અને પરંપરાગત ઍર-ડિફેન્સ ગન દ્વારા મોટા પાયે થતા ટોળાગત હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે."

અધિકારીઓનું કહેવું છે કે ખર્ચ એક મોટી ચિંતાનો વિષય છે.

એક ભારતીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, "સસ્તાં ડ્રૉનને તોડી પાડવા માટે અમે મોંઘી મિસાઇલોનો ઉપયોગ ન કરી શકીએ. અમારાં સંસાધનો ખર્ચાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે."

પાકિસ્તાન પણ દાવો કરે છે કે તેણે સંઘર્ષ દરમિયાન મોટાં પાયે ડ્રૉનનાં જોખમોને નિષ્ક્રિય કર્યાં હતાં.

ઇસ્લામાબાદ સ્થિત સુરક્ષા વિશ્લેષક સૈયદ મુહમ્મદ અલીએ જણાવ્યું કે પાકિસ્તાને ડ્રૉનની સામે ગતિશીલ અને બિન-ગતિશીલ બંને પ્રકારનાં સંરક્ષણો વિકસાવ્યાં છે. તેમના જણાવ્યા અનુસાર ભારત દ્વારા ઉપયોગમાં લેવાતાં ઇઝરાયલ-નિર્મિત હેરોન ડ્રૉન સામે આ સંરક્ષણ તંત્રોને અસરકારક રીતે તહેનાત કરવામાં આવ્યાં હતાં.

પાકિસ્તાની લશ્કરી અધિકારીઓએ બીબીસીને એમ પણ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની અંદર આતંકવાદ વિરોધી મિશનમાં પરંપરાગત હવાઈ હુમાલાઓને સ્થાને ડ્રૉન-આધારિત ઑપરેશન્સનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે.

પરંતુ ડ્રૉન સામે હવાઈ સંરક્ષણનો પડકાર માત્ર દક્ષિણ એશિયા સુધી મર્યાદિત નથી.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરી અને માર્ચ 2026 વચ્ચે, ઈરાને પડોશી દેશો સામે 4,000થી વધુ મિસાઇલો અને ડ્રૉન છોડ્યાં હતાં. તેમાંથી અમુક જ તેમનાં લક્ષ્યો સુધી પહોંચ્યાં હતાં. પરંતુ આ હુમલાઓએ વૈશ્વિક ઊર્જા અને નાણાકીય બજારોમાં નોંધપાત્ર વિક્ષેપ ઊભો કર્યો હતો.

વિષ્લેષણમાં એ પણ ઉમેરવામાં આવ્યું કે, "ગલ્ફ કૉ-ઑપરેશન કાઉન્સિલ (GCC)ના દેશો દ્વારા ઈરાની મિસાઇલને રોકવાનું પ્રમાણ વધારે હોવા છતાં, અમુક મુખ્ય ઠેકાણાઓ પર હુમલો કરવામાં ઈરાનની સફળતા તેમના હવાઈ અને મિસાઇલ-સંરક્ષણ સ્થાપત્યની મર્યાદાઓને છતી કરે છે."

ભારતનું કહેવું છે કે તેમણે પોતાની સરહદો પરનાં મુખ્ય બિંદુઓ પર બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં રોકાણ કરીને આવી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

શસ્ત્રાગાર બનાવવું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અનુસાર 2025માં 92.1 બિલિયન ડૉલરના ખર્ચ સાથે ભારત વિશ્વનો પાંચમો સૌથી મોટો લશ્કરીખર્ચ કરનારો દેશ હતો. તેની સરખામણીમાં પાકિસ્તાને લગભગ 11.9 બિલિયન ડૉલરનો ખર્ચ કર્યો હતો.

ભારતનાં સશસ્ત્ર દળો ઇઝરાયલ નિર્મિત સિસ્ટમોનો ઉપયોગ કરે છે. ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS)ના ડેટા મુજબ સેના, નૌકાદળ અને વાયુસેના હેરોન અને સર્ચર MkI/II ડ્રૉનનો ઉપયોગ કરે છે. બંને મીડિયમ ઍલ્ટિટ્યુડ લૉંગ ઍન્ડ્યુરન્સ (MALE) શ્રેણીનાં છે અને તેનો મુખ્ય ઉપયોગ દેખરેખ રાખવા માટે થાય છે.

સર્ચર ભારતનું પ્રથમ ડ્રૉન હતું, જે 1999માં ખરીદવામાં આવ્યું હતું. સેનાના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ વેદ પ્રકાશ મલિકે માર્ચ 1999માં ઇઝરાયલમાં બેન ગુરિયન ઍરપૉર્ટ નજીક સર્ચર 1નું પ્રદર્શન જોયું હતું તે યાદ કરતાં કહ્યું, "આ પ્રકારનું એ પહેલું પ્રદર્શન હતું."

એવો દાવો કરવામાં આવે છે કે હેરોન મિશનના આધારે 35,000 ફૂટની ઊંચાઈએ 45 કલાક સુધી હવામાં રહી શકે છે, જ્યારે સર્ચરની ક્ષમતા તેની કરતાં ઓછી છે.

ભારત હવે સહનશક્તિની સાથે વધુ મારણક્ષમતા પણ ઇચ્છી રહ્યું છે.

એક સમાચાર અનુસાર અમેરિકા સાથે 3.5 અબજ ડૉલરથી વધુનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર અંતર્ગત 31 MQ-9B હાઇ ઍલ્ટિટ્યુડ લૉંગ ઍન્ડ્યુરન્સ (HALE) સશસ્ત્ર ડ્રૉન ખરીદવામાં આવશે. તેમાંથી 15 નૌકાદળ માટે, 8 આર્મી અને 8 વાયુસેના માટે રહેશે.

તેની ડિલિવરી 2029માં શરૂ થશે અને 2030 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

નેવલ ઍવિએશનના ભૂતપૂર્વ ફ્લેગ ઑફિસર, રીઅર ઍડમિરલ પીજી ફિલિપોસે (નિવૃત્ત), MQ-9Bને "એક ખૂબ જ શક્તિશાળી પ્લૅટફૉર્મ" ગણાવ્યું અને નોંધ્યું કે "નૌકાદળ પહેલાથી તેમનું એક દરિયાઈ ઉપકરણ ભાડા પર ચલાવી રહ્યું છે. દેખરેખ, માનવીય સહાય, અને બીજાં અનેક કામોમાં રહેલી ક્ષમતાઓ તેને ગેમ ચૅન્જર બનાવે છે."

હુમલાખોર ડ્રૉન - જેને લોઇટરિંગ મ્યુનિશન અથવા કામિકાઝ ડ્રૉન કહેવામાં આવે છે, જે પોતાની સાથે વૉરહેડનું વહન કરે છે અને અથડતાની સાથે વિસ્ફોટ કરે છે - તેની માટે ભારત હજુ પણ આયાત પર નિર્ભર છે.

IISSના ડેટા અનુસાર ઇઝરાયેલનાં હારોપ, મિની-હાર્પી અને સ્કાયસ્ટ્રાઇકર (બૅંગ્લુરુસ્થિત આલ્ફા ડિઝાઇન ટૅક્નૉલૉજીસની ભાગીદારીમાં બનેલ)ની સાથે નાગાસ્ત્ર પણ આ ક્ષેત્રે મહત્ત્વની સિસ્ટમ છે.

એક એવું ક્ષેત્ર જેમાં ભારત આત્મનિર્ભરતા પ્રયત્નશીલ છે તે નાનાં વ્યૂહાત્મક ડ્રૉન છે, જેમ કે ક્વૉડકૉપ્ટર અને તેના જેવી અન્ય સિસ્ટમ, જેનો ઉપયોગ દેખરેખ અને સ્વૉર્મ ઑપરેશન્સમાં કરવામાં આવે છે.

અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે એક એવી "હ્યુમન-ઇન-ધ-લૂપ" સિસ્ટમ પર કામ ચાલી રહ્યું છે, જેની મદદથી એક જ ઑપરેટર એકસાથે અનેક UAVsના મોટા કાફલાને નિયંત્રિત કરી શકાય.

સપ્લાય ચેઇનનાં જોખમો અને ચીન પર નિર્ભરતા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Salman Ali/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈન્યનાં બે મહિલા ઑફિસર અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા સમયાંતરે પ્રેસ કૉન્ફરન્સ હાથ ધરાતી હતી

એક મહત્ત્વનું જોખમ હજી પણ છે: સપ્લાય ચેઇન.

મેજર જનરલ મંદીપસિંહ (નિવૃત્ત), જે હવે એક ખાનગી ડ્રૉન કંપનીના સંરક્ષણ વિભાગનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે બીબીસીને જણાવ્યું કે ચીન મુખ્ય ડ્રૉનના મુખ્ય ઘટકોના આયાત બજાર પર પ્રભુત્વ ધરાવે છે, જેમાં ફ્લાઇટ કંટ્રોલર્સ, સ્પીડ કંટ્રોલર્સ અને કૉમ્યુનિકેશન હાર્ડવેરનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું, "ડ્રૉનના મુખ્ય ચાર ઘટકો હોય છે. પ્રથમ ફ્લાઇટ કંટ્રોલર છે, જે ડ્રૉનનું મગજ છે. પછી સ્પીડ કંટ્રોલર, જે ફ્લાઇટ કંટ્રોલરથી મોટર્સ સુધી સંદેશો પહોંચાડે છે અને ડ્રૉનને ઉડાન દરમિયાન કામગીરી કરવામાં દિશા પૂરી પાડે છે. ત્યાર બાદ ડ્રૉન અને ઑપરેટર વચ્ચે વાતચીત માટે ડ્રૉનનું રીસીવર/ટ્રાન્સમીટર હોય છે અને અંતે કૅમેરા. હવે આ ચાર મુખ્ય ક્ષેત્રોમાં આપણે અત્યાર સુધી મોટાભાગે આયાત પર નિર્ભર રહ્યા છીએ, પરંતુ હવે તેમાં થોડોઘણો સુધારો થયો છે."

તેમણે ઉમેર્યું, "સસ્તા ચાઇનીઝ ઘટકોને સંપૂર્ણપણે બદલવા માટે અમારે હજુ ઘણો રસ્તો કાપવાનો બાકી છે."

"'ઑપરેશન સિંદૂર'માંથી સૌથી મોટો બોધપાઠ એ મળ્યો કે ભારતે ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવી પડશે અને પોતાની સપ્લાય ચેઇન વધારે મજબૂત બનાવવી પડશે."

ભારતનાં સશસ્ત્ર દળોના સપ્લાયર, IG ડિફેન્સના સ્થાપક અને CEO બોધિસત્વ સંઘપ્રિયાએ જણાવ્યું કે, "ચીની મૂળની સિસ્ટમો ડેટા સુરક્ષા, સિસ્ટમ નિયંત્રણ અને સપ્લાય ચેઇનની વિશ્વસનીયતા અંગે ચિંતા જગાવે છે. ભારતને પોતાની સંરક્ષણ તકનીકો બનાવવાની અને નિયંત્રિત કરવાની જરૂર છે. અત્યારે અમારું સંપૂર્ણ ધ્યાન તેના પર છે."

સશસ્ત્ર ડ્રૉન મેળવવામાં પાકિસ્તાન ભારત કરતાં આગળ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Metin Aktas/Anadolu Agency/Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે પાકિસ્તાન દિવસ દરમિયાન યોજાયેલી મિલિટરી પરેડ દરમિયાન કૉમ્બેટ ડ્રૉન બુરાક પ્રદર્શિત કરાયું હતું

પોતાનું નાનું પરંપરાગત લશ્કરી બજેટ હોવા છતાં પાકિસ્તાન સશસ્ત્ર ડ્રૉન ખરીદવામાં ભારત કરતાં ઝડપથી આગળ વધી રહ્યું હોય તેમ લાગે છે.

SIPRIનો શસ્ત્ર ટ્રાન્સફર ડેટાબેઝ દર્શાવે છે કે 2021 અને 2025ની વચ્ચે પાકિસ્તાને 35 સશસ્ત્ર ડ્રૉન મેળવ્યાં: તુર્કી પાસેથી ત્રણ Akinci સિસ્ટમ, ચીન પાસેથી 23 Wing Loong-2 સિસ્ટમ અને તુર્કી પાસેથી નવ Bayraktar TB-2 ડ્રૉન.

તેનાથી વિપરીત, ભારત હજુ પણ તેના કરાર મુજબનાં MQ-9Bની ડિલિવરીની રાહ જોઈ રહ્યું છે.

પાકિસ્તાન અમુક સ્થાનિક રીતે વિકસિત સિસ્ટમોનો ઉપયોગ પણ કરે છે.

શાહપર શ્રેણી, ખાસ કરીને શાહપર-III, એક મધ્યમ ઊંચાઈએ લાંબા અંતર સુધી ઊડી શકે તેવાં લડાયક ડ્રૉન, જે 30 કલાક સુધી ઉડી શકે છે અને મિસાઇલોથી સજ્જ છે, તે તેની સૌથી અદ્યતન સ્વદેશી ક્ષમતા દર્શાવે છે.

પાકિસ્તાનનું પહેલું લડાયક ડ્રૉન, બુરાક, 2015માં આતંકવાદીઓ સામે ઑપરેશનલ રીતે ઉપયોગમાં લેવાયું હતું.

ઉકાબનો ઉપયોગ દેખરેખ અને ફાયર કરેક્શન જેવી વ્યૂહાત્મક ભૂમિકાઓ માટે થાય છે.

આમાંના મોટાભાગનાં ડ્રૉન પાકિસ્તાનમાં બનાવવામાં આવે છે, જેમાંથી એન્જિન જેવા કેટલાક ભાગો આયાત કરવામાં આવે છે.

પાકિસ્તાને તુર્કી અને ચીનથી અદ્યતન ડ્રૉન પણ આયાત કર્યાં છે, જે દેખરેખ, લક્ષ્યો પર હુમલો, અને લાંબા અંતર સુધી ઊડી શકે છે.

IISSનો ડેટા દર્શાવે છે કે પાકિસ્તાન તુર્કી મૂળનાં યિહા કામિકાઝ ડ્રૉન તેમજ ઇટાલિયન મીડિયમ ફાલ્કો ડ્રૉન પણ ચલાવે છે.

આગળ શું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Nasir Kachroo/NurPhoto via Getty Images

બંને સૈન્ય 2025ના સંઘર્ષને એક બોધપાઠ તરીકે જોઈ રહ્યાં છે અને બંને પોતાને તે પ્રમાણે ઢાળી રહ્યા છે.

ભારતીય સેના એ દિશામાં કામ કરી રહી છે કે દરેક સૈનિકના હાથમાં "ગરુડ જેવી નજર" હોય, અર્થાત્ આગળની લાઇનના જવાનોને ડ્રૉન ઉડાડવા, સંચાલિત કરવા અને તેની સામે રક્ષણ કરવાની ક્ષમતા આપવામાં આવી રહી છે.

દરેક બટાલિયનમાં ડ્રૉન-યુદ્ધના નિષ્ણાતોને સામેલ કરવાની યોજનાઓ પણ તૈયાર થઈ રહી છે.

સૈયદ મુહમ્મદ અલીના જણાવ્યા મુજબ પાકિસ્તાને ડ્રૉન યુદ્ધને "પોતાની ઑપરેશનલ યોજનાઓ અને તાલીમનું એક અભિન્ન અંગ" બનાવ્યું છે, જેમાં ઉત્પાદન, ખરીદી, જાળવણી, ઉપયોગ અને ઍન્ટિ-ડ્રૉન પગલાં સુધીનાં બધાં પાસાંઓનો સમાવેશ થાય છે.

ડૉ. રેડ્ડીના મતે ભારત માટે આગળનું પગલું "એઆઈથી સજ્જ સ્વૉર્મ્સ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ વિરોધી પગલાંમાં તકનીકી ઉત્ક્રાંતિ, અચાનક આવી પડતી જરૂરિયાતોને પૂરી કરવા મોટા પાયે ઉત્પાદન, અને હાલનાં માનવ સંચાલિત પ્લૅટફૉર્મ્સ સાથે માનવરહિત સિસ્ટમોનું સીમલેસ એકીકરણ, તેમજ વિશિષ્ટ ડૉમેન્સમાં કુશળ માનવ સંસાધનો મેળવવા તરફનું છે."

પરંતુ વિશ્લેષકો ચેતવણી આપે છે કે ડ્રૉન્સને વ્યૂહાત્મક સંતુલનમાં સંપૂર્ણ પરિવર્તન લાવનારી ટૅક્નૉલૉજી તરીકે જોવું યોગ્ય નથી.

SIPRIના આર્મ્સ ટ્રાન્સફર પ્રોગ્રામના ડિરેક્ટર અને વરિષ્ઠ સંશોધક મૅથ્યુ જ્યૉર્જે જણાવ્યું કે,"ડ્રૉન દેખરેખ જેવી કામગીરીમાં માનવક્ષમતાને વધારવા માટે વિશેષ ક્ષમતાઓ પૂરી પાડે છે,"

તેમણે આગળ જણાવ્યું, "જોકે, મને લાગે છે કે જો બંને દેશોની રાજકીય નેતાગીરી શાંતિ માટે પ્રયત્ન કરે, તો ડ્રૉન્સ શાંતિને અવરોધે જ એવું જરૂરી નથી."

સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ ખાતે ઇન્ટેલિજન્સ, નૅશનલ સિક્યૉરિટી અને ટૅક્નૉલૉજી પ્રોગ્રામના ડિરેક્ટર ઍમિલી હાર્ડિંગે કેન્દ્રીય પ્રશ્ન સ્પષ્ટપણે રજૂ કર્યો: "આ બંને પરમાણુ હથિયારો ધરાવતાં રાષ્ટ્રો છે. મારા માટે પ્રશ્ન એ છે કે - શું ડ્રૉન બંને પક્ષોને ઓછા વિનાશક વિકલ્પો આપે છે કે પછી તે વધુ ગંભીર પ્રકારનાં યુદ્ધ તરફ દોરી જાય તેવી સ્થિતિ ઊભી કરે છે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન