12-12 વર્ષ સુધી સંતાનપ્રાપ્તિ માટે રાહ જોયા પછી મહિલાએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો

ઇમેજ સ્રોત, Hiwot Fana Specialised Hospital
- લેેખક, માઇકલ ટેફરી
- પદ, બીબીસી આફ્રિકા
- વાંચવાનો સમય: 2 મિનિટ
ઇથિયોપિયામાં એક મહિલાએ સંતાનપ્રાપ્તિ માટે 12 વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો છે, જે એક દુર્લભ ઘટના છે.
બેડ્રીયા ઍડમ નામની મહિલાએ જણાવ્યું કે તેમને "એક સાથે પાંચ બાળકો"ના જન્મથી "તેઓ અને તેમના પતિ ખુશખુશાલ" છે.
35 વર્ષીય મહિલાએ ચાર છોકરા અને એક છોકરીને જન્મ આપ્યો છે અને પાંચેય "એકદમ તંદુરસ્ત" છે એવું હિવોટ ફાના સ્પેશિયલાઇઝ્ડ હૉસ્પિટલે જણાવ્યું છે.
મહિલાએ બીબીસીને જણાવ્યું કે "હું મારી ખુશી શબ્દોમાં વર્ણવી શકતી નથી. તેઓ અત્યાર સુધી "નિરાશા અને દુઃખની લાગણી"થી પીડાતાં હતાં. હવે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી છે."
હૉસ્પિટલના મૅડિકલ ડાયરેક્ટર ડૉ. મોહમ્મદ નુર અબ્દુલાહીએ જણાવ્યું કે માતા અને બાળકો હૉસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ છે. બાળકોનું વજન 1.3થી 1.4 કિલો વચ્ચે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે એક કિલોથી વધારે વજન ધરાવતાં બાળકોના બચી જવાની અને તંદુરસ્ત વૃદ્ધિની શક્યતા વધારે હોય છે.
ડૉક્ટરે બીબીસીને કહ્યું કે બેડ્રીયા કુદરતી રીતે ગર્ભવતી થયાં હતાં. તેમણે કૃત્રિમ ગર્ભધાન અથવા આઈવીએફની મદદ લેવી પડી નથી. આ હૉસ્પિટલ આઈવીએફની સુવિધા આપતી પણ નથી.
આઈવીએફમાં એક કરતાં વધારે ભ્રૂણ ટ્રાન્સફર થાય તો એક સાથે વધુ બાળકો પેદા થવાની શક્યતા વધી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુદરતી રીતે એક સાથે પાંચ બાળકો થવાની સંભાવના 5.5 કરોડમાં માત્ર એક હોય છે.
ડૉક્ટરે કહ્યું કે મંગળવારે સાંજે સીઝેરિયન દ્વારા બાળકોની ડિલિવરી કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Hiwot Fana Specialised Hospital
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. મોહમ્મદે મહિલાના ઉત્સાહની વાત કરતાં કહ્યું કે, "તેમને ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત તબીબી સારસંભાળ મળી હતી. તેમને જણાવાયું હતું કે તેમને એક કરતાં વધુ બાળકો થયાં છે. તેમને છેક સુધી સંપૂર્ણ તબીબી સહાયતા મળી હતી."
બેડ્રીયાએ જણાવ્યું કે શરૂઆતમાં તેમને કહેવાયું હતું કે તેમને ચાર બાળકો થવાનાં છે. પરંતુ અંતે એક બાળક વધારે જન્મ્યું હતું.
સંતાન માટે આટલી લાંબી રાહ જોવા વિશે તેઓ કહે છે, "મેં માત્ર એક બાળક માટે પ્રાર્થના કરી હતી અને અલ્લાહે મને પાંચ આપ્યાં છે."
તેઓ પહેલી વખત માતા બન્યાં છે. તેમણે કહ્યું કે તેમના પતિને બીજાં લગ્નથી પહેલેથી એક બાળક છે જે તેમની સાથે રહે છે.
તેમણે કહ્યું, "તેઓ મને કહેતા કે પહેલેથી એક બાળક છે તે પૂરતું છે અને મારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ઊંડેથી હું મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક રીતે પીડાતી હતી. કારણ કે મને બાળક ન થવાના કારણે આખું ગામ સવાલો કરતું હતું."
તેમણે કહ્યું, "ભૂતકાળમાં મેં જે સહન કર્યું તે દૂરનાં સપનાં જેવું લાગે છે. હવે હું તેને યાદ કરવા પણ નથી માંગતી."
"મેં પીડામાં 12 વર્ષ વીતાવ્યાં, મારી જાતને છુપાવી રાખી અને બાળક માટે સતત પ્રાર્થના કરતી રહી. આખરે અલ્લાહે મારી વાત સાંભળી."
તેમણે કહ્યું કે તેઓ માંડ માંડ જીવનનિર્વાહ કરતા ખેડૂત છે અને હવે બહોળા પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે તે નક્કી નથી. "પરંતુ હું માનું છું કે મારા સમુદાય અને સરકાર મારફત અલ્લાહ પૂરું પાડશે."
તેમણે "આશીર્વાદરૂપ પાંચ બાળકો"ના નામ નાઈફ, અમ્માર, મુંઝિર, નાઝિરા અને અન્સાર રાખ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























