'એક વર્ષ સુધી સોનું ન ખરીદો, પેટ્રોલ-ડીઝલ બચાવો', પીએમ મોદીએ દેશવાસીઓને બીજી શું સલાહ આપી? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના સિકંદરાબાદમાં એક સભાને સંબોધતા મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધ વિશે મહત્ત્વપૂર્ણ વાતો ઉચ્ચારી છે.
વડા પ્રધાને ભારત પર આ યુદ્ધના ગંભીર પ્રભાવનો ઉલ્લેખ કરીને લોકોને અપીલ કરી.
પીએમ મોદીએ કહ્યું, "હું લોકોને અપીલ કરું છું કે તેઓ એક વર્ષ સુધી લગ્નો માટે સોનું ન ખરીદે. કોરોના કાળ દરમિયાન આપણે વર્ક ફ્રૉમ હોમ, ઑનલાઇન મિટિંગ્સ અને વીડિયો કૉન્ફરન્સ જેવી વ્યવસ્થાઓ અપનાવી છે. ધીરે-ધીરે આપણને તેની આદત પડી ગઈ. આજે સમયની માગ છે કે આપણે આ વ્યવસ્થાઓને ફરી અપનાવીએ."
પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા બે મહિનાથી આપણા પડોશમાં યુદ્ધ ચાલી રહ્યું છે. તેની અસર ભારત પર પણ પડી છે. તેમણે દેશવાસીઓને આગ્રહ કર્યો કે, આ હાલની સ્થિતિમાં વિદેશી મુદ્રાની બચત જરૂરી છે.
તેમણે એમ પણ કહ્યું કે, દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલ મોંઘાં થઈ ગયાં છે ત્યારે આપણી જવાબદારી થઈ જાય છે કે ઈંધણની બચત કરીએ.
તેમણે કહ્યું, "આજની માગ છે કે પેટ્રોલ-ડીઝલ અને ગૅસ જેવી વસ્તુઓનો સંયમથી ઉપયોગ કરીએ. આપણે આયાતી પેટ્રોલ ઉત્પાદનોનો જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ. તેનાથી વિદેશી હુંડિયામણની બચત થશે અને યુદ્ધની પ્રતિકૂળ અસર ઓછી થશે."
તેમણે વધુમાં ઉમેર્યું, "વિદેશમાં લગ્ન, વિદેશ પ્રવાસ અને વિદેશમાં વૅકેશનની વધતી જતી સંસ્કૃતિ મધ્યમવર્ગમાં પ્રચલિત થઈ રહી છે. આપણે નક્કી કરવું જોઈએ કે આ કટોકટી સમયમાં આપણે ઓછામાં ઓછો એક વર્ષ માટે પ્રવાસ મુલતવી રાખીએ."
તેમણે જ્યાં મેટ્રો ટ્રેનની સવલત હોય તેવાં મોટાં શહેરોમાં મેટ્રોમાં જ પ્રવાસ કરવાનો અનુરોધ કર્યો. તેમણે લોકો કારપૂલ કરે અને મહત્તમ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે તેવો આગ્રહ પણ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાની મીડિયા : ઈરાને અમેરિકાના પ્રસ્તાવનો જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાની મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઈરાને આજે પાકિસ્તાન મારફતે યુદ્ધ સમાપ્ત કરવા અંગેના અમેરિકાના નવા પ્રસ્તાવ પર પોતાનો જવાબ મોકલ્યો છે.
આ વિશે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. અમેરિકાએ પણ જે પ્રસ્તાવ મોકલ્યો હતો તે અંગે કોઈ વિગતો જાહેર કરી નથી. પરંતુ અહેવાલો જણાવે છે તે પ્રમાણે તે 14 મુદ્દાના સમજૂતી કરાર પર કેન્દ્રીત છે, જે ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષા મામલે વાટાઘાટો તરફ દોરી જાય છે.
ઈરાની રાજ્ય સમાચાર એજન્સી આઈઆરએનએ અનુસાર, "પ્રસ્તાવિત યોજના હેઠળ આ તબક્કે વાટાઘાટોનું ધ્યાન પ્રદેશમાં યુદ્ધનો અંત લાવવા પર રહેશે."
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા થયા બાદ આ યુદ્ધને સમાપ્ત કરવા માટે અને વાટાઘાટોને સરળ બનાવવા માટે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, બંને પક્ષો દ્વારા એકબીજા પર યુદ્ધવિરામ ભંગના આરોપો લાગી રહ્યા છે.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને અવરોધવાનું ચાલુ છે અને તેને કારણે વિશ્વમાં ઑઇલની કિંમતોમાં જબ્બર વધારો થયો છે. બીજી તરફ અમેરિકાએ તહેરાન પર તેની શરતો સ્વીકારવા માટે દબાણના ભાગરૂપે ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરી છે. જેને કારણે ઈરાન ગુસ્સામાં છે.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે અમેરિકાએ ઈરાન સમક્ષ એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત કહ્યું હતું કે તેઓ તેહરાનના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે.
ઈરાનનો દાવો : કતાર પાસે અમેરિકાના જહાજને બનાવ્યું નિશાન

ઇમેજ સ્રોત, Reuters
ઈરાની સમાચાર એજન્સી ફાર્સે એક 'વિશ્વસનીય સૂત્રો'ના હવાલે દાવો કર્યો છે કે કતારના તટ પાસે જે માલવાહક જહાજને નિશાન બનાવાયું હતું તે અમેરિકાનું હતું.
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ પણ સૂત્રોના હવાલે સમાચાર આપ્યા છે કે જે માલવાહક જહાજને નિશાન બનાવાયું હતું તે અમેરિકાના માલિકી હક ધરાવતું હતું અને તેના પર અમેરિકાનો ઝંડો લાગેલો હતો.
જોકે, આ મામલે હજુ અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
બ્રિટનની 'મૅરીટાઇમ ટ્રેડ ઑપરેશન્સ ઑથોરિટી'એ આ પહેલાં જણાવ્યું હતું કે કતારની રાજધાની દોહાથી લગભગ 43 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં એક જહાજ પર કોઈ અજ્ઞાત પ્રકારના 'પ્રોજેક્ટાઇલ'થી હુમલો થયો હતો. આ જહાજને મામુલી નુકસાન પહોંચ્યું છે અને તેમાં આગ લાગી હોવાના સમાચાર છે. આ આગ પછી કાબૂમાં આવી ગઈ હતી.
પીએમ મોદીએ કૉંગ્રેસને કેમ 'પરજીવી' કહી?

ઇમેજ સ્રોત, ANI
પીએમ મોદીએ એક જનસભામાં કહ્યું, "કૉંગ્રેસની ઓળખ આજે એક પરજીવી પાર્ટી જેવી બની ગઈ છે, તેથી તેઓ પહેલી તક મળતા જ પોતાના સાથીઓ સાથે વિશ્વાસઘાત કરે છે. તેથી કહેવાય છે કે 'કોઈ ઐસા સગા નહીં, જીસે કૉંગ્રેસને ઠગા નહીં' (એવું કોઈ સગું નથી જેને કૉંગ્રેસે ઠગ્યું ન હોય)."
"હાલમાં જ તામિલનાડુમાં જુઓ, 25-30 વર્ષથી કૉંગ્રેસનું ડીએમકે સાથે ઘનિષ્ઠ સંબંધ હતો..જેવી સત્તાની રમત પલટી, તો સત્તાની ભૂખી કૉંગ્રેસે પહેલી તક મળતા જ ડીએમકેની પીઠમાં છુરો ભોંકી દીધો."
વડા પ્રધાન મોદીએ વિજયને શુભકામના પાઠવતા કહ્યું કે કેન્દ્ર સરકાર તામિલનાડુ સરકાર સાથે મળીને કામ કરશે.
પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું, "તામિલનાડુના મુખ્ય મંત્રીની શપથ લેવા પર સી. જોસેફ વિજયને અભિનંદન, તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ."
તેમણે એમ પણ લખ્યું, "કેન્દ્ર સરકાર તામિલનાડુ સરકાર સાથે મળીને લોકોની જિંદગી બહેતર બનાવવા માટે કામ કરતી રહેશે."
યુપીમાં યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 6 નવા ચહેરા સામેલ

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતૃત્વ ધરાવતી યોગી સરકારના મંત્રીમંડળમાં રવિવારે ફેરબદલ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના મંત્રીમંડળમાં છ નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ આનંદીબહેન પટેલે કુલ આઠ નેતાઓને મંત્રીપદની શપથ લેવડાવ્યાં હતાં. જેમાં બેને કૅબિનેટ મંત્રી, બેને રાજ્ય મંત્રી(સ્વતંત્ર પ્રભાર) અને ચારને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
ભૂપેન્દ્રસિંહ તથા મનોજકુમાર પાંડેએ કૅબિનેટ મંત્રી તરીકેની શપથ લીધા હતા.
અજીતસિંહ પાલ તથા સોમેન્દ્ર તોમરે રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા હતા. આ બંને પહેલાં પણ યોગી મંત્રીમંડળમાં સામેલ હતા પરંતુ તેમને હવે સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે.
કૃષ્ણા પાસવાન, કૈલાશસિંહ રાજપૂત, સુરેન્દ્ર દિલેર અને હંસરાજ વિશ્વકર્માને રાજ્ય મંત્રી તરીકે શપથ લેવડાવ્યાં છે. કૃષ્ણા પાસવાન એક માત્ર મહિલા છે, જેમનો હાલના મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન : ચરમપંથી હુમલામાં માર્યા ગયેલા પોલીસકર્મીની સંખ્યા વધીને 15 થઈ

ઇમેજ સ્રોત, Karim ULLAH / AFP via Getty Images
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બન્નૂ જિલ્લામાં એક પોલીસ ચોકી પર થયેલા ચરમપંથી હુમલામાં માર્યા ગયેલા પોલીસકર્મીની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે.
બન્નૂ મેડિકલ ઍન્ડ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રવક્તા નોમાન ખાને મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, મૃકતો તમામ પોલીસ કર્મચારીઓ હતા.
ત્રણ ઘાયલોને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેમની હાલત જોખમી નથી.
આ પહેલાં બન્નૂ રૅન્જના પોલીસ અધિકારી સજ્જાદ ખાનના કાર્યાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવાયું હતું કે ફતેહ ખેલ ચોકીની ઇમારતના કાટમાળમાંથી 12 પોલીસકર્મીના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે કે ત્રણ પોલીસ કર્મચારીઓને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી રૉયટર્સે જણાવ્યું હતું કે બન્નૂ શહેરના બહારના વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક પોલીસ ચોકીને વિસ્ફોટકો ભરેલી ગાડીએ ઉડાવી દીધી હતી.
એક સુરક્ષા અધિકારીએ એવો પણ દાવો કર્યો કે ચરમપંથીઓ ચોકીમાં ઘૂસી ગયા હતા અને અંદર તહેનાત પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો.
આસામમાં હિમંતા બિસ્વા સરમા ભાજપ ધારાસભ્ય દળના નેતા બન્યા

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images
હિમંતા બિસ્વા સરમાને આસામમાં ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ 12મેએ આસામના મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને સહ-નિરીક્ષક તરીકે હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની શનિવારે ગુવાહાટી પહોંચ્યા હતા.
આસામમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 102 બેઠકો મળી છે, જ્યારે કૉંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધને 21 બેઠકો જીતી છે.
વિજયની શપથવિધિ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, LUIS ROBAYO/AFP via Getty Images
તામિલનાડુમાં ટીવીકેના અધ્યક્ષ સી. જોસેફ વિજયે મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. ત્યાર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવતા કહ્યું કે કેન્દ્ર સરકાર તામિલનાડુ સરકારની સાથે મળીને કામ કરતી રહેશે.
પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું કે, "તામિલનાડુના મુખ્ય મંત્રીપદે શપથ લેવા બદલ સી. જોસેફ વિજયને અભિનંદન. તેમને કાર્યકાળ માટે શુભકામનાઓ."
તેમણે લખ્યું કે, "કેન્દ્ર સરકાર તામિલનાડુ સરકાર સાથે મળીને લોકોનું જીવન બહેતર બનાવવા માટે કામ કરતી રહેશે."
વિધાનસભાની ચૂંટણીમાં ટીવીકેએ 234માંથી 108 બેઠકો જીતી છે. કૉંગ્રેસ, સીપીઆઇ, સીપીઆઇ (એમ), વીસીકે અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ટેકાથી તેમણે બહુમત મેળવ્યો છે.
વીનેશ ફોગાટે ભારતીય કુસ્તી સંઘની નોટિસ પછી શું કહ્યું?

ઇમેજ સ્રોત, X/@Phogat_Vinesh
ભારતીય કુસ્તી સંઘ (ડબલ્યુએફઆઇ)એ પહેલવાન વીનેશ ફોગાટને ગેરશિસ્ત અને એન્ટી-ડોપિંગ નિયમો તોડવાના આરોપ સાથે એક નોટિસ મોકલી છે. ત્યાર પછી વીનેશ ફોગાટે પોતાની પ્રતિક્રિયા આપી છે.
વીનેશ ફોગાટે શનિવારે ઍક્સ પર એક પોસ્ટમાં શાયરી લખી, "જિંદગી ફંસી હૈ, કિસી મઝધાર મેં, જમાના ઢૂંઢતા હૈ ખામી મેરે કિરદાર મેં...જિંદગી, તેરા સર સદા બુલંદ રખા હૈ, ઝુકાને કી તાકત નહીં કિસી તલવાર મેં."
પીટીઆઇ મુજબ ડબલ્યુએફઆઇએ કહ્યું હતું કે ખેલાડીઓએ નિવૃત્તિ પાછી લેતી વખતે એન્ટી-ડોપિંગ નિયમો હેઠળ છ મહિનાની નોટિસ આપવી પડે છે, પરંતુ વીનેશે તે નોટિસ પૂરી નથી કરી.
ડબલ્યુએફઆઇએ એમ પણ કહ્યું કે વીનેશ ફોગાટ 26 જૂન સુધી સ્થાનિક સ્પર્ધાઓમાં રમવા માટે અયોગ્ય રહેશે.
અહીં ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વીનેશ ફોગાટ ગોંડામાં શરૂ થઈ રહેલી નૅશનલ ઓપન રેકિંગ ઇવેન્ટમાં રમવાની તૈયારી કરી રહ્યાં છે.
ગુજરાતમાં છ દિવસ સુધી હીટ વેવની આગાહી, આટલા જિલ્લામાં સખત ગરમી પડશે

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે ગુજરાતમાં આજથી છ દિવસ સુધી હીટ વેવની આગાહી કરી છે, જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો રહેશે. આ દરમિયાન લોકોને બપોરના સમયે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 10 મેએ રાજકોટ, પોરબંદર, દ્વારકા, સુરત, કચ્છમાં છૂટાંછવાયાં સ્થળે હીટ વેવની સ્થિતિ રહેશે.
11 મે, સોમવારે બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં સખત ગરમી પડશે.
12 મેએ પણ પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હીટ વેવની આગાહી છે.
13મેએ પણ આ તમામ જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ સખત ગરમી પડશે. 14 મેએ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દ્વારકા અને કચ્છમાં કેટલીક જગ્યાએ હીટ વેવની સ્થિતિ સર્જાવાની આગાહી છે.
15 મેએ બનાસકાંઠા, પાટણ, દ્વારકા અને કચ્છમાં છૂટીછવાઈ જગ્યાએ હીટ વેવનો અનુભવ થશે.
પાકિસ્તાનમાં પોલીસ ચોકી પર હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીનાં મોત

ઇમેજ સ્રોત, JEWEL SAMAD/AFP via Getty Images
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહમાં એક કટ્ટરપંથી હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે.
સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ બન્નુ શહેરના બહારના વિસ્તારમાં એક પોલીસચોકી સાથે વિસ્ફોટકો ભરેલી ગાડી ટકરાઈ હતી. તેનાથી વિસ્ફોટ થયો અને ત્રણ પોલીસ કર્મચારી માર્યા ગયા હતા.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ કર્મચારીઓ જ્યારે મદદ માટે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમના પર પણ ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો.
પોલીસ અધિકારી સજ્જાદ ખાને જણાવ્યું કે, "ચોકી પર તહેનાત 15 કર્મચારીમાંથી મોટા ભાગના માર્યા ગયા હોવાની આશંકા છે અને પોલીસચોકી સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ છે."
અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "આતંકવાદીઓએ પહેલા વિસ્ફોટકો ભરેલી ટ્રકથી ચોકી પર હુમલો કર્યો અને પછી અંદર ઘૂસીને પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો."
સુપ્રિયા સુલેને કાર અકસ્માત નડ્યો, બધા સુરક્ષિત

ઇમેજ સ્રોત, Anshuman Poyrekar/Hindustan Times via Getty Images
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી - શરદચંદ્ર પવાર (એનસીપી-એસપી)ના નેતા અને લોકસભાનાં સાંસદ સુપ્રિયો સુલેએ જણાવ્યું કે શનિવારે તેમની ગાડીનો પુણે-મુંબઈ હાઈવે પર અકસ્માત થયો હતો.
સુપ્રિયા સુલેએ ઍક્સ પર લખ્યું, "પુણેથી મુંબઈ જતી વખતે હાઈવે પર ખરાબ અનુભવ થયો. એક ગાડીએ મારી કારને સાઇડમાં ટક્કર મારી દીધી. સદનસીબે બધા લોકો સુરક્ષિત છે."
તેમણે લખ્યું કે, "આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે બહુ ઝડપથી અને બેદરકારીથી કાર ચલાવવી કેટલા લોકોના જીવ જોખમમાં નાખી શકે છે. હું બધાને અપીલ કરું છું કે સીટ બેલ્ટ લગાવો, સતર્ક રહો અને જવાબદારીથી કાર ચલાવો, જેથી બધા સુરક્ષિત રહે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























