જાપાનમાં મુસલમાનો મૃતકોના અંતિમસંસ્કાર માટે કેવો સંઘર્ષ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્વામિનાથન નટરાજન
- પદ, ગ્લોબલ ડિજિટલ
જાપાનમાં મુસલમાનોની વસ્તી એક ટકાથી પણ ઓછી છે. 120 મિલિયનથી વધુ લોકોની વસ્તીવાળા જાપાનમાં માત્ર બે લાખ મુસ્લિમો વસવાટ કરે છે.
99 ટકા જાપાની નાગરિકોની અંતિમવિધિ બૌદ્ધ અથવા શિન્ટો પરંપરા અનુસાર કરવામાં આવતી હોવાથી મુસ્લિમો સપડાયેલા છે. ઇસ્લામમાં અગ્નિસંસ્કાર પ્રતિબંધિત છે અને મુસ્લિમોએ તેમના મૃત પરિજનોને 24 કલાકમાં દફનાવી દેવાના હોય છે.
કેટલાક પરિવારોએ તેમનાં મૃત સગાંઓને દફનાવવા માટે સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે.
પીએચ.ડી. કરવા 2001માં જાપાન આવેલા તાહિર અબ્બાસ ખાન લાગણીભર્યા સ્વરે કહે છે, “મારા નજીકના સગાના અંતિમસંસ્કારના વિચાર માત્રથી મારી ઊંઘ હરામ થઈ જાય છે.”
પાકિસ્તાનમાં જન્મેલા તાહિર હવે યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા છે અને જાપાની નાગરિક છે. તેઓ તેમના સમુદાયમાં સક્રિય છે અને તેમણે બેપ્પુ મુસ્લિમ ઍસોસિયેશનની સ્થાપના કરી છે.
મુસલમાનોનો લાંબો સંઘર્ષ

ઇમેજ સ્રોત, TAHIR ABBAS KHAN
ડૉ. ખાનના કહેવા મુજબ, તેમના પોતાના મૃતદેહનું શું થશે તેની તેમને ચિંતા નથી, પરંતુ અન્ય લોકોએ જે પીડા સહન કરવી પડે છે તેનાથી તેઓ અસ્વસ્થ થઈ જાય છે.
તેઓ કહે છે, “અંતિમસંસ્કાર આપણે કોઈ વ્યક્તિ માટે કરી શકીએ તે છેલ્લી બાબત છે. હું મારા કોઈ સંબંધી કે મિત્રને સન્માનપૂર્વક દફનાવી નહીં શકું તો નૉર્મલ જીવન જીવી શકીશ નહીં.”
દક્ષિણ ક્યૂશુ ટાપુ પરના ઓઈટા પ્રીફેચરમાં પ્રથમ મસ્જિદની સ્થાપના 2009માં કરવામાં આવી હતી, પરંતુ ત્યાંના લગભગ 2,000 મુસ્લિમો માટે દફનભૂમિ હજુ પણ આયોજનની પ્રક્રિયામાં અટવાયેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોહમ્મદ ઇકબાલ તેમની પત્ની સાથે 2004માં પાકિસ્તાનથી જાપાન આવ્યા હતા. તેમણે ટોક્યો નજીક કાર નિકાસનો બિઝનેસ શરૂ કર્યો હતો અને બાદમાં પાડોશના પ્રીફેચરના ફુફુઓકા સિટીમાં ધંધો ખસેડ્યો હતો.
2009માં તેમની પત્નીનું અવસાન થયું ત્યારે તેમના પાડોશમાં કોઈ મુસ્લિમ કબ્રસ્તાન ન હતું.
એ આઘાતની વાત કરતાં ઇકબાલ કહે છે, “અમે મૃતદેહને એક નાનકડા બૉક્સમાં લઈને કારમાં મૂક્યો હતો અને 1,000થી વધુ કિલોમીટર દૂર આવેલા યામાનશી લઈ ગયા હતા. મારી સાથે ચાર દોસ્તો આવ્યા હતા અને અમે વારાફરતી કાર ચલાવી હતી.”
મધ્ય જાપાનના યામાનશી કબ્રસ્તાનનો ઉપયોગ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ દ્વારા કરવામાં આવે છે. મુસ્લિમો તથા ખ્રિસ્તીઓ જાપાનની મુખ્ય લઘુમતી છે અને તેમનું પ્રમાણ જાપાનની કુલ વસ્તીના માત્ર એક ટકાથી થોડું વધારે છે.
ઇકબાલ કહે છે, “આઘાતની પરિસ્થિતિમાં હું મારી પત્ની સાથે રહેવા ઇચ્છતો હતો, પરંતુ એ શક્ય ન હતું. એ અઘરું હતું.”
આયોજનની મડાગાંઠ

ઇમેજ સ્રોત, TAHIR ABBAS KHAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. ખાનના સંગઠને બેપ્પુમાં ખ્રિસ્તી કબ્રસ્તાનની બાજુમાં જમીનનો એક પ્લૉટ ખરીદ્યો હતો. તેની બાજુમાં જમીન ધરાવતા લોકોએ ‘નો ઍબ્જેક્શન સર્ટિફિકેટ્સ’ આપ્યાં હતાં, પરંતુ ત્રણ કિલોમીટર દૂર રહેતા સમુદાયના લોકોએ વાંધો લીધો હતો.
ડૉ. ખાન કહે છે, “એ લોકોનું કહેવું હતું કે મૃતદેહોને દફનાવવાથી ભૂગર્ભજળ તેમજ તળાવનું પાણી દૂષિત થશે, જેનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે.”
એ પછીનાં સાત વર્ષમાં વાત આગળ વધી નથી અને મુસ્લિમ સમુદાયના લોકોને બીજા વિકલ્પો તપાસવાની ફરજ પડી છે.
ડૉ. ખાનના કહેવા મુજબ, કેટલાક મુસ્લિમ સ્થળાંતરકર્તાઓએ તેમના પરિવારજનોના મૃતદેહો વતન મોકલે છે, જ્યારે કૅન્સર જેવા રોગોથી પીડિત અન્ય લોકો તેમના જીવનના અંતિમ દિવસો તેમના વતનમાં પસાર કરવાનું નક્કી કરે છે.
મૃતદેહોને વતન પાછા લઈ જવા માટે અનેક કાગળિયા કરવા પડે છે અને તેનાથી દફનવિધિમાં મોડું થાય છે.
જાપાની નાગરિક યોર્કો સાતો માટે આવો કોઈ વિકલ્પ પણ નથી. યોર્કો સાતોએ ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો છે અને તેઓ પણ ક્યૂશુ ટાપુ પર રહે છે.
યોર્કો સાતો કહે છે, “જાપાનના નિયમોનું પાલન ન કરવું હોય તો તમારા દેશમાં પાછા ચાલ્યા જાઓ એવું કેટલાક લોકો કહે છે. અન્ય લોકો એવું કહે છે કે મૃતદેહોને પાડોશી દેશોમાં લઈ જાઓ, જ્યાં દફનવિધિની છૂટ છે.”
યોર્કો સાતોના કહેવા મુજબ, “મારા પતિએ તેમનું અડધાથી વધારે જીવન જાપાનમાં વિતાવ્યું છે. તેમણે બહુ લાંબા સમય પહેલાં જાપાની નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું અને તેઓ જાપાનમાં જન્મેલા જાપાનીઓની માફક જ કર ચૂકવી રહ્યા છે. તેમના વંશજો પણ જાપાનમાં રહેવાના છે. તમે શું માનો છો કે મૃત્યુ પછી તેમનો દેહ ક્યાં હોવો જોઈએ?”
યોર્કો સાતોના જણાવ્યા મુજબ, દફનના વિરોધના મૂળમાં “સાંસ્કૃતિક પૂર્વગ્રહ” છે.
તેઓ કહે છે, “જાપાનમાં થોડી પેઢીઓ પહેલાં દફનવિધિ એકદમ સામાન્ય બાબત હતી. તેમ છતાં કેટલાક લોકો દફનવિધિને ભયાનક અથવા અપમાનજનક માને છે.”

ઇમેજ સ્રોત, RYOKO SATO
યોર્કો સાતોએ ઘણા અંતિમસંસ્કારમાં હાજરી આપી છે અને પોતાના મૃતદેહને દફનાવવામાં આવે એ બાબતે તેઓ કૃતનિશ્ચય છે.
તેઓ કહે છે, “દફનની ઇચ્છાને સ્વાર્થ ગણવામાં આવતી હોય તો મને કમસે કમ મારા મૃતદેહ માટે સ્વાર્થી બનવા દો.”
ડૉ. ખાનની માફક રિત્સુમેકન એશિયા પેસિફિક યુનિવર્સિટીમાં કામ કરતા સમાજશાસ્ત્રના ઍસોસિએટ પ્રોફેસર શિન્જી કોજીમાના કહેવા મુજબ, કારણો વધારે જટિલ છે. તેમણે આ બાબતે સંશોધન કરીને બેપ્પુ મુસ્લિમ ઍસોસિયેશનને સલાહ આપી છે.
બીબીસી સાથે વાત કરતાં ડૉ. કોજીમા કહે છે, “તમે મુસ્લિમ છો કે નહીં એ નિર્ધારક પરિબળ નથી. સ્થાનિક સામુદાયિક રાજકારણ કેવી રીતે કામ કરે છે અને તમારી પાસે યોગ્ય હ્યુમન નેટવર્ક અથવા કનેક્શન્શ છે કે નહીં તેના આધારે પરિણામ નક્કી થાય છે. ઘણા ડેવલપર્સ, જાપાની બિન-મુસ્લિમોએ ઐતિહાસિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો.”
ડૉ. ખાનના જણાવ્યા મુજબ, જાપાનમાં 13 મુસ્લિમ કબ્રસ્તાન છે. તેમાં હિરોશીમામાં તાજેતરમાં બનેલા કબ્રસ્તાનનો પણ સમાવેશ થાય છે. એ આશરે ત્રણ કલાકના અંતરે આવેલું છે.
ઇકબાલ ત્યાંના શોકસંતપ્ત લોકોની તરફેણ કરતાં કહે છે, “હિરોશીમામાં અમારા માટે જરૂરી તમામ સુવિધાઓ છે. ત્યાં સ્નાન માટે પાણીની સુવિધા છે અને સ્થાનિક સમુદાય અમને હલાલ ખોરાક પૂરો પાડે છે.”
આ સમસ્યાના નિરાકરણ માટે ડૉ. ખાને સંસદસભ્યો, સંબંધિત મંત્રાલયો અને સ્થાનિક સત્તાવાળાઓને અપીલ કરી છે.

ઇમેજ સ્રોત, TAHIR ABAS KHAN
હવે સ્થાનિક સત્તાવાળાઓએ બેપ્પુમાં મુસ્લિમ સમુદાયને 79 કબર માટેની જગ્યા સાથેની જમીન ફાળવીને નવી આશા આપી છે.
ડૉ. ખાન કહે છે, “આ માત્ર ધાર્મિક બાબત નથી. તે મૂળભૂત માનવ અધિકાર છે. અમે કશું મફતમાં માગતા નથી. અમને પૈસા ચૂકવવામાં વાંધો નથી, પરંતુ મુખ્ય પડકાર પરવાનગી મેળવવાનો છે.”
તેમના જણાવ્યા મુજબ, યહૂદીઓ અને બ્રાઝિલમાંથી તાજેતરમાં સ્થળાંતર કરીને આવેલા ખ્રિસ્તીઓ જેવા અન્ય નાના સમુદાયો પણ સંઘર્ષ કરી રહ્યા છે.
તેઓ કહે છે, “જાપાનના તમામ પ્રીફેચર્સમાં તમામ સમુદાયના લોકો માટે દફનભૂમિ હોય તે સર્વશ્રેષ્ઠ નિરાકરણ છે.”
જોકે, આ બાબતે રાષ્ટ્રીય સરકાર હસ્તક્ષેપ કરે તેવી કોઈ શક્યતા નથી, કારણ કે અત્યાર સુધી આવા મુદ્દાના નિરાકરણનું કામ સ્થાનિક સત્તાવાળાઓ કરતા રહ્યા છે.
અલબત્ત, ડૉ. ખાને આશા છોડી નથી. તેઓ કહે છે, “અમે મૃતદેહોના અગ્નિસંસ્કાર કરીશું નહીં. મૃતકને દફનાવવા માટે જે કરવું પડે તે બધું જ કરીશું.”












