રંગા-બિલ્લા કોણ હતા અને આખો દેશ એમની ફાંસીની રાહ કેમ જોતો હતો?

ઇમેજ સ્રોત, Twitter
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
31 જાન્યુઆરી 1982ના રોજ તિહાડ જેલમાં બે ખૂનખાર હત્યારા રંગા અને બિલ્લાને ફાંસીએ લટકાવી દેવાની તૈયારીઓ થઈ ચૂકી હતી.
સવારે પાંચ વાગ્યે બંને ઊઠ્યા ત્યારે બંનેને ચાના કપ આપવામાં આવ્યા.
તેમને છેલ્લી વાર પૂછવામાં આવ્યું કે 'શું તેઓ મૅજિસ્ટ્રેટ સામે પોતાની આખરી વસિયત લખાવવા માગે છે?'
બંનેએ 'ના' કહી તે પછી બંનેના હાથમાં કડી અને પગમાં બેડી બાંધી દેવામાં આવી.
બ્લૅક વૉરન્ટમાં અપાયેલા સમયની દસ મિનિટ પહેલાં તેમને ફાંસીનો ફંદો લગાવેલો હતો તે પ્લૅટફૉર્મ તરફ આગળ વધવા માટે જણાવાયું.
'બ્લૅક વૉરન્ટઃ કન્ફેશન્સ ઑફ તિહાર જેલર' પુસ્તકના લેખક સુનીલ ગુપ્તા કહે છે: "રંગા બહુ મજાકિયો માણસ હતો. તે પાંચ ફૂટ દસ ઇંચનો હતો. હંમેશાં ખુશ રહેતો હતો. પોતાને ફાંસી થવાની છે તેની પણ તેને ચિંતા નહોતી."
"તે વખતે 'રંગાખુશ' નામની બૉલીવૂડ ફિલ્મ આવી હતી. તેના ડાયલૉગ પોતે બોલ્યા છે એવું કહ્યા કરતો હતો. બિલ્લા ટૅક્સી ચલાવવાનું કામ કરતો હતો."
"તે લગભગ સાડા પાંચ ફૂટનો હતો. તે હંમેશા ગંભીર અને રોતડો જ રહેતો હતો. તે એવું કહ્યા કરતો કે રંગાએ મને ફસાવી દીધો. સામે રંગા એવું કહેતો કે બિલ્લાએ એને ફસાવી દીધો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તે બંને અંદરોઅંદર લડ્યા કરતા હતા."

જેલમાં રમતા બેડમિન્ટન-ફૂટબૉલ

ઇમેજ સ્રોત, Getty Images
સુનીલ ગુપ્તા આગળ જણાવે છે, "જેલના નિયમ પ્રમાણે ફાંસીની સજા થઈ હોય તેની દયાની અરજી રાષ્ટ્રપતિ નકારી ના દે ત્યાં સુધી તેને સામાન્ય કેદી જ ગણવાનો રહેતો હતો."
"અરજી રદ થઈ જાય તે પછી જ તેને બેડીઓ સાથે કાળ કોટડીમાં પૂરવામાં આવતો."
"હું જેલ ગયો ત્યારે હજી તેમની કાનૂની કાર્યવાહી ચાલતી હતી. મેં જોયું હતું કે તેઓ ક્યારેય બેડમિન્ટન તો ક્યારેય ફૂટબોલ રમતા હતા."

તે જમાનાનો સૌથી ક્રૂર અપરાધ

ઇમેજ સ્રોત, AFP
આ બંનેએ એવો તો કયો અપરાધ કર્યો હતો કે આખો દેશ તેમની ફાંસીની સજાની રાહ જોઈ રહ્યો હતો?
'બ્લેક વૉરન્ટ' પુસ્તકનાં સહલેખિકા અને હિન્દુસ્તાન ટાઇમ્સનાં રાજકીય તંત્રી સુનેત્રા ચૌધરીએ કહે છે, "આપણી પેઢીના રિપોર્ટર માટે જે રીતે નિર્ભયા કાંડ એક બહુ મોટો અપરાધકાંડ હતો, તે રીતે તે જમાનાના પત્રકારો માટે બિલ્લા અને રંગાનો કેસ સૌથી મોટો અપરાધકાંડ હતો."
"1982માં 16 વર્ષની ગીતા ચોપરા અને તેમના 14 વર્ષના ભાઈ સંજય ચોપરા એક કારમાં લિફ્ટ લઈને ઑલ ઇન્ડિયા રેડિયો પર જઈ રહ્યા હતા."
"યુવવાણી કાર્યક્રમમાં તેઓ ભાગ લેવાના હતા. કમનસીબે તેમને લિફ્ટ આપનારા મુંબઈથી દિલ્હી આવેલા બે ગુંડાઓ હતા."
"તેઓ કોઈકનું અપરહણ કરીને ખંડણી વસૂલ કરવા માગતા હતા."
"આ બંને પૈસાવાળાના સંતાનો હશે એમ માનીને તેમનું અપહરણ કરી લીધું. જોકે, આખો કેસ પછી બળાત્કાર અને હત્યાનો થઈ ગયો હતો."

આકાશવાણીના કાર્યક્રમમાં જઈ રહ્યાં હતાં બાળકો

ઇમેજ સ્રોત, SUNDAY STANDARD
ગીતા ચોપરા પર બળાત્કાર અને બાદમાં ભાઈ સહિત તેની હત્યાના સમાચારે સમગ્ર ભારતમાં ખળભળાટ મચી ગયો હતો.
ઇન્ડિયા ટુડે મેગેઝીનના 30 સપ્ટેમ્બર 1978ના અંકમાં જાણીતા પત્રકાર દિલીપ બૉબે લખ્યું હતું, "ગીતા અને સંજય ચોપરાના પિતા કેપ્ટન એમએમ ચોપરાએ કહ્યું હતું કે બંને બાળકો ઑફિસર્સ ક્વાર્ટર્સમાંથી શનિવારે સાંજે 6 વાગ્યે નીકળ્યાં હતાં."
"ગીતા જીઝસ એન્ડ મેરી કૉલેજમાં કૉમર્સના બીજા વર્ષમાં હતી. સંસદ માર્ગ પર આવેલા આકાશવાણી સ્ટુડિયોમાં તેમણે યુવવાણી કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો."
"5 ફૂટ 10 ઇંચ લાંબો સંજય 10મા ધોરણમાં ભણતો હતો. વાદળાં છવાયેલાં હતાં અને સવારથી જ થોડી થોડી વારે છાંટા પડી રહ્યા હતા."
"કેપ્ટન ચોપરા તેમને આકાશવાણી ભવનના ગેટ પાસેથી વળતા લઈ લેશે તેમ નક્કી થયું હતું."
"તેઓ રાત્રે 9 વાગ્યે ત્યાં પહોંચ્યા ત્યારે બાળકો જોવા મળ્યા નહીં."
"તેમણે અંદર જઈને તપાસ કરી તો ખબર પડી કે ગીતા અને સંજય રેકોર્ડિંગ માટે અહીં પહોંચ્યાં જ નહોતાં."

ઝડપી કારમાંથી ચાકૂથી વાર

ઇમેજ સ્રોત, GEETA SANJAY CHOPRA
બંને બાળકોને શોધવા માટે દિલ્હી અને બીજા રાજ્યોની પોલીસ કામે લાગી ગઈ હતી.
નજરે જોનાર એક વ્યક્તિ ભગવાન દાસે પોલીસને કહ્યું, "લગભગ 6 વાગ્યે લોહિયો હૉસ્પિટલ પાસે એક કાર બહુ ઝડપથી તેની પાસેથી નીકળી હતી."
"તેમાંથી મને કોઈ યુવતી ચીસો પાડતી હોય તેમ લાગ્યું હતું. મેં મારું સ્કૂટર ભગાવ્યું અને કાર પાસે પહોંચ્યો."
"આગળ બે જણ બેઠા હતા, જ્યારે પાછળ એક છોકરો અને છોકરી હતાં. સિગ્નલ પાસે કાર ધીમી પડી ત્યારે મેં જોરથી ચીસ પાડીને પૂછ્યું કે ભઈ શું ચાલી રહ્યું છે."
"છોકરાએ કાચ પાસે પોતાનો ચહેરો લાવીને પોતાનું ટીશર્ટ બતાવ્યું, જે લોહીથી ખરડાયેલું હતું. છોકરી પાછળથી ડ્રાઇવરના વાળ ખેંચી રહી હતી."
"ડ્રાઇવર એક હાથથી કાર ચલાવતો હતો અને બીજા હાથે છોકરી પર વાર કરી રહ્યો હતો."
"મંદિર માર્ગ અને પાર્ક સ્ટ્રીટમાં ક્રોસિંગ વખતે કાર બહુ તેજ ભાગી હતી અને સિગ્નલ તોડીને આગળ નીકળી ગઈ હતી."
"છોકરો વિદેશી જેવી લાગ્યો હતો, જ્યારે મસ્ટર્ડ રંગની કારનો નંબર હતો HRK 8930."

સંજયની હત્યા બાદમાં ગીતા પર બળાત્કાર

રંગા અને બિલ્લા બંનેને બુદ્ધ ગાર્ડનની બાજુની ઝાડીઓ તરફ લઈ ગયા હતા.
ત્યાં એક સૂમસામ જગ્યા પર કાર રોકી અને પહેલાં સંજયની હત્યા કરી અને બાદમાં ગીતા સાથે બળાત્કાર કર્યો હતો.
બાદમાં રંગાએ કબૂલાત કરતા જણાવ્યું હતું , "હું છોકરીને એ તરફ લઈ જઈ રહ્યો હતો જ્યાં તેના ભાઈની લાશ પડી હતી."
"હું તેની ડાબી બાજુ ચાલી રહ્યો હતો. બિલ્લાએ મને ઈશારો કર્યો અને હું થોડો આગળની તરફ નીકળી ગયો."
"બિલ્લાએ પૂરી તાકાતથી છોકરીને ગરદન પર તલવારથી ઘા કર્યો. તેનું તત્કાલ મોત થઈ ગયું અને તેની લાશ ઉઠાવીને અમે ઝાડીમાં ફેંકી દીધી."

મોરારજી દેસાઈ આશ્વાસન માટે પહોંચ્યા ચોપરા પરિવારના ઘરે

આ સમાચાર ફેલાયા કે લોકોમાં ભારે ગુસ્સો ફેલાયો હતો. બોટ ક્લબ પર જીઝસ એન્ડ મેરી કૉલેજની વિદ્યાર્થિનીઓએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
તેમની સાથે વાત કરવા માટે વિદેશપ્રધાન વાજપેયી પહોંચ્યા ત્યારે તેમના પર પથ્થરમારો થયો હતો.
એક પથ્થર વાજપેયીને કપાળે લાગ્યો હતો અને તેમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
સુનીલ ગુપ્તા કહે છે, "મને આજે પણ યાદ છે કે શોક વ્યક્ત કરવા માટે વડા પ્રધાન મોરારજી દેસાઈ ચોપરા પરિવારના ઘરે ગયા હતા. આવા અપરાધના કિસ્સામાં ભાગ્યે જ વડા પ્રધાન કોઈને મળવા જતા હોય છે."
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાવાયું કે ગીતા ચોપરાના શરીર પર પાંચ ઘા હતા, જ્યારે સંજયના શરીર પર 21 ઘા લાગ્યા હતા.
ગીતાના પેન્ટના ખિસ્સામાંથી તેનું આઇડેન્ટિટી કાર્ડ મળી આવ્યું હતું. ખિસ્સામાંથી પાકીટ નીકળ્યું તેમાં 17 રૂપિયા હતા.

કાલકા મેઇલમાં દિલ્હી આવતા સૈનિકોએ પકડ્યા

ઇમેજ સ્રોત, Getty Images
હત્યા કર્યા પછી બિલ્લા અને રંગા દિલ્હીથી ભાગીને મુંબઈ ગયા હતા અને બાદમાં આગરા પહોંચ્યા હતા.
બાદમાં આગરાથી દિલ્હી કાલકા મેઇલમાં આવતા હતા ત્યારે ભૂલથી સૈનિકોના ડબ્બામાં ચડી ગયા. સૈનિકોએ તેમને પકડીને પોલીસને હવાલે કરી દીધા હતા.
સુનેત્રા ચૌધરી કહે છે, "હત્યા કર્યા પછી તેઓ ડરીને એકથી બીજા શહેરો ભાગતા ફરતા હતા. તેઓ એવા ટ્રેનના એવા ડબ્બામાં ચડી ગયા, જે સૈનિકો માટેનો હતો.
અંદર ઝઘડો થયો અને તેમની પાસે ઓળખપત્ર માગવામાં આવ્યું. તે વખતે રંગાએ બિલ્લાને કહ્યું કે 'આને ભરેલું આઇકાર્ડ આપી દે'.
તેના કારણે સૈનિકોને શંકા ગઈ અને તેમને પકડીને બાંધી દેવાયા. બાદમાં દિલ્હી સ્ટેશને તેમને પોલીસને હવાલે કરી દેવાયા."

ફાંસી માટે ફકીરા અને કાલુ જલ્લાદને બોલાવાયા

ઇમેજ સ્રોત, Getty Images
બિલ્લા અને રંગાને ફાંસીની સજા થઈ હતી, જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ યથાવત્ રાખી હતી.
રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ તેમની દયાની અરજી નકારી દીધી હતી. ફાંસીના એક અઠવાડિયા પહેલાં તેમને જેલ નંબર 3ની ફાંસી કોઠીમાં લઈ જવાયા.
ત્યાં તેમને એકાંતવાસમાં રાખવામાં આવ્યા હતા. તેમના પર 24 કલાક માટે તામિલનાડુ સ્પેશ્યલ પોલીસનો પહેરો રહેતો હતો.
બંનેને ફાંસી આપવા માટે ફરીદકોટથી ફકીરા અને મેરઠથી કાલુ જલ્લાદને બોલાવાયા હતા.
સુનેત્રા ચૌધરીએ કહે છે, "ફાંસીગર તરીકે કાલુ અને ફકીરા બહુ જાણીતા હતા. એક પ્રથા એવી પડી ગઈ હતી કે ફાંસીનું કામ કરતાં પહેલાં તેમને ઓલ્ડ મંક બ્રાન્ડનો શરાબ આપવામાં આવતો હતો."
"એવું માનવામાં આવતું હતું કે માણસ ભલે જલ્લાદ તરીકેનું કામ કરતો હોય, પૂરા ભાનમાં રહીને તે ફાંસીનું કામ કરી શકે નહીં."
જેલ મેન્યુઅલમાં ફાંસીગર તરીકેની કામગીરી માટે માત્ર 150 રૂપિયાનું મહેનતાણુ આપવાનું લખાયેલું હતું, જે બહુ નાની રકમ હતી."

ફાંસી માટે ખાસ દોરડું

ઇમેજ સ્રોત, AFP
બંનેને ફાંસી આપવા માટે બિહારની બક્સર જેલમાંથી ખાસ દોરડું મંગાવાયું હતું. સુનીલ ગુપ્તા કહે છે, "બજારમાં આવું દોરડું વેચાતું મળતું નથી. તે ખાસ બિહારની બક્સર જેલમાં બનાવવામાં આવે છે."
"તેના પર ખાસ મીણ અને માખણનો લેપ લગાવવામાં આવે છે. કેટલાક જલ્લાદ તેના પર પાકેલા કેળા ઘસીને તૈયાર કરે છે."
"દોરડાની લંબાઈ 1.8 મીટરથી 2.4 મીટર સુધીની હોય છે. આ બેમાંથી ફકીરા જલ્લાદ બહુ કાળો હતો અને પોતાને યમરાજ તરીકે દેખાડતો હતો."
"કંદોઈની હોય તેવી બહુ મોટી ફાંદ કાલુની હતી. બંને જાણી જોઈને ભયાનક દેખાવ રાખતા હતા."

પત્રકારો સાથે બિલ્લાની મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
ફાંસીના એક દિવસ પહેલાં દિલ્હીના પાંચ પત્રકારોએ રંગા અને બિલ્લાની મુલાકાત માટેની માગણી કરી હતી. તેમાં એક હતા નેશનલ હેરલ્ડમાં કામ કરતાં પ્રકાશ પાત્રા.
પ્રકાશ યાદ કરતાં કહે છે, "રંગાએ અમને મળવાનો ઇનકાર કરી દીધો હતો, પણ બિલ્લા સાથે અમારી લગભગ 20 મિનિટની મુલાકાત થઈ હતી."
"અમારી સાથે વાત કરતી વખતે તેનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. છેલ્લે સુધી તે કહેતો રહ્યો કે તેમણે આ ગુનો નથી કર્યો, પણ ફસાવવામાં આવ્યા છે."
"જોકે, અમે તેના હાવભાવથી સમજી શકતા હતા કે તે ખોટું બોલી રહ્યો છે."

કાળી કોથળીથી ઢાંકી દેવાયો ચહેરો

ઇમેજ સ્રોત, Thinkstock
ફાંસીની આગલી રાતે રંગાએ રાબેતા મુજબ ભોજન લીધું હતું અને સૂઈ ગયો હતો.
બિલ્લાએ ભોજન પણ નહોતું લીધું અને આખી રાત સૂતો નહોતો. તે આખી રાત કોટડીમાં બબડતો આંટો મારતા રહ્યો હતો.
31 જાન્યુઆરી, 1982ની સવારે બિલ્લા અને રંગાના ચહેરા કાળી કોથળીથી ઢાંકી દેવાયા અને તેમનાં ગળાંમાં ફાંસીના ફંદા લગાવી દેવાયા હતા.
સુનીલ ગુપ્તા યાદ કરતાં કહે છે, "અમે પાંચ વાગ્યે તેમને જગાડીને કહ્યું કે નહાઇ લો. રંગાએ નાહી લીધું, પણ બિલ્લાએ ના પાડી."
"માંચડા પર લઈ ગયા પછી બંનેના ચહેરા પર કાળી કોથળી ઢાંકી દેવામાં આવી હતી, જેથી શું ચાલી રહ્યું છે તે તેઓ જોઈ શકે નહીં."
"ફાંસીના સમયે બિલ્લા સિસકારા કરતો રહ્યો હતો, જ્યારે રંગા છેક સુધી જોશમાં હતો અને છેલ્લે તેણે જો 'બોલે સો નિહાલ, સત શ્રી અકાલ'નો નારો પણ લગાવ્યો હતો."
"ફાંસીની થોડી ક્ષણો પહેલાં મેં જોયું હતું કે બંનેના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. એવું લાગતું હતું કે ડરને કારણે તેમના ચહેરા કાળા પડી ગયા હતા."

પગ ખેંચીને અંત લાવવો પડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
નિર્ધારિત સમયે જેલના સુપ્રિન્ટેન્ડ આર્યભૂષણ શુક્લે લાલ રૂમાલ હલાવ્યો અને કાલુ તથા ફકીરાએ લીવર ખેંચી લીધા.
શુક્લે વર્ષો સુધી આ લાલ રૂમાલ સાચવી રાખ્યો હતો અને દોસ્તોને દેખાડતા કે આ દેખાડીને જ રંગા અને બિલ્લાને ફાંસીનો આદેશ અપાયો હતો.
બે કલાક બાદ ડૉક્ટરોએ તપાસ કરી ત્યારે બિલ્લા મૃત જણાયો હતો, પરંતુ રંગાની નાડી હજી પણ ચાલી રહી હતી.
ફાંસીને નજરોનજર જોનારા સુનીલ ગુપ્તા જણાવે છે, "ગુનેગારના શરીરનું વજન કેટલું છે તેના કારણે આવું થતું હોય છે. અમને એવું જણાવાયું હતું કે તે લાંબો હતો અને તેણે ફાંસી લગાવાઈ ત્યારે પોતાનો શ્વાસ રોકીને રાખ્યો હતો."
"તેના કારણે તેનો જીવ તરત નીકળી ગયો નહોતો. બાદમાં જેલના એક કર્મચારીને કૂવામાં ઉતારાયો અને તેણે પગથી તેને ખેંચ્યો ત્યારે જ તેનો જીવ ગયો હતો."
"એ તો સારું હતું તે વખતે હજી ફાંસી પછી પોસ્ટમૉર્ટમની પ્રથા નહોતી. નહિતર એવું સાબિત થાત કે 'બાહ્ય પરિબળ'થી રંગાનો જીવ ગયો."
"32 વર્ષ પછી શત્રુઘ્ન ચૌહાણના ચુકાદા બાદ ફાંસી પછી પોસ્ટમૉર્ટમ જરૂરી બનાવાયું છે."
"ફાંસીના ઇતિહાસમાં એવું પણ થયેલું છે કે લીવર બહુ જોરથી ખેંચવામાં આવ્યું હોય તેના કારણે શરીરના બે ટુકડા થઈ ગયા હોય."
"ગરદન ઉપર રહી ગઈ હોય અને ધડ નીચે કુવામાં પડ્યું હોય તેવું બનેલું છે. ફાંસીમાં ઘણી વાર વ્યક્તિનો ચહેરો વિકૃત થઈ જાય છે."
"ઘણી વાર આંખો કે જીભ બહાર આવી જાય છે. જેલની ભાષામાં તેને 'ગરદન લાંબી થઈ' કહેવાય છે."
"જોકે, તે વખતે બહારની કોઈ વ્યક્તિને આની જાણ થઈ નહોતી અને કોઈને જાણવાની પરવા પણ નહોતી."
રંગા કે બિલ્લાના કોઈ સગાઓએ તેમની લાશોને સ્વીકારી નહોતી. જેલ તરફથી જ તેમની અંતિમવિધિઓ કરી દેવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















