BBC SPECIAL : વિજ્ઞાને કઈ રીતે ‘નિર્ભયા’નાં ગુનેગારોને ફાંસીની સજા અપાવી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
નિર્ભયા ગેંગરેપ કેસનાં પાંચ વર્ષ થઈ ગયા છે. 5મી મે 2017નાં રોજ ભારતની સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો અને ચાર ગુનેગારોની ફાંસીની સજા યથાવત રાખી હતી.
ઓછા લોકો જાણે છે કે આ કેસમાં આરોપી વિનય શર્મા અને અક્ષય કુમારને ફાંસીની સજા સુધી પહોંચાડવા માટે ઑડોન્ટોલૉજી નામનાં ફોરેન્સિક સાયન્સનો મોટો ફાળો રહ્યો હતો.
સમગ્ર કેસમાં તપાસ અધિકારી રહેલા ઇન્સ્પેક્ટર અનિલ શર્મા સાથે બીબીસીએ પાંચ વર્ષ બાદ વિસ્તૃત રીતે વાત કરી હતી.

ઑડોન્ટિક્સ એટલે શું?

ઇમેજ સ્રોત, AFP
અનિલ શર્માએ જણાવ્યું, ''હું 15-16 ડિસેમ્બર 2012ની રાતે વસંત વિહારમાં રાતની ડ્યૂટીમાં હાજર હતો. રાતની 1.14 મિનિટે પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો.
"મને જણાવવામાં આવ્યું કે એક રેપ કેસ છે. પીસીઆર વેને છોકરીને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરાવી છે. તમે જલ્દી આવો.
''હું પોતાની ટીમ સાથે સફદરગંજ પહોંચ્યો. મારી સાથે મારા ચાર સાથીઓ હતા. પહેલી વખત મેં જ્યારે નિર્ભયાનું શરીર જોયું તો તેનાં શરીર પર દાંતથી બચકાં ભર્યાંનાં અનેક નિશાન હતાં.
"જાણે કે તેણી પ્રાણીઓ વચ્ચે રહી હોય. હું એકદમ સ્તબ્ધ થઈ ગયો. પહેલી નજરે હું તેને વધુ સમય સુધી જોવાની હિંમત ન કરી શક્યો.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અનિલ વધુમાં જણાવે છે કે, ''નિર્ભયાને મળીને આવ્યાં પછી સૌથી પહેલાં મેં તેમનાં સાથીની કોલ ડિટેઇલ શોધી અને પછી ફોનનું લોકેશન ટ્રેસ કરવા જણાવ્યું.
"જેથી ગત રાત્રીએ નિર્ભયા કયાં વિસ્તારમાં હતી તે સરળતાથી જાણી શકાય.
''મારા મનમાં નિર્ભયાનો ચહેરો આવી રહ્યો હતો. મેં તેનાં વિશે ડૉક્ટરને પૂછ્યું અને તેનાં વિશે ઇન્ટરનેટ પર વાંચવાનું શરૂ કર્યુ.
"ઑડોન્ટોલૉજી દાંતના વિજ્ઞાનને કહે છે. આ વિજ્ઞાનનો ઉપયોગ સામાન્ય રીતે લોકો પોતાના સ્માઇલને આકાર આપવા કે સુંદર દેખાવા માટે કરે છે.
"તે સિવાય ચહેરાનું જડબું યોગ્ય રીતે બેસાડવા કે તેની સારવાર માટે તેની મદદ લેવામાં આવે છે."

પહેલી વખત ઑડોન્ટોલૉજીનો ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ આ વિજ્ઞાનમાં એક બ્રાન્ચ ફોરેન્સિક ડેન્ટલ સાયન્સની પણ હોય છે, જે ન્યાની પ્રક્રિયામાં દાંત અને જડબાંની મદદથી ગુના અંગેની માહિતીની તપાસ માટે કરાય છે.
કારણ કે, કોઈ પણ બે વ્યક્તિના દાંતોની પેટર્ન એક જેવી નથી હોતી.
અનિલ કહે છે, ''પોતાની પોલીસની કારકિર્દીમાં તેમણે કોઈ ગુનેગારને પકડવા માટે ક્યારેય આ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો નહોતો.''
તે દિવસોને યાદ કરતા અનિલ ખૂબ જ ભાવૂક બન્યાં અને આંખોમાં આવતા આંસુને માંડમાંડ રોક્યાં.

ઑડોન્ટિક્સે કેવી રીતે મદદ કરી?

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે આગળની વાત રજુ કરતા જણાવ્યું કે, ''મેં તપાસ કરતા માલૂમ પડ્યું કે, કર્ણાટકનાં ધારવાડમાં એક વૈજ્ઞાનિક છે મારી મદદ કરી શકે તેમ છે. મેં તેમનો સંપર્ક કર્યો. આખરે મેં તેમને આ તપાસમાં મદદ કરવા માટે રાજી કર્યાં.''
કર્ણાટકમાં ધારવાડમાં ડૉક્ટર અસિત બી. આચાર્ય સાથે પણ બીબીસીએ નિર્ભયા કેસ વિશે વાત કરી. ડૉક્ટર અસિત, એસડીએમ કોલેજ ઑફ ડેન્ટલ સાયન્સ ધારવાડમાં ફોરેન્સિક ઑડોન્ટોલૉજીના હેડ છે.

ઇમેજ સ્રોત, DR. ASHITH B. ACHARYA/BBC
ડૉ. અસિતના કહેવા પ્રમાણે, ''17 ડિસેમ્બર 2012નાં રોજ જ દિલ્હી પોલીસના કહેવાથી સફદરગંજ હોસ્પિટલના ડૉક્ટરે મારો સંપર્ક કર્યો હતો.
તે જ સમયે નિર્ભયાનાં શરીર પર રહેલા દાંતોનાં નિશાનનાં ફોટો પાડી રાખવાની સલાહ આપી હતી.''તે જ ફોટા સમગ્ર તપાસમાં પાયારૂપ સાબિત થયા હતા.
ડૉ. અસિત કહે છે, ''ઑડોન્ટોલૉજી ફોરેન્સિક સાયન્સ ત્યારે જ મદદગાર સાબિત થાય, જ્યારે પીડિતાનાં શરીર પર દાંતનાં નિશાન સામે સ્કેલ રાખી તેના ક્લોઝ-અપ ફોટો પાડી શકાય અને આરોપીના દાંતના નિશાન સાથે તેને મેચ કરી શકાય.''

સારવાર અને આશા

ઇમેજ સ્રોત, Getty Images
સારવાર દરમિયાન અનિલ નિર્ભયા સાથે ભાવાત્મકરૂપથી જોડાયા હતા. અનિલ નિર્ભયાને યાદ કરતા એક કિસ્સો સંભળાવે છે.
''એક છોકરી બીમાર હતી, હોસ્પિટલમાં પોતાની બારીની બહાર એક ઝાડ જોતી હતી. તે ઝાડનાં પાંદડા જેમજેમ તૂટતાં હતાં તેમતેમ છોકરીને લાગતું હતું કે તે પોતાનાં મૃત્યુની નજીક સરી રહી હતી. પછી એક દિવસ છોકરીએ પોતાનાં પિતાને કહ્યું''જે દિવસે આ ઝાડનાં બધાં જ પાંદડા તૂટી જશે, તે દિવસે હું પણ નહીં જીવિત રહું.
છોકરીની વાત સાંભળીને પિતાએ છેલ્લું પાંદડુ ઝાડ સાથે ચોટાડી દીધું. બીજી સવારે બીમાર છોકરીને નવું જીવન મળ્યું અને નવી શરૂઆત સાથે જીવવાની પ્રરેણા મળી.''

ઇમેજ સ્રોત, Getty Images
નિર્ભયાનાં જીવનમાં પણ અનિલ તે પાંદડાને ચોટાડવા માંગતા હતા, જેથી તેનામાં ફરીથી જીવન જીવવાની ઇચ્છા જાગે.
દેશમાં જ્યારે નિર્ભયાની સારવાર ચાલી રહી હતી, ત્યારે અનિલ રોજ નિર્ભયાને હોસ્પિટલમાં મળવા જતા હતા. તેઓએ હોસ્પિટલના રૂમમાં ટીવી રાખવાનું વચન પણ આપ્યું હતું, પરંતુ આ ઇચ્છા તેઓ પૂરી કરી શક્યા નહોતા.
ત્યારસુધીમાં સરકાર નિર્ભયાને સારવાર માટે સિંગાપોર લઈ જવાની વ્યવસ્થા કરી લીધી હતી, પરંતુ અનિલ, નિર્ભયા કેસમાં આરોપીઓને સજા અપાવવા ઇચ્છતા હતા.
તેમણે ડૉ. અસિતના કહેવા પ્રમાણે, ''2 જાન્યુઆરી 2013નાં રોજ દિલ્હી પોલીસના એક સહકર્મીને નિર્ભયાનાં શરીર પર દાંતોનાં નિશાનનાં ફોટો અને પકડાયેલા આરોપીઓના નિશાન સાથે કર્ણાટકના ધારવાડ મોકલ્યાં.''

ઇમેજ સ્રોત, Getty Images
ઑડોન્ટોલૉજી ફોરેન્સિક સાયન્સ વિશે ડૉ. અસિત જણાવે છે કે આ સાયન્સ જટિલ છે. કોઈ નિશ્ચિત સમય હોતો નથી જેમાં રિપોર્ટ આવી શકે.
તેમના પ્રમાણે,''આવા કેસમાં જેટલા વધારે દાંતોનાં નિશાન હોય અને જેટલાં જટિલ હોય, તપાસ અને રિપોર્ટ તૈયાર કરવામાં એટલી જ મુશ્કેલી પડે છે.''
પરંતુ નિર્ભયા કેસ અલગ હતો. આ કેસમાં ડૉ. અસિતે દરરોજ 10થી 12 કલાકની મહેનત કરી હતી.
પાંચ દિવસની રાહ જોયા બાદ નિર્ભયાના કેસમાં ઑડોન્ટોલૉજી રિપોર્ટ આવ્યો.
રિપોર્ટ પ્રમાણે, ચાર ગુનેગારોમાંથી બે આરોપી, વિનય શર્મા અને અક્ષય કુમાર સિંહના દાંતોના નિશાન નિર્ભયાનાં શરીર પર પડેલા નિશાનોમાં સરખા જોવા મળ્યાં.
અનિલના પ્રમાણે, ''પૂર્ણ તપાસમાં આ મહત્વપૂર્ણ તથ્ય હતું કે જેમાં નિર્ભયા મામલામાં વિનય શર્મા અને અક્ષય કુમારને ફાંસી સુધી પહોંચાડ્યા.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












