મિઓટામાં બિટકૉઇન કરતાં પણ વધારે ભાવ વધારો, મૂલ્ય 800 ટકા વધ્યું

ક્રિપ્ટોકરન્સી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિટકોઈન, એથરિયમ, બિટકોઈન કેશ, મિઓટા અને રિપ્પલ સૌથી મૂલ્વાન ક્રિપ્ટોકરન્સી ગણાય છે.
    • લેેખક, બીબીસી મુન્ડો
    • પદ, બીબીસીની સ્પેનિશ સર્વિસ

બિટકૉઇનનું મૂલ્ય પાછલાં સપ્તાહોમાં વધીને ડિસેમ્બરની શરૂઆતમાં 15,000 ડોલરના આંકને પાર કરી ગયું હતું. પણ જેનાં મૂલ્યમાં અસાધારણ વધારો થયો હોય એવી એકમાત્ર વર્ચ્યૂઅલ કરન્સી બિટકૉઇન નથી.

નિયંત્રણ વિહોણાં પણ જંગી વળતર આપતા વર્ચ્યૂઅલ કરન્સી માર્કેટમાં એક ઓછી જાણીતી ક્રિપ્ટોકરન્સીનાં મૂલ્યમાં પણ છેલ્લા મહિનામાં વિસ્ફોટક વધારો થયો છે.

એ ક્રિપ્ટોકરન્સીનું નામ છે મિઓટા. તેને ઇન્ટરનેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી રોકાણની પ્રોડક્ટ ગણાવવામાં આવી રહી છે.

નવેમ્બરની શરૂઆતથી મિઓટાનાં મૂલ્યમાં 774 ટકા વધારો થયો છે. મૂલ્યમાં વધારાને પગલે મિઓટાનું કેપિટલાઇઝેશન વધીને 12 અબજ ડોલર થઈ ગયું છે.

માર્કેટ વોચ નામની ફાઇનાન્સિઅલ ન્યૂઝ વેબસાઇટના અહેવાલ મુજબ, કેપિટલાઇઝેશનમાં વધારા સાથે મિઓટા વિશ્વની પાંચ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી પૈકીની એક બની ગઈ છે.

આઈઓટા નામના જર્મન સ્વૈચ્છિક સંગઠને મિઓટાનું સર્જન કર્યું છે.

મિઓટાનાં મૂલ્યમાં થયેલા વધારાને પગલે સંખ્યાબંધ ટેક્નોલૉજી કંપનીઓ ડેટા માર્કેટપ્લેસ તૈયાર કરવા આઈઓટા સાથે કામ કરી રહી હોવાના અહેવાલ પણ છે.

તમને આ પણ વાંચવું ગમશે

line

બિટૉઇન કરતાં ઘણી પાછળ

આઈઓટાના સહસ્થાપક ડેવિડ સોન્સ્ટેબોના જણાવ્યા અનુસાર, ડેટા શેરિંગને ઉત્તેજન આપવાના હેતુસર આમ કરવામાં આવી રહ્યું છે.

ડેવિડ સોન્સ્ટેબોએ ગયા મહિને એક નિવેદન બહાર પાડ્યું હતું.

તેમાં ડેવિડ સોન્સ્ટેબોએ જણાવ્યું હતું કે ''મુક્ત વ્યવહાર મારફતે ડેટા શેરિંગના વિચારને આઈઓટા પ્રોત્સાહિત કરી રહ્યું છે."

"સંશોધન, આર્ટિફિશઅલ ઇન્ટેલિજન્સ અને બધા માટે ડેટા ઉપલબ્ધ કરાવવામાં એ ઉદ્દીપકનું કામ કરશે.''

જોકે, મૂલ્યના સંદર્ભમાં બિટકૉઇન કરતાં મિઓટા ઘણી પાછળ છે.

Cryptocurrencychart.com નામની એક ટ્રેકિંગ વેબસાઇટના જણાવ્યા અનુસાર, છઠ્ઠી ડિસેમ્બરે મિઓટાનું મૂલ્ય પ્રતિ એકમ 4.5 ડોલર હતું.

એ જ દિવસે બિટકોઇનનું મૂલ્ય પ્રતિ એકમ 12,962 ડોલરના સ્તરે પહોંચી ગયું હતું.

line

વિવાદાસ્પદ વૃદ્ધિ

બિટકોઈન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિટકોઈનના મૂલ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં 1,200 ટકાથી વધુનો વધારો થયો છે.

પરંપરાગત કરન્સીથી વિપરીત રીતે વર્ચ્યૂઅલ કરન્સી કોઈ દેશ કે વ્યક્તિ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલાં મૂલ્યનું ડિજિટલ પ્રતિનિધિત્વ કરે છે.

ક્રિપ્ટોકરન્સીને નાણાં વડે ખરીદી શકાય છે. કોઈ સામગ્રી કે સેવાના બદલામાં ક્રિપ્ટોકરન્સી સ્વીકારી શકાય છે.

તેમજ જે કંપનીઓ આવી કરન્સી ઇસ્યુ કરતી હોય તેમાં રોકાણ કરી શકાય છે.

આ પ્રકારના વ્યવહારોને કારણે એક માર્કેટનું સર્જન થાય છે. જે સદંતર નિયંત્રણ વિહોણું છે અને તેનો વહીવટ સંપૂર્ણપણે ખાનગી રોકાણકારોના હાથમાં છે.

આ કરન્સીનાં મૂલ્યમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. 2017માં મૂલ્યમાં 1200 ટકા વધારો થવાને કારણે બિટકૉઇનને 'ડિજિટલ ગોલ્ડ' એવું હુલામણું નામ મળ્યું છે.

જોકે, સંખ્યાબંધ વિશ્લેષકો માને છે કે વર્ચ્યૂઅલ કરન્સીસ ઇતિહાસમાંના સૌથી મોટા પરપોટાઓ પૈકીની એક છે.

એ વિશ્લેષકોમાં અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા જોસેફ સ્ટીગ્ટ્લિઝનો પણ સમાવેશ થાય છે.

બીબીસીને તાજેતરમાં આપેલી મુલાકાતમાં જોસેફ સ્ટીગ્ટ્લિઝે કહ્યું હતું કે ''લોકોને બિટકૉઇન્સ કે વૈકલ્પિક ચલણની જરૂર શું છે?"

"કાળા નાણાંને કાયદેસરનું સ્વરૂપ આપવા અને કરચોરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે લોકો ક્રિપ્ટોકરન્સીનો આશરો લઈ રહ્યા છે.''

વારંવાર ચેતવણી આપવામાં આવતી હોવા છતાં રોકાણકારો ક્રિપ્ટોકરન્સી માર્કેટની વૃદ્ધિમાં વિશ્વાસ રાખી રહ્યા છે.

'જેટલું વધુ જોખમ એટલું વધારે વળતર' એવો એક જૂનો સિદ્ધાંત છે અને ક્રિપ્ટોકરન્સી તેનું જીવંત ઉદાહરણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો