'હવે હું મારા પુત્રને મોટો થતો જોઈ શકીશ', એક ઇન્જેક્શનથી દર્દીની આંખમાં દૃષ્ટિ કેવી રીતે પાછી આવી?

- લેેખક, મિશેલ રૉબર્ટ્સ અને સોફી હચિન્સન
- પદ, બીબીસી ન્યૂઝ
ડૉક્ટરો કહે છે કે, તેમણે એવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે, જે અગાઉ અશક્ય ગણાતી હતી - હાઇપોટોની નામની ભાગ્યે જ થતી, પણ ગંભીર પ્રકારની આંખની બીમારીથી પીડાતા લોકોમાં અંધાપો અટકાવવો અને તેમની દૃષ્ટિ પાછી લાવવી.
લંડન સ્થિત મૂરફિલ્ડ્ઝ હૉસ્પિટલ આ બીમારી માટેનું વિશ્વનું પ્રથમ સમર્પિત ક્લિનિક છે અને એક પ્રાયોગિક અભ્યાસ અનુસાર, આ સારવાર મેળવનારા આઠ પૈકીના સાત દર્દીઓમાં થેરેપીની હકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી છે.
તે પૈકીનાં એક અને આ સારવાર મેળવનારાં પ્રથમ મહિલા 47 વર્ષનાં નિકી ગાય છે. તેમણે તેમનો અનુભવ બીબીસીને વર્ણવ્યો છે.
તેઓ જણાવે છે કે, પરિણામો આશ્ચર્યજનક છેઃ "તે જીવન બદલી નાખનારો અનુભવ છે. મને મારું સર્વત્ર પાછું મળી ગયું. હું મારા પુત્રને મોટો થતો જોઈ શકું છું."
"પહેલાં મને આંગળીઓ ગણવામાં પણ મુશ્કેલી પડતી હતી અને બધું ઝાંખું દેખાતું હતું, પરંતુ હવે હું બધું ચોખ્ખું જોઈ શકું છું."
હાલમાં તેઓ આઇ ટેસ્ટ ચાર્ટ પરના મોટાભાગના અક્ષરો જોઈ-વાંચી શકે છે.
હવે તેઓ ડ્રાઇવિંગ માટેની આવશ્યક સીમાથી બસ એક પગલું દૂર છે. એક સમયે તેઓ આંશિક અંધાપો ધરાવતાં હતાં, નજીકનું જોવા માટે મૅગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરતાં હતાં તેમજ ઘરની અંદર-બહાર મોટાભાગે સ્મૃતિના આધારે અવર-જવર કરતાં હતાં, તે સ્થિતમાંથી આ ઘણું મોટું પરિવર્તન આવ્યું છે.
"જો હવે મારી દૃષ્ટિ જીવનભર આવી જ રહેશે, તો જિંદગી અદ્ભુત બની રહેશે!"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું હતું કે, "કદાચ હું ફરી કદી ડ્રાઇવિંગ ન કરી શકી હોત, પણ હવે હું એમ કરી શકીશ!"
હાઇપોટોનીમાં આંખમાં શું થાય છે?

ઇમેજ સ્રોત, BBC News
હાઇપોટોની થવાથી આંખની અંદરનું દબાણ જોખમી રીતે નીચું થઈ જાય છે, જેના કારણે તે અંદરની તરફ ધસી જાય છે.
આંખની અંદર કુદરતી જેલી જેવા પ્રવાહીનું ઉત્પાદન નબળું પડે, ત્યારે આવી સ્થિતિ ઉદ્ભવી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ આઘાત કે સોજા બાદ આવી સમસ્યા સર્જાઈ શકે છે.
કેટલીક વખત સર્જરી કે ચોક્કસ દવાઓની આડ અસરથી આમ થતું હોય છે. સારવાર કરવામાં ન આવે, તો વ્યક્તિ દૃષ્ટિ ગુમાવી શકે છે.
હજી હમણાં સુધી ડૉક્ટરો આંખોને ફુલાવવા માટે સ્ટેરૉઇડ્ઝ તથા સિલિકોન ઑઇલનો ઉપયોગ કરવાની કોશિશ કરતા હતા, પણ તે સારવાર લાંબા ગાળે હાનિકારક નીવડી શકે છે અને તેનાથી દૃષ્ટિમાં ખાસ ફરક પડતો નથી.
હોઇપોટોનીમાં ડાબી આંખની દૃષ્ટિ ગુમાવી દીધી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દૃષ્ટિ માટે વપરાતા આંખની પાછળના કોષો સ્વસ્થ હોય, તો પણ સિલિકોન તેલના માધ્યમથી જોવું મુશ્કેલ છે અને તેના કારણે ધૂંધળું દેખાય છે.
મૂરફિલ્ડ્ઝના નિષ્ણાતોએ તેમની પાસે અગાઉથી મોજૂદ હતો, તેવો જુદો અભિગમ અપનાવવાનું નક્કી કર્યું, જે હતું ઓછું ખર્ચાળ, પારદર્શક, પાણી આધારિત જેલ - હાઇડ્રોક્સિપ્રોપાઇલ મિથાઇલસેલ્યુલોઝ અથવા એચપીએમસી.
અમુક પ્રકારની આંખની સર્જરીમાં પહેલેથી જ તેનો ઉપયોગ થાય છે.
પરંતુ તેને એક જ વખત પ્રયોગ તરીકે ઉપયોગમાં લેવાને બદલે, મૂરફિલ્ડની ટીમે તેને નવા પ્રકારની થેરેપીના ભાગરૂપે આંખના મુખ્ય ભાગની અંદર ઇન્જૅક્ટ કરવાનો નિર્ણય કર્યો.
2017માં નિકીને પુત્રના જન્મ બાદ તરત જ પ્રથમ વખત દૃષ્ટિની સમસ્યા સર્જાઈ, ત્યારે શરૂઆતમાં તેમની નબળી પડી રહેલી જમણી આંખમાં ઘણું સિલિકોન ઑઇલ નાખવામાં આવ્યું.
નિકી કહે છે કે, હાઇપોટોનીના કારણે આંખનો સામાન્ય આકાર બદલાઈ ગયો હતો "એક રીતે તે બેસી ગઈ" કે "કાગળની થેલીની માફક સંકડાઈ ગઈ" હતી. સારવારથી પણ કોઈ સુધારો ન થયો.
થોડાં વર્ષો બાદ, તેમની ડાબી આંખ પણ એ જ રીતે નબડી પડવા માંડી.
"મેં ડાબી આંખની દૃષ્ટિ ગુમાવી દીધી, એ પછી મેં વિચાર્યું, 'હવે બીજો કોઈ ઉપાય અજમાવવો જોઈએ," એમ તેમણે જણાવ્યું હતું.
"મેં મક્કમ નિર્ધાર કરી લીધો હતો કે, 'હું હાર નહીં માનું'."
હાઇપોટોનીની સારવાર કેટલી કારગત છે?

નિકીના આંખના ડૉક્ટર હેરી પેટ્રુશ્કિન જણાવે છે કે, તેમણે સાથે મળીને તદ્દન નવો પ્રયોગ અજમાવવાનું નક્કી કર્યું - આંખને કોઈ એવા પદાર્થથી ભરી દેવી કે જેની આરપાર તમે જોઈ શકો.
તેમણે જણાવ્યું હતું કે,"અમે એક એવા દર્દીને નુકસાન પહોંચાડી શકીએ છીએ, જે ખરા અર્થમાં કેવળ એક જ આંખ ધરાવે છે અને સારવાર પણ એવી છે કે, કારગત નીવડે પણ ખરી અને ન પણ નીવડે - આ વિચાર મને ગભરાવી મૂકતો હતો."
"અમે આ ઉકેલ વિશે વિચાર્યું અને સુખદ આશ્ચર્ય વચ્ચે તે કામ કરી ગયો."
"સાચે જ, આવું સુખદ પરિણામ આવશે, એવું અમે સપનામાંયે નહોતું ધાર્યું."
"એક એવી મહિલા, જેણે બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હોત... તે હવે સામાન્ય જીવન જીવી રહી છે. આ સાચે જ અદ્ભુત બાબત છે. આનાથી સારું બીજું કશું ન હોઈ શકે."
તેઓ કહે છે કે, આ જ સારવારથી બ્રિટનમાં દર વર્ષે સેંકડો કે પછી હજ્જારો લોકોને લાભ થઈ શકે છે. જોકે, તેનો આધાર એ હકીકત પર રહે છે કે, તેમની આંખના પાછળના ભાગમાં દૃષ્ટિ આપતા કોષો મોજૂદ છે કે કેમ.
"અમે જાણતા હતા કે, નિકીની દૃષ્ટિમાં સુધારો થવાની શક્યતા રહેલી છે અને જો અમે તેની આંખોને ફરીથી ગોળ અને સખ્ત બનાવી શકીએ, તો તે બહેતર થઈ જશે."
મૂરફિલ્ડ્ઝ આઇ ચેરિટી પાસેથી મળતા અનુદાનમાંથી અત્યાર સુધીમાં 35 દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને પ્રથમ આઠ દર્દીઓની સારવારનાં પરિણામો બ્રિટિશ જર્નલ ઠફ ઑપ્થેમોલૉજીમાં પ્રકાશિત કર્યાં છે.
આ સારવાર આશરે 10 મહિના સુધી દર ત્રણથી ચાર સપ્તાહમાં એક વખત અપાય છે.
સંશોધકોને આશા છે કે, સમય વીતવા સાથે તેઓ એ નક્કી કરવા માટે સક્ષમ બની જશે કે, કયા દર્દીને લાભ થઈ શકે તેમ છે.
પેટ્રુશ્કિને જણાવ્યું હતું કે, "આ એક અદ્ભુત વાત છે. પરિણામો અત્યંત આશાસ્પદ છે, પરંતુ હજુ આ પ્રારંભિક તબક્કો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












