ગુજરાત : સાપના ઝેરની હરાજી કેમ કરાઈ અને લાખો રૂપિયા આપીને વિષ કોણ ખરીદે છે?

સાપ, ગુજરાત, વલસાડ , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ગુજરાતમાં તાજેતરમાં એક અનોખી હરાજી યોજાઈ ગઈ. આ હરાજીમાં માલ-મિલકતને બદલે સાપનું ઝેર નીલામી માટે રાખવામાં આવ્યું હતું.

રાજ્યમાં જોવા મળતી ચાર મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓના ઝેરની ઈ-હરાજી કરાઈ હતી. આ ઝેર લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપમાં) હતું.

જેમાં લાયસન્સ ધરાવતા અને ઍન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોએ ભાગ લીધો હતો. આ હરાજીમાં ઝેરની ગુણવત્તાને કારણે ધાર્યા કરતાં પણ ઊંચી કિંમત મળી હતી.

ઝેરનું મારણ ઝેર જેવી કહેવત છે, પણ ઝેરનું મારણ સીધું ઝેર નથી હોતું. સાપના કિસ્સામાં રસી બનાવવા માટે સાપના ઝેર પર એક એવી પ્રક્રિયા કરવામાં આવે છે જે લોકોના મનમાં કુતૂહલ ઊભું કરે છે.

આ રસી બનાવવાની પ્રક્રિયામાં ઘોડાનું પણ એક આગવું સ્થાન છે, શું છે આખી બાબત આવો જાણીએ.

સાપ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સરકારના આંકડા અનુસાર, ભારતમાં દર વર્ષે સાપ કરડવાથી 50 હજાર જેટલા લોકોનાં મોત થાય છે, જે આંકડો દુનિયામાં સર્પદંશથી થતાં મોતનાં 50 ટકા જેટલો છે.

સર્પદંશને કારણે દુનિયાભરમાં દર વર્ષે 81,410થી 1,37,880 જેટલા લોકોનાં મૃત્યુ થતાં હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાનું અનુમાન છે.

ગુજરાત સરકારની વેબસાઇટ અનુસાર ગુજરાત રાજ્યમાં જોવા મળતા સાપોમાંથી મુખ્યત્વે ચાર પ્રજાતિના સાપ જ ઝેરી હોય છે. ત્યારે સર્પદંશના કિસ્સામાં નિષ્ણાતો અનુસાર એક અનોખી બાબત તે સામે આવે છે કે, સાપનું ઝેર પ્રદેશ પ્રમાણે બદલાય છે. દૂરના પ્રદેશના સાપના ઝેરથી બનાવેલું ઍન્ટિવેનમ ઘણી વખત ઓછું અસરકારક સાબિત થાય છે.

આ સમસ્યાને જોતાં ગુજરાત સરકારે 2020માં વલસાડના ધરમપુર ખાતે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ સ્થાપના કરી છે.

દેશમાં ઍન્ટીવેનમ બનાવવા માટે સાપમાંથી ઝેર કાઢવાની પ્રવૃત્તિ હાલ તમિલનાડુના ઈરુલા આદિવાસીઓ દ્વારા કાર્યરત્ ઈરુલા સ્નેક રિસર્ચ ઇન્ડસ્ટ્રિયલ કૉ-ઑપરેટિવ સોસાયટી લિ. કરે છે, જેને ભારત સરકાર દ્વારા માન્યતા મળેલી છે.

સાપના ઝેરની કિંમત લાખોમાં હોઈ શકે?

ગુજરાત, સાપ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતના સાપોનું ઝેર પાવડર સ્વરૂપમાં રસી બનાવતી કંપનીઓને આપવામાં આવશે.

ગુજરાત સરકારના વલસાડ (ઉત્તર) વિભાગના ડેપ્યુટી વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ જણાવે છે, "સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ફૉરેસ્ટ રિસર્ચ ફાઉન્ડેશન હેઠળ કાર્યરત્ છે."

"હેતુ છે - સાપનું રેસ્ક્યુ કરીને તેમના ઝેરમાંથી લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપમાં) બનાવવું. આ લાયોફિલાઇઝ્ડ ગુજરાતના સાપોમાંથી બને છે અને એટલે અહીંના વિસ્તારોને લક્ષ્યમાં રાખવામાં આવે છે."

વલસાડના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ-ચૅરમૅન અને જનરલ સર્જન ડી.સી. પટેલે જણાવ્યું કે, "ભૂતકાળમાં કેટલાક કિસ્સાઓમાં અમે જોયું હતું કે, દર્દીઓને ઍન્ટીવેનમ ઇન્જેક્શન આપવા છતાં પણ યોગ્ય પરિણામ મળતું ન હતું. ત્યારે અમે રજૂઆત હતી કે વિસ્તારને અનુલક્ષીને ઍન્ટી સ્નેક વેનમ બનાવવામાં આવે."

સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ગુજરાતમાંથી 3000 જેટલા સાપ પકડવાની અને સાચવવાની મંજૂરી મળેલી છે.

ડી.સી. પટેલ જણાવે છે, "પરવાનગી પ્રમાણે, સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આધુનિક ટેક્નૉલૉજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરીને લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપ)માં રૂપાંતરિત કરે છે. આ પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે."

તેઓ કહે છે, ઇન્સ્ટિટ્યૂટ સાથે કાર્યરત્ મૅન્યુફેક્ચરિંગ કંપનીઓમાં પ્રીમિયમ સીરમ કંપની પુણે, ભારત સીરમ વૅક્સિન કંપની મુંબઈ, વિન બાયોલૉજિકલ હૈદરાબાદ જેવી કંપનીઓ ઇન્સ્ટિટ્યૂટ લાયોફિલાઇઝ્ડ આપે છે, જેમાંથી કંપની એએસવી (એન્ટિ સ્નેક વેનમ) બનાવે છે.

ડી.સી. પટેલ ઇન્સ્ટિટ્યૂટનો હેતુ જણાવતા કહે છે, ગુજરાત સહિત નજીકનાં રાજ્યો જેવાં કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પણ તે આ રસી વપરાય તે તેનો મુખ્ય હેતુ છે.

ડી.સી. પટેલ કહે છે કે, "અમારી પાસે ગુજરાતના ઝેરી સાપોમાં કોબ્રા, ક્રેટ, રસેલ્સ વાયપર, સૉ સ્કેલ્ડ વાઇપર, કચ્છનો સૉ સ્કેલ્ડ વાઇપર, ભાવનગરમાંથી સિંડ ક્રેટ, ડાંગ અને વલસાડમાં જોવા મળતો બાંબુ પીટ વાઇપર જેવી જાતના સાપો છે."

તેઓ કહે છે, "જોકે, હજુ સુધી તેના ઍન્ટીવેનમ બન્યા નથી માત્ર ઈ-હરાજી થઈ ગઈ છે, તેની હવે આગળની પ્રક્રિયા થઈ રહી છે તે પછી, ગુજરાતના સાપના ઝેરથી બચી શકવાની એએસવી મળી જશે."

તે સાથે, ઇન્સ્ટિટ્યૂટના કર્ણાટકની યુનિવર્સિટી માહે (મણિપાલ ઍકેડેમી ઑફ હાયર ઍજ્યુકેશન) સાથે એમઓયુ થયા છે.

ત્યારે ધરમપુરના આ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે 1973થી જેની પાસે સાપ ઝેર એકત્ર કરવાની પરવાનગી છે તેવી ઈરુલા કૉ. પાસેથી બેઝ કિંમતો મંગાવી હતી.

ઇન્સ્ટિટ્યૂટે સાપના ઝેરના લાયોફિલાઇઝ્ડ સ્વરૂપની તાજેતરમાં હરાજી કરી હતી, તેમાં ધાર્યા કરતાં ઊંચી કિંમતો મળી છે.

સર્પ સંશોધન કેન્દ્રના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, "ઇન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ રૂ. 40,000 ની બેઝપ્રાઇસ નક્કી કરવામાં આવી હતી, પરંતુ અમને રૂ. 44,000 મળ્યા. સૉ-સ્કેલ્ડ વાયપરના ઝેર માટે રૂ. 3,50,000 ની આધાર કિંમત સામે રૂ. 3,56,500 મળ્યા."

"કૉમન ક્રેટની બેઝિક કિંમત એક લાખ રૂપિયા હતી તેની અમને એક લાખ ત્રણ હજાર રૂપિયા જેટલી કિંમત મળી છે."

"રસેલ્સ વાયપરના ઝેર માટે રૂ. 50,000ની આધાર કિંમત સામે અમને 53,000 પ્રાઇઝ મળી છે."

ડી.સી. પટેલ કહે છે કે, "ગુજરાતની રસીની અસરકારકતા અન્ય રાજ્યોના સાપના ઝેરના નિદાનમાં પણ જોવા મળશે. હાલમાં વપરાતું ઇન્જેક્શન અસરકારક તો છે જ પણ રસેલ્સ વાયપરના દંશના કિસ્સામાં એમાં વિસ્તાર આધારે મહદ અંશે મુશ્કેલીનો સામનો કરવો પડે."

"ગુજરાત સંદર્ભે પણ ચોક્કસથી આ કારગત સાબિત થશે."

ગાંધીનગરસ્થિત ઇન્દ્રોડા નેચર પાર્ક-ગીર ફાઉન્ડેશનના પશુચિકિત્સા અધિકારી, ડૉ. અનિકેત પટેલ જણાવે છે કે ઝેર પ્રવાહી સ્વરૂપમાં હોવાથી ઝડપથી બગડી જવાનું જોખમ રહે છે, તેથી સેલ્ફ લાઇફ વધારવા માટે લાયોફિલાઇઝ્ડ પાવડર ફૉર્મમાં પરાવર્તિત કરવામાં આવે છે.

ઘોડો કેવી રીતે સાપના ઝેરની રસી બનાવવા અગત્યની ભૂમિકા ભજવે છે?

ઘોડો, સાપ, સાપનું ઝેર, બીબીસી ગુજરાતી, ગુજરાતી, વલસાડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, (પ્રતીકાત્મક તસવીર)

એએસવીની બનાવટમાં ઘોડાની ભૂમિકા સમજતા પહેલાં ઝેરના પ્રકારો સમજવા જરૂરી છે.

ગુજરાતમાં મુખ્યત્વે ચાર પ્રકારના ઝેરી સાપ છે: ખડચિતરો (રસેલ્સ વાયપર), ફુરસો (સૉ સ્કેલ્ડ વાઈપર), નાગ (કોબ્રા) અને કાળોતરો (કૉમન ક્રેટ).

સર્પપ્રેમી કર્મશીલ ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે, સાપનું 'ઝેર' (વેનમ) અને 'પૉઇઝન' અલગ-અલગ હોય છે.

'પૉઇઝન' કેમિકલ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે, જ્યારે સાપનું ઝેર એના શરીરમાં રહેલાં ટૉક્સિન છે એટલે કે કુદરતી પ્રોટીન છે. ઝેરના જે પ્રકારો વધારે અસર કરતાં હોય છે, તે ન્યૂરોટૉક્સિક અને હિમોટૉક્સિક છે.

ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે કે, "ન્યૂરોટૉક્સિક ઝેર નાગ અને કાળોતરામાં જોવા મળે છે, જે નર્વસ સિસ્ટમને અસર કરે છે. જ્યારે હિમોટૉક્સિક ઝેર ખડચિતરા અને ફુરસોમાં હોય છે તે શરીરના રુધિરાભીષણતંત્ર પર અસર કરે છે."

"જ્યારે માનવશરીરમાં સાપનું ઝેર પ્રવેશે છે ત્યારે શરીર ઍન્ટી બૉડીઝ બનાવતું હોય છે, પણ જો ઝેરનું પ્રમાણ વધારે હોય તો મૃત્યુ થાય છે. આ ઍન્ટી બૉડી બનાવવાની જે પ્રક્રિયા છે, તે જ રસી બનાવવાની પ્રક્રિયા છે."

તેઓ કહે છે, "ઍન્ટી-સ્નેક વેનમ (એએસવી) સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે, જેના માટે ભારતમાંથી માત્ર તમિલનાડુની ઈરૂલા જનજાતિને જ સરકારે ઝેર એકત્ર કરવાની પરવાનગી આપી છે." હવે ધરમપુરની ઇન્સ્ટિટ્યૂટને પણ આ પરવાનગી અપાઈ છે.

ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે, ઘોડાની રોગપ્રતિકારક શક્તિ અન્ય પશુઓ કરતાં સારી હોય છે.

ડૉ. અનિકેત પટેલ જણાવે છે, "સાપના ઝેરને પાવડરમાં પરિવર્તિત કરાયા બાદ રાસાયણિક પ્રક્રિયા પછી તંદુરસ્ત ઘોડાને નિર્ધારિત માત્રામાં આપવામાં આવે છે. ઘોડો આ પ્રોટીનની અમુક માત્રાને સહન કરી શકે છે, જે અન્ય પશુઓ માટે જોખમકારક છે."

"આમ ઘોડાનું શરીર ઝેર સામે ઍન્ટીબૉડી બનાવે છે. ત્યારબાદ, ઘોડાના લોહીમાંથી પ્લાઝમા કાઢીને ઍન્ટીબૉડી અલગ કરવામાં આવે છે અને ઘણી પ્રક્રિયા બાદ એએસવી તૈયાર થાય છે."

વિસ્તાર બદલાતા સાપના ઝેરની તીવ્રતા પણ બદલાતી હોય છે

ઘોડો, સાપ, સાપનું ઝેર, બીબીસી ગુજરાતી, ગુજરાતી, વલસાડ

ઇમેજ સ્રોત, Dharmendra Trivedi

વિસ્તાર બદલાતા સાપના ઝેરની તીવ્રતા પણ બદલાતી હોય છે

ડૉ. અનિકેત પટેલ જણાવે છે, "દરેક પ્રજાતિમાં અલગ અલગ કૉમ્પોનેન્ટ જોવા મળતા હોય છે, તે જ રીતે પ્રાદેશિક લેવલ પર પણ ઝેરના ઇન્ગ્રીડિયન્ટ્સમાં ફેરફારો જોવા મળે છે."

ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે, "વિસ્તાર આધારિત સાપના ઝેરની તીવ્રતા જુદી હોવા છતાં હજુ એવી કોઈ સમસ્યા આવી નથી કે ગુજરાતના મહેસાણાના સાપની રસી જામનગરની વ્યક્તિને આપતાં તેની અસરકારકતા ન રહી હોય."

સ્નેક રેસ્ક્યૂઅર નિમેશ નાંદોલિયા જણાવે છે કે, ગુજરાતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્રમાં જોવા મળતા સાપનો રંગ થોડો પીળાશ પડતો હોય છે અને તેમાં ઝેરની અસરકારકતા પણ વધારે હોય છે.

ગુજરાતનો સૌથી ખતરનાક સાપ 'કાળોતરો'

ઘોડો, સાપ, સાપનું ઝેર, બીબીસી ગુજરાતી, ગુજરાતી, વલસાડ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના સૌથી ઝેરી સાપોમાં કાળોતરો ટોચનું સ્થાન ધરાવે છે.

નિમેશ નાંદોલિયા જણાવે છે, કાળોતરો સૌથી વધુ માનવ મૃત્યુનું કારણ બને છે. જો યોગ્ય સારવાર ન મળે તો તેનું માત્ર બે મિલીલીટર ઝેર પણ મોતનું કારણ બની શકે છે."

કોબ્રા અને રસેલ્સ વાયપર 8થી 12 મિલીલીટર ઝેર શરીરમાં દાખલ કરે ત્યારે સ્થિતિ ગંભીર બને છે, જ્યારે કાળોતરો બે મિલિમીટર સાથે જ અત્યંત ભયાનક સાબિત થાય છે."

ધર્મેન્દ્ર ત્રિવેદી અને નિમેશ નાંદોલિયાનું માનવું છે કે, સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મદારીઓને પણ યોગ્ય ટ્રેનિંગ આપીને આ પ્રક્રિયામાં સાંકળવા જરૂરી છે, કારણ કે તેઓ વર્ષોથી સાપ પર નિર્ભર રહ્યા છે. આનાથી તેમની આજીવિકાના પ્રશ્નો પણ સંતોષાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન