38 લાખનો પગાર મળે એ નોકરીમાં કામ શું કરવાનું હોય?

ડૅન મેકેન્ઝી કહે છે કે, "અત્યંત રોમાંચક સ્થળો" માટેનું તેમનું વળગણ તેમને ઍન્ટાર્કટિકા લઈ આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Maciej Piętowski

ઇમેજ કૅપ્શન, ડૅન મેકેન્ઝી કહે છે કે, "અત્યંત રોમાંચક સ્થળો" માટેનું તેમનું વળગણ તેમને ઍન્ટાર્કટિકા લઈ આવ્યું હતું.
    • લેેખક, મેરીલૂ કોસ્ટા
    • પદ, વેપાર સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

બ્રિટન અને અમેરિકા, બંનેની ઍન્ટાર્કટિકાસ્થિત સંશોધન સુવિધાઓ "દક્ષિણ તરફની વાટ પકડવા માટે" વર્કર્સની આગામી બૅચ શોધવામાં લાગી ગયા છે.

મજાની વાત એ છે કે, આ કામ માટે તમે વિજ્ઞાની હોવા જરૂરી નથી, કારણ કે, સુથારથી લઈને ઇલેક્ટ્રિશ્યન, રસોઈયા અને હેરડ્રેસર માટે અહીં જગ્યા ખાલી હોય છે. પણ શું તમે ત્યાંની હાડ ગાળતી ઠંડી અને એકલતાનો સામનો કરી શકશો ખરા?

ઇંગ્લૅન્ડની ઉત્તરે આવેલા પોતાના વતન વિગનને 19 વર્ષની વયે છોડ્યા પછી ડૅન મૅકેન્ઝી વિશ્વભરનાં ઘણાં દુર્ગમ સ્થળોએ કામ કરી ચૂક્યા છે.

38 વર્ષના આ ભૂતપૂર્વ સમુદ્રી ઇજનેર વર્તમાન સમયમાં ઍન્ટાર્કટિકાના હેલી VI રિસર્ચ સ્ટેશનમાં સ્ટેશન લીડર તરીકે તેમની અત્યાર સુધીની સૌથી દૂરની અને પડકારરૂપ નોકરી કરી રહ્યા છે.

આ સુવિધા બ્રિટનની પોલાર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બ્રિટિશ ઍન્ટાર્કટિક સરવે (બીએએસ) દ્વારા બર્ફીલા ખંડ પર ચલાવવામાં આવી રહેલી પાંચ સુવિધાઓ પૈકીની એક છે.

મૅકેન્ઝીએ સેટેલાઇટથી જોડાયેલા વીડિયો કૉલ મારફત બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "મને હંમેશાં સાહસ ખેડવાનું ગમે છે અને મને અત્યંત રોમાંચક સ્થળો શોધવામાં રસ છે."

"પહેલાં હું એક નાવિક હતો, પણ હું જહાજો પર કામ કરવાનું ચાલુ રાખવા માગતો નહોતો. બલ્કે, તેના જેવું જ બીજું કશું કામ કરવા માગતો હતો. મેં વિચાર્યું કે, આ કામનો મારા કૌશલ્ય સાથે સારી રીતે મેળ ખાશે."

ઍન્ટાર્કટિકામાં માહોલ કેવો હોય છે?

મૅકેન્ઝીએ કોઈપણ કાર્ય સ્થળે કર્મચારીઓ વચ્ચે થતી તકરારમાં મધ્યસ્થી કરવી પડે છે.

ઇમેજ સ્રોત, Maciej Piętowski

ઇમેજ કૅપ્શન, મૅકેન્ઝીએ કોઈપણ કાર્યસ્થળે કર્મચારીઓ વચ્ચે થતી તકરારમાં મધ્યસ્થી કરવી પડે છે.

મૅકેન્ઝી તેમના કામ વિશે વાત કરી રહ્યા હતા, તે ઍન્ટાર્કટિકામાં ગરમીનો પ્રમાણમાં હૂંફાળો દિવસ હતો. તાપમાન હતું -15 ડિગ્રી સેલ્સિયસ.

મૅકેન્ઝીની બારીની બહાર આંખો પહોંચે, ત્યાં સુધી અફાટ સફેદ રંગ દેખાતો હતો, જે શુદ્ધ વાદળી રંગના એટલા જ વિશાળ સ્તરથી ઢંકાયેલો હતો.

તેઓ કહે છે, "અહીં તાપમાન સાચે જ સારું છે. મહત્તમ તાપમાન માઇનસ પાંચ ડિગ્રી સુધી રહેતું હોય છે. તે -40 જેટલું નીચું જઈ શકે છે, પણ સરેરાશ તાપમાન -20 ડિગ્રી જ રહેતું હોય છે."

મૅકેન્ઝી નવેમ્બરથી ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધી ચાલતી ઍન્ટાર્કટિકાની ઉનાળાની ઋતુ માટે હેલી VI ખાતે 40 લોકોની ટીમને સંભાળે છે.

બીએએસ સ્ટેશન વન્યજીવો તથા પર્યાવરણનાં વિવિધ પાસાંઓ પર દેખરેખ રાખે છે.

હેલી VI અવકાશ અને વાતાવરણીય ડેટા પર કેન્દ્રિત છે અને સાથે જ તે દરિયાકાંઠાની નજીક બ્રન્ટ આઇસ શેલ્ફ અને પૃથ્વીના ઓઝોનના સ્તરમાં પડેલા ગાબડાનો પણ અભ્યાસ કરે છે.

ટીમ ગાત્રો થીજાવી દેતી ઠંડીનો અનુભવ કરે છે, એટલું જ નહીં, પણ ઍન્ટાર્કટિકામાં ઉનાળા દરમિયાન સતત સૂર્યપ્રકાશ રહે છે, પછી થતો સૂર્યાસ્ત પણ સપ્તાહો સુધી રહે છે.

અહીં કામ કરવામાં કેવું લાગે?

ઍન્ટાર્કટિકામાં રહેતો બ્રિટનનો મોટાભાગનો સ્ટાફ ખંડના ઊનાળા દરમિયાન ત્યાં જાય છે.

ઇમેજ સ્રોત, BAS

ઇમેજ કૅપ્શન, ઍન્ટાર્કટિકામાં રહેતો બ્રિટનનો મોટાભાગનો સ્ટાફ ખંડના ઊનાળા દરમિયાન ત્યાં જાય છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૅકેન્ઝીએ 2019માં "બરફ પરનો" તેમનો પ્રથમ કરાર પૂરો કર્યા પછી તેમને સ્ટેશન લીડર તરીકે બઢતી મળી હતી.

હેલી VIથી 1,000 માઇલના અંતરે આવેલા બીએએસના રોથેરા રિસર્ચ સ્ટેશન ખાતે તેમણે મિકેનિકલ મેઇન્ટેનન્સ ઍન્જિનિયર તરીકે શરૂઆત કરી હતી.

સ્ટેશન લીડર તરીકેની તેમની જવાબદારીમાં પુરવઠાનું વ્યવસ્થાપન, આરોગ્ય અને સલામતી તથા તાલીમનો સમાવેશ થાય છે.

સાથે જ નજીકના સંપર્કમાં રહેવાના કારણે તથા એકલતાના કારણે જ્યારે આંતરવૈયક્તિક સંઘર્ષ જેવા પ્રશ્નો ઉદ્ભવે, ત્યારે મૅકેન્ઝીએ ટીમને ભાવનાત્મક સહાય પણ પૂરી પાડવાની રહે છે.

"લોકો તમારી ઑફિસમાં આવીને કહે છે કે, તેમનો દિવસ સારો નથી રહ્યો કે પછી ઘરે કશુંક થયું છે."

"આવે વખતે તમારે જોવું પડે છે કે, તમે તેમની મદદ કરી શકો છો કે કેમ. આવી અલગ-અલગ પ્રકારના પ્રશ્નોમાં આવતા હોય છે."

ઉનાળાની ઋતુ માટે ઍન્ટાર્કટિકા ગયેલા બીએએસના 120 કર્મચારીઓમાં મૅકેન્ઝીનો સમાવેશ થાય છે.

આ સિઝન હવે પૂરી થવા આવી છે.

મૅકેન્ઝી સહિતના મોટા ભાગના લોકો મેના અંત સુધીમાં બ્રિટન પરત ફરશે. જ્યારે પચાસેક લોકો શિયાળાના અંધારામાં ત્યાં જ રોકાશે.

મૅકેન્ઝી વર્ષના બાકીના ભાગમાં કેમ્બ્રિજમાં આવેલા બીએએસના વડામથક ખાતે રોકાશે, પરંતુ અગાઉ તેઓ ઍન્ટાર્કટિકામાં શિયાળો પસાર કરી ચૂક્યા છે. "શિયાળો આવે, ત્યારે મોટા ભાગના લોકો જતા રહ્યા હોવાથી અવિશ્વસનીય આઝાદીનો અનુભવ થાય છે," એમ તેઓ જણાવે છે.

"એવું લાગે છે કે, જાણે તમે વિશ્વના સૌથી મુક્ત વ્યક્તિ છો. તમારી પાસે લોકોનું ગાઢ રીતે જોડાયેલું જૂથ હોય છે અને તમામ લોકો એકમેકની કાળજી લે છે. આ જૂથ એક નાના પરિવાર જેવું બની જાય છે. દરેક વ્યક્તિ એકબીજાનું ધ્યાન રાખે છે."

અહીં કેવાં કામની માગ રહે છે?

હેલી VI રિસર્ચ સ્ટેશન કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના સેટ જેવું લાગે છે.

ઇમેજ સ્રોત, BAS

ઇમેજ કૅપ્શન, હેલી VI રિસર્ચ સ્ટેશન કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના સેટ જેવું લાગે છે.

બીએએસ દર વર્ષે ઍન્ટાર્કટિકા માટે 150 જેટલા નવા કર્મચારીઓની ભરતી કરે છે. સ્પેશ્યાલિસ્ટ સાયન્સ અને ઍન્જીનીયરિંગના ક્ષેત્રે કામગીરી મુખ્ય આધાર છે, પણ આશરે 70 ટકા નોકરીઓ સ્ટેશનને સુચારુ રીતે ચલાવવા માટેની આવશ્યક કાર્યાત્મક ભૂમિકાઓને લગતી હોય છે.

ઇલેક્ટ્રિશ્યન્સ અને રસોઈયા ઉપરાંત, વર્કફોર્સમાં ચિકિત્સકો, તબીબો અને પ્લમ્બર્સનો પણ સમાવેશ થાય છે. પગાર 31,244 પાઉન્ડ (આશરે 38 લાખ રૂપિયા) પ્રતિ વર્ષથી શરૂ થાય છે અને તેમાં પ્રવાસ, રહેવાનું, ભોજન તેમજ વિષમ આબોહવાને પહોંચી વળવા માટેનાં જરૂરી સાધનો પૂરાં પાડવામાં આવે છે.

ઊનાળાના મહિનાઓ દરમિયાન ઍન્ટાર્કટિકામાં લગભગ 30 દેશો દ્વારા ચલાવવામાં આવતાં 80 રિસર્ચ સ્ટેશનોમાં 5,000 જેટલાં લોકો કામ કરે છે.

બીએએસ અને તેના અમેરિકન સમકક્ષ યુએસ ઍન્ટાર્કટિક પ્રોગ્રામ તેમની નોકરીઓની ઓનલાઇન જાહેરાતો આપે છે. બીએએસ માર્ચમાં એક ઓપન ડેનું આયોજન પણ કરે છે.

પરંતુ, સાહસથી આકર્ષાતાં લોકોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે, તેઓ શેના માટે સજ્જ થઈ રહ્યા છે. ત્યાં તાજું ભોજન મળવું દુર્લભ છે અને શરાબ પણ અત્યંત મર્યાદિત પ્રમાણમાં મળે છે. વળી, બીએએસ સુવિધાઓ ખાતે રોકાણની વ્યવસ્થા સહિયારી ડોર્મિટરીઝમાં હોય છે. સ્ટાફ સાત દિવસની શિફ્ટમાં રોટેશનમાં કામ કરે છે.

બીએએસની પસંદગીની પ્રક્રિયામાં સંઘર્ષની સ્થિતિનો સામનો કરવાની તથા સમસ્યાનું નિવારણ કરવાની ક્ષમતાઓ ચકાસવામાં આવે છે. તે પછી સફળ ઉમેદવારોને તૈનાત થતાં પહેલાંની ગહન તાલીમ આપવામાં આવે છે.

છતાં, શારીરિક પડકારો અને ઠંડીને બદલે, સહકર્મીઓ સાથેની નિકટતા અને એકધારી દિનચર્યા જ લોકો માટે વધુ સમસ્યાનું નિમિત્ત બની શકે છે, એમ બીએએસનાં હેડ ઓફ એચઆર મારિએલા જિયાનકોલાએ જણાવ્યું હતું. તેઓ તેની સરખામણી યુનિવર્સિટીમાં પરત જવા સાથે કરે છે.

પડકારોસાથે તક પણ

ઍન્ટાર્ટિકા, બીબીસી ન્યૂઝ ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ કહે છે, "ઘણા લોકો અમને કહે છે, 'મને લોકો સાથે કામ પાર પાડવામાં કોઈ સમસ્યા નડતી નથી.' પણ પછી તેમને સમજાય છે કે, તેઓ અન્ય લોકો સાથે જગ્યા વહેંચવામાં સહજતા અનુભવતા નથી. "

"એ સમજી લેવું જરૂરી છે કે, તમને કોઈ પ્રાઇવસી મળશે નહીં, કારણ કે, લોકો સતત તમારી આસપાસ જ હશે. પછી તેઓ ઘરે મળતી આઝાદીમાંથી નીકળીને ઍન્ટાર્કટિકા જઈ પહોંચે છે, જ્યાં સ્ટેશન લીડર તેમને નિયમો અને નિયમન સમજાવે છે. કેટલાક લોકોને તેમાં મુશ્કેલી પડે છે."

ડૉક્ટર ડન્કન પ્રેશિયસ એક ચિકિત્સકીય મનોવિજ્ઞાની છે. તેમણે 2013થી 2020ના ગાળા દરમિયાન બ્રિટિશ અને ઑસ્ટ્રેલિયન, બંને સશસ્ત્ર દળોમાં આ ક્ષેત્રે સેવા બજાવી હતી. અત્યારે તેઓ સીડીએસ ડિફેન્સ એન્ડ સિક્યૉરિટીમાં ડિફેન્સ કન્સલ્ટન્સી માટેના રેઝિલિયન્સ કન્સલ્ટન્ટ અને ક્લિનિકલ ડિરેક્ટર છે.

ઍન્ટાર્કટિકામાં શારીરિક જોખમોની સંભવિતતા વધુ રહે છે, ત્યારે પ્રેશિયસ જણાવે છે કે, સામાજિક પરિમાણો વધુ સમસ્યારૂપ પુરવાર થઈ શકે છે. સંબંધો તૂટી જાય, ત્યારે તેનાં દુષ્પરિણામોને ખાળવાં અને સુધારવાં મુશ્કેલ હોઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

પરંતુ, તેઓ એમ પણ નોંધે છે કે, ઍન્ટાર્કટિકામાં રહેવા અને કામ કરવા તરફ આકર્ષાતા લોકો "ગુડ સ્ટ્રેસ" (સારા તણાવ)ની સ્થિતિમાં ખીલી પણ ઊઠતા હોય છે, બરાબર એ રીતે, જે રીતે અમુક લોકો લશ્કરમાં જોડાવા તરફ આકર્ષાય છે.

મૅકેન્ઝી કહે છે કે, આ નોકરીની શારીરિક અને ભાવનાત્મક માગ છતાં, તેમને જે અકલ્પ્ય અનુભવો મળ્યા છે, અને પર્યાવરણીય સંશોધનમાં યોગદાન આપવાથી સંતોષની જે લાગણી થાય છે, તે અજોડ છે.

તેઓ કબૂલે છે, "પ્રથમ વખત હું જ્યારે ત્યાં ગયો, ત્યારે એક જ રૂમમાં ઘણા લોકો સાથે રહેવું કઠિન હતું અને હવામાન પણ દુષ્કર હતું. પહેલા મહિને તો મેં વિચાર્યું હતું, 'કદાચ આ કામ મારા માટે નથી."

"પણ તે પછી તમે બહાર નીકળવાનું શરૂ કરો છો અને તમને નૌકામાંથી વ્હેલ, સીલ અને ટાપુઓ દેખાય છે, તમે ટચૂકડા ઍરક્રાફ્ટમાં નાનો પ્રવાસ ખેડો છો, ત્યારે વિચાર આવે છે, 'આ તો મજાનું છે.' આ વર્ષે મને એમ્પેરર પેન્ગ્વિનની કૉલોની જોવાનું સદભાગ્ય સાંપડ્યું. તે જાણે ડૅવિડ એટનબરોની કોઈ ડૉક્યુમેન્ટ્રી જેવું હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન