જ્યારે હુમલાખોરોએ મુસલમાનોના પવિત્ર સ્થાન પર કબજો કર્યો

હુમલાખોરો 20 નવેમ્બર 1979એ પોતાના માથા પર લાલ ચોકડીવાળું કપડું બાંધીને આવેલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલાખોરો 20 નવેમ્બર 1979એ પોતાના માથા પર લાલ ચોકડીવાળું કપડું બાંધીને આવેલા
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

20 નવેમ્બર 1979નો દિવસ. મોહરમની પહેલી તારીખ હતી. મક્કાની સૌથી મોટી મસ્જિદમાં સ્થાનિક લોકો ઉપરાંત પાકિસ્તાની, ઇન્ડોનેશિયન, મોરક્કન અને યમની તીર્થયાત્રાળુઓની ભીડ ઊમટી પડી હતી.

લોકોની આ ભીડમાં વિદ્રોહીઓ પણ હતા, જેમણે પોતાના માથા પર લાલ ચોકડીવાળું કપડું બાંધી રાખ્યું હતું.

તેમાંના કેટલાક લોકો ઘણા દિવસથી મસ્જિદમાં રહીને તેની અંદરની રચના અને રસ્તાનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

કેટલાક લોકો તે જ દિવસે કારમાં પોતાનાં બાળકો અને પત્ની સાથે મક્કા પહોંચ્યા હતા, જેથી સુરક્ષા સૈનિકોને તેમના પર કશી શંકા ન થાય. તેમાંના મોટા ભાગના લોકો સાઉદી જનજાતિ બદ્દૂ હતા.

ફઝરની નમાજ શરૂ થઈ ચૂકી હતી. ઇમામનો અવાજ માઇક પર ગુંજી રહ્યો હતો. સમય હતો સવારના પાંચ વાગ્યા ને અઢાર મિનિટનો.

યારોસ્લોવ ત્રોફીમોવે પોતાના પુસ્તક ‘ધ સીઝ ઑફ મક્કાઃ ધ ફર્ગોટન અપરાઇઝિંગ ઇન ઇસ્લામ્સ હોલિએસ્ટ શ્રાઇન’માં આ ઘટનાનું રસપ્રદ વર્ણન કર્યું છે.

તેમણે લખ્યું છે, "ઇમામે નમાજ પછી જેવું કલમા પઢવાનું શરૂ કર્યું કે તરત જ ગોળીઓના અવાજ સંભળાયા. અવાક બનેલા લોકોએ હાથમાં રાઇફલ લઈને દોડતા એક યુવકને કાબા તરફ આગળ વધતો જોયો. એવામાં જ બીજી ગોળીઓના અવાજ સંભળાયા અને મસ્જિદની બહાર ચણી રહેલાં સેંકડો કબૂતર હવામાં ઊડવા લાગ્યાં."

વૉટ્સઍપ

હુમલાખોરોના નેતા જોહેમાન અલ ઉતેબી

હુમલાખોરોના નેતા જોહેમાન અલ ઉતેબી (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલાખોરોના નેતા જોહેમાન અલ ઉતેબી (ફાઇલ ફોટો)

વિદેશથી આવેલા તીર્થયાત્રાળુઓને કાબૂમાં રાખવા માટે મસ્જિદમાં હાજર પોલીસદળ પાસે હથિયારના નામે માત્ર સામાન્ય દંડા હતા. દરવાજે તહેનાત બે સંત્રીઓને ગોળી મારી દેવામાં આવી એ જોઈને દંડાવાળા બધા સિપાહી ત્યાંથી ગાયબ થઈ ગયા.

હજુ તો આ ધમાચકડી શરૂ જ થઈ હતી, એવામાં હુમલાખોરોના નેતા જોહેમાન અલ ઉતેબી સામે આવ્યો.

સાઉદી અરબમાં પ્રતિબંધિત પુસ્તક ‘ઇવેન્ટ્સ એટ ધ શ્રાઇમ બિટવીન ટ્રૂથ ઍન્ડ લાઇઝ’માં લખ્યું છે, "43 વર્ષીય બદ્દૂ જોહેમાનની આંખો કાળી હતી. તેના ખભા સુધીના લાંબા વાળ તેની કાળી દાઢીમાં ભળી જતા હતા. દૂબળોપાતળો હોવા છતાં તેનું વ્યક્તિત્વ રુઆબદાર હતું. તેણે સફેદ રંગનો પરંપરાગત સાઉદી પોશાક પહેર્યો હતો અને તે તેના પગની પિંડીઓ સુધી પહોંચતો હતો."

"તેણે માથા પર કશું નહોતું પહેર્યું, પરંતુ તેના વાળને હવામાં આમતેમ ઊડતા અટકાવવા માટે તેના પર લીલા રંગનો બૅંડ બાંધી રાખ્યો હતો. રાઇફલ, પિસ્તોલ અને કટાર લઈને ત્રણ હુમલાખોર તેની સાથે ચાલી રહ્યા હતા. તે બધા ઝડપભેર પવિત્ર કાબા અને મસ્જિદના ઇમામ તરફ આગળ વધતા જતા હતા."

બધા દરવાજા બંધ

ધડાકા દરમ્યાન મસ્જિદની નજીક હવામાં ઊંચે ઊડતો ધુમાડો (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ધડાકા દરમ્યાન મસ્જિદની નજીક હવામાં ઊંચે ઊડતો ધુમાડો (ફાઇલ ફોટો)

જ્યારે ઇમામની નજર જોહેમાન પર પડી ત્યારે તેમને યાદ આવ્યું કે તે અને તેના સાથી થોડાક દિવસ પહેલાં ઇસ્લામ પર અપાયેલા એક ભાષણમાં હાજર હતા.

યારોસ્લોવ ત્રોફીમોવે લખ્યું છે, "થોડી સેકન્ડ બાદ જ જોહેમાને ઇમામને ધક્કો મારીને માઇક પર કબજો કરી લીધો. જ્યારે ઇમામે માઇક પાછું લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે એક હુમલાખોરે મોટેથી બૂમ પાડી અને પોતાની કટાર તેમના ચહેરા પર મૂકી દીધી. આ દૃશ્ય જોઈ રહેલા હજારો તીર્થયાત્રાળુ પોતાનાં જૂતાં હાથમાં લઈને બહારના ગેટ તરફ ભાગ્યા."

પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને એકાવને એકાવન દરવાજા બંધ જોવા મળ્યા. સાનભાન ગુમાવેલા તેમણે જોર જોરથી ‘અલ્લા હો અકબર’ની બૂમો પાડવી શરૂ કરી દીધી. બંદૂકધારીઓએ પણ એ અવાજમાં પોતાનો અવાજ મિલાવ્યો અને કાબાનું આખું પરિસર આ અવાજથી ગુંજી ઊઠ્યું."

હુમલાખોરોએ મિનારા ઉપર પોઝિશન લીધી

હુમલાખોરોએ આજુબાજુના મિનારા પર પોઝિશન લીધી હતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અવાજ જેવો ધીમો પડ્યો કે જોહેમાને માઇક દ્વારા પોતાના સાથીઓને આદેશ આપવાનું શરૂ કર્યું. તેનો અવાજ સાંભળતાં જ તેના સાથી આખા પરિસરમાં ફેલાઈ ગયા અને તેમણે મસ્જિદના સાતે સાત મિનારા પર મશીનગન ગોઠવી દીધી.

હુમલાખોરોએ ફસાયેલા તીર્થયાત્રાળુઓને મદદ કરવા માટે મજબૂર કર્યા. કેટલાક લોકોને કહેવામાં આવ્યું કે તેઓ ત્યાં પાથરવામાં આવેલી જાજમ વાળી-લપેટીને સાંકળ બાંધેલા દરવાજાને અડે તે રીતે મૂકી દે.

મજબૂત દેખાતા લોકોને બંદૂકની અણીએ મિનારા પર ચડીને ખાવાનું અને હથિયાર પહોંચાડવાનું કહેવામાં આવ્યું. ખૂબ ઓછા સમયમાં ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ પર હુમલાખોરનું નિયંત્રણ થઈ ગયું.

આ મિનારાની ઊંચાઈ 89 મીટર (292 ફૂટ) છે, જેના પરથી આખા મક્કા પર નજર રાખી શકાય એમ હતી.

જોહેમાને આદેશ આપ્યો, "જો તમે કોઈ સરકારી સૈનિકને પોતાની સામે હાથ ઊંચો કરતો જુઓ, [તો] તેના તરફ કશી દયા ન દર્શાવો અને તેને ગોળી મારતા અચકાશો નહીં."

બંધકોમાંના ઘણા બધા તીર્થયાત્રાળુ અરબી નહોતા સમજતા અને તેઓ સ્થાનિક લોકોને તે સમજાવવાની વિનંતી કરતા હતા. થોડી વારમાં જ હુમલાખોરોએ ભારતીય અને પાકિસ્તાની તીર્થયાત્રાળુઓનાં જૂથ બનાવીને મસ્જિદના એક ખૂણામાં ઊભાં કરી દીધાં અને ઉર્દૂ બોલનારો એક વ્યક્તિ ત્યાં થઈ રહેલા એલાનનો ઉર્દૂમાં અનુવાદ કરવા લાગ્યો.

આફ્રિકન તીર્થયાત્રાળુઓ માટે અંગ્રેજી બોલનારા એક અનુવાદકની વ્યવસ્થા કરવામાં આવી.

સાઉદી અરબમાં અમેરિકાના રાજદૂત જૉન સી. વેસ્ટે અમેરિકાના વિદેશ મંત્રાલયને તાર મોકલીને જણાવ્યું કે, "હુમલાખોરોએ મસ્જિદની માઇક સિસ્ટમથી એલાન કરી દીધું છે કે મક્કા, મદીના અને જેદ્દાહ પર તેમનું નિયંત્રણ થઈ ગયું છે."

કયામત નજીક હોવાનું એલાન

હુમલાખોરોએ મસ્જિદના લાઉડસ્પીકર દ્વારા દુનિયાના એક અબજ મુસલમાનો સુધી એક જૂની ભવિષ્યવાણી પહોંચાડી, જેમાં કહેવાયું હતું કે કયામતનો સમય આવી ગયો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલાખોરોએ મસ્જિદના લાઉડસ્પીકર દ્વારા દુનિયાના એક અબજ મુસલમાનો સુધી એક જૂની ભવિષ્યવાણી પહોંચાડી, જેમાં કહેવાયું હતું કે કયામતનો સમય આવી ગયો છે

ત્યાર પછીના એક કલાકમાં હુમલાખોરોએ મસ્જિદના લાઉડસ્પીકર દ્વારા આખી દુનિયાના એક અબજ મુસલમાનો સુધી એક જૂની ભવિષ્યવાણી પહોંચાડી, જેમાં કહેવાયું હતું કે, કયામતનો સમય આવી ગયો છે, અને મહદી આવી ચૂક્યા છે.

ગોળીઓના અવાજ વચ્ચે જ્યારે આ ઉદ્‌ઘોષણા સમાપ્ત થઈ ત્યારે સમગ્ર મધ્ય મક્કામાં ભયનું વાતાવરણ છવાઈ ગયું. તેને સાંભળીને મસ્જિદની બહાર કામ કરતા લોકો ભાગી ગયા.

સાઉદી અરબ અને તેની બહાર રહેતા મુસલમાન આ એલાન સાંભળીને ખૂબ દુઃખી થયા.

આ ઘટના બાદ સાઉદી અરબના શહજાદા ફહદે લેબનનના ‘અલ સફીર’ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "જોહેમાન અને તેના સાથીઓએ બહાર ઊભેલા સંત્રીઓને 40 હજાર રિયાલની લાંચ આપી હતી, જેથી હથિયારો અને ખાદ્યસામગ્રી ભરેલી ત્રણ ટોયૉટા, ડેટસન અને જીએમસી પિકઅપ ટ્રક મસ્જિદની અંદર લાવી શકાય. આ પિકઅપ ટ્રકોને મસ્જિદના ભોંયરામાં પાર્ક કરવામાં આવી હતી."

મહદીનું આગમન

હુમલો કરનારા મહદીના સાથી, ધરપકડ થયા બાદની તસવીર (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલો કરનારા મહદીના સાથી, ધરપકડ થયા બાદની તસવીર (ફાઇલ ફોટો)

મસ્જિદ પર કબજો થઈ ગયા બાદ જોહેમાને એ સુનિશ્ચિત કર્યું કે મસ્જિદના દરેક પ્રવેશદ્વાર પર તેના માણસોનું નિયંત્રણ રહે.

ત્યાર બાદ ત્યાં હાજર લોકોને જણાવ્યું કે, જેમની ખૂબ રાહ જોવાતી હતી તે મહદી અહીં આવી પહોંચ્યા છે. તેણે કહ્યું કે, તેમનું નામ મોહમ્મદ અબ્દુલ્લાહ અલ કુરૈશી છે.

હકીકતમાં, એવી માન્યતા છે કે કયામત પહેલાં અન્યાયનો નાશ કરીને ‘સાચા ધર્મ’ને ફરીથી સ્થાપિત કરવા માટે મહદીનું ધરતી પર અવતરણ થશે.

યારોસ્લોવ ત્રોફીમોવે લખ્યું છે, "જોહેમાનના બધા બંદૂકધારીઓએ વારાફરતી મોહમ્મદ અબ્દુલ્લાહનો હાથ ચૂમ્યો અને તેના પ્રતિ પોતાની નિષ્ઠાના સોગંદ લીધા. ત્યાર બાદ તેઓ રાઇફલ ભરેલા ક્રેટ પરિસરની મધ્યમાં લઈ આવ્યા. તે તેમણે પોતાના સાથીઓ અને એવા તીર્થયાત્રીઓને વહેંચ્યાં જેમણે આ વિદ્રોહનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો હતો."

હથિયારો ઉપરાંત કુવૈતમાં છપાવાયેલાં બ્રોશર લોકોને વહેંચવામાં આવ્યાં, જેમાં જોહેમાને લખેલા લેખ હતા.

કેટલાક તીર્થયાત્રાળુઓએ અબ્દુલ્લાહને સવાલ કર્યો કે શું આ વિદ્રોહની પાછળ ઈરાનનો હાથ છે?

અબ્દુલ્લાહે એક શબ્દમાં તેનો જવાબ આપ્યો, ‘ના.’

પોલીસ પર ફાયરિંગ

આઠ વાગ્યાની આસપાસ પહેલી વાર મક્કા પોલીસે આ સંકટનો સામનો કરવાનો નિર્ણય કર્યો. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પોલીસની એક જીપ મોકલવામાં આવી.

જીપ જેવી ગેટની પાસે પહોંચી કે તેના પર ગોળીઓ વરસાવવાનું શરૂ થઈ ગયું. મિનારા પરથી છોડવામાં આવેલી ગોળીઓથી જીપની વિંડશીલ્ડ તૂટી ગઈ અને જીપનો ડ્રાઇવર ઘાયલ થઈને જીપમાંથી નીચે પડી ગયો.

થોડી વાર પછી મસ્જિદના બીજા ગેટ પર જીપનો મોટો કાફલો મોકલવામાં આવ્યો. આ કાફલા પર પણ મિનારા પર રહેલા હુમલાખોરોએ ગોળીઓ છોડી.

આ હુમલામાં આઠ પોલીસવાળા ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા અને અન્ય 36 ઘાયલ થયા.

પોલીસ જવાનોએ પોતાનાં વાહન છોડીને મસ્જિદની બહાર તરફની દીવાલોની ઓથ લીધી.

જે સમયે હુમલાખોરો મસ્જિદમાં ઘૂસી રહ્યા હતા ત્યારે સાઉદી બાદશાહ ખાલેદ રિયાદના પોતાના મહેલમાં આરામ કરતા હતા.

શહજાદા ફહદ પણ તે સમયે દેશમાં નહોતા અને માઈલો દૂર ટ્યૂનિસની એક હોટલમાં સૂતા હતા.

નૅશનલ ગાર્ડના કમાન્ડર શહજાદા અબ્દુલ્લાહ પણ સાઉદી અરબમાં નહોતા અને મોરક્કોમાં રજાઓ માણતા હતા.

બહારની દુનિયા સાથેનો સાઉદીનો સંપર્ક તૂટ્યો

આ હુમલા પછી સાઉદી અરબનો દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ હુમલા પછી સાઉદી અરબનો દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો

ખાલેદને આ હુમલાની સૌથી પહેલી માહિતી મક્કા અને મદીના મસ્જિદના ઇન્ચાર્જ શેખ નાસેર ઇબ્ન રાશેદે આપી હતી.

બપોર સુધીમાં તો સાઉદી અરબમાં આંતરરાષ્ટ્રીય ફોનકૉલનું મૅનેજમેન્ટ સંભાળતી કૅનેડાની કંપનીને આદેશ આપી દેવામાં આવ્યો કે તે બધાં કમ્યુનિકેશન બ્લૅક આઉટ કરી દે.

પરિણામ એ આવ્યું કે ના તો કોઈ સાઉદી અરબને ફોન કરી શકતું હતું કે ન તો તાર મોકલી શકાતા હતા.

બિનસાઉદી લોકો માટે દેશની સરહદ બંધ કરી દેવાઈ હતી. એક રીતે, સાઉદી અરબનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તોડી નંખાયો હતો.

આ ઘટનાના કોઈ સમાચાર સાઉદી અરબનાં રેડિયો અને ટીવી પર પ્રસારિત કરવામાં નહોતા આવ્યા.

દરમિયાનમાં, સાઉદી સૈનિકો અને હુમલાખોરો વચ્ચે થોડી થોડી વારે ગોળીબાર થતા રહ્યા. મોટા ભાગના હુમલાખોર મસ્જિદના ભોંયરાવાળા ભાગમાં જતા રહ્યા હતા.

અબ્દુલ્લાહ ઉપર જ રહ્યો.

સાઉદી સૈનિકો હૅન્ડ ગ્રેનેડ ફેંકીને સામે આવી રહેલા અવરોધોને હટાવી રહ્યા હતા.

યારોસ્લોવ ત્રોફીમોવે લખ્યું છે, "અબ્દુલ્લાહને જ્યારે પણ આરસની ફરસ પર ગ્રેનેડ પડવાનો અવાજ સંભળાતો કે તરત જ દોડીને એ જ ગ્રેનેડ ઉપાડીને સૈનિકો પર પાછો ફેંકી દેતો હતો. આ રીતે તેણે અનેક વાર ગ્રેનેડ ફેંકનારાઓ પર તેમના જ ગ્રેનેડ ફેંકીને હુમલા કર્યા, પરંતુ આખરે ભાગ્યે તેનો સાથ ન આપ્યો. જ્યારે તે એક ગ્રેનેડને ફરીથી ફેંકવાની કોશિશ કરતો હતો ત્યારે તે ફાટ્યો અને અબ્દુલ્લાહનાં ચીંથરાં ઊડી ગયાં. અંતિમ સમયે તેની મદદ કરવા પણ કોઈ ન આવ્યા અને તેને એ જ હાલતમાં મરવા માટે છોડી દેવાયો."

ફ્રાંસે પોતાના કમાન્ડો મોકલ્યા

ફ્રાન્સના કમાન્ડો (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સના કમાન્ડો (ફાઇલ ફોટો)

સાઉદી અરબની વિનંતીથી ફ્રાંસના જીઆઇજીએન કમાન્ડોને સાઉદી સૈનિકોની મદદ કરવા માટે મોકલવામાં આવ્યા. તેમને આતંકવાદીઓનો સામનો કરવાનો પહેલેથી અનુભવ હતો.

1976માં તેમણે જિબૂતીમાં બાળકોથી ભરેલી સ્કૂલ બસને આતંકવાદીઓના કબજામાંથી છોડાવી હતી. તેમણે પહેલાં તેમને કૅફી પદાર્થવાળું ભોજન આપ્યું અને પછી તેમના પર ગોળીઓનો વરસાદ શરૂ કરી દીધો. આ ઑપરેશનમાં બધાં બાળકોને બચાવી લેવાયાં હતાં.

સાઉદીની વિનંતી બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ વેલેરી ગિસ્કા દે એસ્તાંએ જીઆઇજીએનના પ્રમુખ ક્રિશ્ચિયન પ્રોતિયાને આદેશ આપ્યો કે તેઓ સાઉદી અરબની શક્ય તે તમામ મદદ કરે.

પ્રોતિયાએ આ ઑપરેશનની જવાબદારી પૉલ બારિલને સોંપી. તેમણે આ માટે ટિયર ગૅસની જગ્યાએ સીબી કેમિકલનો ઉપયોગ કરવાની યોજના બનાવી. ટ્રેનિંગ દરમિયાન તેમણે પોતાના પર તેનો પ્રયોગ કર્યો હતો અને આ પ્રક્રિયામાં પોતે અંધ થતાં બચ્યા હતા.

કમાન્ડો એ સામાન્ય લોકો જેવાં કપડાં પહેર્યાં

બારિસની ટીમ મિસ્ટિઅર-20 વિમાનમાં વાયા સાઇપ્રસ રિયાદ પહોંચી હતી.

સાઉદીને અપેક્ષા એવી હતી કે ફ્રાંસ આ અભિયાન માટે એક મોટી ટુકડી મોકલશે, પરંતુ તેમને એ જોઈને આશ્ચર્ય થયું કે બારિલની ટીમમાં માત્ર ત્રણ લોકો હતા.

બાદમાં પૉલ બારિલે પોતાની આત્મકથા ‘વેરી સ્પેશિયલ મિશન્સ’માં લખ્યું, "ગુપ્તતા જાળવી રાખવા માટે મારે અને મારા સાથીઓએ પોતપોતાના પાસપૉર્ટ ફ્રેંચ દૂતાવાસમાં જમા કરાવવા પડ્યા. મેં સામાન્ય લોકોની જેમ બેલ-બૉટમ અને કાઉબૉય બેલ્ટ પહેર્યાં હતાં. અમારી પાસે સુરક્ષા માટે હથિયાર પણ નહોતાં."

"સાઉદી ટેલિફોન પર નિર્ભર રહેવા સિવાય અમારી પાસે અમારા અધિકારીઓ સાથે વાત કરવાનું કશું સાધન નહોતું. બહારની દુનિયા માટે અમે ત્રણ વેપારી હતા, પરંતુ અમારા પહોળા ખભા અને માંસલ શરીર કંઈક જુદી જ કહાણી કહેતાં હતાં."

લગભગ મધરાતે ફ્રેન્ચ કમાન્ડોની ટીમ તાએફ મિલિટરી ઍરબૅઝ પર ઊતરી હતી. તેમને તાએફની ઇન્ટરકૉન્ટિનેન્ટલ હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો.

એક ટન સીબી કેમિકલની માગ

મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

બીજા દિવસે તેમણે સાઉદી કમાન્ડોને આ મિશન માટે તાલીમ આપવાનું શરૂ કર્યું. બારિલે અપેક્ષા રાખી હતી કે તેઓ જાતે મક્કા જઈને મસ્જિદની બહાર રહીને ઑપરેશનનું નેતૃત્વ કરે.

પોતાની આત્મકથામાં બારિલે લખ્યું છે, "એક સાઉદી અધિકારીએ મને કહ્યું કે જો તમારે મક્કા જવું હોય તો તમારે ઇસ્લામ કબૂલ કરવો પડશે, કેમ કે, ત્યાં બીજા ધર્મના લોકોને જવાની મંજૂરી નથી. હું કૅથલિક ધર્મમાં માનનારો હતો અને તે સમય સુધી ઇસ્લામ વિશે કશું જ જાણતો નહોતો. પરંતુ મેં એવો જવાબ આપવામાં સહેજે વાર ન કરી કે જો કામ પૂરું કરવું હોય તો ધર્મ બદલવામાં કશો વાંધો નથી."

હોટલ પહોંચીને બારિલે પોતાના બૉસને એ બધી વસ્તુઓનું લિસ્ટ મોકલ્યું જે તેમને જોઈતી હતી. આ લિસ્ટમાં ફ્લૅક જૅકેટ્સ, ગ્રેનેડ્સ, સ્નાઇપર રાઇફલ્સ, ફીલ્ડ રેડિયોઝ, નાઇટ વિઝન ગૉગલ્સ અને એક ટન સીબી કેમિકલ સામેલ હતાં.

સીબી કેમિકલની માત્રા સાંભળીને પ્રોતિયાને ઘણું આશ્ચર્ય થયું, કેમ કે, આટલા સીબીથી આખા શહેરને કાબૂમાં કરી શકાય તેમ હતું.

યારોસ્લોવ ત્રોફીમોવે લખ્યું છે, "ના પાડવા છતાં બારિલ અને તેમના બે સાથી મક્કા ગયા એટલું જ નહીં, બલકે, હુમલો કરતાં પહેલાં તેમણે મસ્જિદમાં પણ પ્રવેશ કર્યો. જોકે, બાદમાં ફ્રાંસે સ્પષ્ટતા કરી કે આ ઑપરેશનમાં તેમની ભૂમિકા માત્ર ઉપકરણો આપવા અને સાઉદી કમાન્ડોને ટ્રેનિંગ આપવાની જ હતી. તેમના અનુસાર, બારિલ અને તેમના સહયોગીઓએ ઑપરેશન દરમિયાન મક્કાની પવિત્ર ભૂમિ પર પગ નહોતો મૂક્યો."

બારિલની યોજનાનો અમલ કરતાં પાકિસ્તાની અને તુર્ક શ્રમિકોએ મસ્જિદની બહારની સપાટી પણ કાણું પાડવાનું શરૂ કરી દીધું હતું.

ફ્રાંસ દ્વારા ઉપલબ્ધ કરાયેલા ફેસ માસ્ક અને કેમિકલ સૂટ પહેરીને સાઉદી સૈનિકોએ સીબીના કૅનિસ્ટર ફાયર કર્યા. ત્યાં રેડિયો સિસ્ટમ યોગ્ય રીતે કામ નહોતી કરતી એટલા માટે સૈનિકોને આદેશ આપવામાં આવ્યો કે તેઓ પહેલો વિસ્ફોટ થતાંની સાથે જ સીબી લૉન્ચર્સનાં ટ્રિગર દબાવી દે. સીબીએ તરત જ પોતાની અસર બતાવવાનું શરૂ કર્યું અને હુમલાખોર વિદ્રોહીઓ ઝેરી સીબીનાં વાદળમાં ઘેરાઈ ગયા.

ધાર્યા પ્રમાણે જ સીબીએ વિરોધીઓની પ્રવૃત્તિ શિથિલ કરી દીધી અને સાઉદી સૈનિક અવરોધો અને કાંટાળા તાર તોડીને મસ્જિદમાં અંદર ઘૂસી ગયા.

તેમણે એક પછી એક દરેક રૂમની જડતી લેવાનું શરૂ કરી દીધું અને જે લોકો જીવતા મળી આવ્યા તેમને પાછળ આવી રહેલી 40 સભ્યોની ધરપકડ ટીમના હવાલે કરી દીધા.

જોહેમાનની ધરપકડ

જોહેમાન સાથે તેના સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જોહેમાન સાથે તેના સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી

ચાર ડિસેમ્બરે આંતરિક બાબતોના મંત્રી શહજાદા નાએફે નિવેદન બહાર પાડી કહ્યું કે, “અલ્લાહની મરજીથી આજે સવારે 1:30 વાગ્યે મસ્જિદને બધા હુમલાખોરોથી મુક્ત કરી લેવામાં આવી છે.”

સાઉદી સૈનિકોએ વિસ્ફોટક લગાડીને રૂમના દરવાજા તોડ્યા. રાત થતાં જ કૅપ્ટન અબુ સુલતાનના નેતૃત્વ હેઠળ પૅરાશૂટવાળા સૈનિકોએ ‘મૉપિંગ અપ’ ઑપરેશન શરૂ કરી દીધું.

બાદમાં કૅપ્ટન અબુ સુલતાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "અમને ઉગ્ર આંખોવાળો એક વ્યક્તિ જોવા મળ્યો, જેના વાળ અને દાઢી ગૂંચવાયેલાં હતાં. તેની નજીક હથિયારોનાં ક્રેટ્સ, વાસણોમાં રાખેલી ખજૂર અને થોડાંક બ્રોશર પડ્યાં હતાં. મેં તેની ઉપર બંદૂક તાકીને પૂછ્યું, તારું નામ શું છે? તેણે ધીમા અવાજે જવાબ આપ્યો. ‘જોહેમાન’."

કૅપ્ટન સુલતાને જણાવ્યું કે, "અમારી ચિંતા એ હતી કે ક્યાંક અમારા સૈનિકો તેને મારી ન નાખે. હું તેને બે અધિકારીઓ સાથે ઘેરીને ઉપર લઈ આવ્યો અને ત્યાં ઊભેલી ઍમ્બ્યુલન્સમાં બેસાડી દીધો. ઍમ્બ્યુલન્સ તેને ત્યાંથી સીધી મક્કા હોટલ લઈ ગઈ."

તેણે આવું શા માટે કર્યું? એમ પૂછતાં જોહેમાનનો જવાબ હતો, "અલ્લાહની એવી મરજી હતી."

એક સાઉદી સૈનિકે જોહેમાનની દાઢી પકડીને ખેંચી. એ જોઈને ત્યાં હાજર એક શહજાદાએ સૈનિકને એવું ન કરવા કહ્યું.

63 લોકોને મૃત્યુદંડ

c

થોડીક મિનિટો પછી અબ્દુલ્લાહના ભાઈ સઈદને એ જ જગ્યાએ મૃત્યુદંડ અપાયો. મૃત્યુદંડ મેળવનાર લોકોમાં 39 સાઉદી, 10 ઇજિપ્શિયન અને 6 યમની હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.