ધર્મનું અસ્તિત્વ શું ભવિષ્યમાં મટી જશે?

કુંભ મેળામાં શ્રદ્ધાળુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કુંભ મેળામાં શ્રદ્ધાળુ
    • લેેખક, રશેલ નુવાર
    • પદ, બીબીસી ફ્યૂચર

ભગવાન જેવું કશું નથી, મૃત્યુ પછી કોઈ જીવન નથી અને પુનર્જન્મની કોઈ દૈવી યોજના હોતી નથી, આવું માનતા લોકોની સંખ્યા વિશ્વભરમાં કૂદકને ભૂસકે વધી રહી છે. આ દૃષ્ટિકોણને વધાવી લેવા કોઈ તૈયાર નથી, પણ તેનો ઝડપી પ્રસાર થઈ શકે છે. કેટલાક દેશોમાં ખુલ્લેઆમ સ્વીકારવામાં આવતો નાસ્તિકતાવાદ ક્યારેય અગાઉ આટલો લોકપ્રિય ક્યારેય બન્યો નથી.

કૅલિફોર્નિયાના ક્લેરમોન્ટ ખાતેની પિત્ઝર કૉલેજમાં સોશિયોલૉજી અને સેક્યુલર સ્ટડીઝના પ્રોફેસર તથા ‘લિવિંગ ધ સેક્યુલર લાઈફ’ના લેખક ફિલ ઝકરમેન કહે છે, “આજે આપણી આજુબાજુ અગાઉ કરતાં વધુ નાસ્તિકો છે. ગેલપ ઇન્ટરનેશનલ દ્વારા વિશ્વના 57 દેશોમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના તારણ મુજબ, ધાર્મિક હોવાનો દાવો કરતા લોકોની સંખ્યા 2005થી 2011 દરમિયાન 77 ટકાથી ઘટીને 68 ટકા થઈ ગઈ હતી, જ્યારે નાસ્તિક હોવાનો દાવો કરતા લોકોની સંખ્યા ત્રણ ટકા વધી હતી. આ રીતે વિશ્વમાં કટ્ટર નાસ્તિકોનું અનુમાનિત પ્રમાણ 13 ટકા થયું છે.”

નાસ્તિકો નિશ્ચિત રીતે બહુમતીમાં નથી, પરંતુ આ આંકડાઓ ભાવિનો કોઈ સંકેત આપે છે? નાસ્તિકતાનો વૈશ્વિક પ્રવાહ ચાલુ રહેશે તેમ ધારી લઈએ તો એવું માની શકાય કે ધર્મ એક દિવસ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે?

ભાવિની આગાહી કરવી અશક્ય છે, પરંતુ ધર્મ વિશે આપણે શું જાણીએ છીએ, તે શા માટે વિકસિત થયો, શા માટે કેટલાક લોકોએ તેમાં શ્રદ્ધા રાખવાનું શરૂ કર્યું અને અન્ય કેટલાક લોકોએ તેને શા માટે ત્યજી દીધો તેની વિચારણા કરીએ તો કેટલાક સંકેતો મળી શકે કે આગામી દાયકાઓ કે સદીઓમાં પરમાત્મા સાથેનો આપણો સંબંધ કેવો હશે.

વ્યક્તિ અથવા રાષ્ટ્રને નાસ્તિકતા તરફ દોરી જતી જટિલતાને દૂર કરવાના પ્રયાસ વિદ્વાનો આજે પણ કરી રહ્યા છે, પરંતુ કેટલીક સમાનતા છે.

ધર્મ પ્રત્યેની આસ્થાનું એક કારણ એ છે કે તે અનિશ્ચિત વિશ્વમાં સલામતી પ્રદાન કરે છે. તેથી પોતાના નાગરિકોને મોટા પ્રમાણમાં આર્થિક, રાજકીય અને અસ્તિત્વ સંબંધી સલામતી પ્રદાન કરતા દેશોમાં નાસ્તિકોનું પ્રમાણ વધારે હોય તે આશ્ચર્યજનક નથી.

ઝકરમેન કહે છે, “સામાજિક સલામતી ધાર્મિક આસ્થા ઘટાડતી હોય તેવું લાગે છે. મૂડીવાદ અને ટેક્નોલૉજી તથા શિક્ષણની બહેતર સુવિધાને કેટલાક દેશોમાં ધાર્મિકતા સાથે ઓછો સંબંધ હોય તેવું લાગે છે.”

બીબીસી ગુજરાતી

આસ્થાની કટોકટી

યુક્રેનની રાજધાની કિએવમાં ટ્રેડ યુનિયન નામની ઇમારતમાં ક્રૉસ સાથે એક પાદરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનની રાજધાની કિએવમાં ટ્રેડ યુનિયન નામની ઇમારતમાં ક્રૉસ સાથે એક પાદરી

જાપાન, બ્રિટન, દક્ષિણ કોરિયા, નેધરલૅન્ડ, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, જર્મની, ફ્રાન્સ અને ઉરુગ્વે (જ્યાં મોટા ભાગના નાગરિકો યુરોપીયન મૂળના છે) એવા દેશો છે, જ્યાં એક સદી પહેલાં ધર્મ મહત્ત્વપૂર્ણ હતો, પરંતુ હવે એ દેશોમાં ધાર્મિકતાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે.

આ દેશોમાં મજબૂત શૈક્ષણિક તથા સામાજિક સલામતી પ્રણાલી છે, ઓછી અસમાનતા છે અને લગભગ તમામ દેશો પ્રમાણમાં શ્રીમંત છે. ન્યૂઝીલૅન્ડની યુનિવર્સિટી ઑફ ઑકલૅન્ડના મનોવિજ્ઞાની ક્વેન્ટિન એટકિન્સન કહે છે, “પોતાના પર કેવી આફત ત્રાટકશે તેના વિશે મૂળભૂત રીતે લોકો ઓછા ડરતા હોય છે.”

તેમ છતાં બ્રાઝિલ, જમૈકા અને આયર્લૅન્ડ જેવા અત્યંત ધાર્મિક દેશો સહિતના અનેક દેશોમાં ધાર્મિક શ્રદ્ધામાં ઘટાડો થતો જણાય છે.

ઝકરમેન કહે છે, “આજે બહુ ઓછા સમાજ 40 કે 50 વર્ષ પહેલાં હતા તેના કરતાં વધુ ધાર્મિક છે. તેમાં ઇરાન અપવાદ હોઈ શકે, પરંતુ તે મુશ્કેલ છે, કારણ કે બિનસાંપ્રદાયિક લોકો તેમની ધાર્મિક આસ્થાને છુપાવતા હોય તે શક્ય છે.”

અમેરિકા પણ તેમાં અપવાદ છે. તે વિશ્વના સૌથી ધનાઢ્ય દેશો પૈકીનો એક છે, પરંતુ તેમાં ધાર્મિકતાનું પ્રમાણ ઘણું ઊંચું છે. (તાજેતરના પ્યૂ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે પોતે નાસ્તિક હોવાનો દાવો કરતા અમેરિકનોનું પ્રમાણ 2007 અને 2012 દરમિયાન 1.6 ટકાથી વધીને 2.4 ટકા થયું છે)

શીખ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિવાળી વખતે એક શીખ શ્રદ્ધાળુની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૅનેડાના વેનકુવર ખાતેની યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કોલંબિયાના સોશિયલ સાયકોલૉજિસ્ટ અને ‘બિગ ગોડ’ના લેખક આરા નોરેન્ઝયાન જણાવે છે કે આસ્તિકોની સંખ્યામાં થતા ઘટાડાનો અર્થ ધર્મનું અદૃશ્ય થવું એવો નથી. અસ્તિત્વની સલામતી લાગે છે તેટલી મજબૂત નથી. એક ક્ષણમાં બધું બદલાઈ શકે છે.

"નશામાં ચકચૂર ડ્રાઈવર તમારા પ્રિયજનને કચડી શકે છે, ટોર્નેડો આખા શહેરનો નાશ કરી શકે છે, ડૉક્ટર દર્દીના મોતનું નિદાન કરી શકે છે. આબોહવામાં પરિવર્તન આગામી વર્ષોમાં વિશ્વને પાયમાલ કરવાનું છે અને કુદરતી સંસાધનો દુર્લભ થઈ રહ્યાં છે ત્યારે દુઃખ અને મુશ્કેલીઓ ધાર્મિકતાને ઉત્તેજન આપી શકે છે."

નોરેન્ઝાયન કહે છે, “લોકો પીડામાંથી છટકવા ઇચ્છતા હોય છે, પરંતુ તેમાંથી બહાર નીકળી ન શકે ત્યારે તેઓ તેનો અર્થ શોધતા હોય છે. ધર્મ કેટલાંક કારણસર, આપણે બિનસાંપ્રદાયિક આદર્શ અથવા માન્યતા વિશે જાણીએ છીએ તેના કરતાં પણ વધારે, વેદનાને અર્થ આપતો હોય એવું લાગે છે.”

આવી ઘટના વિશ્વભરના હૉસ્પિટલ રૂમમાં અને આપદા વખતે સતત બનતી હોય છે.

દાખલા તરીકે, સખત રીતે બિનસાંપ્રદાયિક ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં 2011માં પ્રચંડ ભૂકંપ થયો હતો. એનો અનુભવ કરનારા લોકોમાં ધાર્મિકતા એકદમ વધી ગઈ હતી, પરંતુ બાકીનો દેશ હંમેશની માફક બિનસાંપ્રદાયિક બની રહ્યો હતો. આ નિયમમાં કેટલાક અપવાદ પણ છે.

દાખલા તરીકે, બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનમાં ધાર્મિકતાનું પ્રમાણ ઘટી ગયું હતું. ઝકરમેન કહે છે, “આપણે ક્રાઇસ્ટચર્ચના મૉડલને અનુસરીએ છીએ. કોઈ ભયંકર અનુભવ થવાથી લોકો નાસ્તિક બની જતા હોય તો આપણે બધા જ નાસ્તિક થઈ જઈએ.”

બીબીસી ગુજરાતી

ભગવાનનું મન

રમઝાન દરમિયાન હાથમાં મહેંદી લગાવેલી યમની યુવતીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રમઝાન દરમિયાન હાથમાં મહેંદી લગાવેલી યમની યુવતીઓ

વિશ્વની તમામ સમસ્યાઓનું ચમત્કારિક રીતે નિરાકરણ થઈ જાય અને આપણે બધા જ શાંતિપૂર્ણ જીવન જીવતા થઈ જઈએ તો પણ ધર્મ તો કદાચ આપણી આસપાસ જ રહેશે.

તેનું કારણ એ છે કે આપણી પ્રજાતિની ન્યૂરોસાયકોલૉજીમાં ભગવાનના આકારના છિદ્રનું અસ્તિત્વ હોય તેવું લાગે છે, જે આપણી ઉત્ક્રાંતિની એક વિચિત્રતાને આભારી છે.

આ વાત સમજવા માટે ડ્યુઅલ પ્રોસેસ થિયરીને ઊંડાણપૂર્વક સમજવી પડે.

આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત જણાવે છે કે આપણી પાસે વિચારનાં બે મૂળભૂત સ્વરૂપ છે – સિસ્ટમ 1 અને સિસ્ટમ 2. બીજા ક્રમની સિસ્ટમ તાજેતરમાં જ વિકાસ પામી છે. તે આપણા મસ્તકમાંનો ‘અવાજ’ છે, વર્ણનકર્તા છે. તે ક્યારેય બંધ થતો નથી. તે આપણને યોજના ઘડવા તથા તાર્કિક રીતે વિચારવા માટે સક્ષમ બનાવે છે.

બીજી તરફ સિસ્ટમ 1 અંતર્જ્ઞાન, સહજવૃત્તિ અને સ્વયંગતિક છે. આ ક્ષમતાઓ તમામ માણસોમાં નિયમિત રીતે વિકાસ પામતી રહે છે. તે અસ્તિત્વ ટકાવી રાખવાની રચના છે. સિસ્ટમ 1 આપણને સડતા માંસ પ્રત્યે એક સહજ ઘૃણા પ્રદાન કરે છે, આપણે આપણી માતૃભાષામાં બોલવાની મોકળાશ આપે છે અને બાળકોને માતા-પિતાને ઓળખવાની તેમજ સજીવ તથા નિર્જીવ વસ્તુઓ વચ્ચેનો ફરક પામવાની ક્ષમતા આપે છે.

તે આપણને આપણી દુનિયા વધારે સારી રીતે સમજવા માટે અને કુદરતી આફતો કે પ્રિયજનોના મૃત્યુ જેવી, દેખીતી રીતે યાર્દચ્છિક જણાતી ઘટનાઓનો અર્થ પામવાની પેટર્ન શોધવા પ્રેરિત કરે છે.

કેટલાક વિદ્વાનો માને છે કે જોખમોમાંથી સાંગોપાંગ પાર ઊતરવા અને જીવનસાથીની શોધમાં મદદરૂપ થવા ઉપરાંત સિસ્ટમ એકએ ધર્મને વિકાસ તથા શાશ્વતી માટે સક્ષમ બનાવ્યા છે.

દાખલા તરીકે, સિસ્ટમ 1 આપણને હાયપર સેન્સિટિવ એજન્સી ડિટેક્શન તરીકે તરીકે ઓળખાતી ઘટના, જીવનના બળને જોવા પ્રેરિત કરે છે. આ વલણે સંભવતઃ હજારો વર્ષો પહેલાં આપણને છુપાયેલા ભયને ટાળવામાં મદદ કરી હતી. જેમ કે છલાંગ મારવા માટે ઘાસમાં છુપાયેલા સિંહ અથવા ઝાડીમાં છુપાયેલા ઝેરી સાપ.

તે આપણને અદૃશ્ય બાબતોના અસ્તિત્વનું અનુમાન કરવા માટે પણ પ્રેરિત કરે છે. પછી ભલે તે આપણા પર નજર રાખતા ઈશ્વરના, દુષ્કાળ મારફત સજા આપતા અસંતુષ્ટ પૂર્વજ અથવા પડછાયામાં છુપાયેલા રાક્ષસના સ્વરૂપમાં હોય.

ફિલિપીન્સમાં સુપર ટાઇફૂન હેયન માર્ચમાં ધાર્મિક આયોજન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલિપીન્સમાં સુપર ટાઇફૂન હેયન માર્ચમાં ધાર્મિક આયોજન

સિસ્ટમ 1 એ જ રીતે આપણને વસ્તુઓને દ્વૈત સ્વરૂપમાં નિહાળવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણા મન તથા શરીરને એક એકમ તરીકે વિચારવામાં તકલીફ થાય છે તેનું કારણ આ છે. આ મનોવૃત્તિ બહુ વહેલી આકાર પામતી હોય છે.

પોતાની સાંસ્કૃતિ પૃષ્ઠભૂમિ ભલે ગમે તે હોય, પરંતુ બાળકો એવું માનતા હોય છે કે તેમનો આત્મા અમર છે. આ જન્મ પહેલાં પણ તેનું ક્યાંક અસ્તિત્વ હતું અને આ જન્મ પછી પણ તેનું અસ્તિત્વ રહેશે. આ મનોવલણ ઘણા ધર્મોમાં સહેલાઈથી એકરૂપ થઈ જાય છે અથવા મૂળ આધારના નિર્માણમાં મદદરૂપ થાય છે.

કૅલિફોર્નિયાના પાસાડેનાની ફુલર થિયોલૉજિકલ સેમિનરી ખાતેના થ્રાઈવ સેન્ટર ફૉર હ્યુમન ડેવલપમૅન્ટના ડિરેક્ટર અને ‘બોર્ન બીલીવર્સ’ના લેખક જસ્ટિન બેરેટ કહે છે, “મારા એક મનોવિજ્ઞાની, સ્કેન્ડિનેવિયન સાથીદારે મને જણાવ્યું હતું કે તેમની ત્રણ વર્ષની દીકરીએ ભગવાન દરેક જગ્યાએ છે, એવું તેમને કહ્યું હતું. દીકરીને આવો વિચાર ક્યાંથી આવ્યો એ તેઓ અને તેમનાં પત્ની સમજી શક્યાં ન હતાં. તેમની દીકરી વૃદ્ધાને ભગવાન માનતી હતી. તે છોકરીને ભગવાનના અસ્તિત્વ વિશેની સમજણ તે લ્યુથરન ચર્ચમાંથી મળી ન હતી.”

આવાં ઘણાં કારણસર અનેક વિદ્વાનો માને છે કે ધર્મ “આપણા જ્ઞાનાત્મક સ્વભાવની આડપેદાશ” તરીકે ઉદભવ્યો છે, એવું જણાવતાં જ્યોર્જિયાના એટલાન્ટા ખાતેની એમોરી યુનિવર્સિટી ખાતેના સેન્ટર ફૉર માઈન્ડ, બ્રેઈન ઍન્ડ કલ્ચરના ડિરેક્ટર તથા ‘વ્હાય રિલિજિયન ઇઝ નેચરલ ઍન્ડ સાયન્સ ઇઝ નોટ’ના લેખક રોબર્ટ મેકકોલી ઉમેરે છે, “ધર્મો એક સાંસ્કૃતિક વ્યવસ્થા છે, જેનો વિકાસ માણસોમાંની કુદરતી ક્ષમતાના સંયોજન અને તેના ઉપયોગ માટે થયો છે.”

બીબીસી ગુજરાતી

ક્યારેય છોડી ન શકાતી આદતો

પુરિમની ઉજવણીમાં એક રેબાઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુરિમની ઉજવણીમાં એક રેબાઈ

નાસ્તિકોએ તે તમામ સાંસ્કૃતિક તથા ઉત્કાંતિ વિષયક માન્યતાઓ સામે લડવું પડે. મનુષ્યોને એવું માનવું ગમે છે કે તેઓ એક વિરાટ રચનાનો હિસ્સો છે અને જીવન સંપૂર્ણપણે નિરર્થક નથી.

આપણું મન હેતુ તથા સ્પષ્ટીકરણ ઝંખતું હોય છે. નોરેન્ઝાયન કહે છે, “શિક્ષણ, વિજ્ઞાનની સમજ અને દોષશોધક વૈચારિક ક્ષમતાને કારણે માણસ તેના સહજ જ્ઞાન પર વિશ્વાસ ભલે ન કરે, પરંતુ એ સહજ જ્ઞાન તો રહેવાનું જ.”

ઘણા નાસ્તિકો અને આસ્તિકો કુદરતી વિશ્વને સમજવા માટે વિજ્ઞાનની મદદ લે છે, પરંતુ વિજ્ઞાન આસાનીથી ગળી શકાય તેવી જ્ઞાનની ગોળી નથી.

મેકકોલી કહે છે તેમ વિજ્ઞાન સિસ્ટમ એક સંબંધી પૂર્વગ્રહ સુધારવા માટેની છે. આપણને અનુભવ ભલે ન થતો હોય, પરંતુ પૃથ્વી ફરે છે તે સત્ય આપણે સ્વીકારવું જોઈએ. આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે ઉત્ક્રાંતિ સંપૂર્ણપણે તટસ્થ છે અને બ્રહ્માંડની કોઈ અંતિમ ડિઝાઈન કે ઉદ્દેશ નથી.

"આપણું અંતર્જ્ઞાન ભલે જુદું વિચારતું હોય. આપણે ખોટા છીએ એ સ્વીકારવું, પોતાના પૂર્વગ્રહનો વિરોધ કરવાનું અને સચ્ચાઈનો સ્વીકાર કરવાનું પણ આપણને મુશ્કેલ લાગતું હોય છે, કારણ કે રોજ નવી અનુભવજન્ય માહિતી એકત્ર કરવામાં આવે છે, તેનું પરીક્ષણ કરવામાં આવે છે. તેથી આપણે એવું માનીએ છીએ કે સત્ય તો સતત પરિવર્તનશીલ છે."

મેકકોલી કહે છે, “વિજ્ઞાન સંજ્ઞાનાત્મક રીતે જ અકુદરતી છે. તે મુશ્કેલ છે. બીજી તરફ ધર્મ મોટા ભાગે એવી બાબત છે, જેને આપણે શીખવી પડતી નથી, કારણ કે આપણે તે પહેલેથી જાણીએ છીએ.”

રમઝાનમાં અજરબાઇજાનના મુસ્લિમો નમાજ પઢતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રમઝાનમાં અજરબાઇજાનના મુસ્લિમો નમાજ પઢતા

બેરેટ કહે છે, “ધાર્મિક વિચાર ઓછામાં ઓછા પ્રતિરોધનો માર્ગ હોવાના પુરાવા છે. ધર્મથી છુટકારો મેળવવો હોય તો આપણી માનવજાતમાંથી કશું મૂળભૂત રીતે બદલવું પડશે.”

આ જૈવિક જોડાણ એ હકીકતને સ્પષ્ટ કરે છે કે 20 ટકા અમેરિકનો ચર્ચ સાથે જોડાયેલા નથી, તેમ છતાં એ પૈકીના 68 ટકા કહે છે કે તેઓ આજે પણ ભગવાનમાં વિશ્વાસ કરે છે અને 37 ટકા લોકો ખુદને આધ્યાત્મિક ગણાવે છે. તેઓ માને છે કે સંગઠિત ધર્મ સિવાયની કોઈ દૈવી શક્તિ પણ દુનિયાનું માર્ગદર્શન કરે છે.

એવી જ રીતે પોતાને ભગવાનમાં વિશ્વાસ ન હોવાનું કહેતા અનેક લોકો આજે પણ ભૂતપ્રેત, જ્યોતિષ, કર્મ, ટેલિપથી કે પુનર્જન્મ જેવી બાબતોમાં વિશ્વાસ કરે છે.

નોરેન્ઝાયન કહે છે, “સ્કેન્ડિનેવિયન દેશોમાં મોટાભાગના લોકો કહે છે કે તેમને ઈશ્વરમાં વિશ્વાસ નથી, પરંતુ અસ્વાભાવિક અને અંધવિશ્વાસુ માન્યતાઓ આપણી ધારણા કરતાં ઘણી વધારે હોય છે.”

એ સિવાય નાસ્તિક લોકો પોતાના જીવનમાં મૂલ્યોના માર્ગદર્શન માટે એવી બાબતો પર નિર્ભર રહેતા હોય છે, જેની વ્યાખ્યા ધાર્મિક પડદા પાછળ જ કરી શકાતી હોય છે. આનો પુરાવો એ છે કે અમેરિકામાં જાદુટોણાની લોકપ્રિયતા વધી રહી છે અને બ્રિટનમાં મૂર્તિપૂજકતા સૌથી ઝડપથી વિકસતો ધર્મ હોય તેવું લાગે છે.

કંબોડિયામાં બૌદ્ધભિક્ષુઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કંબોડિયામાં બૌદ્ધભિક્ષુઓ સામપોવ ત્રિલિક પગોડા તરફ જતા

બિન-આસ્તિકો માટે ધાર્મિક અનુભવો વધુ વિચિત્ર પણ રીતે પ્રગટ થઈ શકે છે. થ્રાઈવ સેન્ટર ફૉર હ્યુમન ડેવલપમૅન્ટ ખાતે કાર્યરત નૃવંશવિજ્ઞાની રાયન હોર્નબેકને એવા પુરાવા મળ્યા છે કે ચીનમાં કેટલાક લોકો માટે વર્લ્ડ ઑફ વૉરક્રાફ્ટ આધ્યાત્મિક મહત્ત્વ ધારણ કરી રહ્યું છે.

દાખલા તરીકે, “વર્લ્ડ ઑફ વૉરક્રાફ્ટ ચોક્કસ નૈતિક લક્ષણો વિકસાવવાની તક પ્રદાન કરે છે, જે સમકાલીન સમાજના રોજિંદા જીવનમાં પરવડે તેમ નથી,” એમ જણાવતાં બેરેટ ઉમેરે છે, “લોકો પાસે ધાર્મિક વિચાર માટે આ વૈચારિક અવકાશ હોય તેવું લાગે છે અને તેને ધર્મ વડે પૂરવામાં ન આવે તો તેમાં આશ્ચર્યજનક પરિસ્થિતિ સર્જાય છે.”

એ ઉપરાંત ધર્મ સામૂહિક એકતા અને સહકારને પ્રોત્સાહિત કરે છે. મર્યાદા ઓળંગતી દરેક વ્યક્તિ પર સર્વશક્તિમાન ઈશ્વરની નજર હોવાની ભીતિએ પ્રાચીન સમાજમાં વ્યવસ્થા જાળવી રાખવામાં કદાચ મદદ કરી છે.

એટકિન્સન કહે છે, “આ સજાની અલૌકિક પરિકલ્પના છે. એ સજા વાસ્તવિક છે એવું દરેક વ્યક્તિ માનતી હોય તો તે જૂથોને પણ થઈ શકે.”

કડક નૈતિક સંહિતાવાળા ધર્મોને પ્રોત્સાહિત કરવામાં જનસમૂહની અસલામતી અને પીડા અહીં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

ન્યૂઝીલૅન્ડની વિક્ટોરિયા યુનિવર્સિટી ઑફ વેલિંગ્ટનના જોસેફ બુલબુલિયા અને તેમના સહયોગીઓએ વિશ્વના લગભગ 600 પરંપરાગત સમાજની ધાર્મિક વિશ્વાસ પ્રણાલીનું તાજેતરમાં વિશ્લેષણ કર્યું હતું.

તેમાં તેમને જાણવા મળ્યું હતું કે જે દેશ-પ્રદેશમાં હવામાન ખરાબ રહેતું હોય અથવા કુદરતી આફતોનું જોખમ વધારે હોય ત્યાંના લોકોને ઈશ્વરમાં વધારે ભરોસો હોય છે. શા માટે? મદદગાર પાડોશીનો અર્થ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત હોઈ શકે છે. આ સંદર્ભમાં, ધર્મ એક મૂલ્યવાન સાર્વજનિક ઉપયોગી વસ્તુ તરીકે વિકાસ પામ્યો છે.

થાઇલૅન્ડમાં વેજિટેરિયન ફેસ્ટિવલમાં શ્રદ્ધાળુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, થાઇલૅન્ડમાં વેજિટેરિયન ફેસ્ટિવલમાં શ્રદ્ધાળુ

બુલબુલિયા કહે છે, “ઝડપથી વિકસતું હોય અને તમામ સંસ્કૃતિ સાથે સતત સંકળાયેલું રહ્યું હોય એવું કશુંક વ્યાપક આપણે નિહાળીએ છે ત્યારે સમજાય છે કે તેણે સહકારાત્મક કામ કર્યું છે.”

ધર્મના પ્રચલન પાછળ આખરે તો સાદું ગણિત છે. સમગ્ર વિશ્વમાં જે લોકો વધુ ધાર્મિક હોય છે તેમને, ધાર્મિક ન હોય તેવા લોકો કરતાં વધુ સંતાનો હોય છે.

નોરેન્ઝાયન કહે છે, “આના નક્કર પુરાવા પણ છે. ઉદારપંથી લોકોની સરખામણીએ કટ્ટરપંથી લોકોમાં પ્રજનનદર સામાન્ય રીતે વધારે હોય છે.”

એ પણ હકીકત છે કે ધાર્મિક પુખ્ત બનવું કે નહીં તેનો નિર્ણય લેવાની વાત આવે ત્યારે સંતાનો તેમનાં માતા-પિતાનું અનુસરણ કરે છે. આ સ્થિતિમાં સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક વિશ્વ તદ્દન અસંભવ લાગે છે.

સ્થાયી માન્યતા

મનોવૈજ્ઞાનિક, ન્યૂરોલૉજિકલ, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને લૉજિસ્ટિકલ એમ તમામ કારણોને લીધે નિષ્ણાતો માને છે કે ધર્મનો લોપ કદાચ ક્યારેય થશે નહીં. ધર્મનું પાલન ભલે પ્રેમ કે ડરને લીધે કરવામાં આવે, પરંતુ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવામાં તે અત્યંત સફળ થયો છે. જો એવું ન હોય તો અત્યાર સુધીમાં ધર્મ ખતમ થઈ ગયો હોત.

આપણે ખ્રિસ્તી, મુસ્લિમ, હિંદુ અને બાકીના બધા ધર્મને નજરઅંદાજ કરી દઈશું તો પણ અંધવિશ્વાસ અને આધ્યાત્મિકતા તો ચલણમાં જ રહેશે.

મેકોલી કહે છે, “સૌથી સારી ધર્મનિરપેક્ષ સરકાર પણ ખુદને બધાથી બચાવી શકતી નથી.” આપણે કોઈ પ્રાકૃતિક સંકટ, વૈશ્વિક અણુયુદ્ધ કે ધૂમકેતુના ટકરાવા જેવી ઘટનાનો સામનો કરીશું ત્યારે ઈશ્વર આપોઆપ પ્રગટ થઈ જશે.

ઝકરમેન કહે છે, “દર્દ તથા પીડા છતાં માણસને આરામની જરૂર હોય છે અને ઘણા લોકોએ તે વિચારવું જોઈએ કે જીવનની પાર પણ કશુંક છે, એક અદૃશ્ય અસ્તિત્વ તેમને પ્રેમ કરે છે. અનેક લોકો શ્રદ્ધાવાન હશે અને તેમની બહુમતી હશે તો મને આશ્ચર્ય નહીં થાય.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી