ઘનઘોર જંગલમાં રહેતો એકલો પરિવાર, જેના પિતા-પુત્ર અન્ય માણસો જોઈને નાસી છૂટે છે

જંગલ, આદિવાસીઓ, તેલંગાણા, બીબીસી ગુજરાતી
    • લેેખક, કરિકીપતિ ઉમાગંત
    • પદ, બીબીસી માટે

તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના અશ્વરાવપેટ મંડળમાં, એક ઊંચી ટેકરી પર આવેલા ઘનઘોર જંગલમાં એક આદિવાસી પરિવાર છેલ્લાં છ વર્ષથી વસવાટ કરે છે.

આ પરિવારમાં પતિ, પત્ની અને તેમનો પુત્ર એમ માત્ર ત્રણ સભ્યો છે. ટેકરી પર 3 કિલોમીટર ચાલવા છતાં ત્યાં અન્ય કોઈ માનવી જોવા મળતો નથી.

આજના યુગમાં અનિવાર્ય ગણાતી વીજળી અને ટેલિફોન જેવી સુવિધાઓ વિના પણ તેઓ રાબેતા મુજબ પોતાનું જીવન જીવી રહ્યા છે.

ક્યાં રહે છે તેઓ?

જંગલ, આદિવાસીઓ, તેલંગાણા, બીબીસી ગુજરાતી

આદિવાસીઓના સંરક્ષક ગણાતા કુપાલમંગમ્મા દેવીનું મંદિર તેલંગાણાના અશ્વરાવપેટ અને આંધ્ર પ્રદેશના પુટ્ટાયકોટ્ટમ મંડળની સરહદ પર આવેલા એજન્સી વિસ્તારમાં સ્થિત છે.

આ મંદિરની આસપાસનો પહાડી અને ગાઢ જંગલ વિસ્તાર તેલંગાણાના કંડલમ વનક્ષેત્ર હેઠળ આવે છે. સાંજના 6 વાગ્યા પછી આ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હોય છે.

આ મંદિરથી આશરે ત્રણ કિલોમીટર ઉપર ગાઢ જંગલમાં વર્ષો પહેલાં ગોકુલાપુડી નામના ગામમાં 40 આદિવાસી પરિવારો રહેતા હતા. પાયાની સુવિધાઓના અભાવે અધિકારીઓ 1990થી આ લોકોને અન્યત્ર ખસેડવાના પ્રયાસો કરી રહ્યા હતા.

શરૂઆતમાં તેમણે સ્થળાંતરનો ઇનકાર કર્યો, પરંતુ ITDA (Integrated Tribal Development Agency) ના અધિકારીઓનાં 10 વર્ષના સતત પ્રયત્નો અને શિક્ષણ, વીજળી તથા પાણી જેવી સુવિધાઓની ખાતરી મળતાં તેઓ સંમત થયા.

વર્ષ 2000માં આ પરિવારો પર્વતની તળેટીમાં આવેલી પુનર્વસન વસાહતમાં સ્થાયી થયા, જેનું નામ જૂની યાદમાં 'ગોકુલાપુડી' રાખવામાં આવ્યું.

જોકે, 40માંથી 39 પરિવારો નીચે આવ્યા પણ ગુરુકુંડલા રેડ્ડૈયાના પરિવારે જંગલ છોડવાની સાફ ના પાડી દીધી. આજે તેઓ તેમનાં પત્ની લક્ષ્મી અને પુત્ર ગંગીરેડ્ડી સાથે ત્યાં જ વસે છે.

દિવસે સૂર્યપ્રકાશ અને રાતે તારલાનો સાથ

આ પરિવાર વિશે વધુ જાણવા માટે જ્યારે અમે પર્વત પર જઈ તેમની સાથે વાત કરી, ત્યારે લક્ષ્મીએ વીજળીના અભાવ અંગે જણાવ્યું, "દિવસે સૂર્યપ્રકાશ હોય છે અને રાતે ચાંદની. વધુ અંધારું હોય ત્યારે અમે સૂકું ઘાસ સળગાવીને તાપણું કરીએ."

તેમને વાર કે સમયનું જ્ઞાન નથી, માત્ર દિવસ અને રાતના ચક્રથી તેઓ પોતાનો સમય ઓળખે છે. જંગલી જાનવરો કે સાપના ડર અંગે વાત કરતાં કહે છે, "અમને કોઈ ડર નથી. પ્રાણીઓ તેમના વિસ્તારમાં રહે છે અને અમે અમારા. અમે આ જીવનથી ટેવાયેલા છીએ."

તેઓ પહાડી જમીન પર જ મકાઈ, ચોખા અને શાકભાજી ઉગાડી પોતાનું ગુજરાન ચલાવે છે. પીવાનું શુદ્ધ પાણી નજીકની નદીમાંથી મળી રહે છે જે ઉનાળામાં પણ સુકાતી નથી.

'અમે રોગ વિશે કશું જાણતા નથી'

જંગલ, આદિવાસીઓ, તેલંગાણા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, લક્ષ્મી, રેડ્ડી, ગંગીરેડ્ડી

લક્ષ્મીએ નવ સંતાનોને જન્મ આપ્યો હતો પણ સાત બાળપણમાં જ મૃત્યુ પામ્યાં. આજે ફક્ત એક દીકરો અને એક દીકરી છે. દીકરીનાં લગ્ન કરાવીને પર્વતની તળેટીમાં મોકલી આપી છે, જ્યારે પુત્ર ગંગીરેડ્ડી તેમની સાથે રહે છે.

ગંગીરેડ્ડીએ કહ્યું હતું, "અમે રોગ વિશે કશું જાણતા નથી. તબિયત સારી ન લાગે તો અમે જડીબૂટીની દવાઓનો ઉપયોગ કરીએ છીએ." લક્ષ્મીએ કહ્યું હતું, "હવે મને આંખેથી બરાબર દેખાતું નથી. લાકડી લઈને બહુ ચાલી પણ શકતી નથી."

પરિવાર એક, પણ ઝૂંપડીઓ પાંચ કેમ?

જંગલ, આદિવાસીઓ, તેલંગાણા, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લક્ષ્મીએ જણાવ્યું હતું કે તેમણે ત્રણ ઝૂંપડાં બનાવ્યાં છે; દરેક વ્યક્તિ માટે એક. એક ઝૂંપડું મરઘીઓ અને કૂતરા માટે છે. વરસાદની ઋતુમાં લાકડાં ભીના ન થાય એટલા માટે એક અલગ ઝૂંપડું બનાવ્યું છે.

વરસાદ પડે ત્યારે ઘરમાં પાણી નથી ટપકતું? એવા સવાલના જવાબમાં ગંગીરેડ્ડીએ ફ્લેક્સ પેપરની એક શીટ તરફ ઈશારો કર્યો હતો અને કહ્યું હતું, "ના, અમે તેને ઉપર લગાવી દઈએ છીએ." મંદિરમાં તહેવારો દરમિયાન ઉપયોગમાં લેવાતાં બૅનર્સ તેઓ લાવે છે અને તે તેમની ઝૂંપડીઓ પર લગાવી દે છે.

લક્ષ્મીએ કહ્યું હતું, "ગંગીરેડ્ડીએ હજુ સુધી લગ્ન કર્યાં નથી. તેનો કોઈ પરિવાર નથી. અમે આ પર્વત પરથી ક્યારેય નીચે ઊતર્યા નથી, તેથી તે શાળાએ જતો નથી કે અભ્યાસ કરતો નથી. તેને લગ્ન કરવાની ઈચ્છા નથી, તે અમારી સાથે જ રહે છે." ગંગીરેડ્ડીએ કહ્યું હતું, "આ પર્વત પર રહેવા તૈયાર હોય એવી સ્ત્રી સાથે જ હું લગ્ન કરીશ. હું ક્યારેય નીચે ઊતરવાનો નથી."

પિતા રેડ્ડૈયા અને પુત્ર ગંગીરેડ્ડી માત્ર કુપ્પલમંગમ્માના મંદિર સુધી જ જાય છે. મંદિર પર્વતની તળેટીમાં ગાઢ જંગલમાં આવેલું છે. પોતે જીવનમાં મંદિરથી આગળ નથી વધ્યા હોવાનું ગંગીરેડ્ડીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, "અમે એ મંદિરની આગળ જઈશું નહીં. કોઈ પણ કિંમતે જવાનાં નથી."

આ સંદર્ભમાં કાવાટીકુંડલા પંચાયતના સચિવ મોતીલાલે જણાવ્યું હતું કે સરકારે તેમને આધાર કાર્ડ અને રેશન કાર્ડ આપવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેને સ્વીકારવા માટે કોઈ આગળ આવ્યું ન હતું. ગંગીરેડ્ડીએ બીબીસીને કહ્યું હતું, "તમારે કાર્ડ જોઈતું હોય તો તમારો ફોટો ખેંચાવવા માટે આવવું પડશે, એવું તેમણે અમને કહ્યું હતું, પણ અમે જવાના નથી. અમને કોઈ કાર્ડ જોઈતું નથી."

'મારી પાસે આધાર કાર્ડ અને રેશન કાર્ડ છે'

જંગલ, આદિવાસીઓ, તેલંગાણા, બીબીસી ગુજરાતી

લક્ષ્મીએ કહ્યું હતું, "હું મારી દીકરીને મળવા પહાડની નીચે જાઉં છું. એવી જ રીતે ગોકુલાપુડી કૉલોનીમાં પણ જાઉં છું. ત્યાં અમારા સંબંધીઓ રહે છે, તેમને મળવા માટે જાઉં છું. ત્યાં તેમણે મારો ફોટો પાડ્યો હતો અને મને કૉલોનીના સરનામે આધાર કાર્ડ અને રેશન કાર્ડ આપ્યાં છે. "

"હું રૅશન ખરીદવા માટે નીચે જાઉં છું. જોકે, મારો દીકરો અને પતિ ક્યાંય જતા નથી. તેઓ ક્યારેય મંદિરની આગળ વધ્યા નથી. હું એકલી જ બધે જાઉં છું."

કુપ્પલમંગમ્મા મંદિરથી પાંચ કિલોમીટર દૂર પર્વતની તળેટીમાં આવેલા પુનર્વસનકેન્દ્રમાં તમે કેમ જતા નથી, એવો સવાલ અમે લક્ષ્મીને પૂછ્યો હતો. તેમણે કહ્યું હતું, "અમને તે ગમતું નથી. મેં ત્યાં જવાનું કહ્યું હતું, પરંતુ મારા પતિ મારી વાત સાંભળતા નથી"

લક્ષ્મીના જણાવ્યા મુજબ, તેમના પતિ કહે છે કે તેમનો જન્મ જંગલમાં થયો હતો અને મૃત્યુ પણ જંગલમાં જ થશે. તે ક્યારેય નીચે જશે નહીં. બીબીસીની ટીમ જંગલમાં તેમના ઘરે પહોંચી ત્યારે રેડ્ડૈયા ગુમ થઈ ગયા હતા. લક્ષ્મીએ જણાવ્યું હતું કે તેમના પતિ અત્યાર સુધી ક્યારેય નીચે ગયા નથી અને હવે સાંજે પણ ઘરે આવતા નથી. તેમને ડર છે કે કોઈ અધિકારી આવીને તેમને બળજબરીથી નીચે લઈ જશે.

આ પરિવાર વર્ષોથી જંગલમાં એકલો રહેતો હોવાની વાત બહાર આવ્યા બાદ અધિકારીઓ અને કેટલાક મીડિયા આઉટલેટ્સ છેલ્લા કેટલાક સમયથી જંગલ વિસ્તારની મુલાકાત લઈ રહ્યાં છે.

લક્ષ્મીએ કહ્યું હતું, "લોકો આવે છે અને તેમને જોતાં જ મારા પતિ ડરીને ભાગી જાય છે. તે છેક મધરાતે પાછા આવે છે. તેમને ડર છે કે કોઈ તેમને પકડી લેશે અને કંઈક અજુગતું કરશે. હવે તે જંગલમાં કોઈ નવી વ્યક્તિને જુએ તો પણ ડરીને તેના પર પથ્થરો ફેંકે છે."

'ઝૂંપડીની ચારે તરફ વાડ બાંધી દો તો સારું'

જંગલ, આદિવાસીઓ, તેલંગાણા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગંગીરેડ્ડી

રેડ્ડૈયાને બળજબરીથી ખસેડવામાં આવશે તો પણ તેમને શાંતિ થશે નહીં. તેથી ગોકુલાપુડીના યુવાનો એવી માંગ કરી રહ્યા છે કે રેડ્ડૈયાના ઘરે સૌર ઊર્જા પ્રણાલી (સોલર સિસ્ટમ) લગાવી દેવી જોઈએ તેમજ તેમના ઘરની આસપાસ વાડ બનાવવી જોઈએ.

ગોકુલાપુડીના એક અન્ય રહેવાસી ગુરુકુંડલા બાબુ રેડ્ડી સાત વર્ષની વયે જંગલમાંથી નીચે આવ્યા હતા. હવે તેમણે તેમનું ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેમનું માનવું છે કે રેડ્ડૈયા પરિવાર પણ નીચે આવતો રહે તો સારું રહેશે.

'તેમને જંગલમાં રહેવાનો અધિકાર છે'

જંગલ, આદિવાસીઓ, તેલંગાણા, બીબીસી ગુજરાતી

ગોકુલાપુડી કૉલોની આવેલી છે તે કાવાટીકુંડલા પંચાયતના પ્રમુખ લક્ષ્મણ રાવ અને સચિવ મોતીલાલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "અમે રેડ્ડૈયાના પરિવારને અહીં લાવવાના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તેમને જરૂરિયાતની બધી વસ્તુઓ પૂરી પાડવા તૈયાર છીએ, પરંતુ તેઓ સ્વીકારતા નથી."

તેમણે ઉમેર્યું હતું, "રેડ્ડૈયા અને ખાસ કરીને તેમના દીકરાને જાહેરમાં દેખાવાનું પસંદ નથી. અમે તેમને મળવા જઈએ છીએ ત્યારે તેઓ જંગલમાં છુપાઈ જાય છે. અમે તેમને પકડી શકતા નથી. અમે તેમને સમજાવવાના અને નીચે લાવવાના પ્રયાસ ચાલુ રાખીશું."

આ સંબંધે ચર્ચા કરવા આઈટીડીએના પ્રોજેક્ટ ઓફિસર રાહુલના સંપર્કનો પ્રયાસ બીબીસીએ કર્યો હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ ન હતા. જોકે, આ વિસ્તારમાં અગાઉ પુનર્વસન કાર્ય કરી ચૂકેલા અને હાલમાં ભદ્રાચલમ આઈટીડીએ આદિવાસી સંગ્રહાલયનો કારભાર સંભાળતા વીરસ્વામીએ બીબીસી સાથે વાત કરી હતી.

વીરસ્વામીએ કહ્યું હતું, "અમારા જિલ્લાનાં જંગલોમાં છૂટાછવાયાં ઘર છે, પરંતુ માનવ અવરજવર બધે જોવા મળે છે. ઓછામાં ઓછા 15થી 20 પરિવારો સાથે રહેતા હશે, પરંતુ રેડ્ડૈયાનો પરિવાર જ એકલો છે. અમે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમને ત્યાંથી ખસેડી શક્યા નથી. અમે તેમને બળજબરીથી હટાવી શકતા નથી. તેમના માટે ઓછામાં ઓછું ટીનનું એક ઝૂંપડું બનાવવાનું શક્ય છે કે કેમ તે આપણે વિચારવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન