એ ભારતીય મહિલા, જેમણે પાકિસ્તાનમાં ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો અને પ્રેમી સાથે લગ્ન કરી લીધાં

બીબીસી ગુજરાતી સરબજીત ભારતીય પંજાબી શીખ મહિલા પાકિસ્તાન ઇસ્લામ લગ્ન

ઇમેજ સ્રોત, Ali Imran Chattha

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની અધિકારીઓએ રવિવારે સરબજિતકોરને કસ્ટડીમાં લીધાં હતાં
    • લેેખક, એહતેશામ શામી
    • પદ, બીબીસી ઉર્દૂ માટે, ઇસ્લામાબાદથી

એક પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કરનાર ભારતીય મહિલા સરબજિતકોરને પ્રવાસના દસ્તાવેજો અધૂરા હોવાના કારણે હજી સુધી ભારત પરત મોકલાયાં નથી અને તેમના ડિપોર્ટેશનની પ્રક્રિયા પાછી ઠેલાઈ છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લઘુમતી બાબતોના મંત્રી સરદાર રમેશસિંહ અરોરાએ બીબીસીને જણાવ્યું હતું કે, સરબજિતકોરને ગત સોમવારે (પાંચમી જાન્યુઆરીએ) વાઘા સરહદે લઈ જવાયાં હતાં, પણ તેમના પ્રવાસના દસ્તાવેજોમાં કોઈ તકનીકી સમસ્યા સર્જાઈ હતી.

મંત્રીએ જણાવ્યું હતું, "મારી જાણ અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સરબજિતકોરને ભારત પરત મોકલવા માટે હજી સુધી એનઓસી જારી કર્યું નથી, કારણ કે તેઓ વિઝાની સમય મર્યાદા પૂરી થઈ ગયા પછી પણ પાકિસ્તાન રોકાયાં હતાં. આથી, કેન્દ્રીય ગૃહમંત્રીની પરવાનગી વિના તેઓ કાયદેસર રીતે દેશ છોડી શકશે નહીં."

બીજી તરફ, વાઘા બોર્ડર પરનાં સૂત્રોએ બીબીસી સંવાદદાતા શુમાઇલા ખાનને જાણકારી આપી હતી કે, સરબજિતકોરને સોમવારે ત્યાં લવાયાં હતાં, પણ તેમના વિઝા એક્સ્પાયર થઈ ગયા હોવાથી તેમને પાકિસ્તાનની બહાર મોકલવા માટે ગૃહ મંત્રાલયની પરવાનગી મળવી જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે, દસ્તાવેજોનું કામ પૂરું થયા પછી જ ઇમિગ્રેશનની પ્રક્રિયા થશે, પરંતુ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે હજી સુધી એનઓસી (પરવાનગી પત્ર) ઇસ્યૂ ન કર્યું હોવાથી સરબજિતકોરને વાઘા બોર્ડરથી પરત મોકલી દેવાયાં હતાં.

આ તરફ, સરબજિતના વકીલ અહમદ હસન પાશાએ બીબીસી ઉર્દૂ સાથેની વાતચીતમાં એવો દાવો કર્યો હતો કે, સરબજિતને તેમની મરજી વિરુદ્ધ ભારત મોકલાઈ રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે, ફોરેનર્સ ઍક્ટ, 1946 હેઠળ સરબજિતને હાલ પાકિસ્તાનમાં રહેવાની પરવાનગી નથી અને આથી, તેમને ભારત પરત મોકલાઈ રહ્યાં છે.

અહમદ હસન પાશા જણાવે છે કે, સરબજિતકોર હવે ભારતમાંથી 'સ્પાઉસ વિઝા' મેળવશે અને તે પછી તેઓ પાકિસ્તાન આવીને અહીં કાયમી નિવાસ માટે અરજી કરી શકશે.

તેમણે કહ્યું હતું, "સરબજિત પાસે તીર્થયાત્રી વિઝા (પિલગ્રિમ વિઝા) હતા, જે માત્ર દસ દિવસ માટે માન્ય હતા. તીર્થયાત્રી વિઝા અમુક શહેરો માટે જ માન્ય છે અને તેને લંબાવી શકાતા નથી."

હાઇકોર્ટમાં સરબજિત વિરુદ્ધ કેસ લડી રહેલા વકીલ અલી ચંગેઝી સંધુ કહે છે કે, હાઇકોર્ટમાં તેમના કેસની હજી સુનાવણી ચાલી રહી છે.

વધુમાં તેમણે માહિતી આપી હતી કે, લાહોર હાઇકોર્ટના જસ્ટિસ ફારૂક હૈદરે પાંચમી ડિસેમ્બરના રોજ થયેલી સુનાવણી દરમિયાન ફેડરલ કૅબિનેટ ડિવિઝન, પંજાબ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ તથા એફઆઇએ સહિતની અન્ય સંબંધિત સંસ્થાઓ પાસે અહેવાલ માગ્યો છે. આથી, પાકિસ્તાની સંસ્થાઓ સરબજિતકોરને વહેલી તકે ભારત રવાના કરવા ઉતાવળી થઈ છે.

ભારતીય મહિલા સરબજિત અને તેમના પતિ કસ્ટડીમાં છે

બીબીસી ગુજરાતી સરબજીત ભારતીય પંજાબી શીખ મહિલા પાકિસ્તાન ઇસ્લામ લગ્ન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, રમેશસિંહ અરોરા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લઘુમતી બાબતોના મંત્રી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સરબજિતકોર અને તેમના પતિ નાસીરને કસ્ટડીમાં લેવાયાં હોવાની પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લઘુમતી બાબતોના મંત્રી સરદાર રમેશસિંહ અરોરાએ રવિવારે રાત્રે પુષ્ટિ કરી હતી.

સરબજિતકોર ગત ચોથી નવેમ્બરે શીખ યાત્રાળુઓના સંઘ સાથે પાકિસ્તાન પહોંચ્યાં હતાં અને તેમના વિઝા 13મી નવેમ્બર સુધી માન્ય હતા, પરંતુ તેઓ ભારત પરત ફર્યાં નહીં. સરબજિતે પાકિસ્તાનના પંજાબના રહીશ નાસિર હુસૈન સાથે લગ્ન કરી લીધાં અને ત્યારથી તેઓ પાકિસ્તાનમાં રહે છે.

રમેશસિંહ અરોરાએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે, ચોથી જાન્યુઆરીના રોજ સરબજિતકોર અને નાસિર હુસૈન નાનકાના સાહિબના પહેરેવાલી નામના ગામમાં હોવાની જાણ થયા બાદ ગુપ્તચર સંસ્થાઓએ તાકીદે કાર્યવાહી કરી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ કાર્યવાહી દરમિયાન, સરબજિત અને તેમના પાકિસ્તાની પતિની અટકાયત કરાઈ હતી. હવે, આ દંપતીને નાનકાના સાહિબ પોલીસને સોંપી દેવાયું છે. બંને હાલ નાનકાના સાહિબના સદર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં છે.

રમેશસિંહ અરોરાના જણાવ્યા પ્રમાણે, પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓએ સંયુક્તપણે આ મામલાની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન, સંસ્થાઓને માલૂમ પડ્યું હતું કે, સરબજિતકોર અને નાસિર હુસૈન 2016માં ટિકટૉક મારફત એકમેકના પરિચયમાં આવ્યાં હતાં અને તેમણે ઘણી વખત વિઝા માટે અરજી કરી હતી, પણ કાનૂની કારણસર તેમને વિઝા મળ્યા ન હતા.

દંપતીને પરેશાન ન કરવાનો અદાલતનો આદેશ

બીબીસી ગુજરાતી સરબજીત ભારતીય પંજાબી શીખ મહિલા પાકિસ્તાન ઇસ્લામ લગ્ન

ઇમેજ સ્રોત, Ahmad Pasha

ઇમેજ કૅપ્શન, સરબજિત પાકિસ્તાનના નાગરિક નાસિર સાથે નિકાહ કર્યા બાદ ઇસ્લામ સ્વીકાર્યો અને તેમનું નામ બદલીને નૂર ફાતિમા કરી દીધું

નોંધનીય છે કે, નવેમ્બરમાં સરબજિતકોરની વિનંતી પર લાહોર હાઇકોર્ટે પંજાબ પોલીસને સરબજિતને પરેશાન ન કરવાનો આદેશ આપ્યો હતો.

સરબજિતના વકીલ અહમદ હસન પાશાના જણાવ્યા મુજબ, પંજાબ પોલીસે આઠમી નવેમ્બરના રોજ સરબજિત અને નાસિરના ઘરે દરોડા પાડીને તેમના પર આ લગ્નનો અંત આણવાનું દબાણ કર્યું હતું. આ અરજીમાં સરબજિત અને નાસિર હુસૈનના વૈવાહિક જીવનમાં દખલ ન કરવાની અદાલત સમક્ષ વિનંતી કરવામાં આવી હતી.

સુનાવણી બાદ, લાહોર હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ફારૂક હૈદરે પંજાબ પોલીસને સરબજિતની પજવણી કરતાં અટકાવી હતી અને સાથે જ આ અંગે પંજાબ પોલીસના આઇજીને પણ આદેશ જારી કર્યો હતો.

જોકે, શેખપુરા પોલીસ સ્ટેશનના પ્રવક્તા રાણા યુનૂસે બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું, "પોલીસે કોઈ ભારતીય મહિલા કે તેના પાકિસ્તાની પતિની પજવણી કરી નથી. આ મામલે લગાવાયેલા આરોપો સત્યથી વેગળા છે અને પોલીસને તેમની સાથે કશી લેવા-દેવા નથી."

તેમણે વધુમાં કહ્યું હતું, "આ મામલો સંવેદનશીલ હોવાથી વિવિધ સંસ્થાઓ તેના પર નજર રાખી રહી છે અને જે પણ નિર્ણય લેવાશે, તે પાકિસ્તાનના કાયદાને અનુરૂપ હશે."

સરબજિતના વકીલે કહ્યું હતું, "15મી નવેમ્બરના રોજ મેં બંનેને મારી ચેમ્બરમાં બોલાવ્યાં હતાં, જેથી તેઓ બંને દેશોની સંસ્થાઓના અધિકારીઓ સમક્ષ તેમનાં નિવેદનો નોંધાવી શકે, પરંતુ વચન આપ્યા છતાં પતિ-પત્ની બંને ન આવ્યાં. એટલું જ નહીં, નાસિર હુસૈનનો મોબાઇલ ફોન પણ સ્વિચ ઑફ આવતો હતો."

ઇસ્લામ ધર્મનો સ્વીકાર અને લગ્ન

બીબીસી ગુજરાતી સરબજીત ભારતીય પંજાબી શીખ મહિલા પાકિસ્તાન ઇસ્લામ લગ્ન

ઇમેજ સ્રોત, police

ઇમેજ કૅપ્શન, અદાલતમાં રજૂ કરવામાં આવેલા લગ્નના પ્રમાણપત્ર અનુસાર, નાસિર હુસૈનની વય 43 વર્ષ, જ્યારે સરબજિતની વય 48 વર્ષ છે

સરબજિતકોર ચોથી નવેમ્બરના રોજ શીખ યાત્રાળુઓ સાથે પાકિસ્તાન પહોંચ્યાં હતાં અને બાબા ગુરુ નાનકની જન્મજયંતી નિમિત્તે બીજા દિવસે નાનકાના સાહિબ જવાનાં હતાં.

જોકે, સરબજિતે શેખપુરાના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટને આપેલા નિવેદન પ્રમાણે, પાકિસ્તાન આવ્યાં બાદ તેમણે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને પાકિસ્તાનના નાગરિક નાસિર હુસૈન સાથે લગ્ન કરી લીધાં હતાં.

તેમના વકીલ અહમદ હસન પાશા જણાવે છે કે, જુબાની મુજબ, લગ્નની નોંધણી શેખપુરાની સંબંધિત યુનિયન કાઉન્સિલમાં કરાવાઈ હતી.

શેખપુરાના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ મુહમ્મદ ખાલીદ મહમૂદ વરૈચાની કોર્ટમાં સુપરત કરાયેલા દસ્તાવેજો અનુસાર, સરબજિતકોરે કારી હાફિઝ રિઝવાન ભટ્ટી સમક્ષ ઇસ્લામ અંગીકાર કર્યો હતો. તે પછી તેમનું ઇસ્લામિક નામ 'નૂર' રાખવામાં આવ્યું હતું.

તેમને પાંચમી નવેમ્બરના રોજ ઇસ્લામ સ્વીકાર કર્યાનું પ્રમાણપત્ર ઇસ્યૂ કરવામાં આવ્યું હતું.

'મેં મારી મરજીથી લગ્ન કર્યાં છે'

અદાલતમાં સુપરત કરવામાં આવેલા લગ્ન પ્રમાણપત્ર (નિકાહનામા) અનુસાર, નાસિર હુસૈનની વય 43 વર્ષની છે, જ્યારે સરબજિતની ઉંમર 48 વર્ષ છે. નિકાહનામા પ્રમાણે, હકમહેરની રકમ દસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

સાથે જ એવું પણ નોંધવામાં આવ્યું છે કે, નાસિર હુસૈન અગાઉથી પરિણીત છે અને તેમણે બીજાં લગ્ન કરવા માટે પરવાનગી લેવાની જરૂર નથી.

સરબજિત વતી અદાલતમાં એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસ ઉપર ધમકાવવાનો અને જુઠ્ઠો કેસ દાખલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ મુહમ્મદ ખાલીદ મહમૂદ વરૈચની અદાલતમાં પાકિસ્તાન પીનલ કોડની કલમ 200 હેઠળ દાખલ કરવામાં આવેલા કેસમાં સરબજિતે જણાવ્યું હતું કે, તેમણે સ્વેચ્છાએ નાસિર હુસૈન સાથે લગ્ન કર્યાં હતાં.

તેઓ કહે છે, "કોઈએ મારું અપહરણ કર્યું નહોતું, મેં મારી મરજીથી લગ્ન કર્યાં હતાં. હું મારાં માતાપિતાના ઘરેથી માત્ર ત્રણ કપડાં લઈને આવી હતી, બીજું કશું લાવી નહોતી."

આ નિવેદનમાં સરબજિતકોરે દાવો કર્યો હતો, "મેં લગ્ન કરી લેતાં પોલીસ સખ્ત નારાજ થઈ છે. પાંચમી નવેમ્બરના રોજ રાત્રે નવ વાગ્યે પોલીસ અધિકારીઓ બળજબરીથી અમારાં ઘરમાં ઘૂસી આવ્યા. અધિકારીઓએ મને તેમની સાથે જવા કહ્યું, પણ મેં ઇનકાર કરતાં તેઓ ગુસ્સે થઈ ગયા."

સરબજિત આગળ કહે છે, "મેં બૂમો પાડવા માંડતાં પાડોશીઓ એકઠા થઈ ગયા." સરબજિતકોરે અદાલત પાસે તેમને અને તેમના પતિને પોલીસ સુરક્ષા પૂરી પાડવાની અરજ કરી હતી.

સરબજિત નવ વર્ષથી નાસિર હુસૈનને ઓળખતાં હતાં

બીબીસી ગુજરાતી સરબજીત ભારતીય પંજાબી શીખ મહિલા પાકિસ્તાન ઇસ્લામ લગ્ન

ઇમેજ સ્રોત, PRADEEP SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, કપૂરથલાના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ધીરેન્દ્ર વર્મા

સરબજિત પંજાબના કપૂરથલા જિલ્લામાંથી આવે છે. કપૂરથલાના પોલીસ જણાવે છે કે, આ મામલાની તપાસ ચાલી રહી છે. સરબજિત આશરે 2,000 શીખ યાત્રાળુઓના સંઘમાં સામેલ હતાં. આ સંઘ દસેક દિવસની યાત્રા પૂરી કરીને 13મી નવેમ્બરે ભારત પરત ફર્યો હતો, પણ સરબજિતકોર તેમની સાથે નહોતાં.

કપૂરથલાના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ધીરેન્દ્ર વર્માએ બીબીસી પંજાબીને જણાવ્યું હતું કે, નવેમ્બરમાં માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ આદરી હતી. જોકે, વર્માએ ધર્માંતરણ તથા લગ્ન વિશે જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, માધ્યમોમાં આ પ્રકારના અહેવાલો પ્રસિદ્ધ થયા છે, પરંતુ પોલીસ પાસે આ અંગે કોઈ નક્કર પુરાવા કે વિગતો નથી.

બીબીસી પંજાબીના સહયોગી સંવાદદાતા રવિન્દરસિંહ રોબિન સાથે વાત કરતાં શિરોમણિ ગુરદ્વારા પ્રબંધક સમિતિના સચિવ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે, આ મામલો તપાસ્યા બાદ સમિતિએ નક્કી કર્યું છે કે, હવેથી આવા સંઘમાં કોઈ એકલવાયી મહિલાને જવા દેવાશે નહીં.

ભારતીય માધ્યમોમાં વહેતા થયેલા અહેવાલો અનુસાર, સરબજિત છૂટાછેડા લઈ ચૂક્યાં છે અને અગાઉનાં લગ્ન થકી તેમને બે પુત્રો છે. તેમના પતિ આશરે ત્રણ દાયકાથી ઇંગ્લૅન્ડમાં રહે છે.

કપૂરથલા જિલ્લાના તલવંડી ચૌધરિયાં ગામના એસએચઓ નિર્મલસિંહે કહ્યું હતું કે, ગામના સરપંચ મારફત તેમને આ સમાચાર મળ્યા હતા.

દરમિયાન, પાકિસ્તાનસ્થિત વકીલ અહમદ હસન પાશા કહે છે કે, નાસિર હુસૈન વ્યવસાયે જમીનદાર છે.

તેમણે બીબીસી સાથે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં સરબજિતને એમ કહેતાં સાંભળી શકાય છે કે, તેઓ ભારતમાં છૂટાછેડા લઈ ચૂક્યાં છે અને તેમણે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને નાસિર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

સરબજિતનો દાવો છે કે, તેઓ નવ વર્ષથી નાસિરને ઓળખતાં હતાં.

વકીલ અહમદ હસન પાશાએ જણાવ્યા પ્રમાણે, સરબજિત તથા નાસિર ઇન્સ્ટાગ્રામ પર એકમેકના સંપર્કમાં હતાં અને છ મહિના પહેલાં બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું.

વકીલે કહ્યું હતું કે, બંને તેમની પાસે કાનૂની મદદ લેવા માટે આવ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન