ગુજરાતમાં જેનાં મૂળિયાં છે એ મકરાણ પ્રદેશ પાકિસ્તાનમાં કેમ સામેલ થઈ ગયો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ભારત, ઇતિહાસ, ભારત-પાકિસ્તાન ભાગલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ફારૂક આદેલ
    • પદ, લેખક, કૉલમિસ્ટ

આ બે સંબંધીઓ વચ્ચેની લડાઈ હતી. શરૂઆતમાં ક્ષેત્રના પ્રભાવશાળી લોકો આ લડાઈમાં સામેલ થયા, પછી ક્ષેત્રની રાજકીય શક્તિઓ કૂદી પડી, અને છેલ્લે વૈશ્વિક શક્તિઓ પણ સક્રિય થઈ ગઈ.

આ ઘટના એક ઇચ્છાથી શરૂ થાય છે. બલૂચિસ્તાનના ઇતિહાસના જાણકાર અને પ્રખ્યાત વકીલ ડૉ. સલાહુદ્દીન મેંગલ કહે છે કે કલાતના ખાનના સંબંધીઓ, કેચ મકરાણના શાસક, ગચકીના નવાબ ઇચ્છતા હતા કે ખાન તેમના ઉપર થોડી કૃપા કરે અને કચકી ક્ષેત્રની ખેતીલાયક જમીન તેમને સોંપી દે.

આવું કરવા પાછળનો એક મત એ હતો છે તેઓ પોતાના રાજ્યની મહેસૂલી આવક વધારવા માગતા હતા. બીજો મત એ છે કે તેઓ ખર્ચાળ હતા અને પોતાના વધતા ખર્ચાને પહોંચી વળવા માટે વધુ આવક ઇચ્છતા હતા.

આ ઇચ્છા અનુસાર તેમણે કચ્છની ભૂમિ પર પોતાના અધિકારનો દાવો કર્યો, પરંતુ કલાતના ખાન મીર અહમદયારખાને તેને નકારી દીધો.

કલાતના ખાનની દૃષ્ટિએ આ જમીનો કબીલાઓની છે અને તેને કોઈ બીજાને આપી દેવાનો કશો અધિકાર નથી. આ એ આરંભની ઘટના હતી જેણે પૂર્વ બ્રિટિશ બલૂચિસ્તાન અને તેનાં પડોશી રાજ્યો વચ્ચે સંઘર્ષ કરાવ્યો.

મકરાણ અને કલાતનાં રાજ્યો વચ્ચે શરૂ થયેલા આ તણાવ પછી, નવાબ બાયુનની પ્રવૃત્તિઓનો એક લાંબો સિલસિલો શરૂ થયો.

નવાબ બાયુન અને બ્રિટિશ અધિકારીઓ વચ્ચે બેઠકો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ભારત, ઇતિહાસ, ભારત-પાકિસ્તાન ભાગલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇતિહાસકાર ડૉ. હમીદ બલૂચ અનુસાર, આ પ્રવૃત્તિનાં મૂળ એક પત્રમાં જોવા મળે છે, જેને મસ્કતમાં સ્થિત રાજકીય એજન્ટ સર રુપર્ટ દ્વારા બહેરીનમાં બ્રિટિશ રેસિડેન્ટને મોકલવામાં આવેલો. આ ગુપ્ત પત્રમાં કરવામાં આવેલા ખુલાસામાંથી એક એ હતો કે ગ્વાદરમાં રહેતા મસ્કતના ઇમામ (શાસક) નવાબ બાયુન અને બ્રિટિશ અધિકારીઓ વચ્ચે બેઠકો થતી હતી.

પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે નવાબ બાયુન 27 ઑક્ટોબર, 1947એ તુર્બતથી ગ્વાદર પહોંચ્યા હતા. તે સમયે આ નજીકના તટીય વિસ્તારો વચ્ચે પરિવહનનું મુખ્ય સાધન જહાજ જ હતું, પરંતુ નવાબ બાયુન આ યાત્રામાં એકલા નહોતા, તેમની સાથે તેમના ભાઈ, પુત્ર અને કબીલાના બીજા ઘણા સભ્યો પણ હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મહેમાનોના રોકાણ માટેની ખાસ વ્યવસ્થા ગ્વાદરના સત્તાવાર ગેસ્ટહાઉસમાં કરવામાં આવી હતી. તેમના સન્માનમાં પહેલી રાત્રે મસ્કતના વલી (સુલતાન) સઈદ બીન તૈમુરે ભોજનનું આયોજન કર્યું હતું. નવાબ બાયુનનો આ આતિથ્યસત્કાર અસાધારણ હતો.

જ્યારે નવાબ હજુ આ ભોજનનો આનંદ માણતા હતા ત્યારે ગ્વાદરમાં તહેનાત બ્રિટિશ એજન્ટે પણ તેમના સન્માનમાં એક ટી-પાર્ટીનું આયોજન કર્યું.

અહીં નવાબ બાયુનનું જે પ્રકારે સ્વાગત થયું તેના સમાચારથી વિસ્તારમાં ખળભળાટ થઈ ગયો. વ્યાપકરૂપે એવું મનાતું હતું કે આગામી દિવસોમાં કોઈ મોટી ઘટના થવાની છે. આ મુલાકાતો પછી નવાબ બાયુન જીવની પહોંચ્યા, પછી કરાચી જવા રવાના થયા અને થોડા દિવસ ત્યાં જ રહ્યા. નવાબની આ તોફાની યાત્રા પછી એક બીજી યાત્રાનો ઉલ્લેખ આવે છે.

મુલ્ક દીનાર ગચકી નવાબ બાયુનના ભાઈ હતા. એક દિવસ તેઓ એ વિસ્તારમાંથી પસાર થતા પ્રખ્યાત જહાજ એસએસ બર્પિટામાં બેસીને ગ્વાદર પહોંચી ગયા. નવાબ બાયુનની જેમ મુલ્ક દીનાર પણ અહીં મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓને મળ્યા, પરંતુ તેમની સૌથી અગત્યની મુલાકાત હિદાયતુલ્લાહ સાથે થઈ. હિદાયતુલ્લાહ અહીં બ્રિટિશ એજન્ટ તરીકે કામ કરતા હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ભારત, ઇતિહાસ, ભારત-પાકિસ્તાન ભાગલા

ઇમેજ સ્રોત, Getty Images

આ મુલાકાતો ઘણા અર્થોમાં મહત્ત્વની હતી. સૌથી વધુ મહત્ત્વની વાત એ હતી કે તેના પરિણામ સ્વરૂપે ઘણા મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા. આ ખુલાસા સંવેદનશીલ અને રોમાંચક હતા.

જાણવા મળ્યું કે નવાબ બાયુન ગચકી અને કલાતના ખાન વચ્ચેના સંબંધ બગડ્યા છે. ખારાન અને લસબિલા રાજ્યે (જે પહેલાં બલૂચિસ્તાન રાજ્ય સંઘના ભાગ હતા) હવે વિદ્રોહ કર્યો છે અને બલૂચિસ્તાન રાજ્ય સંઘના પ્રમુખ કલાત ખાનના નેતૃત્વને માન્યતા નથી આપતા. ખારાનના નવાબ, લસબિલાના જામ અને નવાબ બાયુન પાકિસ્તાન સાથે જોડાણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા માટે કલાતના ખાન પર દબાણ કરી રહ્યા હતા.

નવાબ બાયુન ગચકીની માગ હતી કે મકરાણમાંથી મળતી મહેસૂલી આવક પર એકમાત્ર તેમનો જ અધિકાર હોય. આ આવક અન્ય સરદારોમાં વહેંચવી ન જોઈએ. નવાબ બાયુને મસ્કતના સુલતાનને વિનંતી કરી કે, 'જો કલાતના ખાન મકરાણ પર હુમલો કરે અને હુમલાની સ્થિતિમાં મકરાણના લોકો વિસ્થાપિત થાય, તો તેમને ગ્વાદર (જે હજુ પાકિસ્તાનના નિયંત્રણમાં નથી આવ્યું)માં શરણ આપવામાં આવે અને તેમની જરૂરિયાતો પૂરી કરવામાં આવે.'

આ બેઠકમાં એવો ખુલાસો પણ થયો કે નવાબ બાયુન કરાચીમાં પાકિસ્તાનના સંસ્થાપકને મળ્યા હતા. આ મુલાકાત 3 ડિસેમ્બર, 1947એ થઈ હતી. કલાતના ખાને નવાબ બાયુનના ધાદરમાં આયોજિત એક વિશેષ જીરગા (શિકાર)માં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું હતું, જેનો નવાબે અસ્વીકાર કર્યો. તેમણે મસ્કતના સુલતાનને એક ગુપ્ત પત્ર મોકલ્યો, જ્યારે મસ્કાતના વલી (સુલતાન)એ ગ્વાદરને સાંકેતિક મહેસૂલની ચુકવણી કરવાનો ઇનકાર કરી દીધો, જે વર્ષોથી ચૂકવવામાં આવતો હતો.

પાકિસ્તાન સરકાર સાથે નવાબ બાયુનના નિકટ સંબંધોની શરૂઆત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ભારત, ઇતિહાસ, ભારત-પાકિસ્તાન ભાગલા

ઇમેજ સ્રોત, Getty Images

એક તરફ, ગ્લાદરમાં આ ખુલાસા થઈ રહ્યા હતા, તો બીજી તરફ કરાચીમાં આ કહાણીનું બીજું એક પાસું ઉજાગર થઈ રહ્યું હતું.

ડૉ. ઇનાયતુલ્લાહ બલૂચે પોતાના પુસ્તક 'ધ પ્રોબ્લેમ ઑફ ગ્રેટર બલૂચિસ્તાન'માં લખ્યું છે કે ઑગસ્ટ 1947માં પાકિસ્તાન સરકારે નવાબ બાયુન સાથે સંબંધ સ્થાપ્યા હતા. આ સંબંધની શરૂઆત નવાબ બાયુનના પુત્ર શેખ ઉમર ગચકી સાથે થયેલી મુલાકાતથી થઈ. આગામી દિવસોમાં આ સંબંધ વધુ મજબૂત થયા.

નવાબ બાયુન અને કલાતના ખાન મીર અહમદયાર ખાન વચ્ચેના મતભેદ પહેલાં જ સામે આવી ચૂક્યા હતા, પરંતુ ખારાન અને લસબિલાના સરદારો તેમનો વિરોધ કરવા માટે તૈયાર કેમ હતા?

ડૉ. હમીદ બલૂચે મીર ગુલ ખાન નસીરના પુસ્તક 'તારીખ બલૂચિસ્તાન'નો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે લસબિલા અને ખારાનના ખાનોને કલાતના ખાન સાથે જૂના મતભેદ હતા. આ મતભેદ નવાબ બાયુને મકરાણના મહેસૂલ પર અધિકારનો દાવો કર્યો એની પહેલાંથી જ હતા.

ગુલ ખાન નસીરના અનુસાર, એની પાછળ અન્ય પરિબળો પણ હતાં કે કલાતના નવાબ બાયુન ખાન કલાતના ખાનના વિરોધી કેમ બન્યા અને આટલી દૃઢતા કેમ બતાવી?

તેમણે લખ્યું છે, "તેમને ઉશ્કેરવામાં કલાતના વડા પ્રધાનનો હાથ હતો. તેઓ કલાતના ખાનના વફાદાર હોવાનો દેખાવ કરતા હતા, પરંતુ આંતરિક રીતે તેઓ પાકિસ્તાન સરકાર સાથે મળેલા હતા."

તેમણે આગળ ખુલાસો કર્યો કે 'કલાતના વડા પ્રધાન દ્વારા આ સરદારોને પાકિસ્તાનમાં જોડાવા માટે ગુપ્ત વિનંતી કરવામાં આવી હતી.'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ભારત, ઇતિહાસ, ભારત-પાકિસ્તાન ભાગલા

ઇમેજ સ્રોત, Getty Images

આ એ પૃષ્ઠભૂમિ હતી જેના લીધે પાકિસ્તાન સરકાર સાથે નવાબ બાયુનના નિકટ સંબંધોની શરૂઆત થઈ. ડૉ. હમીદ બલૂચે લખ્યું છે કે, 'નવાબ બાયુન, જે મહત્ત્વ તેમને પ્રાપ્ત થયું તેને લાયક નહોતા અને વ્યક્તિગત રીતે તેમની પાસે પાકિસ્તાનમાં જોડાવા માટેનું પૂરતું પદ પણ નહોતું.

તેનું કારણ જણાવતાં હમીદ બલૂચે કહ્યું છે, "નાસિર ખાન પહેલાંના સમયથી જ મકરાણ કલાતને અધીન ક્ષેત્ર હતું. આ ક્ષેત્ર ત્રણ સ્થાનિક ગચકી પરિવારોમાં વહેંચાયેલું હતું, જેમાં તુમ્પ, કેચ અને પંચગુર ક્ષેત્ર સામેલ હતાં."

"આ ક્ષેત્રોને કલાતના અર્ધસ્વાયત રાજ્યોનો દરજ્જો પ્રાપ્ત હતો. નવાબ બાયુનનો કેચ વિસ્તાર આ ત્રણ ક્ષેત્રમાંનો એક હતો. આખું મકરાણ તેમના શાસન હેઠળ નહોતું. આ જ કારણે મકરાનના વિલય માટે એકલા નિર્ણય લેવાનો અધિકાર તેમની પાસે નહોતો."

"તેમ છતાં, જ્યારે તેમણે જોડાણ માટે આવેદન કર્યું, ત્યારે પાકિસ્તાન સરકારે તેમને એક સ્વતંત્ર શાસક તરીકે માન્યતા આપી. એવું લાગતું હતું, જાણે પાકિસ્તાન સરકારે મકરાણનાં અન્ય પડોશી રાજ્યો એટલે કે તુમ્પ અને પંચગુરને નજરઅંદાજ કર્યાં હોય. પાકિસ્તાન દ્વારા આવું કરવા પાછળ બીજું એક કારણ હતું."

નવાબ બાયુનના નિર્ણયનો મકરાણના અન્ય બે સરદારોએ વિરોધ કર્યો. આ સંદર્ભમાં, તેમના સમકાલીન નવાબોમાંના એક સરદાર બુલંદ ખાન ગચકીનો એક પત્ર બલૂચિસ્તાન સચિવાલયના અભિલેખોમાં ઉપલબ્ધ છે. ડૉ. હમીદ બલૂચે પોતાના પુસ્તકમાં આ પત્રનો એક અંશ ટાંક્યો છે, "નમ્રતાપૂર્વક નિવેદન કરું છું કે મારા પૂર્વજ અને હું, અમારા કબીલા સહિત લાંબા સમયથી કલાત સરકાર પ્રત્યે વફાદાર રહ્યા છીએ. હવે જ્યારે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે ત્યારે હું, મારા સંબંધીઓ અને આખો કબીલો કલાત સરકારને ખાતરી આપીએ છીએ કે કલાત સરકાર, કલાત અને બલૂચ રાષ્ટ્ર (કલાતના ભવિષ્ય અંગે) જે કંઈ પણ નિર્ણય લેશે, તેને હું સ્વીકારીશ."

"હું નવાબ બાયુન ગચકીના પાકિસ્તાનમાં વિલયની સખત નિંદા કરું છું. ખાસ કરીને એટલા માટે કે નવાબ બાયુનને કેચને બાદ કરતાં આખા મકરાણના વડા થવાનો કોઈ અધિકાર નથી."

તેમણે 27 માર્ચ, 1948એ આ પત્ર કલાતના ખાનને લખ્યો હતો.

મકરાણનાં બીજાં બે રાજ્યો દ્વારા કરાયેલો નવાબ બાયુનનો વિરોધ ભવિષ્યની ઘટનાઓમાં ધૂળમાં મળી ગયો. આ એ જ ઘટનાઓ હતી જે કલાતના વિલય પછી બની હતી.

કૉંગ્રેસ કલાત માટે સ્વતંત્ર રાજ્યના બ્રિટિશ વિચારને નકારી કાઢ્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ભારત, ઇતિહાસ, ભારત-પાકિસ્તાન ભાગલા

ઇમેજ સ્રોત, Getty Images

સ્વતંત્રતા આંદોલનના સમયથી જ કલાતના ખાન અને પાકિસ્તાનના સંસ્થાપક વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ હતા, પરંતુ પાકિસ્તાનની સ્થાપના પછી સ્થિતિ બદલાઈ ગઈ અને સ્નેહાળ સંબંધો શત્રુતામાં પલટાઈ ગયા.

આ ઘટનાઓ ભારતના ભાગલા અને બ્રિટનના વ્યક્તિઓની પ્રવૃત્તિઓ દરમિયાન અને તેના થોડા સમય પહેલાં શરૂ થઈ હતી.

જવાહરલાલ નહેરુના નિબંધસંગ્રહ 'સિલેક્ટેડ વર્ક્સ ઑફ જવાહરલાલ નહેરુ'માં કલાતના ખાન સાથેના તેમના સંપર્કનો ઉલ્લેખ છે. જેના અનુસાર, ખાને 1946માં તેમને એક પત્ર લખ્યો હતો. આ સંપર્કનું એક કારણ એ હતું કે કૉંગ્રેસે બ્રિટિશ ફૉર્મ્યૂલા હેઠળ કલાત માટેના એક સ્વતંત્ર રાજ્યના વિચારને નકારી કાઢ્યો હતો.

હમીદ બલૂચે ગુલખાન નસીરના આધારે લખ્યું છે કે તુલનાત્મક રીતે પાકિસ્તાનના સંસ્થાપકે માત્ર આ અવધારણા સ્વીકારી એટલું જ નહીં, પરંતુ કલાત રાજ્યનાં એ ક્ષેત્રોને કલાતને પાછા આપવા સામે પણ કોઈ વાંધો ન દર્શાવ્યો. તેમણે બ્રિટિશ સરકાર પાસેથી કલાતને ભાડાપટ્ટે લીધું હતું, જેને હવે બ્રિટિશ બલૂચિસ્તાન કહેવાતું હતું. આ સ્થિતિ 3 જૂને ભારતના ભાગલાની ઘોષણા સુધી જળવાઈ રહી.

આનો અર્થ એ છે કે ભારતના ભાગલાની પ્રવૃત્તિઓ દરમિયાન પણ સૌહાર્દપૂર્ણ સંબંધો ચાલુ રહ્યા. તો પછી એવું શું થયું કે પછીના દિવસોમાં સ્થિતિ બદલાઈ ગઈ? જુદા જુદા અહેવાલોમાં બે કારણનો ઉલ્લેખ છે.

ડૉ. હમીદ બલૂચે આ સંદર્ભે કૉમનવેલ્થ મિનિસ્ટર ફૉર મેમ્બર સ્ટેટ રિલેશનના એક પત્રનો ઉલ્લેખ કર્યો છે. આ પત્રમાં કરાચીસ્થિત બ્રિટિશ હાઈકમિશનને જણાવાયું હતું કે રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન સરકાર કલાત રાજ્યની સ્વતંત્રતાને માન્યતા આપવાનો ઇરાદો ધરાવે છે અને તેને રોકવું જોઈએ. હાઈકમિશને આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી.

પત્રમાં કહેવાયું હતું, "પર્શિયા (ઈરાન)ની સીમાને અડીને આવેલા ખાન કલાત ક્ષેત્રની સ્થિતિ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ પૂરી કરવા માટે સક્ષમ નથી. લૉર્ડ માઉન્ટબેટને સત્તાના હસ્તાંતરણની પહેલાં જ પાકિસ્તાન સરકારને આવાં જોખમો અંગે માહિતગાર કર્યું હતું. પાકિસ્તાનસ્થિત બ્રિટિશ કમિશનને એવી જાણ કરવામાં આવે છે કે તેઓ આ સંદર્ભમાં પાકિસ્તાન સરકારને સ્થિતિની જાણ કરે."

એવાં કયાં જોખમો અને આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ હતાં જેના વિશે કૉમનવેલ્થ વિચારતું હતું કે તેને પૂરાં કરવા માટે કલાત રાજ્ય સક્ષમ નથી?

લેખક હમીદ બલૂચે લખ્યું છે, "આ હિતો ખાડી દેશો અને એ તેલ સાથે સંબંધ ધરાવતાં હતાં, જે આ ક્ષેત્રમાં થઈને પશ્ચિમ તરફ જાય છે."

કલાતના ખાને 15 ઑગસ્ટ, 1947એ સ્વતંત્રતાની ઘોષણા કરી. સ્વતંત્રતાની ઘોષણા પછી, સ્થિતિ સતત બદલાતી રહી. સ્થિતિમાં આવાં તીવ્ર પરિવર્તનનાં ઘણાં કારણ હતાં.

સ્વતંત્રતાની જાહેરાત પછી, કલાતના વડા પ્રધાન નવાબજાદા મહમ્મદ અસલમ અને વિદેશમંત્રી ડગલસ ફુલ કરાચી ગયા, જેથી પાકિસ્તાની સરકાર સાથે એ ક્ષેત્રો પાછાં આપવાની વાતચીત કરી શકે જે કલાત પાસેથી (ભાડા)પટ્ટા પર લેવામાં આવ્યાં હતાં અને કલાતને બ્રિટિશ સરકાર પાસેથી મળ્યાં હતાં. આ પ્રસંગે, પાકિસ્તાન સરકારના પ્રતિનિધિમંડળે માગ કરી કે કલાતને પાકિસ્તાનમાં સામેલ કરી લેવામાં આવે. કલાતમાં તેનો ભારે વિરોધ થયો. ખાસ કરીને, સંસદમાં કલાત દ્વારા અપાયેલું ભાષણ પાકિસ્તાન માટે ખૂબ જ તકલીફદાયક સાબિત થયું.

તે સમયે કલાતમાં પાંચ પ્રસ્તાવ વિચારાધીન હતા,

1- ઈરાન દ્વારા પોતાના કબજામાં લઈ લેવું જોઈએ, જેનાથી ભવિષ્યમાં ગ્રેટર બલૂચિસ્તાનની સ્થાપનાનો માર્ગ પ્રશસ્ત થઈ શકે.

2- અફઘાનિસ્તાનમાં વિલય, જેની સાથે બલૂચ શાસકોના જૂના સંબંધ હતા.

3- ભારત સાથે જોડાણ.

4- પાકિસ્તાનમાં વિલય.

5- બ્રિટિશ સામ્રાજ્યની છાયામાં રહેવું જોઈએ.

આ પ્રસ્તાવ સાર્વજનિક હતા, પરંતુ, બ્રિટિશ હાઈકમિશનરનો રિપોર્ટ કંઈક જુદો જ હતો. કરાચીસ્થિત બ્રિટિશ હાઈકમિશનરે નવી દિલ્હીસ્થિત પોતાના સમકક્ષને પત્ર લખીને જણાવ્યું કે કલાતના ખાને ભારત અને અફઘાનિસ્તાન સાથે વિલય માટે વાતચીત કરી હતી. આ પત્ર 27 માર્ચ, 1948એ લખવામાં આવ્યો હતો.

એ સાંજે ઑલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત એક અન્ય સમાચારે ખળભળાટ કરાવી દીધો. આ સમાચારમાં વીપી મેમને ખુલાસો કર્યો કે કલાતના ખાને ભારતીય સરકારને કલાતને ભારતીય સંઘમાં વિલય કરવાની મંજૂરી આપવાની વિનંતી કરી હતી.

પુરાવા સૂચવે છે કે કલાતના ખાનની પ્રવૃત્તિઓની માહિતી પાકિસ્તાન સરકારને હતી. આ જ કારણ હતું કે જ્યારે ખાન જુદી જુદી શક્યતાઓ વિશે વિચારતા હતા, ત્યારે પાકિસ્તાને તેમના વિરોધીઓનો સંપર્ક કર્યો અને તેમને પાકિસ્તાનમાં સામેલ થવા માટે મનાવી લીધા. આ જ પૃષ્ઠભૂમાં મકરાણ, ખારાન અને લસબિલા રાજ્ય પાકિસ્તાનમાં સામેલ થઈ ગયાં, જેના લીધે કલાત પાસે પાકિસ્તાનમાં જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહ્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન