એ બે દિવસોમાં શું થયું હતું કે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં વળાંક આવ્યો

બાંગ્લાદેશમાં પ્રદર્શન

ઇમેજ સ્રોત, MD Abu Sufian Jewel/NurPhoto via Getty Images

બાંગ્લાદેશમાં ઇંકલાબ મંચના વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ઢાકા અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક હિંસા ફાટી નીકળી.

બે અખબારોની ઑફિસો પર હુમાલ, તોડફોડ અને આગચંપી સિવાય ભારતીય ઉચ્ચાયોગ બહાર પણ ભીડ એકઠી થઈ ગઈ અને પથ્થરમારાની ઘટનાઓ બની.

ઉસ્માન હાદીને ગત અઠવાડિયે શુક્રવારે ઢાકામાં ગોળી મારી દેવાઈ હતી, જેમાં તેઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને આ અઠવાડિયે તેમને ઇલાજ માટે સિંગાપુર લઈ જવાયા હતા, જ્યાં ગુરુવારે તેમનું મૃત્યુ થયું.

તાજેતરના બનાવો વચ્ચે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. બંને દેશો વચ્ચેની કડવાશ ત્યારે વધી જ્યારે બાંગ્લાદેશના અમુક નેતાઓએ ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં.

ગત બુધવારે બાંગ્લાદેશની નૅશનલ સિટીઝન પાર્ટી (એનસીપી)ના સધર્ન ચીફ ઑર્ગેનાઇઝર હસનત અબ્દુલ્લાહે ચેતવણી આપતાં કહ્યું હતું કે 'જો બાંગ્લાદેશને અસ્થિર કરાયું, તો ભારતનાં પૂર્વોત્તર રાજ્યો 'સેવન સિસ્ટર્સ'ને અલગ પાડી દેવાશે.'

તેમણે ભારતના હાઇ કમિશનરને દેશમાંથી બહાર કાઢવાની માગ કરી હતી.

આ નિવેદને બંને દેશ વચ્ચે પહેલાંથી જ 'નાજુક સંબંધો'ને વધુ તણાવપૂર્ણ બનાવી દીધા અને ભારત સરકારે દિલ્હીમાં બાંગ્લાદેશના રાજદૂતને બોલાવીને ભારતીય ઉચ્ચાયોગની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી.

જોકે, બાંગ્લાદેશની વચગાળાની સરકારનું વલણ ભારત માટે ખૂબ નરમ નથી રહ્યું.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને બુધવારે ભારત પર '1971ના મુક્તિ સંગ્રામમાં બાંગ્લાદેશના યોગદાનને સતત ઓછું આંકવાનો આરોપ લગાવ્યો.'

બુધવારે એવું શું થયું જેનાથી નવો વળાંક આવ્યો?

શુભજ્યોતિ, બીબીસી બાંગ્લા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાંગ્લાદેશ, ભારત
ઇમેજ કૅપ્શન, મંગળવારના રોજ દિલ્હીમાં બાંગ્લાદેશના ઉચ્ચાયોગમાં બાંગ્લાદેશ-ભારત મિત્રતાને યાદ કરાઈ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય પાટનગરમાં, દિલ્હી અને ઢાકા વચ્ચે સંબંધોમાં રાતોરાત વળાંક આવ્યો.

મંગળવારે સાંજે દિલ્હીમાં બાંગ્લાદેશી ઉચ્ચાયુક્તના આમંત્રણ બાદ બંને દેશો વચ્ચે ઐતિહાસિક મિત્રતાના ઉજવણી માટે વર્તમાન અને પૂર્વ ભારતીય રાજદ્વારી, સૈન્ય અધિકારી અને થિંક ટૅન્કના સભ્યો સામેલ થયા.

તેના બીજા દિવસે જ બુધવારે સવારે દિલ્હીએ બાંગ્લાદેશના ઉચ્ચાયુક્તને સાઉથ બ્લૉકમાં બોલાવ્યા.

જોકે, ભારત સરકારે કહ્યું છે કે ઉચ્ચાયુક્તને ઢાકામાં ઉચ્ચાયોગની આસપાસ મોજૂદ 'કેટલાંક ચરમપંથી જૂથો' દ્વારા સુરક્ષાના ખતરાને કારણે બોલાવાયા છે, પરંતુ મંત્રાલયના અધિકારીઓએ સંકેત આપ્યા છે કે આની પાછળ તાજેતરમાં કેટલાક બાંગ્લાદેશી નેતાઓ દ્વારા અપાયેલાં ભારતવિરોધી 'ઉશ્કેરણીજનક' નિવેદન પણ કારણભૂત હતાં.

મંગળવારે રાત્રે દિલ્હીના ચાણક્યપુરીસ્થિત બાંગ્લાદેશ ઉચ્ચાયોગ પરિસરમાં આયોજિત વિજય દિવસ સમારોહમાં, બાંગ્લાદેશ ઉચ્ચાયુક્ત રિયાઝ હામિદુલ્લાહે કહેલું કે ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ ખરેખર ખૂબ ગાઢ અને બહુપરિમાણીય છે અને એક સમૃદ્ધ ભૂતકાળની પૃષ્ઠભૂમિમાં તેમની નિર્ભરતાને સમજવું જરૂરી છે.

તેમણે આ સંબંધોને 'સ્વાભાવિક' ગણાવ્યો અને વર્ષ 1971ના યુદ્ધમાં બાંગ્લાદેશની ધરતી પર સર્વોચ્ચ બલિદાન આપનારા 1668 ભારતીય સૈનિકોને ઊંડી કૃતજ્ઞતા સાથે યાદ કર્યા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાંગ્લાદેશ, ભારત

ઇમેજ સ્રોત, Riaz Hamidullah/X

ઇમેજ કૅપ્શન, 16 ડિસેમ્બરના રોજ મંગળવારે બાંગ્લાદેશના હાઇ કમિશનર રિયાઝ હામિદુલ્લાહે દિલ્હીમાં વિજય દિવસ સમારોહ આયોજિત કર્યો હતો

આ કાર્યક્રમમાં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભાગ લેનારા ઘણા ભારતીય સૈનિક, ભારતીય સૈન્યના ઉપપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂર, ભારતીય વિદેશ મંત્રાલયમાં બાંગ્લાદેશ-મ્યાંમાર ડિવિઝનના પ્રમુખ બી. શ્યામ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યર, ઢાકામાં કામ કરી ચૂકેલા ચાર પૂર્વ ભારતીય રાજદ્વારી, ઓઆરએફ-બ્રૂકિંગ્સ-આઇડીએસએ જેવા થિંક ટૅન્કના ઘણા સંશોધકો અને દિલ્હીના ટોચના પત્રકાર હાજર હતા.

કાર્યક્રમના તરત બાદ જ રિયાઝ હામિદુલ્લાહે સોશિયલ મીડિયા પર લખ્યું, "બંને દેશોના લોકોની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માત્ર એકમેક પ્રત્યેના વિશ્વાસ, ગરિમા, પ્રગતિ, એકમેકનાં હિતો અને મૂલ્યોના આધારે જ સુનિશ્ચિત કરી શકાય છે. તેમણે એ પોસ્ટમાં ભારતીય વિદેશ મંત્રાલયને પણ ટૅગ કર્યું."

પરંતુ રાત થતાં થતાં વિદેશ મંત્રાલયના ઉચ્ચાયુક્ત રિયાઝ હામિદુલ્લાહને સાઉથ બ્લૉકમાં બોલાવી લેવાયા.

ભારત સરકારે તેમને જણાવ્યું કે ભારતનું માનવું છે કે બાંગ્લાદેશમાં સુરક્ષાનો માહોલ ઝડપથી બગડી રહ્યો છે અને તેઓ આ સ્થિતિથી ચિંતિત અને પરેશાન છે.

ખાસ કરીને તેમનું ધ્યાન એ તરફ આકર્ષિત કરાયું કે 'કોઈ ચરમપંથી સમૂહે ઢાકામાં ભારતીય ઉચ્ચાયોગ માટે સુરક્ષા ખતરો પેદા કરવાની યોજના બનાવી છે.'

સાઉથ બ્લૉકમાં થયેલી બેઠક બાદ બાંગ્લાદેશ સરકાર તરફથી તાત્કાલિક ટિપ્પણી નથી આવી, પરંતુ બાંગ્લાદેશમાં રાજદ્વારી સૂત્રોએ બીબીસી બાંગ્લાએ જણાવ્યું છે કે ગત સપ્તાહાંત દિલ્હી અને ઢાકા વચ્ચે થયેલી 'નિવેદનબાજી' બાદ આ સમન સંપૂર્ણપણે અણધાર્યું નહોતું.

આ પહેલાં, રવિવારે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં ભારતીય ઉચ્ચાયુક્ત પ્રણૉય વર્માને બોલાવીને દેશનાં અપદસ્થ વડાં પ્રધાન શેખ હસીનાના ભારતમાં રહેવા અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આનાથી "બાંગ્લાદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ભડકાવવા અને આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓમાં ગરબડ કરવાના પ્રયાસોની તક મળી શકે છે."

ખરેખર, પાછલાં દોઢ વર્ષમાં બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર અને ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે જુદા જુદા મુદ્દે ઉચ્ચાયુક્તોને બોલાવવા, એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવા અને નિવેદન જાહેર કરવાની અને નિવેદન જાહેર કરવાની ઘણી ઘટનાઓ બની છે. બધુવારની ઘટના આ કડીમાંની એક છે.

બાંગ્લાદેશના ઉચ્ચાયુક્તને કેમ બોલાવાયા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાંગ્લાદેશ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં સાઉથ બ્લૉકને સત્તાના કૉરિડૉરનો મુખ્ય સ્તંભ માનવામાં આવે છે

બાંગ્લાદેશમાં 'જુલાઈ ઓઇક્યા' નામક એક સંગઠને બુધવારે બપોરે ઢાકાસ્થિત ઉચ્ચાયોગ તરફ 'ભારતીય ઉચ્ચાયોગ સુધી માર્ચ' કાઢવાનું આહ્વાન કર્યું હતું અને તેમનો હેતું ઉચ્ચાયોગ સામે એક 'વિરોધ રેલી' યોજવાનો હતો.

જોકે, એ દિવસે સ્થાનિક સમયાનુસાર બપોરે લગભગ 3.30 વાગ્યે બાંગ્લાદેશી પોલીસે બૅરિકેડ લગાવીને પ્રદર્શનકારીઓને અધવચ્ચે રસ્તામાં જ રોકી દીધા.

આ સિવાય, વિજય દિવસ (16 ડિસેમ્બર)ના રોજ, બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેરાત કરી કે ઢાકાના એક મહત્ત્વપૂર્ણ માર્ગનું નામ લગભગ 15 વર્ષ પહેલાં બીએસએફ દ્વારા મૃત્યુ પામેલી બાંગ્લાદેશી કિશોરી ફેલાની ખાતૂનની યાદમાં 'ફેલાની એવેન્યૂ' રખાશે.

બાંગ્લાદેશના ગ્રામીણ વિકાસ અને સહકારિતા મંત્રાલય અને નિવાસ અને લોકનિર્માણ મંત્રાલયના સલાહકાર આદિલુર રહમાન ખાને કહ્યું, "બાંગ્લાદેશના લોકો બૉર્ડર પર થતી હત્યાઓનો અંત ઇચ્છે છે. અમારી બહેન ફેલાનીએ તારથી લટકીને પોતાનો જીવ આપી દીધો. અમે આ માર્ગનું નામ ફેલાની રોડ રાખ્યું છે, જેથી ભારત દ્વારા કરાયેલા આ અત્યાચારની યાદ તાજી રહે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાંગ્લાદેશ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હસનત અબ્દુલ્લાહ નૅશનલ સિટીઝન્સ પાર્ટી (એનસીપી)ના નેતા છે અને ભારત અંગે તેમની ટિપ્પણીઓ કઠોર હતી

એનસીપીના વરિષ્ઠ નેતા હસનત અબ્દુલ્લાહે અમુક દિવસ પહેલાં જ આરોપ કર્યો હતો કે ઉસ્માન હાદીને ગોળી મારનારા બંદૂકધારી ભારત નાસી છૂટ્યા હશે. એ બાદ તેમણે વધુ એક નિવેદન આપ્યું કે 'જો ભારત પોતાની ધરતી પર બાંગ્લાદેશના દુશ્મનોને આશરો આપે છે, તો બાંગ્લાદેશ ભારતવિરોધી તાકતોને શરણ આપીને 'સેવન સિસ્ટર્સ'ને ભારથી અલગ પાડી દેવાનો પ્રયાસ કરશે.'

ભારતે હસનત અબ્દુલ્લાહની ટિપ્પણીને 'ઉશ્કેરણીજનક' ગણી, કારણ કે ભારત માટે પૂર્વોત્તર રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દો છે.

ખાસ કરીને એટલા માટે કે ભારતનું માને છે કે પૂર્વોત્તરનાં ઘણાં અલગતાવાદી જૂથોએ પહેલાંથી જ બાંગ્લાદેશમાં શરણ લીધું છે અને એ દેશની કેટલીક પૂર્વ સરકારોએ પણ તેમને સંરક્ષણ આપ્યું છે.

તેથી દિલ્હીના અધિકારીઓનું માનવું છે કે હસનત અબ્દુલ્લાહની આ ટિપ્પણીને હળવાશમાં ન લેવી જોઈએ.

સાઉથ બ્લૉકના ટોચના અધિકારીઓએ બીબીસી બાંગ્લાને જણાવ્યું કે આ કારણોને લીધે બુધવારે સવારે બાંગ્લાદેશના ઉચ્ચાયુક્તને બોલાવાયા.

બાદમાં ભારતના આધિકારિક નિવેદનમાં પણ એવું કહેવાયું કે, "કેટલાંક ચરમપંથી જૂથ બાંગ્લાદેશની હાલની ઘટનાઓના આધારે 'જૂઠાં કથાનક' ઘડવાની કોશિશ કરી રહ્યાં છે - જેને ભારત સંપૂર્ણપણે ફગાવે છે."

નિવેદન પ્રમાણે, "અત્યંત દુર્ભાગ્યની વાત છે કે એ દેશની વચગાળાની સરકારે આ ઘટનાઓની યોગ્ય રીતે તપાસ સુધ્ધાં નથી કરી અને ના તેમણે ભારત સાથે કોઈ સાર્થક પુરાવા શૅર કર્યા છે."

બાંગ્લાદેશના ઉચ્ચાયુક્ત રિયાઝ હામિદુલ્લાહને ફરી એક વાર જણાવાયું કે ભારત બાંગ્લાદેશમાં 'શાંતિ અને સ્થિરતા' માટે 'નિષ્પક્ષ, સ્વતંત્ર, સમાવેશી અને સ્વીકાર્ય ચૂંટણી' ઇચ્છે છે.

મુક્તિ યુદ્ધ દરમિયાન મિત્રતાનો માહોલ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાંગ્લાદેશ, ભારત

ઇમેજ સ્રોત, Riaz Hamidullah/X

ઇમેજ કૅપ્શન, ભારતના પૂર્વ વિદેશ સચિવ એમકે રસગોત્રાના નિવાસસ્થાને બાંગ્લાદેશના ઉચ્ચાયુક્ત રિયાઝ હામિદુલ્લાહ (ડાબે)

મંગળવારે દિલ્હી, ભારત-બાંગ્લાદેશ મિત્રતાની એક ઉલ્લેખનીય ક્ષણનું સાક્ષી બન્યું. ત્યાં બંને દેશોના વક્તાઓએ 1971ની યાદો તાજી કરી.

ભારતની વિદેશનીતિના એક જીવંત દિગ્ગજ, પૂર્વ વિદેશ સચિવ એમકે રસગોત્રા પણ બાંગ્લાદેશ ઉચ્ચાયોગના વિજય દિવસ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહેવાના હતા.

રસગોત્રાએ 101 વર્ષના થઈ ચૂક્યા છે અને બાંગ્લાદેશના ઉચ્ચાયુક્ત હામિદુલ્લાહે તેમને જાતે પોતાના નિવાસસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા.

રસગોત્રાએ પણ હાજર રહેવાનો અને 16 ડિસેમ્બર 1971ના રોજ દિલ્હીમાં બનેલી ઘટનાઓ અંગે પોતાની યાદો શૅર કરવાનો વાયદો કર્યો હતો. એ સમયે રસગોત્રા વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના નિકટના સલાહકાર હતા.

જોકે, તબિયત ખરાબ હોવાને કારણે અંતિમ ઘડીએ તેઓ ત્યાં હાજર ન રહી શક્યા, પરંતુ ઉચ્ચાયુક્તે તેમને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યા.

ખરેખર, ભારતમાં ઘણા જાણકારોનું માનવું છે કે ગત દોઢ વર્ષથી બાંગ્લાદેશમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખભેથી ખભો મેળવીને મુક્તિયુદ્ધમાં લડવાના ગૌરવશાળી ઇતિહાસને મિટાવવાનો જાણીજોઈને પ્રયાસ કરાઈ રહ્યો છે.

આવી સ્થિતિમાં જાણકારોએ મંગળવારે બાંગ્લાદેશના ઉચ્ચાયોગ દ્વારા આયોજિત વિજય દિવસ સમારોહને એક ખૂબ જ જરૂરી પહેલ અને દ્વિપક્ષીય સંબંધો માટે એક અત્યંત હકારાત્મક સંકેત તરીકે જોયો.

આ કાર્યક્રમમાં હાજર ભારતના એક પૂર્વ ઉચ્ચાયુક્તે બીબીસીને જણાવ્યું, "એક તરફ જ્યાં ઢાકામાં વચગાળાની સરકારે સતત બે વખતે વિજય દિવસ પરેડ રદ કરી હતી, એવી સ્થિતિમાં તો મેં કલ્પનાય નહોતી કરી કે અહીં તેમનું હાઇ કમિશન વિજય દિવસની આટલી ધામધૂમથી ઉજવણી કરશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન