જેફ્રી ઍપ્સ્ટીન : સેંકડો છોકરીઓનું જાતીય શોષણ કરનાર આ શખ્સ કોણ હતો?

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અમૃતા કદમ
    • પદ, બીબીસી મરાઠી પ્રતિનિધિ

મિશેલ એક સાંકડી સીડી પરથી ઊતરી રહી હતી. બાજુની દીવાલ પર નગ્ન છોકરીઓના ફોટોગ્રાફ્સ હતા.

સીડી ઊતરીને તે એક વિશાળ બેડરૂમમાં પહોંચી. ત્યાં ઝાંખો પ્રકાશ હતો. ઓરડો ઠંડો હતો. રૂમમાં એક મસાજ ટેબલ અને ટાઇમર હતું.

થોડીવાર પછી ભૂખરા વાળવાળો એક માણસ આવ્યો. તેણે ફક્ત ટુવાલ પહેર્યો હતો. તે મસાજ ટેબલ પર સૂઈ ગયો. તેણે મિશેલને માલિશ કરવા કહ્યું. એ પછીના અડધા કલાકમાં જે બન્યું તે 16 વર્ષની મિશેલ માટે આઘાતજનક હતું.

પોલીસે આખા કેસની તપાસ કરી. મિશેલ સગીર વયનાં હોવાથી પોલીસ રેકૉર્ડમાં તેની ઓળખ જેન ડી તરીકે રાખવામાં આવી હતી.

પોલીસ તપાસ આગળ વધી તેમ તેમ ઘણી જેન ડી પ્રકાશમાં આવી. જેન ડી-2, જેન ડી-3, જેન ડી-4....જેન ડી-102 અને જેન ડી-103 પણ.

છોકરીઓનાં ફક્ત નામ બદલાતાં રહ્યાં, પરંતુ બાકીની મોટાભાગની વિગતો સમાન હતી. તેમાં એક સામાન્ય કડી હતી અને એ હતો ભૂખરા વાળવાળો માણસ જેફ્રી ઍપ્સ્ટીન.

કર્ટની વાઇલ્ડનું જીવન એક ટિપિકલ સ્કૂલગર્લ જેવું હતું. તે લેક વર્થ મિડલ સ્કૂલની ચીયરલીડિંગ સ્ક્વૉડમાં ચીયરલીડર હતી. ટ્રમ્પેટ બૅન્ડમાં હતી અને તેજસ્વી વિદ્યાર્થિની હતી.

જેફ્રી ઍપ્સ્ટીનને મળ્યા પછી કર્ટની એક સ્ટ્રિપર, ડ્રગ્સની વ્યસની અને વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર લેનારી બની ગઈ હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કર્ટની 14 વર્ષની હતી ત્યારે ઍપ્સ્ટીનને મળી હતી. એ પછી કર્ટની જેફ્રીને સ્કૂલ ગર્લ્સ પૂરી પાડતી થઈ ગઈ હતી. કર્ટની 16 વર્ષની થઈ ત્યાં સુધીમાં તેણે લગભગ 50થી 60 છોકરીઓ પૂરી પાડી હતી.

આ તો માત્ર બે ઉદાહરણ છે. જેફ્રી ઍપ્સ્ટીનના શોષણનો ભોગ અનેક છોકરીઓ બની હતી.

જેફ્રી ઍપ્સ્ટીને 2011માં ન્યૂ યૉર્ક પોસ્ટ અખબારને કહ્યું હતું, "હું લૈંગિક અત્યાચાર કરનારી વ્યક્તિ નથી. હું ફક્ત નિયમો તોડતો ગુનેગાર છું."

"ખૂન કરતા માણસ અને બાગેલ (એક ખાદ્ય પદાર્થ) ચોરનાર માણસ વચ્ચે ફરક હોય છે."

જોકે, પોતે દોષિત છે, એવું જેફ્રી ઍપ્સ્ટીન માનતા ન હતા, પરંતુ ઍપ્સ્ટીન પોતાને શું માને છે તેનાથી ન્યાય વ્યવસ્થાને કોઈ ફરક પડ્યો ન હતો.

2019ની દસમી ઑગસ્ટે જેફ્રી ઍપ્સ્ટીનનું મોત થયું ત્યારે તેઓ સેક્સ ટ્રાફિકિંગના કેસમાં જામીન ન મળવાને કારણે ન્યૂ યૉર્કની જેલમાં કેદ હતા.

લગભગ એક દાયકા પહેલાં વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓ પાસેથી પૈસા લેવા બદલ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

તેમનું નામ સેક્સ ગુનેગાર તરીકે નોંધાયેલું હતું. તેમના પર સેક્સ માટે સગીર છોકરીઓનો ઉપયોગ કરવાનો અને એ કામ માટે એક 'નેટવર્ક' ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2019માં ન્યૂ યૉર્ક સિટીમાં કોર્ટની બહાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફ્રી ઍપ્સ્ટીનનો વિરોધ કરતા પ્રદર્શકો

નેટફ્લિક્સની દસ્તાવેજી શ્રેણી 'ફિલ્ધી રિચ'માં ઍપ્સ્ટીનના શોષણનો ભોગ બનેલા અનેક લોકોએ પોતપોતાની કથા સંભળાવી છે. મિયામી હેરલ્ડ અખબારે આ બાબતે એક વિસ્તૃત સમાચાર શ્રેણી બનાવી છે.

આ બધા કેસની વિગતો મીડિયામાં સમયાંતરે બહાર આવતી રહી હતી અને દુનિયા બધું જાણીને હચમચી ગઈ હતી.

તેનું કારણ એ હતું કે આ કથા અમેરિકામાં એક શ્રીમંત વ્યક્તિ દ્વારા સગીર છોકરીઓના જાતીય શોષણ કરતાં ઘણી જટિલ હતી. ઍપ્સ્ટીન જે વર્તુળમાં ફરતા હતા તેમાં રાજકારણીથી માંડીને અર્થશાસ્ત્ર સુધી, અને સ્પોર્ટ્સથી માંડીને મનોરંજન ક્ષેત્ર સુધીના અનેક પ્રખ્યાત લોકોનો સમાવેશ થતો હતો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યુ હતું કે જેફ્રી એક વગદાર માણસ છે. જેફ્રીનું નામ બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુ સાથે પણ જોડાયું હતું. થોડા દિવસ પહેલાં બ્રિટનના શાહી પરિવારે આ જ કારણસર પ્રિન્સ એન્ડ્ર્યુ પાસેથી તેમની શાહી પદવીઓ છીનવી લીધી હતી. ઍપ્સ્ટીનની શક્તિશાળી મિત્રમંડળીમાં ઘણા જાણીતા લોકો છે.

2019ની 10 ઑગસ્ટે જેફ્રીનું જેલમાં મોત થયું, પરંતુ એ પછી પણ તેમનું નામ સમાચારમાં સતત રહ્યું છે. ઍપ્સ્ટીન ફાઇલ્સ ફક્ત અમેરિકામાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોના સામાન્ય લોકોમાં ચર્ચા તથા જિજ્ઞાસાનો વિષય બની છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઍપ્સ્ટીન ફાઇલ્સ ખોલવાના ખરડા પર હસ્તાક્ષર કર્યા છે. એ ખરડા મુજબ, અમેરિકાના ન્યાય વિભાગે 30 દિવસમાં ઍપ્સ્ટીન ફાઇલ્સ ખોલવાની છે અને 30 દિવસનો એ સમયગાળો 19 ડિસેમ્બરે સમાપ્ત થાય છે.

અપ્રકાશિત દસ્તાવેજોમાં શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, હજારો પાનાના એ દસ્તાવેજોના કેટલાક ભાગ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાહેર કરવામાં આવ્યા છે. તેને પગલે ઍપ્સ્ટીન અને તેમના વગદાર દોસ્તો તથા પરિવારો વિશેની કેટલીક માહિતી બહાર આવી છે.

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સે જેફ્રી ઍપ્સ્ટીનના વર્જિન આઇલૅન્ડમાંના ઘરના ક્યારેય ન જોવા મળેલા ફોટોગ્રાફ્સ ત્રીજી ડિસેમ્બરે બહાર પાડ્યા હતા.

હવે 19 ડિસેમ્બરે ઍપ્સ્ટીન ફાઇલ્સ ખૂલશે ત્યારે તેમાંથી કોનાં-કોનાં રહસ્યો બહાર આવશે તેના પર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

આપણા દેશમાં પણ કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે ઍપ્સ્ટીન ફાઇલ્સ ખૂલશે પછી એક મરાઠી માણસ વડા પ્રધાન બનશે.

ઍપ્સ્ટીન ફાઇલ્સ શું છે એ જાણીએ તે પહેલાં એ માણસ વિશે જાણી લઈએ, જેનું ભૂત તેના મોત પછી પણ ઘણા લોકોને સતાવી રહ્યું છે.

એ માણસ એટલે કે જેફ્રી ઍપ્સ્ટીન કોણ હતો? એક સામાન્ય પરિવારમાં જન્મેલો જેફ્રી વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓ પૈકીનો એક કેવી રીતે બન્યો? તેણે સગીર વયની છોકરીઓના જાતીય શોષણનું કૌભાંડ કેવી રીતે આચર્યું હતું?

'મને ઍપ્સ્ટીન પર વિશ્વાસ છે'

વેનિટી ફેર નામનું સામયિક 2002માં જેફ્રી ઍપ્સ્ટીન વિશે એક લાંબો લેખ લખવાનું હતું. પત્રકાર વિકી વૉર્ડ તે લેખ પર કામ કરી રહ્યા હતા.

એ કામ કરતી વખતે વિકી વૉર્ડને બે બહેનો વિશેની માહિતી મળી. બન્ને બહેનોનું જાતીય શોષણ ઍપ્સ્ટીન અને તેમની ગર્લફ્રેન્ડ ગિલિયન મેક્સવેલે કર્યાનો આરોપ હતો.

ઍપ્સ્ટીનને આ માહિતી મળી એટલે તેઓ વેનિટી ફેરની ઑફિસે પહોંચી ગયા હતા.

'ધ ટેલેન્ટેડ મિસ્ટર ઍપ્સ્ટીન' મથાળા સાથે ઍપ્સ્ટીન વિશેનો લેખ માર્ચ 2003માં પ્રકાશિત થયો હતો. તેમાં જેફ્રીની વૈભવી જીવનશૈલી અને પ્રચંડ સંપત્તિની વાત કરવામાં આવી હતી, પરંતુ જાતીય શોષણના આરોપોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

હકીકત બદલવા માટે ઍપ્સ્ટીને દબાણ કર્યું હોવાનો આક્ષેપ વિકી વૉર્ડે કર્યો હતો.

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગિલિયન મેક્સવેલ અને ઍપ્સ્ટીન

સામયિકના સંપાદકોએ ઍપ્સ્ટીન સાથે વાત કર્યા પછી તેમના પરના દુર્વ્યવહારના આરોપો પાછા ખેંચ્યા હતા અને વિકી વૉર્ડે કહ્યું હતું, "મને ઍપ્સ્ટીન પર વિશ્વાસ છે."

અલબત, વેનિટી ફેરના તત્કાલીન તંત્રી ગ્રેડોન કાર્ટરે તે આરોપ ફગાવી દીધા હતા. વૉર્ડના આરોપના સમર્થનમાં પૂરતા પુરાવા ન હતા અને પ્રસ્તુત લેખ સામયિકના કાયદાકીય અને સંપાદકીય મૂલ્યને અનુરૂપ ન હતો, એવું ગ્રેડોન કાર્ટરે જણાવ્યું હતું.

'ફિલ્ધી રિચ' ડૉક્યુસીરિઝમાં બંને પક્ષોનો મત દર્શાવવામાં આવ્યો છે.

આ પ્રકરણમાં રાજકીય દખલગીરીના આરોપ પણ થયા હતા.

પોતાના વિશેનો લેખ કેવી રીતે પ્રકાશિત થવો જોઈએ, જેમાં સીધી કે આડકતરી દખલ કરવા જેટલા વગદાર ઍપ્સ્ટીન કેવી રીતે બન્યા હતા? એક સ્કૂલ ટીચર અમેરિકામાં અતિ ધનાઢ્ય વ્યક્તિ કેવી રીતે બન્યો હતો?

ગણિત શિક્ષકથી માંડીને ધનાઢ્ય ફાઇનાન્સર સુધી

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2000માં ફ્લોરિડામાં એક પાર્ટી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં ભાવિ પત્ની મેલેનિયા અને ઍપ્સ્ટીન સાથે.

ન્યૂ યૉર્કમાં જન્મેલા અને ઉછરેલા ઍપ્સ્ટીન 1970ના દાયકામાં શહેરની ખાનગી ડાલ્ટન સ્કૂલમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર શીખવતા હતા.

તેઓ પોતે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ તેમણે ડિગ્રી પ્રાપ્ત કરી ન હતી.

ઍપ્સ્ટીને જાતે જણાવ્યુ હતું કે તેમણે કૂપર યુનિયન કૉલેજમાં ઍડમિશન લીધું હતું, પરંતુ ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો નથી.

ડિગ્રી મેળવ્યા વિના તેમના શિક્ષક તરીકે નોકરી કેવી રીતે મળી તે પણ ગૂઢ રહસ્ય હતું.

તેમના એક વિદ્યાર્થીના પિતા ઍપ્સ્ટીનના ગણિત કૌશલ્યથી પ્રભાવિત થયા હતા અને તેમની મુલાકાત વૉલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કના બેર સ્ટર્ન્સના એક વરિષ્ઠ ભાગીદાર સાથે કરાવી હતી.

બેર સ્ટર્ન્સના ભૂતપૂર્વ ઍક્ઝિક્યુટિવ અને લેખક માઇકલ ટેનેનબોમે નેટફ્લિક્સની ડૉક્યુસીરિઝમાં જણાવ્યું છે કે ઍપ્સ્ટીન તેમના કામમાં હોંશિયાર હતા, પરંતુ અમારા માનવસંસાધન વિભાગે મને એકવાર જણાવ્યું હતું કે ઍપ્સ્ટીને તેની ડિગ્રી વિશે ખોટી માહિતી આપી છે. મેં એક ખોટી વ્યક્તિને નોકરી આપી છે. ઍપ્સ્ટીન ત્યારે બેર સ્ટર્ન્સના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર એસ. ગ્રીનબર્ગની દીકરી સાથે ડેટિંગ કરી રહ્યા હતા. મેં તેને એ બાબતે પૂછ્યું હતું, પરંતુ ઍપ્સ્ટીન ઉસ્તાદ સેલ્સમેન હતો. તેણે મને સમજાવી દીધું હતું કે મારે તેની કારકિર્દી ન બગાડવી જોઈએ. ઍપ્સ્ટીનને બીજી તક આપી એ મારી ભૂલ હતી.

માત્ર ચાર વર્ષમાં ઍપ્સ્ટીન એ કંપનીમાં ભાગીદાર બની ગયા હતા. 1982 સુધીમાં તો તેમણે પોતાની કંપની 'જે. ઍપ્સ્ટીન એન્ડ કંપની' શરૂ કરી દીધી હતી.

તેમની કંપનીએ તેના ક્લાયન્ટ્સની લગભગ એક અબજ ડોલરની સંપત્તિનું વ્યવસ્થાપન ક્યું હતું અને ઝટપટ સફળતા પ્રાપ્ત કરી હતી.

ઍપ્સ્ટીન ટૂંક સમયમાં જ જંગી ખર્ચા કરતા થઈ ગયા હતા. ફ્લોરિડાના પામ બીચમાં તેમનો આલિશાન બંગલો હતો. એ વિસ્તારમાં માત્ર શ્રીમંતો જ રહેતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પનો વૈભવી બંગલો પણ બાજુમાં જ હતો.

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, US Congress

ઇમેજ કૅપ્શન, ઍપ્સ્ટીનના ઘરનો એક ઓરડો

આ ઉપરાંત ન્યૂ યૉર્કમાં ઘર, ન્યૂ મેક્સિકોમાં ફાર્મહાઉસ, ખાનગી જેટ વિશ્વના અનેક શહેરોમાંમાં પણ પ્રૉપર્ટી. ઍપ્સ્ટીન પાસે અપાર સંપત્તિ હતી.

હવે તેઓ સેલિબ્રિટીઝ, કળાકારો અને રાજકારણીઓના સંગાથે સમય પસાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યૉર્ક મેગેઝિનને ઍપ્સ્ટીન પ્રોફાઇલ માટે કહ્યું હતું, "હું જેફને 15 વર્ષથી ઓળખું છું. એ ખૂબ જ સારી વ્યક્તિ છે."

"તેની સાથે સમય વિતાવવાની મજા આવે છે. મારી જેમ તેને પણ સુંદર સ્ત્રીઓ પસંદ છે. ખાસ કરીને એ પૈકીની ઘણી ખૂબ જ નાની વયની છે."

"જેફ્રીને લોકોની વચ્ચે રહેવાનું પસંદ છે. તેમાં કોઈ શંકા નથી."

ટ્રમ્પે બાદમાં, ઍપ્સ્ટીનની ધરપકડ થયાનાં થોડાં વર્ષો પહેલાં જણાવ્યું હતું કે 2000ના દાયકાની શરૂઆતમાં અમારું બ્રેકઅપ થઈ ગયું હતું. ટ્રમ્પ કાયમ કહેતા રહે છે કે ઍપ્સ્ટીન સાથેના સંબંધ દરમિયાન તેમણે કંઈ ખોટું કર્યું નથી.

વ્હાઇટ હાઉસે પણ કહ્યું હતું, "ટ્રમ્પે ઘણાં વર્ષો પહેલાં ઍપ્સ્ટીનને તેમની ક્લબમાંથી કાઢી મૂક્યા હતા, કારણ કે તેઓ ટ્રમ્પની મહિલા કર્મચારીઓ સાથે ગેરવર્તણૂંક કરતા હતા."

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જેફરી ઍપ્સ્ટીન (ડાબે) 1997માં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે

ટ્રમ્પ ઉપરાંત ઍપ્સ્ટીનના અનેક પ્રખ્યાત અને હાઈ-પ્રોફાઇલ દોસ્તો હતા, પરંતુ તેનો અર્થ એવો નથી કે એ લોકોએ કશું ખોટું કર્યું હતું.

ઍપ્સ્ટીને 2002માં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન તેમજ અભિનેતા કેવિન સ્પેસી અને ક્રિસ ટકર સાથે ખાનગી જેટમાં આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. તેમણે 2003માં તત્કાલીન ફિલ્મ નિર્માતા હાર્વે વેઇનસ્ટીન સાથે ન્યૂ યૉર્ક મેગેઝિન ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની ત્રણ કરોડ ડૉલરનું દાન પણ આપ્યું હતું.

તેઓ બ્રિટિશ રાજકારણી પીટર મેન્ડેલસનના મિત્ર પણ હતા. મેન્ડેલસને બાદમાં કહ્યું હતું કે તેમને ઍપ્સ્ટીન સાથેની મૈત્રીનો અફસોસ છે. એ મૈત્રીને કારણે જ તેમણે 2025માં અમેરિકામાં રાજદૂતપદ ગુમાવ્યું હતું.

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, US ATTORNEY'S OFFICE SDNY

ઇમેજ કૅપ્શન, જેફરી ઍપ્સ્ટીન ગિલિયન મેક્સવેલ સાથે

મિસ સ્વીડન સૌંદર્ય સ્પર્ધાની વિજેતા ઈવા ઍન્ડરસન ડ્યુબિન અને પ્રકાશક રૉબર્ટ મૅક્સવેલની પુત્રી ગિલિયન મેક્સવેલ સાથે ઍપ્સ્ટીનને પ્રેમસંબંધ હતો.

સગીર છોકરીઓને સેક્સ માટે તાલીમ આપવાના અને છોકરીઓની તસ્કરીના આરોપસર ગિલિયનને ઍપ્સ્ટીનના કેસમાં જ 20 વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.

ટિફની એન્ડ કંપનીના ભૂતપૂર્વ સીઈઓ રોઝા મોન્કટને વેનિટી ફેર સામયિકમાં 2003માં પ્રકાશિત એક લેખમાં ઍપ્સ્ટીનને "ખૂબ જ રહસ્યમય અને હિમશીલા જેવી વ્યક્તિ" ગણાવ્યા હતા.

રોઝા મોન્કટને કહ્યું હતું, "આપણને લાગે કે આપણે તેમને જાણીએ છીએ, પરંતુ તમે ડુંગળીને છોલો તેમ દરેક વખતે કંઈક નવું બહાર આવે છે. તેઓ જે દેખાય છે તે નથી."

'શિક્ષા અને કબૂલાત કરાર'

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં 14 વર્ષની એક છોકરીનાં માતાપિતાએ 2005માં તેમની પુત્રીનું જાતીય શોષણ કરવાનો આરોપ ઍપ્સ્ટીન પર મૂક્યો હતો. પોલીસે એ સંદર્ભે ઍપ્સ્ટીનના ઘરની તલાશી લીધી ત્યારે આખા ઘરમાંથી પેલી છોકરીના સંખ્યાબંધ ફોટોગ્રાફ્સ મળ્યા હતા.

સ્થાનિક અખબાર મિયામી હેરાલ્ડે એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે ઍપ્સ્ટીન વર્ષોથી સગીર છોકરીઓનું જાતીય શોષણ કરી રહ્યા હતા.

પામ બીચ પોલીસના વડા માઇકલ રાયટરે પોલીસને કહ્યું હતું, "સવાલ માત્ર એક છોકરીનો ન હતો કે તેણે આરોપ મૂક્યો અને ઍપ્સ્ટીને તેનો ઇનકાર કર્યો. 50થી વધુ છોકરીઓ આગળ આવી હતી અને એ બધીની કહાણી એકસરખી હતી."

કટારલેખક માઇકલ વુલ્ફે ન્યૂ યૉર્ક સામયિકને કહ્યું હતું, "છોકરીઓ બાબતે તેણે ક્યારેય કશું ગુપ્ત રાખ્યું ન હતું. તેના પર એકવાર આરોપ મૂકવામાં આવ્યો ત્યારે ઍપ્સ્ટીને મને કહ્યું હતુઃ "હું શું કરું? મને નાની છોકરીઓ ગમે છે." એ વખતે મેં તેને કહ્યું હતું કે નાની છોકરીઓ એટલે યુવતીઓ એમ તું કહે છે?"

ઍપ્સ્ટીન પર ક્યારેય રીતસરનો કેસ ચાલ્યો ન હતો. 2007માં સરકારી વકીલે તેમને પ્લી ડીલ પર સહી કરાવી હતી. તેથી ઍપ્સ્ટીનને જન્મટીપને બદલે માત્ર 18 મહિનાના કારાવાસની સજા થઈ હતી. સાથે તેમને અઠવાડિયામાં છ દિવસ રોજ 12 કલાક ઑફિસે જવાની પરવાનગી આપવામાં આવી હતી. તેમને 13 મહિના પછી મુક્ત કરવામાં આવ્યા હતા.

સરકારી વકીલ એલેકઝેન્ડર એકોસ્ટાએ ઍપ્સ્ટીનના ગુનાઓને છૂપાવવામાં મદદ કરી હોવાનો આરોપ એ સમયે સ્થાનિક અખબારોએ ક્યો હતો. તેની એફબીઆઈ દ્વારા તપાસ થવા દેવામાં આવી ન હતી. આ પ્રકરણમાં બીજું કોણ-કોણ સંડોવાયેલું હતું તે ક્યારેય જાહેર થયું ન હતું.

આ કેસ સંબંધે એકોસ્ટાએ 2019માં રાજીનામું આપવું પડ્યું હતું, પરંતુ તેઓ સતત એવું કહેતા રહ્યા હતા કે તેમને લીધે ઍપ્સ્ટીનને થોડી સજા થઈ, અન્યથા તેઓ નિર્દોષ છૂટી ગયા હોત.

જોકે, ઍપ્સ્ટીનની સંપત્તિ જપ્ત કરવામાં આવી ન હતી.

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જેફરી ઍપ્સ્ટીન સાથેના સંબંધોના કારણે પ્રિન્સ એન્ડ્રુ (ડાબે)ની ભારે ટીકા કરવામાં આવી છે

ઍપ્સ્ટીનને 2008થી ન્યૂ યૉર્ક સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રીમાં લેવલ થ્રી સેક્સ ઑફેન્ડર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. તેનો અર્થ એ થાય કે તેઓ ફરી સમાન ગુનો આચરી શકે છે. તેમની નોંધ રજિસ્ટ્રીમાં જીવનભર રહે છે.

ઍપ્સ્ટીનને દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં તેમણે તેમની માલમત્તા અને સંપત્તિ જાળવી રાખી હતી.

યુનાઇટેડ કિંગ્ડમના સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતિયના બીજા પુત્ર એન્ડ્ર્યુ માઉન્ટબેટન વિન્ડસર ન્યૂ યૉર્કના સેન્ટ્રલ પાર્કમાં ઍપ્સ્ટીન સાથે જોવા મળ્યા હતા. તેને લીધે જબરો વિવાદ સર્જાયો હતો.

નવેમ્બર 2019માં બીબીસી સાથેની એક મુલાકાતમાં ઍન્ડ્ર્યુએ કહ્યું હતું કે તેઓ 1999થી ઍપ્સ્ટીનને ઓળખે છે અને 2010માં ન્યૂ યૉર્ક જઈને તેમની સાથેનો સંબંધ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

એ વખતે તેમના ઘરે રહેવાનો મને અફસોસ છે, એવું એન્ડ્ર્યુએ ત્યારે કહ્યું હતું.

જોકે, એન્ડ્ર્યુ તેમણે સ્વીકાર્યું તેના કરતાં ઘણા લાંબા સમય સુધી ઍપ્સ્ટીનના સંપર્કમાં રહ્યા હતા. તે 2011ના ઈ-મેઇલ્સમાં ઘણાં વર્ષો પછી બહાર આવ્યું હતું. આ વિવાદ પછી 2025માં એન્ડ્ર્યુ પાસેથી તેમની શાહી પદવીઓ છીનવી લેવામાં આવી હતી.

ઍપ્સ્ટીન સામે વર્જિનિયા રોબર્ટ્સે ફરિયાદ નોંધાવી હતી, જેની ઓળખ બાદમાં વર્જિનિયા ગિફ્રે તરીકે થઈ હતી. વર્જિનિયાએ એન્ડ્ર્યુ પર આરોપ મૂક્યો હતો કે 2000ના દાયકામાં જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે એન્ડ્ર્યુ સાથે સેક્સ માણવા તેના પર દબાણ કરવામાં આવ્યું હતું.

તેની સાથે કોઈ જાતીય સંબંધ બાંધ્યાનો એન્ડ્ર્યુએ ઇનકાર કર્યો હતો અને લંડનમાં બન્નેએ સાથે ફોટા પડાવ્યાનું પોતાને યાદ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, એન્ડ્ર્યુએ લૈંગિક અત્યાચારના કેસમાં સમાધાન કરવા ગિફ્રેને લાખો ડૉલર ચૂકવ્યા હોવાના અહેવાલ 2022માં પ્રકાશિત થયા હતા.

ફરી ઍપ્સ્ટીનના કેસની વાત કરીએ. ઍપ્સ્ટીન 2019ની છઠ્ઠી જુલાઈએ પેરિસથી તેમના ખાનગી વિમાનમાં પાછા ફર્યા પછી ન્યૂ યૉર્કમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સરકારી વકીલ તેમનો ન્યૂ યૉર્કમાંનો બંગલો જપ્ત કરાવવા ઇચ્છતા હતા, કારણ કે ઍપ્સ્ટીને ત્યાં ગુના આચર્યા હતા.

ઍપ્સ્ટીને કાયમની માફક બધા આરોપ નકારી કાઢ્યા હતા અને પોતે દોષિત ન હોવાની દલીલ કરી હતી.

કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો પછી તેમને ન્યૂ યૉર્કના મેટ્રોપોલિટન કરેક્શનલ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. જુલાઈમાં ગરદનની ઈજાની સારવાર માટે તેમને થોડો સમય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના વકીલ કે જેલ અધિકારીઓએ આ બાબતે સત્તાવાર રીતે કશું જણાવ્યું ન હતું.

2019ની 31 જુલાઈએ ઍપ્સ્ટીન કોર્ટમાં હાજર થયા ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ એક વર્ષ જેલમાં રહેશે અને તેમની સામેનો ખટલો કમસે કમ 2020ના ઉનાળા સુધી શરૂ થશે નહીં.

સરકારી વકીલે કહ્યુ હતું કે ખટલો ઝડપથી શરૂ થવો જોઈએ, કારણ કે તે જાહેર હિતમાં છે, પરંતુ એપ્સ્ટેઈને તે ખટલાનો સામનો ક્યારેય કરવો ન પડ્યો.

ઑગસ્ટ 2019માં તેમનું જેલમાં મોત થયું હતું. તેમણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

શોષણનો પિરામિડ

ઘણી પીડિતાઓએ ઍપ્સ્ટીન સામે સિવિલ કેસ દાખલ કર્યા હતા અને નુકસાન ભરપાઈની માંગણી કરી હતી.

તેમના વકીલ બ્રેડ એડવર્ડ્સ હતા.

તેમણે કહ્યું હતું, "આવું આટલાં વર્ષો સુધી ચાલતું રહ્યું તે અવિશ્વસનીય હતું. કોઈ છોકરી ભૂલથી તેના ઘરમાં પહોંચી ગઈ હોય અને તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોય એવું ન હતું. બધું અત્યંત યોજનાબદ્ધ રીતે થયું હતું એ અમારે કોર્ટમાં સાબિત કરવાનું હતું."

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, US Department of Justice/PA

ગિલિયન મેક્સવેલ છોકરીઓની ભરતીનું કામ કરતી હતી. રિક્રૂટર હતી. તેના સિવાયની બીજી યુવતીઓ પણ હતી. તું અહીં કેવી રીતે આવી, એવું અમે એક સગીર છોકરીને પૂછ્યું ત્યારે તેણે એક જ નામ કહ્યું હતું. એ છોકરીને પૂછ્યું તો તેણે બીજીનું નામ આપ્યું. એ યુવતીઓ પૈકીની ઘણી તો પાંચ-છ છોકરીઓને લાવી હતી. આ બધું કરોળિયાના જાળાની જેમ ફેલાયેલું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

એડવર્ડ્સે ઍપ્સ્ટીનને એક એવી "રહસ્યમય" વ્યક્તિ ગણાવ્યા હતા, જે બે અલગ જીવન જીવતા હતા. એક જીવનમાં તેઓ રોજ મહિલાઓ તથા સગીર છોકરીઓનું જાતીય શોષણ કરતા હતા, જ્યારે બીજા જીવનમાં તેઓ રાજકારણીઓ, રાજવીઓ, શૈક્ષણિક, ઔદ્યોગિક ક્ષેત્રના દિગ્ગજો તેમજ મોટા વિજ્ઞાનીઓ સાથે સમય વિતાવતા હતા.

'મેક્સવેલનો કેસ'

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગિલિયન મેક્સવેલ અને ઍપ્સ્ટીન

ઍપ્સ્ટીનના મોત પછી તેમની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ગિલિયન મેક્સવેલ ચર્ચાનું કેન્દ્ર બની હતી.

અમેરિકાના ન્યૂ હેમ્પશાયર ખાતેના તેના નિર્જન ઘરમાંથી જુલાઈ 2020માં તેની ધરપકડ કરવામાં આવી હતી. ઍપ્સ્ટીને સગીર છોકરીઓ પર કરેલા અત્યાચારમાં મદદ કરવા બદલ, એ માટે છોકરીઓ શોધી આપવા બદલ અને છોકરીઓને સેક્સ માટે તૈયાર કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ન્યૂ યૉર્ક સિટીની જ્યુરીએ ડિસેમ્બર 2021માં છ પૈકીના પાંચ આરોપ બદલ તેને દોષિત ઠેરવી હતી. તેમાં સૌથી ગંભીર આરોપ સગીર વયની છોકરીઓની જાતીય તસ્કરીનો હતો. તેને 20 વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.

ઑક્સફોર્ડમાં શિક્ષણ પ્રાપ્ત કરી ચૂકેલી ગિલિયન મેક્સવેલે ઍપ્સ્ટીનનો પરિચય બિલ ક્લિન્ટન અને એન્ડ્ર્યુ માઉન્ટબેટન વિન્ડસર સહિતના ઘણા શ્રીમંતો અને વગદાર લોકો સાથે કરાવ્યો હતો.

મિત્રોના જણાવ્યા અનુસાર, મેક્સવેલનો ઍપ્સ્ટીન સાથેનો પ્રેમસંબંધ થોડા વર્ષો ટક્યો હોવા છતાં તેણે લાંબા સમય સુધી ઍપ્સ્ટીન માટે કામ કર્યું હતું.

અદાલતમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ, પામ બીચ ખાતેના ઍપ્સ્ટીનના બંગલાના ભૂતપૂર્વ કર્મચારીઓ ગિલિયન મેક્સવેલને હાઉસ મેનેજર કહેતા હતા. તે કર્મચારીઓ પર નજર રાખતી હતી, આર્થિક વ્યવહારો સંભાળતી હતી અને સામાજિક કાર્યક્રમોનું સંકલન પણ કરતી હતી.

વેનિટી ફેર સામયિકમાં 2023માં પ્રકાશિત એક પ્રોફાઇલમાં ઍપ્સ્ટીને કહ્યું હતું કે ગિલિયન મેક્સવેલ તેમની પગારદાર કર્મચારી જ નહીં, પરંતુ તેમની "શ્રેષ્ઠ સખી" છે.

કેસમાં સરકારી વકીલે એવો આરોપ મૂક્યો હતો કે ઍપ્સ્ટીન માટે ગિલિયન મેક્સવેલ સગીર છોકરીઓ શોધી આપી હતી. છોકરીઓના શોષણમાં તેણે મદદ પણ કરી હતી, પરંતુ ઍપ્સ્ટીનના મોત પછી ગિલિયનના વકીલોએ દાવો કર્યો હતો કે ઍપ્સ્ટીનના ગુનાઓ માટે ગિલિયનને બલીનો બકરો બનાવવામાં આવી રહી છે.

બીબીસી ગુજરાતી જેફ્રી ઍપ્સ્ટીન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સેક્સ કૌભાંડ ફાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1997માં બેલ્જિયમનાં એક મોડલ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફ્રી ઍપ્સ્ટીન

દોષિત સાબિત થયા પછી ગિલિયન મેક્સવેલે પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું, "જેફ્રી ઍપ્સ્ટીનને મળવું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી."

તેણે ઉમેર્યું હતું, "આજનો દિવસ ઍપ્સ્ટીન માટે નથી, પરંતુ મારી સજાનો દિવસ છે અને પીડિતાઓ સાથે હું કોર્ટમાં જ વાત કરી શકું તેમ છું. તમે જે પીડા અનુભવી છે તેના માટે હું દિલગીર છું. મને આશા છે કે હું દોષિત સાબિત થઈશ અને મને આકરા કારાવાસની સજા મળશે તો જ તમને સંતોષ થશે."

ગિલિયન મેક્સવેલના વકીલોએ ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આ પ્રકરણમાં ગિલિયનની ભૂમિકા બદલ તેની સામે ખટલો ચાલવો ન જોઈએ કે તેને દોષિત પણ ઠેરવવી ન જોઈએ. જોકે, અમેરિકાની સર્વોચ્ચ અદાલતે વકીલની અપીલ ફગાવી દીધી હતી.

સગીર વયની છોકરીઓના જાતીય શોષણનું આ પ્રકરણ વર્ષો સુધી ચાલતું રહ્યું. તેમાં એક બાજુ એક તવંગર માણસ હતો અને બીજી બાજુ સગીર વયની છોકરીઓ. એ પૈકીની મોટાભાગની છોકરીઓની પૃષ્ઠભૂમિ સમાન હતી. કેટલીક આર્થિક રીતે પરેશાન હતી તો કેટલીક કૌટુંબિક સમસ્યાઓથી ત્રસ્ત હતી. કેટલીકને માનસિક સમસ્યા હતી. આ કારણોનો લાભ લઈને તેમનું શોષણ કરવામાં આવ્યું હશે. એ પૈકીની કેટલીક છોકરીઓ તેમની સાથેના દુર્વ્યવહાર માટે વળતરની માંગણી કરવા આગળ આવી હતી.

ઍપ્સ્ટીન ફાઇલમાંથી કોનાં રહસ્યો જાહેર થશે, કોની સત્તાને ધક્કો લાગશે, કોને રાજકીય લાભ થશે તેની ચર્ચા થશે, પરંતુ આ છોકરીઓએ નાની વયે જે માનસિક આઘાત સહન કર્યો તેનું શું? આ સવાલનો જવાબ કોઈની પાસે નહીં હોય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન