રિવેન્જ પોર્નનો ભોગ બનેલી મહિલાએ ફોટોગ્રાફ્સના દુરુપયોગનો 'તોડ' કેવી રીતે કાઢ્યો?

પ્રોફેશનલ ડોમિનેટ્રિક્સ મેડેલીન થૉમસ કોઈ ટૅક્નૉલૉજી કંપનીનાં સામાન્ય સ્થાપક નથી.
ગ્રાહકોએ મેડેલીનની અંગત પળોના ખાનગી ફોટોગ્રાફ્સ લીક કરતા હોવાને લીધે વારંવાર અપમાનિત થયાં પછી તેઓ રોષે ભરાયાં હતાં અને 'આ બાબતે કશુંક કરવા'નું વિચાર્યું હતું. નિરાકરણ માટે તેઓ ટૅક્નૉલૉજી તરફ વળ્યાં હતાં.
મેડેલીન કહે છે, "એ સુંદર ફોટોગ્રાફ્સ હતા. હું તેનાથી શરમ અનુભવતી નથી. મને એ વાતથી શરમ આવે છે કે મારા ફોટોગ્રાફ્સનો ઉપયોગ એવી વ્યક્તિએ મારી વિરુદ્ધ કર્યો હતો, જેને હું જાણતી નથી."
તેમની કંપની ઇમેજ એન્જલ અંગત ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરતા લોકોનું પગેરું શોધવા અદૃશ્ય ફૉરેન્સિક વોટરમાર્કિંગનો ઉપયોગ કરે છે. તેમણે કંપની શરૂ કર્યાના એક જ વર્ષમાં અનેક પુરસ્કારો જીત્યા છે અને બેરોનેસ બર્ટિનની સ્વતંત્ર પોર્નોગ્રાફી સમીક્ષામાં આ વર્ષે તેની ભલામણ શ્રેષ્ઠ રીત તરીકે કરવામાં આવી હતી.
મેડેલીન તેમની પશ્ચાદભૂથી તદ્દન અલગ કામ કરે છે. તેઓ ગ્રાહકોને સંમતિ સાથેના બિનપરંપરાગત સેક્સ (બોન્ડેજ, ડિસિપ્લિન, સેડીઝમ ઍન્ડ માસોચિઝમ – બીડીએસએમ)ની સેવા આપે છે.
બીડીએસએમ સેક્સ કે રિલેશનશિપમાં મહિલા મોટા ભાગે પ્રોફેશનલ તરીકે પ્રભાવી ભૂમિકા ભજવે છે અને તેને એ માટે નાણાં ચૂકવવામાં આવે છે. બીડીએસએમમાં મહિલાનું વર્ચસ્વ હોય છે અને તેણે પુરુષ સાથે સરમુખત્યાર જેવું વર્તન કરવાનું હોય છે.

ઇમેજ સ્રોત, Image Angel
અંગત પળોના ફોટોગ્રાફ્સના ઉપયોગને રિવેન્જ પોર્ન તરીકે ઓળખવામાં આવે છે. તે એક ફોજદારી ગુનો છે અને તેમાં ગુનેગારને બે વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે.
સેક્સ ઉદ્યોગમા કામ કરતા લોકો માટે આ કોઈ નવો અનુભવ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિવેન્જ પોર્ન હેલ્પલાઇનનો એક અહેવાલ જણાવે છે કે યુનાઇટેડ કિંગ્ડમની 1.42 ટકા મહિલાઓ દર વર્ષે અંગત ફોટોગ્રાફ્સના દુરુપયોગનો ભોગ બને છે.
મોનમાઉથશાયરનાં 37 વર્ષીય મેડેલીનના જણાવ્યા અનુસાર, પીડિતાઓએ શરમ તથા બદનામી સાથે જીવવું પડે છે.
તેમના કહેવા મુજબ, "ઘણા લોકો કહેશે કે તમે ઇન્ટરનેટ પર ઉત્તેજક ફોટોગ્રાફ પોસ્ટ કરતા હો ત્યારે બીજી શું આશા રાખી શકો?"
"મને ઈજ્જત, આદર અને ભરોસાની આશા હોય છે. આ બાબતો સાથે બાંધછોડ ન કરી શકાય."
તેઓ ઉમેરે છે, "હકીકત એ છે કે આ ફોટોગ્રાફ્સનો દુરુપયોગ હું જ્યાં રહું છું ત્યાં શેર કરીને, જે લોકોને હું પ્રેમ કરું છું તેમને નુકસાન પહોંચાડવા માટે કરવામાં થઈ શકે. કોઈ તેનો દુરુપયોગ કરે તો તેમાં મારો વાંક નથી, મારી ભૂલ નથી."
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેડેલીન દસ વર્ષથી મુખ્યત્વે ઑનલાઇન ડોમિનેટ્રિક્સ તરીકે કામ કરે છે. તેમને તેમનું કામ શક્તિપૂર્ણ અને સંતોષકારક લાગે છે.
તેઓ કહે છે, "હું એક પ્રભાવશાળી સ્ત્રી છું, જે સશક્ત અને મજબત છે. હું મારું શરીર કોઈને આનંદ માટે ભેટ તરીકે આપું છું, કારણ કે હું એમ કરવા ઇચ્છું છું અને મારું શરીર હોવાને કારણે હું ઇચ્છું એ રીતે તેનો ઉપયોગ કરી શકું છું."
"લોકોને આ વાત વિચિત્ર લાગે છે, પરંતુ પોષણશાસ્ત્રી કે એકાઉન્ટન્ટ જે રીતે સલાહ આપે છે એવી જ રીતે હું આ કામ કરું છું."
ટૅક્નૉલૉજીની દુનિયામાં પોતે કંઈક અલગ હોવાનો તેઓ સ્વીકાર કરે છે.
તેઓ કહે છે, "મને ખબર છે કે આ વિચિત્ર છે. ડોમિનેટ્રિક્સ તરીકે કામ કરતી મહિલા એક ટૅક્નૉલૉજી કંપનીની સ્થાપક હોય એવું વિચારવું ગાંડપણ છે, પરંતુ આ માટે કોઈ એવી વ્યક્તિની જરૂર હતી, જેણે આવી તકલીફોનો સામનો કર્યો હતો. જે ખામીઓ દૂર કરી શકે અને જરૂરી ફેરફાર કરી શકે."
મેડેલીન ભારપૂર્વક જણાવે છે કે તેઓ ટૅક્નૉલૉજીથી જરાય પરિચિત ન હતાં. અનેક ઉજાગરા કરીને, સંશોધન કરીને અને ટૅક્નૉલૉજીના જાણકારો પાસેથી માહિતી મેળવીને તેમણે પોતાની કંપની સ્થાપી છે.
તેઓ કહે છે, "હું એક ડોમિનેટ્રિક્સ તરીકે કામ કરું છું અને એ માટે મારા વિશે કોઈએ ખોટી ધારણા બાંધી હોય એવું મને લાગતું નથી. મને આ કામથી શક્તિ મળે છે, કારણ કે આ પ્રકારની દુનિયામાં હું અનુભવ અને જ્ઞાન આપી શકું છું તે કોઈને ક્યારેય મળે નહીં."
આ ટૅક્નૉલૉજી કેવી રીતે કામ કરે છે?

ઇમેજ એન્જલનો ઉપયોગ, લોકો ઇમેજ શૅર કરતા હોય તેવા કોઈ પણ ઑનલાઇન પ્લૅટફૉર્મ પર કરી શકાય છે. એવા પ્લૅટફૉર્મ્સમાં ડેટિંગ ઍપ્સ, સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સનો સમાવેશ થાય છે.
કોઈ વ્યૂઅર કોઈ ઇમેજને એક્સેસ કરે છે ત્યારે તેમાં આપોઆપ એક અદૃશ્ય ફૉરેન્સિક વોટરમાર્ક ઍમ્બેડ થઈ જાય છે, જે માત્ર તેના માટે જ હોય છે.
તેનો અર્થ એ થયો કે તમારો ફોટોગ્રાફ કોઈએ તમારી સંમતિ વિના શૅર કર્યો હોવાની ખબર તમને પડે અને એ પ્લૅટફૉર્મ પર આ ટૅક્નૉલૉજી ઍમ્બેડેડ હોય તો તમારો ફોટોગ્રાફ શૅર કરનાર વ્યક્તિની ઇમેજને અંદર નોંધાયેલી માહિતીને ડેટા રિકવરી સ્પેશિયાલિસ્ટ દ્વારા પ્રાપ્ત કરી શકાય અને જરૂરી કાર્યવાહી કરી શકાય.
અત્યાર સુધી એક જ પ્લૅટફૉર્મે તેમની ટૅક્નૉલૉજીને અપનાવી છે અને તેઓ અન્ય અનેક સાથે વાતચીત કરી રહ્યાં છે.
આ ટૅક્નૉલૉજી અસરકારક હોવાની ખાતરી શું?
મેડેલીન કહે છે, "હોલીવૂડમાં આ ટૅક્નૉલૉજીનું પહેલાંથી જ અસ્તિત્વ છે. તે સ્પૉર્ટ્સ બ્રૉડકાસ્ટિંગમાં પણ કાર્યરત્ છે. તેથી એ તદ્દન નવી ટૅક્નૉલૉજી નથી. આ માત્ર એક નવી ઍપ્લિકેશન અને એક નવી સિસ્ટમ છે."
"અમે તેનું પરીક્ષણ કર્યું છે. અમે ટૅક્નૉલૉજી ડેવલપ કરવાનો 30 વર્ષનો અનુભવ ધરાવતી એક કંપની સાથે ભાગીદારી કરી છે. તેથી આ ટૅક્નૉલૉજી નક્કર હોવાની અમને ખાતરી છે અને હવે તેનું મોટા પાયે ટેસ્ટિંગ કરવાની જરૂર છે."
આ ટૅક્નૉલૉજી અત્યંત અંગત ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરતા લોકોને રોકવાનું કામ કરશે, એવી આશા તેમણે વ્યક્ત કરી છે.
સાઉથવેસ્ટ ગ્રિડ ફૉર લર્નિંગ (એસડબલ્યુજીએફએલ)ની રિવેન્જ પોર્ન હેલ્પલાઇનનાં કેટ વર્થિંગટન જણાવે છે કે અંગત ફોટોગ્રાફ્સના દુરુપયોગથી પીડિતોને કેટલી ગભરામણ, ચિંતા અને દોષભાવના થાય છે તેનો તેમને જાત અનુભવ છે.
તેઓ કહે છે, "જાતને દોષી ઠેરવવાની લાગણીને ખોટી માહિતી આપતા દોસ્ત કે સર્વિસ દ્વારા મજબૂત બનાવવામાં આવે છે. એ દોસ્ત કે સર્વિસ એવું કહે છે કે તેં આવા ફોટોગ્રાફ્સ ક્લિક જ શા માટે કર્યા હતા? આ કારણે જાતને દોષી ઠેરવવાની લાગણી ખરેખર પ્રગાઢ થઈ શકે છે. તેથી પીડિતોને એમ સમજાવવું જોઈએ કે તેમણે જે કર્યું છે તેમાં કશું ખોટું નથી."
મેડેલીન પરિવર્તન માટે પોતાના અનુભવનો ઉપયોગ કરી રહ્યાં છે તે બહુ સારી વાત છે, એમ જણાવતાં કેટ વર્થિંગટન ઉમેરે છે, "લિંગ આધારિત સતામણીના સામના માટે આવો બહુપાંખિયો અભિગમ બહુ જરૂરી છે, કારણ કે એકાદ ટૂલથી, એકાદી હેલ્પલાઇનથી તેનો સામનો કરી શકાશે નહીં. તેના માટે મલ્ટિ-લેયર્ડ રિસ્પોન્સ જરૂરી છે."
એસડબલ્યુજીએફએલ પાસે StopNCII.org નામનું એક ટૂલ છે, જે કોઈ વ્યક્તિના અંગત ફોટોગ્રાફ્સ અને વીડિયોઝમાંથી એક હેશ જનરેટ કરવાનું કામ કરે છે. એ તે હેશને ભાગીદાર કંપનીઓ સાથે શૅર કરે છે, જેથી તે ઑનલાઇન શૅર કરવામાં આવતી ફોટોગ્રાફ્સને શોધવામાં અને તેને હઠાવવામાં મદદ કરી શકે.

ટીવી પ્રેઝન્ટર જેસ ડેવિસ માત્ર 15 વર્ષનાં હતાં ત્યારે માત્ર અન્ડરવેર પહેરેલા તેમના ફોટોગ્રાફ તેમના શહેરમાં શૅર કરવામાં આવ્યા હતા.
જેસ ડેવિસે તેમની તરુણાવસ્થામાં અને આયુષ્યની વીસીના દાયકામાં આવી અનેક ઘટનાઓનો અનુભવ કર્યો હતો. તેમાં ઉપરોક્ત ઘટના પહેલી હતી. તેનો પ્રભાવ તેમની મહિલાઓના અધિકારો માટેની ઝુંબેશમાં જોવા મળ્યો હતો.
વેલે ઑફ ગ્લેમોર્ગનના પેનાર્થનાં રહેવાસી જેસ ડેવિસ કહે છે, "એ મારી ભૂલ ન હોવાનું કોઈએ મને બહુ લાંબા સમય પછી જણાવ્યું હતું. વાસ્તવમાં આવું ન થવું જોઈએ."
તેઓ પણ પીડિતોથી માંડીને ગુનેગારો સુધી, અંગત ફોટોગ્રાફ્સના દુરુપયોગના કલંકને ખતમ કરવા ઉત્સાહિત છે.
32 વર્ષનાં જેસ ડેવિસ કહે છે, "કોઈને સંમતિથી ફોટોગ્રાફ્સ મોકલવા એ કોઈ ગુનો નથી, પરંતુ સંમતિ વિના તેનું વિતરણ કરવું એ ગુનો છે અને એ કૃત્ય જ દોષપૂર્ણ હોવું જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












