અમેરિકા ટેરિફના નામે વસૂલાયેલા 11 લાખ કરોડ રૂપિયા પરત ચૂકવશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગ્રૅસ ઍલિઝા ગૂડવિન
- વાંચવાનો સમય: 5 મિનિટ
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, ગયા વર્ષે વિશ્વભરમાં ધરખમ ટેરિફ લાદીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સત્તાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે 6-3ની બહુમતીથી ફેંસલો સંભળાવ્યો હતો કે, ટ્રમ્પ તમામ દેશોમાંથી થતી આયાતો પર કર લાદવા માટે 1977ના કાયદા (ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર્સ ઍક્ટ-આઇઇઇપીએ)નો ઉપયોગ કરી શકે નહીં.
આ ચુકાદાથી મહત્ત્વપૂર્ણ પ્રગતિનો અવકાશ સર્જાયો છે.
અત્યાર સુધીમાં આ ટેરિફ મારફત વસૂલવામાં આવેલા લગભગ 130 અબજ ડૉલર (અંદાજે 11 લાખ કરોડ રૂપિયા) ગ્રાહકો અને વ્યવસાયોને પરત કરવા પડે, એવી શક્યતા છે. જોકે, સુપ્રીમ કોર્ટે હજુ સુધી રકમ પરત કરવાને લઈને કોઈ સ્પષ્ટ નિર્ણય લીધો નથી. આથી, આગામી દિવસોમાં તેને લઈને વધુ એક કાનૂની લડત છેડાય, એવી સંભાવના છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાના ગણતરીના કલાકોમાં જ, ટ્રમ્પે અન્ય એક વૈકલ્પિક કાયદાનો ઉપયોગ કરીને નવી ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ 1974ના ટ્રેડ ઍક્ટની કલમ 122નો ઉપયોગ કરીને તમામ દેશો પર કામચલાઉ રીતે 10 ટકા ટેરિફ લાદશે.
પરંતુ, પછીથી માલૂમ પડ્યું કે, તે ડ્યૂટી વધારીને 15 ટકા કરી દેવાશે. જોકે, 15 ટકા કરી દેવાયેલી આ ડ્યૂટી પણ જ્યારથી 10 ટકા ડ્યૂટી લાગુ થવાની જાહેરાત કરવામાં આવી (24 ફેબ્રુઆરી), તે દિવસથી જ લાગુ થશે કે કેમ, તે સ્પષ્ટ નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા અને નવા 10 ટકા ટેરિફની ટ્રમ્પની ત્વરિત જાહેરાત (જે પછીથી વધારીને 15 ટકા કરી દેવાઈ)ને પગલે, આગામી દિવસોમાં શું થશે, તે અંગે સ્પષ્ટીકરણ થવું જરૂરી છે.
કયા ટેરિફ ગેરકાયદેસર છે અને શા માટે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
20મી ફેબ્રુઆરીના રોજ આપેલા ચુકાદામાં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા માત્ર આઇઇઇપીએ હેઠળના ટેરિફને જ ધ્યાન પર લીધા હતા. આ કાયદો અમેરિકન પ્રમુખને કટોકટીની સ્થિતિમાં વ્યાપારનું નિયમન કરવાની સત્તા આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટ્રમ્પે ચીન, મૅક્સિકો અને કૅનેડામાંથી આયાત કરવામાં આવતી ચીજો પર ટેરિફ લાદવા માટે સૌપ્રથમ ગયા વર્ષના ફેબ્રુઆરીમાં આ કાયદાનો ઉપયોગ કર્યો હતો. તે સમયે ટ્રમ્પે કહ્યું હતું કે, ઉપરોક્ત દેશોમાંથી ફેન્ટાનિલ નામના ડ્રગ્ઝની તસ્કરીને કારણે અમેરિકામાં "કટોકટી"ની સ્થિતિ સર્જાઈ છે.
થોડી ક્ષણો પછી, ટ્રમ્પે વિશ્વના લગભગ દરેક દેશમાંથી આવતા માલ-સામાન પર 10 ટકાથી લઈને 50 ટકા સુધીના ટેરિફ લાગુ કરીને તેને "મુક્તિ દિવસ" ગણાવ્યો હતો. તેમણે એવી દલીલ કરી હતી કે, અમેરિકાની વેપારખાધ "અસાધારણ સંકટ" બની ગયું છે.
જોકે, સુપ્રીમ કોર્ટે તે સ્પષ્ટ કર્યું છે કે, નવા કરવેરા લાગુ કરવાની સત્તા માત્ર અમેરિકન કૉંગ્રેસ (સંસદ) પાસે છે, પ્રમુખ પાસે નહીં. વળી, અદાલતે કહ્યું હતું કે, આઇઇઇપીએ હેઠળ વેપારનું નિયમન કરી શકાય છે, પણ સરકારની આવક વધારવાના સાધન તરીકે તેનો ઉપયોગ કરી શકાય નહીં.
જોકે, છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયમાં ટ્રમ્પે લાદેલા અમુક ટેરિફ આઇઇઇપીએ હેઠળ ન આવતા હોવાથી સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં તેનો અમલ જારી રહેશે. તેમાં સ્ટીલ, ઍલ્યુમીનિયમ, લાકડાં અને ઑટોમોબાઇલ પર લાગુ કરાયેલા ટેરિફનો સમાવેશ થાય છે.
ટ્રમ્પે 'રાષ્ટ્રીય સુરક્ષા'નું કારણ આગળ ધરીને ટ્રેડ ઍક્સ્પાન્શન ઍક્ટ, 1962ની કલમ 232 હેઠળ આ ટેરિફ લાદ્યા હતા.
નવા કામચાલઉ ટેરિફ...
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તરત જ ટ્રમ્પે કલમ 122 લાગુ કરી દીધી, જે અમેરિકાના કાયદાકીય ઇતિહાસનું એક અભૂતપૂર્વ પગલું ગણાય છે. તેમણે અમેરિકામાં આયાત થનારી લગભગ તમામ ચીજો પર 10 ટકા વૈશ્વિક ટેરિફ લાગુ કરતી સત્તાવાર યાદી જારી કરી હતી.
આ કલમ પ્રમુખને 15 ટકા સુધી ટેરિફ લાદવાની સત્તા આપે છે. જોકે, તે માત્ર 150 દિવસ સુધી જ માન્ય રહે છે. તે પછી અમેરિકન કૉંગ્રેસની મંજૂરી મેળવવી જરૂરી છે. તેનો અર્થ એ કે, આ ઉકેલ કામચલાઉ જ છે.
જોકે, તે પછી ટ્રમ્પ કૉંગ્રેસની સલાહ લીધા વિના પણ ટેરિફ લાદવાનું જારી રાખી શકે છે. થિન્ક ટૅન્ક કૅટો ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે, ટ્રમ્પ 150 દિવસ પછી ટેરિફનો અંત લાવી શકે છે અને પછી તરત જ નવી "કટોકટી" જાહેર કરીને ટેરિફ પુનઃ લાગુ કરી શકે છે.
વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે, તેણે આંતરરાષ્ટ્રીય ચુકવણીઓની પાયાની સમસ્યાઓનું નિવારણ કરવા માટે તથા અમેરિકન વેપારને સંતુલિત કરવા માટે કલમ 122નો ઉપયોગ કર્યો છે.
તેની સાથે જ ટ્રમ્પ 1974ના ટ્રેડ ઍક્ટની કલમ 301 હેઠળ ટેરિફ લાદવાની શક્યતાઓ પણ ચકાસી રહ્યા છે.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
આ કાયદો હાલમાં જેમીસન ગ્રીરના વડપણ હેઠળની યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવની (યુએસટીઆર) ઑફિસને અન્ય દેશોની વ્યાપાર પ્રણાલીની તપાસ કરવાનો અધિકાર આપે છે. જો કોઈ દેશની વ્યાપાર પ્રણાલી "ભેદભાવયુક્ત" કે "ગેરવાજબી" જણાય, તો યુએસટીઆર તે દેશ પર ટેરિફ લાદી શકે છે.
વળી, ટ્રમ્પ 1962ના ટ્રેડ ઍક્સ્પાન્શન ઍક્ટની કલમ 232 હેઠળ ટેરિફ લાગુ કરવાનું યથાવત્ રાખી શકે છે. ટ્રમ્પે તેમની પ્રથમ ટર્મ દરમિયાન આ કાયદાનો વ્યાપકણે ઉપયોગ કર્યો હતો.
આ કાયદો સરકારને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું કરતી આયાતો પર કર લાદવાની સત્તા આપે છે. જોકે, કર લાગુ કરતાં પહેલાં તપાસ કરવી જરૂરી હોય છે, આથી તેના અમલીકરણમાં થોડો સમય લાગે છે.
એક અર્થશાસ્ત્રીએ બીબીસીને જણાવ્યું હતું કે, એક વખત તપાસ પૂરી થઈ જાય અને આ ટેરિફ અમલમાં આવી જાય, તે પછી તેમને પડકારવા કે દૂર કરવા અત્યંત મુશ્કેલ હોય છે. કારણ કે, સત્તાવાર અહેવાલો અને સંશોધનના આધારે તે લાગુ કરવામાં આવતા હોય છે.
અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસન્ટે ચાવીરૂપ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, કલમ 122ના ટેરિફને વધુ મજબૂત કલમ 232 અને કલમ 301ના ટેરિફ સાથે સાંકળવાથી 2026માં ટેરિફથી થતી આવકમાં કોઈ ફેરફાર થશે નહીં.
અર્થાત્, તેમનો આશય એવો છે કે, આ નવા ટેરિફ સુપ્રીમ કોર્ટે રદ કરેલા આઇઇઇપીએ ટેરિફને કારણે આવકમાં થયેલી ખોટ સરભર કરી દેશે.
શું ગેરકાયદે ટેરિફ બદલ રિફંડ મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવા પાછળનું એક કારણ છેઃ 'ટેરિફમાંથી મળેલાં નાણાં અમેરિકાની સરકારી તિજોરીમાં જાય છે, જેનાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવામાં મદદ મળે છે.'
વિવિધ અહેવાલો પ્રમાણે, અમેરિકન સરકારે વિદેશી ચીજોની આયાત કરનારી કંપનીઓ પાસેથી અબજો ડૉલર વસૂલ્યા છે. એક અંદાજ પ્રમાણે, કુલ રકમ લગભગ 130 અબજ ડૉલર (આશરે રૂપયા 11 લાખ કરોડ) જેટલી થાય છે.
સુપ્રીમે ટ્રમ્પના આઇઇઇપીએ ટેરિફ ગેરકાયદેસર હોવાનો ચુકાદો સંભળાવ્યો હોવા છતાં તેણે ચૂકવી દેવાયેલા કરને પરત કરવા અંગે કોઈ માર્ગદર્શિકા ઘડી નથી.
આ રિફંડ વિશે પત્રકારોએ પૂછેલા સવાલનો જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે, રિફંડ આપવામાં આવે, તો પણ તે વર્ષો સુધી કાનૂની વિવાદમાં સપડાયેલું રહેશે.
સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી ટ્રેઝરી સેક્રેટરી બેસન્ટે પણ આવો જ મત વ્યક્ત કર્યો હતો.
ડલ્લાસ ખાતે એક કાર્યક્રમમાં વક્તવ્ય આપતાં બેસન્ટે કહ્યું હતું કે, આઇઇઇપીએ ફી મારફત વસૂલાઈ ચૂકેલાં નાણાં હાલમાં વિવાદ હેઠળ છે અને સુપ્રીમ કોર્ટે આ રિફંડને લઈને કોઈ સ્પષ્ટ આદેશ આપ્યો નથી.
રિફંડના પ્રશ્નનો નિર્ણય હવે યુએસ કોર્ટ ઑફ ઇન્ટરનૅશનલ ટ્રેડે લેવાનો રહેશે.
વિશ્લેષકો જણાવે છે કે, નાના વ્યવસાયોને રિફંડ માટેની આવશ્યક લાંબી અને કાનૂની પ્રક્રિયા પરવડી શકે નહીં, આથી મોટી કંપનીઓને રિફંડ મળવાની શક્યતા વધુ છે.
ઉદારવાદી થિન્ક ટૅન્ક ગ્રાઉન્ડવર્ક કલેક્ટિવના પૉલિસી તથા ઍડ્વોકસીના પ્રમુખ ઍલેક્સ જૅક્સે બીબીસીના મીડિયા પાર્ટનર સીબીએસને જણાવ્યું હતું કે, અદાલતનો ફેંસલો આવ્યો, તે પહેલાં જ એક હજાર કરતાં વધુ વ્યવસાયોએ રિફંડ મેળવવા માટે અરજી કરી હતી.
તેમણે કહ્યું કે, હવે આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
ઇલીનોઇસના ડેમૉક્રેટિક ગવર્નર જે.બી. પ્રિટ્ઝકરે ગેરકાયદે ટેરિફને કારણે નુકસાન વેઠનારા અમેરિકાના પ્રત્યેક પરિવારને સરકાર 1,700 ડૉલરનું (આશરે એક લાખ 40 હજાર રૂપિયા) રિફંડ ચૂકવે, તેવી માગણી કરી હતી.
આ ઉપરાંત ટ્રમ્પ ભૂતકાળમાં અમેરિકનોને એક કરતાં વધુ વખત વચન આપી ચૂક્યા છે કે, તેઓ તેમને "ટેરિફ રિબેટ ચેક" આપશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













