ગુજરાત : અમદાવાદના ઝૂલતા મિનારાનું શું છે રહસ્ય, તે કેટલાં વર્ષો જૂના છે?

અમદાવાદમાં સારંગપુરના ઝૂલતા મિનારા બીબીસી ગુજરાતી ગુજરાત પુરાતત્વ ઇતિહાસ અહમદાબાદ અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદના ઝૂલતા મિનારા
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 6 મિનિટ

8 જુલાઈ, 2017ના રોજ યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો મળ્યો હતો.

આવા અમદાવાદના સંસ્કૃતિક સ્થાપત્ય વારસા પાછળ એવાં ઐતિહાસિક સ્થાપત્યો છે, જે વૈશ્વિકસ્તરે કુતૂહલતા જગાવે છે.

તેમાંનું અમદાવાદનું એક સૌથી રહસ્યમય સ્થાપત્ય, જે આજે પણ આર્કિટેક્ટસ અને એન્જિનિયરો માટે એક કોયડો છે.

તે સ્થાપત્ય છે, અમદાવાદના ઝૂલતા મિનારા. જેની ખાસિયત છે કે, ત્યાં બે મિનારા છે જેમાંના એકને હલાવવાથી બીજા મિનારામાં આપો આપ કંપન થવા લાગે છે.

અમદાવાદમાં આ મિનારા સીદી બશીરની મસ્જિદના મિનારા જે અમદાવાદ રેલવે સ્ટેશન (કાલુપુર)ની નજીક, સારંગપુર દરવાજાની સામે આવેલા છે. અને એક કાલુપુર સ્ટેશન નજીક પણ આ મિનારા જોવા મળે છે.

તે ઉપરાંત ગોમતીપુર વિસ્તારમાં આવેલા બીબીજીની મસ્જિદના મિનારા પણ છે, આ 'બીબીની મસ્જિદ' તરીકે પણ ઓળખાય છે.

પણ મુખ્યત્વે સારંગપુરના સીદી બશીરની મસ્જિદના મિનારા આ 'ઝૂલતા મિનારા' તરીકે જગવિખ્યાત છે.

 સારંગપુર સ્થિત ઝૂલતા મિનારા અમદાવાદમાં સારંગપુરના ઝૂલતા મિનારા બીબીસી ગુજરાતી ગુજરાત પુરાતત્વ ઇતિહાસ અહમદાબાદ અમદાવાદ

ઇમેજ સ્રોત, Mohsin Ali Warsi

નિષ્ણાતોનાં ઘણાં અનુમાનો છે, આ મિનારાઓ કેમ હલે છે? અને તેની પાછળ કયાં કારણો હોઈ શકે? પણ ઠોસ સાબિતી વિશે આજે પણ રહસ્ય અકબંધ છે.

અમદાવાદના હેરિટેજ સાઇટો પર જાણકાર મોહસીન સિદ્દિકી જે 'મોહસીન અલી વારસી' તરીકે જાણીતા છે.

તેઓ બીબીસી ગુજરાતીને જણાવે છે, 1819માં ભૂકંપ આવ્યો તેમાં અમદાવાદની મોટા ભાગની મસ્જિદના મિનારાઓ પડી ગયા હતા.

તેઓ કહે છે, પરંતુ હાલ અમદાવાદની ઝૂલતા મિનારાની સીદી બસીરની મસ્જિદ અને ગોમતીપુરસ્થિત બીબીજીની મસ્જિદ અને કાલુપુર સ્ટેશનની પાસે આવેલો મિનારાની હયાત છે.

ત્યારે રસપ્રદ બાબત તે છે કે, આ મિનારા ક્યારે અને કોણે બનાવ્યા તેની કહાણી પર પણ બે મત છે.

સીદી બશીરની મસ્જિદ પાછળ શું છે કહાણી?

ઝૂલતા મિનારાની કહાણી અમદાવાદમાં સારંગપુરના ઝૂલતા મિનારા બીબીસી ગુજરાતી ગુજરાત પુરાતત્વ ઇતિહાસ અહમદાબાદ અમદાવાદ

ઇમેજ સ્રોત, BOMBAY GOVERNMENT CENTRAL PRESS

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1879માં પ્રકાશિત 'ગૅઝેટિયર ઑફ ધ બૉમ્બે પ્રેસિડેન્સી વૉલ્યુમ 4'માં દર્શાવેલ માહિતી અનુસાર, આ મસ્જિદની ઉંમર શંકાસ્પદ છે.

આ ગૅઝેટિયરમાં લખેલું છે કે, આ ઝૂલતા મિનારા એટલે સીદી બશીરની મસ્જિદ કોણે બનાવી તેની પર બે નામ સામે આવે છે.

"જેમાં પ્રથમ ખ્યાલ છે કે, સીદી બશીર (ઝૂલતા મિનારા)ની મસ્જિદ સુલતાન અહમદ પહેલાના ગુલામ સીદી બશીર દ્વારા બનાવવામાં આવી હતી, જેની કબર પણ ત્યાં જ છે; ત્યારે આ દસ્તાવેજ તે પણ કહે છે. અને તેમાં લખ્યું છે કે, ઉપરાંત તેવું પણ માનવામાં આવે છે કે, આ મસ્જિદ મહમૂદ બેગડાના ઉમરાવોમાંના એક મલિક સારંગ દ્વારા બનાવવામાં આવી હતી."

મલિક સારંગ અમદાવાદ કાલુપુર નજીક સારંગપુર ઉપનગરની સ્થાપના કરી હતી.

મોહસીન અલી વારસી કહે છે, સીદી બશીર મલિક સારંગની બનાવેલી આ મસ્જિદમાં રહેવા ગયા અને મલિકના અવસાન બાદ સીદી બશીરે આ મસ્જિદની સાર સંભાળ રાખી હતી. અને ત્યાં જ તેઓ પણ મૃત્યુ પામ્યા, તેથી તેમની કબર પણ ત્યાં છે.

ગૅઝેટિયર અનુસાર, આ ઝૂલતા મિનારાની બનાવટ શૈલી તે 1465માં બનેલી મિયા ખાન ચિશ્તીની મસ્જિદ જેવી જ હિંદુ અને મુસલમાન મિશ્રિત છે.

પણ ખાસ વાત તે છે કે, તેના મિનારા અને કમાનવાળા મુખ્ય પ્રવેશદ્વાર રોમન શૈલીની બનાવટના છે.

દસ્તાવેજ અનુસાર, 1753માં મરાઠાઓ અને જવાન મર્દ ખાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન ઇમારતનો મુખ્ય ભાગ નાશ પામ્યો હતો.

ડાબી બાજુ, જ્યારે રેલવે સ્ટેશનની પાસે અમદાવાદના બે સૌથી ઊંચા મિનારા છે. ત્યાંનાં નામ અને તારીખ અદૃશ્ય થઈ ગઈ છે.

પણ મિનારાઓની શૈલી મહમૂદ બેગડાના શાસનકાળ 1511ના સમયનો સંકેત આપે છે.

મોહસીન અલી વારસી જણાવે છે, ત્યારે કાલુપુર સ્ટેશનના મિનારા કાલુ શહીર રેહમતુલ્લાહની દરગાહ છે. આ મિનારા સીદી બશીરની મસ્જિદના જૂના મિનારા છે. અને તે સારંગપુરના મિનારા કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવે છે.

1929માં છપાયેલું અને અમદાવાદની સંસ્કૃતિને લઈને સૌથી ચર્ચિત મુદ્દાઓ પર પ્રશ્નો-ઉત્તર કરતું રત્નમણીરાવ ભીમરાવ લિખિત પુસ્તક 'ગુજરાતનું પાટનગર અમદાવાદ'માં ઝૂલતા મિનારા વિશે લખાયું છે કે, આ મસ્જિદ કેટલાક વિદ્વાનો સીદી બશીરની કહે છે. સીદી બશીર સુલતાન અહમદનો માનીતો ગુલામ હતો ત્યારે કેટલાક વિદ્વાનો કહે છે કે મલિક સારંગે બાંધી છે કારણ કે તેની નજીક મલિક સારંગની કબર છે.

આમ આજ વિસ્તારમાં સમય જતા 20 જાન્યુઆરી, 1863ના રોજ અમદાવાદ જંકશન રેલવે સ્ટેશન બન્યું અને અમદાવાદને મુંબઈ-બરોડા લાઇન સાથે જોડતા મુખ્ય સ્ટૉપ તરીકે સ્થાપિત થયું.

ગોમતીપુર સ્થિત ઝૂલતા મિનારાનો ભાગ જ્યાં 2001માં આવેલા ભૂકંપ સમયે ઉપરથી સામાન્ય તૂટી ગયો હતો. તેથી સરકારે સમારકામ કરાવ્યું હોવા છતાં ઉપરનો માળ સહેજ તૂટેલો છે.

પરંતુ આ મિનારાઓમાં એક ખાસ સ્થાપત્ય લાક્ષણિકતા છે. જે પ્રવાસીઓ, આર્કિટેક્ટ અને ડિઝાઇન ઇજનેરોને બંનેને મૂંઝવણમાં મૂકે છે. તે છે તેની ધ્રુજારી પાછળનાં કારણો.

આ મિનારાઓમાં આવતી ધ્રુજારી પાછળનાં કારણો?

મલિક સારંગની કબર પાછળ સીદી બશીરનો કબર અમદાવાદમાં સારંગપુરના ઝૂલતા મિનારા બીબીસી ગુજરાતી ગુજરાત પુરાતત્વ ઇતિહાસ અહમદાબાદ અમદાવાદ

ઇમેજ સ્રોત, Mohsin Ali Warsi

ઇમેજ કૅપ્શન, મલિક સારંગની કબર પાછળ સીદી બશીરની કબર

અમદાવાદની સૅપ્ટ યુનિવર્સિટીમાં ફૅકલ્ટી ઑફ આર્કિટેક્ચરમાં ડીન રહેલા પ્રો. નીલકંઠ છાયા જણાવે છે કે, આ મિનારા ખરેખર હલે છે તે કોઈ લોક વાયકા નથી કે, તે દૃષ્ટિભ્રમ પણ નથી. પણ તે કેવી રીતે હલે છે, તેનું ખરેખર કોઈ સમજાવી શક્યું નથી.

પ્રો. છાયા જણાવે છે, મિનારાઓની નીચે શું ફાઉન્ડેશન છે, તેનું કોઈ ઍક્સકલ્વેશન થઈ શકે તેમ નથી, જો કરીએ તો આખું સ્ટ્રક્ચર તોડવું પડે, તેથી આ એક રહસ્ય જ રહ્યું છે.

પ્રો. નીલકંઠ છાયા કહે છે, આ મિનારાઓ રહસ્યમય જ છે. હાલ પૂરતું કોઈ કારણ અસ્તિત્વમાં નથી.

ત્યારે કન્ઝર્વેશન આર્કિટેક્ટ સ્વપ્ના કોઠારીનું માનવું સહેજ જુદું છે કે, તેઓ પણ કહે છે કે, આ દૃષ્ટિભ્રમ નથી, પણ ઝૂલતા મિનારાના ફાઉન્ડેશનનું સ્ટ્રક્ચર થોડું નમેલું લાગે છે. અને ઉપર જતાં તે નાનું થતું જાય છે.

સ્વપ્ના કોઠારીનું માનવું છે કે, ચોક્કસ પત્થરનો ઉપયોગ ન કરવામાં આવે તો પણ તે ઉપર જતાં તે ઝૂલે તે એક કારણ પણ હોઈ શકે છે.

સ્વપ્ના કહે છે, "ઉપરાંત કન્સ્ટ્રક્શન વખતે આવેલી સમસ્યા પણ એક કારણ હોઈ શકે છે. સ્ટેશન પાસે હોવાથી ટ્રેન પસાર થતાં ઉદ્ભવતાં કંપનો પણ કારણ હોઈ શકે છે. તેની ડેમૉગ્રાફી પણ એક કારણ હોઈ શકે છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ઇટાલીમાં સ્થિત લીનીંગ ટાવર ઑફ પિસા છે."

સ્વપ્ના કોઠારી કહે છે, લીનીંગ ટાવર ઑફ પિસા પર તાજેતરમાં થયેલા અભ્યાસમાં દર્શાવાયું છે કે, ટાવર ઑફ પિસા નીચેની હાઇડ્રોલૉજી અને જિયૉલૉજીને કારણે તે વધારે નમી ગયો છે.

લીનીંગ ટાવર ઑફ પિસા અમદાવાદમાં સારંગપુરના ઝૂલતા મિનારા બીબીસી ગુજરાતી ગુજરાત પુરાતત્વ ઇતિહાસ અહમદાબાદ અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લીનીંગ ટાવર ઑફ પિસા

લીનીંગ ટાવર ઑફ પિસા પર પ્રોફેસર કેમિલીઓ ન્યૂટી, યુનિવર્સિટી ઑફ રોમા ટ્રે અને બ્રિસ્ટલ યુનિવર્સિટીની ટીમના એક રિસર્ચ પેપર "રીસન્ટ ઍડવાન્સીસ ઇન ડાયનેમિક ઇન્વેસ્ટિગેશન ઓફ લીનીંગ ટાવર ઑફ પિસા' અનુસાર, તે શોધી કાઢવામાં આવ્યું છે કે, ટાવર નીચેની નરમ માટીને કારણે ટાવર નમી રહ્યો છે, તે જ નરમ માટી તેને ભૂકંપથી બચાવે છે.

ઇતિહાસકાર રિઝવાન કાદરી બીબીસી ગુજરાતીને જણાવે છે, કાળ ક્રમે ખ્યાલ આવ્યો કે મિનારામાં કંપન થાય છે. ત્યારે સૌથી અગત્યની બાબત છે કે, રેતીયા પત્થરનો ઉપયોગ કરીને બનાવેલા મિનારા કેમ ઝૂલે છે? આજે પણ તેનો ઉત્તર મળતો નથી.

રિઝવાન કાદરી કહે છે, તેનું કારણ શોધવા, તેને તોડીને જાણવું પડે પણ આમ કરવાથી તેની સ્થિતિ-સ્થાપકતા જતી રહે અને તેથી તે ઝૂલવાનું બંધ કરી દે તેનું જોખમ છે.

પશ્ચિમ ભારતમાં મધ્યયુગીન સ્થાપત્યનું સંશોધન કરનાર, લંડનની આર્કિટેક્ચરલ ઍસોસિએશન ગ્રૅજ્યુએટ સ્કૂલથી અનુસ્નાતક, વરિષ્ઠ આર્કિટેક્ટ સ્નેહલ શાહ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, ઝૂલાતા મિનારા તેનું ડેકોરેશન અને સ્ટાઇલ અદ્ભુત છે.

સ્નેહલ જણાવે છે, મિનારામાં ધ્રુજારી પાછળનું કારણ તે હોઈ શકે કે, તે એક જ ફાઉન્ડેશનથી બનેલ છે અને મસ્જિદ ખૂબ નાની છે. તે મસ્જિદ મોટી હોત તો વાત જુદી હોત.

તેઓ કહે છે, તે મિનારાઓ જોડાયેલા છે. 35 વર્ષ પેહલાં અમે ત્યાં ગયેલા પણ જે ગુજરાતના અન્ય મિનારાઓ કરતાં અહીંયાંના મિનારાઓ જુદા એટલે છે કેમ કે, તે જોડાયેલા છે, તેમજ તેમની વચ્ચેનું અંતર પણ વધારે નથી. તે એક કારણ હોઈ શકે છે.

સ્નેહલ શાહ જણાવે છે, કોટ વિસ્તારના અમદાવાદની ખાસિયત છે કે, તેનું પ્લાનિંગ ખૂબ વ્યવસ્થિત રીતે થયેલું છે, આ મિનારા તેનું જ એક ઉદાહરણ છે.

આ મિનારાઓમાં ઉપયોગમાં લેવાયેલા પત્થરો વિશે સ્નેહલ જણાવે છે, રેતીના પત્થર છે. જે અન્ય તે સમયના મોટા ભાગનાં સ્થાપત્યોમાં આજ પત્થર જોવા મળે છે.

અજાયબીના સંરક્ષણ માટે વર્ષ1981માં અહીં જાહેર પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

ઝૂલતા મિનારા હિંદુ-મુસ્લિમ સમન્વય સંસ્કૃતિનું પ્રતીક

અમદાવાદ રેલ્વે સ્ટેશનની તરફથી દેખાતા કાલુપુરના મિનારા અમદાવાદમાં સારંગપુરના ઝૂલતા મિનારા બીબીસી ગુજરાતી ગુજરાત પુરાતત્વ ઇતિહાસ અહમદાબાદ અમદાવાદ

ઇમેજ સ્રોત, Mohsin Ali Warsi

અમદાવાદ વિશે 'શહરનામા' નામના પુસ્તકનાં લેખિકા અને કર્મશીલ સરૂપ ધ્રુવ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, અમદાવાદનું સ્થાપત્ય અનોખું છે, તે રાજસ્થાનના સ્થાપત્યથી પ્રભાવિત છે.

તે બંને વચ્ચે ઘણી સામ્યતા છે.

સરૂપ ધ્રુવ કહે છે, સીદી બશીરના ઝૂલતા મિનારાઓમાં ટોડલા, ફૂલોની ડિઝાઇન, મોરની ડિઝાઇન જોવા મળે છે. તે જે રાજસ્થાની ગુર્જર શૈલીની પરંપરા છે, આ મિનારાઓમાં તેને ખૂબ અસરકારક રીતે મૂકવામાં આવી છે. મહમૂદ બેગડાનો શાસનકાળ 15મી સદીના ગુજરાતનું સ્થાપત્ય તે સમન્વયનું સ્થાપત્ય છે.

તેઓ કહે છે, ત્યારે બાદશાહ તે વખતના આર્ટમાં સ્વતંત્રતા આપતા તેથી તેમાં હિંદુ-મુસ્લિમ સહિયારી આર્ટ શૈલી જોવા મળે છે.

સરૂપ ધ્રુવ કહે છે, "ઝૂલતા મિનારાને હું હિંદુ-મુસ્લિમ સમન્વય સંસ્કૃતિના પ્રતીક તરીકે જોવું છું."

હાલ મુલાકાતીઓ આ સ્થળ પર જઈ શકે છે પણ તેને મિનારાની ઉપર જવાની પરવાનગી નથી અપાઈ રહી.

અમદાવાદની મુલાકાતે આવતા પર્યટકોને આકર્ષવા માટે આ મિનારાનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય વર્ષ 2012માં રાજ્ય સરકારે લીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન