ગિરનાર : અશોકના શિલાલેખોએ શું રહસ્ય છતું કર્યું, ભારતના સમ્રાટે રાજધાનીથી આટલે દૂર શો સંદેશો આપેલો?

અશોકનો શિલાલેખ, જૂનાગઢ, ગિરનાર, ગુજરાત, બૌદ્ધ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hanif Khhokhhar/Getty Images/MAPLE PRESS

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં હજુ પણ બૌદ્ધ ધર્મના સદીઓ જૂના અવશેષો મળી આવે છે. એ વાત સર્વવિદિત છે કે ગુજરાતમાં, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની ભૂમિ પર વર્ષો સુધી બૌદ્ધ ધર્મનો પ્રભાવ રહ્યો હતો.

ગુજરાતમાં બૌદ્ધ કાળના સમૃદ્ધ વારસાની ઝાંખી જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખ પરથી મળે છે.

સમ્રાટ અશોક તેમનાં 40 વર્ષના શાસનકાળમાં ભારતના સૌથી મોટા ભૂભાગ પર શાસન કરવા તેમજ પોતાની કલ્યાણકારી નીતિ, અહિંસા તથા ભારતમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જાણીતા છે. જાણકારોના મતે, તામિલનાડુ અને કેરળને છોડીને આજનું સંપૂર્ણ ભારત, આજનું સંપૂર્ણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ઓછામાં ઓછો પૂર્વ ભાગ સમ્રાટ અશોકના અધિકારક્ષેત્ર હેઠળ હતો.

ગુજરાતમાં અશોકના શાસનકાળનાં સ્થાપત્યો પરથી તેમણે કરેલાં કાર્યોની પણ ઝલક જોવા મળે છે.

ગિરનારમાં અશોકના કુલ 14 શિલાલેખ છે. કુતૂહલ જગાવતો પ્રશ્ન એ છે કે, 2300 વર્ષ પહેલાં આખરે ભારતના આટલા મોટા સમ્રાટે આ શિલાલેખ મારફતે શું સંદેશ આપ્યો હતો? આ શિલાલેખ મૌર્ય સામ્રાજ્યના શક્તિશાળી કેન્દ્ર એવા મગધથી આટલા દૂર જૂનાગઢમાં કેમ બન્યા? જાણીએ આ અહેવાલમાં...

ભારતમાં સમ્રાટ અશોકનું સામ્રાજ્ય

અશોકનો શિલાલેખ, જૂનાગઢ, ગિરનાર, ગુજરાત, બૌદ્ધ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ઈ. સ. પૂર્વે 268થી 232ના સમયગાળા સુધી અશોકનું શાસન હતું. આ સમયગાળા દરમિયાન બનેલા અશોકના શિલાલેખ હાલના નેપાળ, બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પણ જોવા મળે છે.

રાષ્ટ્રસંત તુકાદોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના પાલી-પ્રાકૃત વિભાગના વડા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નીરજ બોધિ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે 'સમ્રાટ અશોકનું ધમ્મકાર્ય અને કાર્યપ્રણાલી' એ વિષય પર સંશોધનપત્ર ધી ઇન્ટરનૅશનલ સ્કૂલ ઑફ બુદ્ધિસ્ટ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ નાગપુર મારફતે પ્રકાશિત કર્યું છે.

અશોકનો શિલાલેખ, જૂનાગઢ, ગિરનાર, ગુજરાત, બૌદ્ધ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ડૉ. નીરજ બોધિ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "અશોકના શિલાલેખોમાં ઉત્તર ભારતમાં સાહબાઝી ગઢી અને ગિરનારના શિલાલેખને વધારે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેમાં ક્ષતિગ્રસ્ત ભાગ ઓછો છે."

તેઓ જણાવે છે કે, "ગિરનારના 14 શિલાલેખ ઉપરાંત કેટલાક લઘુ શિલાલેખ પણ મળી આવ્યા છે. આ શિલાલેખોમાં મુખ્યત્વે બે પ્રકારના શિલાલેખ, દીર્ઘ અને લઘુ જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઓડિશામાં આવેલા શિલાલેખની જેમ કૃતક શિલાલેખ પણ છે. એ ઉપરાંત સ્તંભલેખ પણ છે."

અશોકના દીર્ઘ સ્તંભલેખની વાત કરીએ તો એ દિલ્હી ટોપરામાં આવેલો છે અને લઘુ સ્તંભલેખ જે પ્રયાગરાજ (અગાઉ અલાહાબાદ) માં જોવા મળે છે.

પ્રો. બોધિના જણાવ્યા પ્રમાણે આ મુખ્યત્વે ધાર્મિક અભિલેખો છે.

અશોકના શિલાલેખોની ભાષા અને લિપિ

અશોકનો શિલાલેખ, જૂનાગઢ, ગિરનાર, ગુજરાત, બૌદ્ધ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈ. હલ્ત્ઝ દ્વારા સંપાદિત'કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ ઇન્ડિકારમ, વૉલ્યુમ 1 : ઇન્સ્ક્રિપ્શન્સ ઑફ અશોકા' એ અશોકના શિલાલેખોના અભ્યાસ માટે અત્યંત પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે.

ઈ. હલ્ત્ઝ તેમના પુસ્તકમાં નોંધે છે કે, "ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 'બ્રાહ્મી' લિપિ અને ઉત્તર-પશ્ચિમ (વર્તમાન પાકિસ્તાન-અફઘાનિસ્તાન) વિસ્તારમાં 'ખરોષ્ઠી' લિપિનો ઉપયોગ થયો હતો."

અહીં ઉલ્લેખનીય છે કે સમ્રાટ અશોકે તેમના પોતાના સંદેશા પ્રાકૃત ભાષામાં લખાવ્યા હતા જે તેમના સમગ્ર સામ્રાજ્યમાં બોલાતી હતી. અશોકના મોટા ભાગના શિલાલેખ પ્રાકૃત ભાષાની બ્રાહ્મી લિપિમાં છે. કેટલાક શિલાલેખ ગ્રીક અને અરામાઇક લિપિમાં પણ મળી આવ્યા છે.

ડૉ. નીરજ બોધિ જણાવે છે કે, "સમ્રાટ અશોકનું પાલી ભાષા સાથેનું જોડાણ એ ગિરનાર શિલાલેખથી વધારે ફલિત થાય છે. આથી, ઘણા ઇતિહાસકારો ગિરનાર પ્રદેશને પાલી ભાષાનું ઉદ્ભવ સ્થળ પણ ગણાવે છે. પરંતુ તેવું વાસ્તવમાં નથી. ઘણા આધારભૂત ગ્રંથોને આધારે એવું જાણવા મળે છે કે સમ્રાટ અશોકના પહેલાંના સમયમાં જ પાલી ભાષાનું સ્વરૂપ વિસ્તૃત થઈ ગયું હતું. ભારતમાં અનેક જગ્યાએ તેનો પ્રભાવ હતો."

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિઝ્યુઅલ સ્ટડીઝ ઍન્ડ સ્કૂલ ઑફ આર્ટ ઍન્ડ એસ્થેટિકના પ્રો. વાય. એસ. એલોન સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. તેઓ ઇતિહાસ, પ્રાચીન ભારતીય કલા, બૌદ્ધ કલા, લોકપ્રિય દૃશ્ય સંસ્કૃતિ તથા આધુનિક ભારતીય કલા જેવા વિષયોના નિષ્ણાત છે.

તેઓ જણાવે છે, "ગિરનારનો શિલાલેખ અત્યંત મોટો શિલાલેખ છે. નવલી, જાંબુઘોડામાં પણ મોટા શિલાલેખ છે, ત્યાં પણ ધમ્મ લેખ મળે છે."

શિલાલેખમાં અશોકે શું સંદેશ આપ્યો છે?

અશોકનો શિલાલેખ, જૂનાગઢ, ગિરનાર, ગુજરાત, બૌદ્ધ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OXFORD UNIVERSITY PRESS

અશોક તેમની અહિંસાની નીતિ માટે પ્રખ્યાત છે. ઇતિહાસકારોનું માનવું છે કે, તેમના સમયગાળામાં ધાર્મિક યજ્ઞો, હવનોમાં પશુબલિ આપવા એ બધી ચીજો એટલી હદે વધી ગઈ હતી કે અશોકે પશુબલિ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી.

ઈ. હલ્ત્ઝે તેમના પુસ્તકમાં લખ્યું છે, "આ શિલાલેખોમાં સમ્રાટ અશોકે પોતાને માટે 'દેવાનામ્પિય' (દેવોનો પ્રિય) અને 'પિયદસી' જેવી ઉપાધિઓ આપી છે. માસ્કી જેવા લઘુ શિલાલેખોમાં 'અશોક' નામનો સ્પષ્ટ ઉલ્લેખ મળતાં આ બિરુદો અશોકના જ હોવાનું નિશ્ચિત થયું, જેની પુષ્ટિ હલ્ત્ઝના અભ્યાસમાં મળે છે."

ઇતિહાસકાર રોમિલા થાપર પુસ્તક 'અશોકા ઍન્ડ ધ ડિક્લાઇન ઑફ ધ મૌર્યાસ'માં ગિરનારના અશોકના 14 શિલાલેખમાં શું છે તેના વિશે માહિતી આપી છે.

  • પ્રથમ શિલાલેખ: આ શિલાલેખ અનુસાર, યજ્ઞમાં પશુઓની હત્યા પર પ્રતિબંધ મૂક્યો છે. ફક્ત બે મોર અને એક હરણ (તે પણ ક્યારેક જ) મારવામાં આવે, અને ભવિષ્યમાં તે પણ બંધ કરવામાં આવશે. તેવો ઉલ્લેખ જોવા મળે છે.
  • બીજો શિલાલેખ: તેમાં અશોકે મનુષ્યો અને પ્રાણીઓ બંને માટે તબીબી સારવાર (દવાખાના)ની વ્યવસ્થા કરી છે. તે બાબતે લખેલું છે, ઉપરાંત રસ્તાની બંને બાજુએ વૃક્ષો વાવ્યાં છે અને કૂવા ખોદાવ્યા છે.
  • ત્રીજો શિલાલેખ: તેમાં લખાયું છે કે દર પાંચ વર્ષે અધિકારીઓએ પ્રવાસ પર જવું જોઈએ.
  • ચોથો શિલાલેખ: આમાં અહિંસાની વાત કરવામાં આવી છે.
  • પાંચમો શિલાલેખ: અશોકે 'ધમ્મ મહામાત્રો' નામના ખાસ અધિકારીઓની નિમણૂક કરી હોવાનો ઉલ્લેખ મળે છે. જેલના કેદીઓ સાથે માનવીય વ્યવહાર થાય તેની વાત પણ છે.
  • છઠ્ઠો શિલાલેખ: અશોક કહે છે કે, "હું કયાંય પણ હોઉંં. જો ભોજન પણ કરતો હોઉં કે લોકોના કામમાં હોઉં, અધિકારીઓ કોઈ પણ સમયે મને મળી શકે છે."
  • સાતમો શિલાલેખ: અશોક બધા ધર્મોના લોકો હળીમળીને રહેવાની વાત કરે છે.
  • આઠમો શિલાલેખ: અશોક પોતે બોધિગયાની મુલાકાતે ગયા અને બ્રાહ્મણો તેમજ વૃદ્ધોને દાન આપવાનું શરૂ કર્યું તેનો ઉલ્લેખ છે.
અશોકનો શિલાલેખ, જૂનાગઢ, ગિરનાર, ગુજરાત, બૌદ્ધ ધર્મ, બીબીસી ગુજરાતી
  • નવમો શિલાલેખ: નોકરો સાથે ઉચિત વ્યવહાર, વડીલોનો આદર કરવો જોઈએ તેની વાત કરી છે.
  • દસમો શિલાલેખ: અશોક કહે છે કે રાજાની ખરી કીર્તિ તેની સત્તામાં નહીં, પરંતુ તેની પ્રજા ધર્મનું પાલન કરે તેમાં છે.
  • અગિયારમો શિલાલેખ: અન્ય મનુષ્યોની નિંદા ન કરવી અને જીવો પ્રત્યે દયા રાખવી એ જ સાચો ધર્મ છે.
  • બારમો શિલાલેખ: કોઈએ પોતાના ધર્મની પ્રશંસા કરવા માટે બીજાના ધર્મની નિંદા ન કરવી જોઈએ.
  • તેરમો શિલાલેખ: આ અતિશય અગત્યનો શિલાલેખ મનાય છે. લેખક ઈ. હલ્ત્ઝ તેના વિશે પુસ્તકમાં જણાવે છે કે, તેમાં કલિંગના ભયાનક યુદ્ધનું વર્ણન છે. હલ્ત્ઝે કહ્યું છે કે, આ યુદ્ધના વિનાશને જોઈને જ અશોકે 'ભેરીઘોષ' (યુદ્ધની વાત) ત્યજીને 'ધમ્મઘોષ' (ધર્મની વાત) અપનાવ્યો હતો. આ ઘટના અશોકના જીવન અને ભારતીય ઇતિહાસનો ટર્નિંગ પૉઇન્ટ ગણાય છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગનાં પ્રોફેસર બિંદા પરાજંપે કહે છે, "મગધ રાજ્યથી દક્ષિણમાં આવેલા પ્રાંત કલિંગ (આજનું ઓડિશા અને તેની આસપાસનો વિસ્તાર) પર અશોકે આક્રમણ કર્યું હતું.

કલિંગ યુદ્ધમાં થયેલા હાહાકારથી અશોકના મનમાં એક શોક આવી ગયો હતો અને અશોકે હિંસા ત્યજવાનો નિર્ણય લીધો હતો.

પ્રો. બિંદા પરાંજપે કહે છે કે, "વૈશ્વિક ઇતિહાસમાં આવા કિસ્સા ખૂબ ઓછા છે કે જેમાં રાજાઓ યુદ્ધ બાદ અહિંસાની વાત કરતાં હોય. આ વાત સમ્રાટ અશોકને ખાસ બનાવે છે. ત્યાર બાદ અશોકે શાંતિનો પણ ઊંડાણપૂર્વક અર્થ કાઢ્યો, અશાંતિ થવાનાં કારણો દૂર કર્યાં અને યુદ્ધને અશાંતિનું કારણ ગણાવ્યું હતું."

છેલ્લા, ચૌદમા શિલાલેખમાં અશોકના અગાઉના શિલાલેખોના સારાંશ જેવી માહિતી છે.

ઘણા લોકોની એવી માન્યતા પણ છે કે અશોકે કલિંગ પછી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.

એ અંગે ડૉ. નીરજ કહે છે, "કલિંગ યુદ્ધના કારણે તેઓ બૌદ્ધ ધર્મમાં નથી આવ્યા. આ ઉલ્લેખ તો ગિરનાર શિલાલેખમાં જોવા મળે છે. 'ધમ્મઘોષ' એ કલિંગ યુદ્ધ પછી થયો હતો. કલિંગ યુદ્ધ પછી બૌદ્ધ ધર્મનો પ્રચાર વધ્યો હતો. સમ્રાટ અશોક કલિંગ પહેલાં જ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી ચૂક્યા હતા. તે બાબતે લઘુ શિલાલેખમાં પુરાવા મળે છે."

અશોકે શિલાલેખ જૂનાગઢમાં કેમ બનાવ્યો?

અશોકનો શિલાલેખ, જૂનાગઢ, ગિરનાર, ગુજરાત, બૌદ્ધ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

જૂનાગઢ એ ભારત અને એ વખતના મૌર્ય સામ્રાજ્યની પશ્ચિમી સરહદ છે.

વડોદરાસ્થિત એમ. એસ. યુનિવર્સિટીના પુરાતત્ત્વ અને પ્રાચીન ઇતિહાસ વિભાગનાં અધ્યક્ષ પ્રો. સુષ્મિતા સેન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "સામ્રાજ્ય બહારથી આવતા કોઈ પણ પ્રવાસી રાજ્ય વિશે વાંચી શકે તે માટે અશોકે તેમના સામ્રાજ્યના સરહદી વિસ્તારોમાં શિલાલેખોનું નિર્માણ કરાવ્યું હોઈ શકે."

તેઓ કહે છે, "અશોકે દર્શાવ્યું છે કે તેમના પછીના શાસકો આ શિલાલેખો વાંચ્યા પછી શાસન કરે."

પ્રો. બિંદા પરાંજપે જણાવે છે કે, "મૌર્ય સામ્રાજ્યથી સૌરાષ્ટ્ર પ્રાંતને જોઈએ તો એ ભારતની પશ્ચિમી સરહદ હતી. મગધના રાજા સમ્રાટ અશોકના વિચાર પહોંચ્યા એ પહેલાં તેમના દાદા ચંદ્રગુપ્ત મૌર્યે અહીં સરોવરનું નિર્માણ કરાવ્યું હતું. તે દર્શાવે છે કે અશોક પહેલાં જ સૌરાષ્ટ્રમાં મૌર્યકાળમાં પ્રજાહિતનાં કાર્યો થતાં હતાં."

ગિરનારના શિલાલેખ અને અન્ય શિલાલેખો વચ્ચે સામ્યતા

અશોકનો શિલાલેખ, જૂનાગઢ, ગિરનાર, ગુજરાત, બૌદ્ધ ધર્મ, બીબીસી ગુજરાતી

જેએનયુના પ્રો. વાયએસ એલોન જણાવે છે, "આજે પણ અશોકના શિલાલેખ મળી આવે છે. કેટલાક લેખ ખંડિત સ્વરૂપમાં પણ મળી આવે છે. આ શિલાલેખોના ડ્રાફ્ટ દરેક જગ્યાએ કૉમન છે. તેને પૉલિશ કરવાની કળા પણ મૌર્યકાળની જ છે."

પ્રો. બિંદા કહે છે, "ગિરનારના શિલાલેખોમાં પાલી ભાષા ઉપરાંત અત્યંત થોડા પ્રમાણમાં પ્રાંતીય ભાષાની ઝલક પણ જોવા મળે છે."

અશોકના શિલાલેખો કેવી રીતે ઉકેલાયા તેની પાછળ પણ રસપ્રદ કિસ્સો છે.

પ્રો. બિંદા કહે છે, "ફિરોઝશાહના જમાનામાં અશોકના સ્તંભ દિલ્હી ટોપરાથી લાવવામાં આવ્યા હતા. દુનિયાભરમાંથી વિદ્વાનોને તેને ઉકેલવા માટે બોલાવવામાં આવ્યા. એમને એવી ધારણા હતી કે આ ઉકેલવાથી ખજાનો મળશે. પરંતુ તેમને સફળતા ન મળી."

"એ પછી બ્રિટિશ શાસન આવ્યું અને ચલણ બદલાયું. ત્યારે કેટલાક સિક્કા મળી આવ્યા જેના એક ભાગમાં ગ્રીક ભાષા અને અન્ય બાજુમાં જે ભાષામાં લખાયું હતું તે વિશે સૌ કોઈ અજાણ હતા. એ વખતે જેમ્સ પ્રિંસેપ એ ટંકશાળના નિરીક્ષક હતા. જેમ્સને પ્રાચીન સિક્કાની અન્ય બાજુની ભાષા ઉકેલવામાં સફળતા મળી અને પછી આગળ અશોકના શિલાલેખ ઉકેલાયા."

અશોકે તેમના શાસનકાળમાં ભગવાન બુદ્ધની જન્મભૂમિ લુમ્બિનીને કરમુક્ત કરવાનું એલાન પણ કર્યું હતું.

ઇતિહાસકારો અનુસાર, અશોકના શિલાલેખના ઉકેલની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત સ્વતંત્ર ભારતના નીતિનિર્માણ માટે કામે લાગી તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન