IND vs. NZ: પહેલા બૉલે સિક્સ ફટકારી ભલભલા બૉલરોને ઘૂંટણિયે પાડતા અભિષેક શર્મા કેવી રીતે તૈયારી કરે છે?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
બુધવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ ઍસોસિયેશન સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે પ્રથમ ટી20 મૅચ યોજાઈ હતી, જેમાં મહેમાન ટીમનો 48 રને પરાજય થયો હતો.
આ મૅચમાં ન્યૂઝીલૅન્ડની ટીમે ટૉસ જીતીને બૉલિંગ કરવાનું પસંદ કર્યું હતું.
પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમે પોતાના બૅટ્સમૅનોના તાબડતોડ પ્રદર્શનને બળે સાત વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 238 રન ખડકી દીધા હતા. જેના જવાબમાં ન્યૂઝીલૅન્ડની ટીમ સાત વિકેટના નુકસાને માત્ર 190 રન જ બનાવી શકી.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે 22 બૉલમાં 32 રન ફટકારીને ટી20 મૅચોમાં નવ હજાર રન પૂર્ણ કર્યા હતા.
જોકે, આ મૅચનું મુખ્ય આકર્ષણ અભિષેક શર્મા રહ્યા હતા, જેમણે 35 બૉલમાં 83 રન ફટકાર્યા હતા. તેમણે માત્ર 22 બૉલમાં અડધી સદી ફટકારી હતી.
અભિષેક શર્માની ઇનિંગની આક્રમકતાનો અંદાજ એ વાત પરથી મૂકી શકાય છે કે ન્યૂઝીલૅન્ડ સામેની પહેલી ટી20 મૅચમાં તેમણે પહેલો ચોગ્ગો ફટકાર્યો, એ પહેલાં ચાર વખત સિક્સ ફટકારી દીધી હતી.
આ ન્યૂઝીલૅન્ડની ટીમ સામે કોઈ પણ ભારતીય બૅટ્સમૅનની સૌથી ધુંઆધાર ઇનિંગ છે. આ પહેલાં કેએલ રાહુલ તથા રોહિત શર્માએ ન્યૂઝીલૅન્ડ સામે 23 બૉલમાં અર્ધ સદીઓ ફટકારી હતી.
અભિષેક શર્માને 'પ્લેયર ઑફ ધ મૅચ' પસંદ કરવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારની મૅચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન અભિષેક શર્માએ પોતાની આક્રમક બેટિંગનું રહસ્ય ખોલી નાખ્યું હતું અને મેદાન ઉપર ઊતરતા પહેલાં તેઓ શું કરે છે, તેના વિશે વાત કરી હતી.
અભિષેક શર્માએ સિક્રેટ ખોલ્યું

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
પંજાબના આક્રમક બૅટ્સમૅન અભિષેક ભારતીય ટીમના ઓપનર છે.
અભિષેક શર્માના કહેવા પ્રમાણે, તેમને પરિસ્થિતિને પારખવા માટે પૂરતો સમય નથી મળતો, જેથી તેઓ મેદાન ઉપર ઊતરતા પહેલાં જ 'હોમવર્ક' કરી લે છે.
તેમણે કહ્યું, "જ્યારે તમે સામેની ટીમના બૉલરોના વીડિયો જુઓ કે તમારી પોતાની બેટિંગની શૈલીનું વિશ્લેષણ કરો તો સામેવાળી ટીમ કેવી વ્યૂહરચના અપનાવશે, તેનો અંદાજ આવી જાય છે અને મારે ક્યાંથી રન બનાવવાના છે, તેનો અંદાજ આવી જાય છે."
"ખરું કહું તો હું ગણ્યાગાંઠ્યા શોટ્સ મારવા ઉપર વિશ્વાસ રાખું છે, કારણ કે મારી પાસે શોટ્સની ખાસ કોઈ વેરાઇટી નથી. બસ અમુક શોટ્સ છે, જેનો હું તનતોડ અભ્યાસ કરું છું અને મેદાન ઉપર પણ તેને જ અજમાવું છું."
શર્માના કહેવા પ્રમાણે, તેમનો ધ્યેય શરૂઆતની છ ઓવરનો પૂરેપૂરો લાભ લેવાનો હોય છે, જેથી મજબૂત શરૂઆત મળે. વળી, શરૂઆતની ત્રણ-ચાર ઓવરમાં જ હું ભારે પડું, તો મૅચ ઉપર અમારી પકડ મજબૂત થઈ જાય છે.
અભિષેક શર્માએ કહ્યું, "મારા શરીરમાં એવી તાકત નથી, એટલે હું પાવર હિટિંગનો પ્રયાસ નથી કરતો. મારી બેટિંગ મોટા ભાગે ટાઇમિંગના ભરોસે હોય છે. હું બૉલની લાઇનની ઉપર નજર રાખીને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરું છું, જે મારા માટે સૌથી મોટી બાબત છે."
"અમે અત્યારે ભારતનાં અલગ-અલગ સ્થળોએ રમી રહ્યા છીએ, જેથી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવો ખૂબ જ જરૂરી બની રહે છે. આ માટે મૅચ પહેલાં કે નેટ પ્રૅક્ટિસ દરમિયાન જ હું વ્યૂહરચના ઘડી લઉં છું. સામેની ટીમના બૉલરોએ પણ વ્યૂહરચના ઘડી હોય, એટલે હું મારી ગેઇમ અને પોતાની તૈયારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખું તે જરૂરી બની રહે છે."
નાગપુર ખાતે ભારતે ન્યૂઝીલૅન્ડ સામે સર્વશ્રેષ્ઠ ટી20 જુમલો ખડક્યો. આ પહેલાં અમદાવાદમાં (વર્ષ 2023) ભારતે ચાર વિકેટના ભોગે 234 રન બનાવ્યા હતા.
અભિષેક શર્માની આક્રમક ઇનિંગ

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ક્રિકેટના આંકડાનું વિશ્લેષણ કરતી વેબસાઇટ ઇએસપીએનક્રિકઇન્ફોના ડેટા પ્રમાણે, અભિષેકે વર્ષ 2024ના ટી20 વર્લ્ડકપથી અત્યાર સુધીમાં 33 ઇનિંગમાં 81 છગ્ગા ફટકાર્યા છે. બીજા ક્રમે પાકિસ્તાનના શાહેબઝાદા ફરહાન છે. જેમણે 32 મૅચમાં 47 છગ્ગા માર્યા છે.
ટી20 મૅચોમાં અભિષેક શર્માએ માત્ર 2898 બૉલમાં પાંચ હજાર રન બનાવ્યા છે. આ સાથે જ તેઓ ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપભેર આ સિદ્ધિ મેળવનારા ખેલાડી બની ગયા છે.
આ પહેલાં વેસ્ટ ઇન્ડીઝના આંદ્રે રસ્સેલે 2942 બૉલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ટૉપ-ફાઇવમાં ઑસ્ટ્રેલિયાના ટિમ ડેવિડ (3127 બૉલ), ઇંગ્લૅન્ડના વિલ જેક્સ 3196 બૉલ) અને ઑસ્ટ્રેલિયાના ગ્લેન મૅક્સવેલ (3239) સામેલ છે.
અભિષેકે કહ્યું હતું, "મેં એક વાત શીખી છે, જો તમે દરેક બૉલ ફટકારવા માંગતા હો, અથવા 200ના સ્ટ્રાઇક રેટથી રન બનાવવા માંગતા હો, તો તમારે તેના માટે માનસિકતા કેળવવી પડે અને સઘન અભ્યાસ જરૂરી છે. દરેક ટીમ માટે અલગ વ્યૂહરચના હોય છે."
"હવે મને સમજાય છે કે આ માત્ર ફીલ્ડ સેટિંગ પૂરતી મર્યાદિત વાત નથી, પરંતુ બૉલિંગ અને પીચ ઉપર પણ આધાર રાખે છે. એટલે મૅચ પહેલાં હું જે તૈયારી કરું, તેના ઉપર ઘણો મદાર રહે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












