અભિષેક શર્મા : એ ખેલાડી જેમનામાં જોવા મળે છે સહેવાગની આક્રમકતા તથા યુવરાજસિંહની સ્ટાઇલ

ઇમેજ સ્રોત, RAJ KUMAR SHARMA
- લેેખક, ભરત શર્મા
- પદ, બીબીસી સંવાદદાતા
"હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો છું. હું મારાં માતાને કહેતો કે મારા બધાય સાથી ટીમ ઇન્ડિયા વતી રમ્યા છે, પરંતુ હું ન રમી શક્યો, ખબર નહીં કેમ ન રમી શક્યો, કદાચ ભગવાનની મરજી છે."
"એના જવાબમાં મારાં માતા કહેતાં કે બેટા કંઈ નહીં, તું ન રમી શક્યો, પરંતુ તારો દીકરો ચોક્કસથી ટીમ ઇન્ડિયા વતી રમશે."
અભિષેક શર્માના પિતા રાજકુમાર શર્મા એ દિવસોને યાદ કરતાં ભાવુક થઈ જાય છે અને લાગણીવશ થવાના કારણો પણ છે. રાજ કુમારનાં માતા જે વાત કહેતાં, એ આજે ખરી ઠરી છે.
રાજકુમાર શર્મા કહે છે, "ખૂબ સારો સમય છે. મારા માટે ગર્વની ક્ષણ છે. દરેક માતાપિતાની ઇચ્છા હોય છે કે તેમનો દીકરો હોય કે દીકરી, તે પગભર થાય અને જે કોઈ ક્ષેત્રમાં જાય, ત્યાં નામ કાઢે."
"અમારા દીકરાએ ઘણાં વર્ષો પહેલાં બૅટ પકડ્યું હતું અને સંઘર્ષ કર્યો, ખૂબ મહેનત કરી. આજે તે ન કેવળ ઇન્ડિયા વતી રમી રહ્યો છે, પરંતુ મૅચ પણ જીતાડે છે. એ જોઈને દિલ ખુશ થઈ જાય છે."
ત્રણ-ચાર વર્ષની ઉંમરે પિતાએ પ્લાસ્ટિકનું બૅટ આપ્યું

ઇમેજ સ્રોત, RAJ KUMAR SHARMA
રાજકુમાર શર્માએ એશિયા કપ દરમિયાન પાકિસ્તાન સામે આક્રમક ઇનિંગ રમનારા અભિષેક શર્માના પિતા તો છે, પરંતુ તેમના કોચ પણ છે. તેઓ અભિષેકના સંઘર્ષ સમયના સાથી રહ્યા છે અને હવે પોતાના દીકરાની સફળતાના સાક્ષી પણ બન્યા છે.
આ સફળતાની કહાણીની શરૂઆત લગભગ 22 વર્ષ અગાઉ પંજાબના અમૃતસરમાં થઈ હતી. એ સમયે અભિષેકે તેમના પિતા રાજકુમારનું ભારે બૅટ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકુમાર શર્માએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "હું ખુદ ક્રિકેટ રમતો એટલે મારો સામાન અને ક્રિકેટ કિટ ઘરમાં આમતેમ પડ્યાં રહેતાં. અભિષેક એ સમયે લગભગ ત્રણ-ચાર વર્ષનો હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ત્યારે તે મારા સામાનમાંથી બૅટ ઉપાડવાનો પ્રયાસ કરતો, પરંતુ બૅટ ભારે હોવાને કારણે તે ઉઠાવી શકતો નહીં. પછી મેં તેને પ્લાસ્ટિકનું બૅટ લાવી આપ્યું હતું."
રાજકુમાર શર્મા કહે છે, "એ બૅટ સાથે તે ખૂબ જ શૉટ માર્યા કરતો. તેનો અવાજ પણ બરાબર નહોતો નીકળતો. છતાં કહેતો, 'પપ્પા, બૉલ ફેંકો.' એ પોતાની બહેનોને કહેતો કે બૉલ ફેંકો અને રાત્રે મારાં વાઇફને બૉલિંગ કરવા માટે કહેતો. આમ જ બલ્લેબાજી કરતા-કરતા તેનું ઝનૂન અહીં સુધી પહોંચી ગયું."
આ ઝનૂનના જોરે અભિષેક શર્મા ઝડપભેર દુનિયાના ટોચના બૅટ્સમૅનોની યાદીમાં પોતાનું નામ લખાવી રહ્યા છે.
અભિષેક શર્માની અત્યારસુધીની કારકિર્દી

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અભિષેકની અત્યારસુધીની કારકિર્દી નાની, પરંતુ અસરકારક રહી છે. તેમણે ટી-20 ઇન્ટરનૅશનલમાં અત્યારસુધીમાં 21 મૅચ રમી છે, જેમાં તેમણે 708 રન બનાવ્યા છે. આમાં જ તેમની ઇમ્પૅક્ટ સ્ટોરી છૂપાયેલી છે.
અભિષેકે 35.40ની સરેરાશથી રન બનાવ્યા છે, જે ટી-20ની દૃષ્ટિએ સારી સરેરાશ છે. અભિષેકનો સ્ટ્રાઇક રેટ 197.21નો રહ્યો છે. જે કોઈપણ ઓપનિંગ બૅટ્સમૅન માટે શાનદાર કહી શકાય.
બૉલના હિસાબે ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપથી 50 છક્કા મારનારા બૅટ્સમૅન બની ગયા છે. તેમણે 331 બૉલમાં આ માઇલસ્ટૉન હાંસલ કર્યો છે. તેમણે વેસ્ટઇન્ડીઝના એવીન લુઇસનો (366 બૉલ) રેકૉર્ડ તોડ્યો.
ક્રિકેટના જાણકારોને અભિષેકમાં પૂર્વ ક્રિકેટ વીરેન્દ્ર સહેવાગની આક્રમકતા તથા યુવરાજસિંહની સ્ટાઇલ દેખાય છે.
પાકિસ્તાન સામેની મૅચ પછી એક ચૅટમાં વીરેન્દ્ર સહેવાગે નવોદિત ક્રિકેટર અભિષેકને સમજાવી રહ્યા હતા કે જ્યારે 70 રન ઉપર પહોંચી જાવ, એ પછી તેને સદીમાં પરિવર્તિત કર્યા કરો.
સહેવાગે કહ્યું હતું, "એ વાતો પછી યાદ આવે છે, કારણ કે આ પ્રકારની તકો વારંવાર નથી મળતી. હું જે કંઈ કહી રહ્યો છું, થોડીવારમાં યુવરાજસિંહનો ફોન પણ તમારી ઉપર આવશે, તેઓ પણ આ વાત જ સમજાવશે."
સહેવાગની વાત સાંભળીને અભિષેકે કહ્યું, "જી હા, તમે ખરું કહો છો. હું પણ તેની ઉપર કામ કરી રહ્યો છું. તેઓ (યુવરાજ) પણ એજ સમજાવશે."
એ મૅચમાં અભિષેકે માત્ર 39 બૉલમાં 74 રનની ઇનિંગ રમી હતી. એક લાંબી હીટ મારવા જતાં તેઓ આઉટ થઈ ગયા હતા. એ બૉલ દમદાર ન હતો, પરંતુ તેઓ અભિષેકથી ચૂક થઈ.
સહેવાગે શા માટે યુવરાજસિંહનો ઉલ્લેખ કર્યો, તેની પાછળ એક કહાણી છે. જેના વિશે પછી વાત, પરંતુ પહેલાં અભિષેક શર્માનાં બાળપણ, ટીનએજ તથા યુવાનીના દિવસો ઉપર નજર કરીએ.
અભિષેક શર્માની સફર

ઇમેજ સ્રોત, RAJ KUMAR SHARMA
અભિષેક શર્માના પિતા બૅન્કમાં નોકરી કરતા અને ક્રિકેટ રમતા. તેમનાં પરિવારમાં માતા સિવાય બે મોટી બહેનો છે. એક બહેન ટીચર છે અને બીજી બહેન ડૉક્ટર.
રાજકુમાર શર્મા એ દિવસોને યાદ કરતાં કહે છે, "હું જ્યારે ગ્રાઉન્ડ ઉપર જતો, ત્યારે તે મારી સાથે આવતો હતો. હું મોટા છોકરાઓને ટ્રેનિંક અને કોચિંગ આપતો. અભિષેકને જોઈને મોટા છોકરા કહેતા કે તમારા દીકરામાં ખૂબ જ ટૅલેન્ટ છે."
"તેનું બૅટ સીધું રહે છે, તે સીધા બૅટથી જોરથી શૉટ મારે છે. એવું લાગે છે કે તે મોટો પ્લેયર બનશે. એનું ઝનૂન જોઈને જ મેં તેને ક્રિકેટક્ષેત્રમાં આગળ વધારવાનું નક્કી કર્યું હતું. હું સિલેક્ટર, રેફરી અને કોચ હતો, પરંતુ આને જોઈને થયું કે હું જ આને કોચિંગ આપું."
અભિષેક અમૃતસરની દિલ્હી પબ્લિક સ્કૂલમાં ભણતા અને દરેક ક્લાસમાં લગભગ 90 ટકા લાવતા.
અભિષેકના પિતાએ બીબીસીને જણાવ્યું, "તે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. તે ટુર્નામેન્ટની વચ્ચે આવતો, પેપર આપતો અને સારા માર્કસ લાવતો. તેને ક્યારેય ઓછા માર્ક્સ નથી આવ્યા અને તેણે બીએ સુધીનો અભ્યાસ કર્યો છે."
અભિષેકનાં જીવનનો ટર્નિંગ પૉઇન્ટ

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
પ્રૉફેશનલ સેટઅપમાં દાખલ થયા બાદ તેમનાં જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો. શુભમન ગિલ સાથેની એમની મૈત્રી આટલી ગાઢ કેમ છે ?
વર્ષો પહેલાં પંજાબ ક્રિકેટ ઍસોસિયેશને અંડર-12 તથા અંડર-14ની ટીમો બનાવી હતી અને એક કૅમ્પ આયોજિત કર્યો હતો. જેનો હેતુ નવાં બાળકોને આગળ લાવવાનો હતો.
કપિલ દેવના ગુરૂ ડીપી આઝાદ તેના વડા હતા અને પંજાબ ક્રિકેટમાં તેમનું ખાસ્સું સન્માન હતું. સમગ્ર પંજાબમાંથી 30 બાળકોને સિલેક્ટ કરવામાં આવ્યાં, જેમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ સામેલ હતાં.
રાજકુમાર શર્મા કહે છે, "આ બંને બાળકો ખૂબ જ નાનાં-નાનાં હતાં. આઝાદજીએ કહ્યું કે આ બંને બાળકોમાં કુદરતી હુન્નર છે. હું બાળકોને મળવા ગયો અને તેમની મૅચ જોઈ. આઝાદ અને અરૂણ બેદીજી પણ હતા. બેદીજી મને એકાંતમાં લઈ ગયા અને કહ્યું કે 30 બાળકોમાં આ બંને સૌથી ખાસ છે. લખીને ખિસ્સામાં રાખી લો, આ બંને ઇન્ડિયા વતી રમશે અને ઓપનિંગ કરશે."
"એ પછી આઝાદ આવ્યા. તેઓ મારા ગુરૂ રહ્યા છે. હું તેમને પગે લાગ્યો ત્યારે તેમણે કહ્યું કે તારા છોકરામાં ખૂબ જ ટૅલેન્ટ છે, તે તે જ્યારે બેટિંગ કરવા આવે છે, ત્યારે તેને જોઈ રહું છું. તે અસાધારણ છોકરો છે. મારી વાત આખી જિંદગી યાદ રાખજે, આ બંને ઇન્ડિયાની ટીમમાં રમશે."
બંને કોચની વાતે રાજકુમાર શર્માના નિર્ધારને વધુ દ્રઢ કરી દીધો. તેમણે અને અભિષેકે દિવસરાત મહેનત કરી. તેઓ બૅન્કની નોકરીમાં રજા લઈને અભિષેકનું કોચિંગ કરતા.
અભિષેક અંડર-14ની ટીમમાં હતા, ત્યારે પિતાએ 130-140 કિલોમીટરની (પ્રતિકલાક) ઝડપે ફેંકેલો બૉલ રમતા. જ્યારે બીજા કોચ કહેતા કે આટલા ફાસ્ટ બૉલ કેમ રમાડો છો, ત્યારે અભિષેક તેમના પિતાને કહેતા કે તમે ફાસ્ટ બૉલ ફેંકો, હું રમવા માટે સજ્જ છું.
અભિષેક શર્મા અંડર-16માં પંજાબની ટીમના કૅપ્ટન હતા. અભિષેકે એક સિઝનમાં 1200 રન કર્યા અને 57 વિકેટ લીધી, એ પછી બીસીસીઆઈએ તેમને નમન ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતા.
એ પછી અભિષેકને અંડર-19 નૉર્થ ઝોનના કૅપ્ટન બનાવવામાં આવ્યા અને તેમની ટીમ જીતી. એ પછી તેઓ નૅશનલ ક્રિકેટ ઍકેડમી પહોંચ્યા, જ્યાં રાહુલ દ્રવિડની દેખરેખમાં અભિષેકનું કૌશલ્ય વધુ ખીલ્યું.
આગળ જતાં અભિષેક અંડર-19 ઇન્ડિયા ટીમના કૅપ્ટન બન્યા અને તેમનાં નેતૃત્વમાં ટીમે શ્રીલંકા ખાતે આયોજિત એશિયા કપ જીત્યો.
અભિષેકની રમતમાં જે સુધાર આવ્યો, એ તેમને ભારતીય ક્રિકેટના સ્ટાર યુવરાજસિંહની નજીક લઈ જતો જણાય છે.
યુવરાજસિંહ અને અભિષેકની મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
રણજી ટ્રૉફીને કારણે યુવરાજસિંહ અને અભિષેક શર્મા વચ્ચે મુલાકાત થઈ. પંજાબ ક્રિકેટ ઍસોસિયેશન ઇચ્છતું હતું કે અભિષેક અને શુભમનને તક આપવામાં આવે. એ સમયે યુવરાજસિંહ તેમની બીમારીને હરાવીને ભારતીય ક્રિકેટ ટીમમાં પુનરાગમન માટે પ્રયાસરત હતા અને બીસીસીઆઈના નિર્દેશ પર રણજી રમવા પરત ફર્યા હતા.
યુવરાજસિંહને જણાવવામાં આવ્યું કે અંડર-19માંથી બે છોકરાં આવી રહ્યાં છે, જેમાંથી એક ઓપનિંગ બૅટ્સમૅન છે, તથા બીજો લૅફ્ટ આર્મ સ્પીનર છે.
એ દિવસોને યાદ કરતા રાજકુમાર શર્મા કહે છે, "યુવરાજસિંહે કહ્યું હતું કે મને બૅટ્સમૅન જોઈએ છે, કારણ કે મારી પાસે બૉલર છે. સિલેક્ટર્સે કહ્યું કે બંનેને તક આપવી જોઈએ. એક મૅચ દરમિયાન ત્રણ-ચાર પ્લેયર્સ જલ્દી આઉટ થઈ ગયા."
"યુવરાજસિંહ બેટિંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અભિષેકને પૅડ કરાવીને મોકલો. પછી અભિષેક આવ્યા અને યુવરાજ જોતા જ રહી ગયા. તેઓ 40 ઉપર રમી રહ્યા હતા અને અભિષેક આવ્યા. અભિષેકે ધૂંઆધાર 100 રન ફટકાર્યા."
શર્મા કહે છે કે યુવરાજસિંહે મેદાન ઉપર જ કહ્યું હતું કે હવે અભિષેક તેમની પાસે ટ્રેનિંગ લેશે. ત્યારે અભિષેકે જવાબમાં કહ્યું કે તેઓ યુવરાજસિંહને તેમના આદર્શ અને ભગવાન માને છે તથા તેમને જોઈ-જોઈને જ રમતા શીખ્યા છે. ત્યારથી અત્યારસુધી યુવરાજસિંહ જ અભિષેકને ટ્રેનિંગ કરાવે છે.
બંનેના અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા છે. એક વીડિયોમાં અભિષેક શર્માને સંબોધતા યુવરાસિંહને એમ કહેતા સાંભળી શકાય છે કે, "તુના સુધરી, બસ છક્કે મારી જાઈ, થલ્લે ના ખેલી."
ગુજરાતીમાં કહીએ તો, "તું નહીં સુધરે, માત્ર છક્કા જ મારજે, ગ્રાઉન્ડ શૉટ પણ રમતો જા."
રાજકુમાર શર્મા કહે છે, "યુવરાજસિંહ જ તેમને તાલીમ અપાવે છે. તેઓ મારા દીકરાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. તેને મૅન્ટલી અને ફિઝિકલી મજબૂત બનાવી દીધો છે. અભિષેકની પાછળ પોતાની આખી ટીમ લગાડી દીધી છે."
"એકેય દિવસ ખાલી ન જવો જોઈએ. જો વર્લ્ડ ક્લાસ માણસ ટ્રેનિંગ કરાવે, તો વિચારો કે એ ખેલાડી આગળ ક્યાં સુધી જઈ શકે. હજુ તો ખાલી શરૂઆત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












