સંજય ગાંધીના ગુપ્ત ખાતામાં રૉએ લાખો રૂપિયા જમા કરાવ્યા હોવાની જ્યારે મોરારજી સરકારને શંકા ગઈ

મોરારજી દેસાઈ, રો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES/BLOOMSBURY

ઇમેજ કૅપ્શન, 1977માં વડા પ્રધાન બન્યા પછી મોરારજી દેસાઈએ રામેશ્વરનાથ કાવને રૉના પ્રમુખપદ પરથી હટાવવાનું નક્કી કરી લીધું હતું
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇંદિરા ગાંધીએ કટોકટી પછી માર્ચ 1977માં જ્યારે લોકસભા ચૂંટણી કરાવી ત્યારે તેમાં ફક્ત તેમની પાર્ટીની જ હાર ન થઈ પરંતુ તેઓ પોતાની લોકસભાની સીટ પણ હારી ગયાં.

સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન વિપક્ષે કટોકટી દરમિયાન ભારતની જાસૂસી એજન્સીઓ, ઇન્ટેલિજન્સ બ્યૂરો, રૉ અને સીબીઆઇની ભૂમિકાને એક મોટો ચૂંટણીમુદ્દો બનાવ્યો હતો.

મોરારજી દેસાઈએ વડા પ્રધાન બન્યા પછી રૉના સંસ્થાપક અને પ્રમુખ રામેશ્વરનાથ કાવને પદ પરથી હટાવવાનું નક્કી કરી લીધું હતું.

કાવ પછી રૉના પ્રમુખ બનેલા કે. સંકરન નાયર પોતાની આત્મકથા 'ઇનસાઇડ આઇબી ઍન્ડ રૉ'માં લખે છે, "જનતા પાર્ટી સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને સ્વયં વડા પ્રધાન મોરારજી દેસાઈએ પહેલાંથી જ રૉ વિરોધી ધારણા બાંધી લીધી હતી કે ઇંદિરા ગાંધી આ સંગઠનનો હથિયારની જેમ ઉપયોગ કરતાં હતાં."

'ઇનસાઇડ આઇબી ઍન્ડ રૉ'માં કે. સંકરન લખે છે, "કાવ જ્યારે પણ મોરારજી દેસાઈને મળવા જતા હતા, ત્યારે તેઓ એમ કહીને તેમનું અપમાન કરતા હતા કે તેઓ તેમનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. જ્યારે મોરારજી દેસાઈએ ત્રીજી વખત એવું કહ્યું, ત્યારે તેમણે મોરારજી દેસાઈને સ્પષ્ટ કહી દીધું કે તેઓ સમય પહેલાં પોતાના પદ પરથી નિવૃત્ત થવા માગશે."

"મોરારજી મને પણ રૉમાં ઇંદિરા ગાંધીના એજન્ટ માનતા હતા. પરંતુ તત્કાલીન કૅબિનેટ સચિવ નિર્મલ મુખરજીએ તેમને એમ કહીને મને રૉના પ્રમુખ બનાવવા માટે મનાવી લીધા કે હું રૉના સંસ્થાપકોમાંનો એક છું."

સંકરન નાયરનું પણ રાજીનામું

રૉ, પૂર્વ-પ્રમુખ સંકરન નાયર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, MANAS PUBLICATION

ઇમેજ કૅપ્શન, રૉના પૂર્વ-પ્રમુખ સંકરન નાયર

પરંતુ, સંકરન નાયરે માત્ર ત્રણ મહિના જ રૉના પ્રમુખ તરીકે કામ કર્યું. મોરારજી દેસાઈની સરકારે રૉના પ્રમુખના હોદ્દાનું નામ 'સેક્રેટરી રૉ'ને બદલીને ડાયરેક્ટર કરી દીધું. નાયરને લાગ્યું કે આવું તેમનું મહત્ત્વ ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું છે.

મોરારજી દેસાઈના કાર્યાલયે નાયરને સમજાવવાની કોશિશ કરી કે સરકારનો એવો કોઈ ઇરાદો નથી, પરંતુ ઘણાં મોટાં જાસૂસી અભિયાનોનું નેતૃત્વ કરી ચૂકેલા નાયરે પદ છોડવાનું નક્કી કરી લીધું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રૉના અધિકારીવર્ગને સંકરન નાયરના જવાનું ખૂબ દુઃખ થયું. તેઓ ખૂબ નામાંકિત અધિકારી હતા, જેમને રાજકારણ સાથે દૂર દૂર સુધી કશો સંબંધ નહોતો. કટોકટી લાગુ થયા પહેલાં ઇન્દિરા ગાંધીએ તેમને ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના પ્રમુખ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

રૉના એડિશનલ સેક્રેટરી રહેલા બી રમન પોતાના પુસ્તક 'ધ કાવ બૉય્ઝ ઑફ આર ઍન્ડ ડબ્લ્યૂ'માં લખે છે, "સંજય ગાંધીએ તેમને આરકે ધવન મારફતે સંદેશો મોકલાવ્યો કે તેઓ પોતાનું પદ સંભાળે તે પહેલાં વડાં પ્રધાન નિવાસસ્થાને આવીને તેમને મળે. નાયરે એમ કરવાનો ઇન્કાર કરી દીધો. સંજય ગાંધીએ તેમનું પોસ્ટિંગ રદ કરાવી દીધું અને તેમની જગ્યાએ શિવ માથુરને આઇબીના પ્રમુખ બનાવડાવી દીધા. સંજય તેમનાથી એટલા નારાજ થયા કે તેઓ તેમને રૉમાંથી હટાવીને તેમને રાજ્ય કૅડરમાં પાછા મોકલવા માગતા હતા."

બી રમને પોતાના ચર્ચિત પુસ્તકમાં લખ્યું, "કાવે એવું કરવાનો ઇન્કાર કરી દીધો અને સંજય ગાંધીના આ હસ્તક્ષેપ વિશે ઇંદિરા ગાંધી સમક્ષ પોતાની નારાજગી પ્રગટ કરી. ત્યાર પછી ઇંદિરા ગાંધીએ સંજયને કહી દીધું કે તેઓ રૉની બાબતોથી પોતાને દૂર રાખે."

પછીથી સંકરન નાયરે લખ્યું, "બીજા દિવસે કાવે મને કહ્યું કે મને સમજાતું નથી કે હું તમારી પાસે દુઃખ વ્યક્ત કરું કે તમને શુભેચ્છા પાઠવું. મેં તરત કહ્યું, તમે મને શુભેચ્છા આપી શકો છો."

કે. સંકરન નાયર, આત્મકથા ‘ઇનસાઇડ આઇબી ઍન્ડ રૉ’, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, MANAS PUBLICATION

ઇમેજ કૅપ્શન, કે. સંકરન નાયરની આત્મકથા 'ઇનસાઇડ આઇબી ઍન્ડ રૉ'

ઈરાની મિડલમૅનને 60 લાખ ડૉલર આપવાનો મામલો

જ્યારે મોરારજી દેસાઈની સરકાર સત્તામાં આવી ત્યારે તેમણે એવી અપેક્ષાએ રૉના બધા જૂના રેકૉર્ડ તપાસી નાખ્યા કે તેમને એ વાતના પુરાવા મળે કે ઇંદિરા ગાંધી અને સંજય ગાંધીએ સંસ્થાનો દુરુપયોગ કર્યો; પરંતુ તે પ્રકારનો એક પણ પુરાવો સરકારના ધ્યાનમાં ન આવ્યો, સિવાય કે એક ઘટના.

જનતા સરકારને નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બૅંકની ફાઇલોમાંથી કેટલીક એવી સામગ્રી મળી, જેનાથી આશા બંધાઈ કે રૉ, કાવ અને સંકરનને એક કેસમાં ફસાવી શકાય તેમ છે.

બી રમન લખે છે, "ફાઇલોમાંથી જાણવા મળ્યું કે કટોકટી દરમિયાન નાયરને સ્વિસ બૅંકના એક નંબર્ડ ખાતામાં 60 લાખ એટલે કે 6 મિલિયન ડૉલર જમા કરાવવા માટે જીનેવા મોકલવામાં આવ્યા હતા. જનતા સરકારને શંકા હતી કે આ પૈસા સંજય ગાંધીના ગુપ્ત ખાતામાં જમા કરાવાયા હતા. તપાસ કર્યાથી જાણવા મળ્યું કે હકીકતમાં તે ખાતું એક ઈરાની મિડલમૅન રાશિદયાનનું હતું, જેઓ ઈરાનના શાહની બહેન અશરફ પહલવીના મિત્ર હતા."

ઈરાનમાંથી સસ્તા ભાવે લોન અપાવવા માટે ભારત સરકારે આ વ્યક્તિની સેવા લીધી હતી અને તેને તેની ફી કે કમિશન તરીકે 6 મિલિયન ડૉલર ચૂકવવામાં આવ્યા હતા.

બી રમન લખે છે, "ઇંદિરા ગાંધી ઇચ્છતાં હતાં કે આ સમગ્ર બાબત ગુપ્ત રાખવામાં આવે, તેથી વિદેશ મંત્રાલયના અધિકારીઓના બદલે રૉની સેવા લેવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ હતો, જેમાં કોઈ વિદેશી વ્યક્તિને આપવામાં આવતા કમિશનને વડાં પ્રધાને સ્વીકૃતિ આપી હતી. જ્યારે આ હકીકત મોરારજીના ધ્યાનમાં લાવવામાં આવી ત્યારે તેમણે આ બાબતને વધુ મહત્ત્વ ન આપ્યું."

સંકરન નાયરે પણ આ આખા પ્રકરણનું વર્ણન પોતાના પુસ્તક 'ઇનસાઇડ આઇબી ઍન્ડ રૉ'માં કર્યું છે.

બી રમનનું પુસ્તક ‘ધ કાવ બ્લૉએઝ ઑફ આર ઍન્ડ ડબ્લ્યૂ’, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, LENCERPUBLISHERS

ઇમેજ કૅપ્શન, બી રમનનું પુસ્તક 'ધ કાવ બ્લૉએઝ ઑફ આર ઍન્ડ ડબ્લ્યૂ'

રૉના બજેટમાં પણ મોટો કાપ

મોરારજી દેસાઈના મનમાંથી એવી શંકા ક્યારેય દૂર ન થઈ કે ઇંદિરા ગાંધીએ કટોકટીનો વિરોધ કરનાર લોકોને હેરાન કરવા માટે રૉનો ઉપયોગ કર્યો હતો. તેનું પરિણામ એ આવ્યું કે તેમણે રૉમાંથી મોટા પ્રમાણમાં છટણી કરવાનો નિર્ણય કર્યો.

જ્યારે સંકરન નાયરને તેના વિશે ખબર પડી ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો. તેમણે મોરારજી દેસાઈને સમજાવવાની કોશિશ કરી કે તેનાથી માત્ર રૉના કર્મચારીઓના મનોબળ પર જ અસર નહીં થાય, બલકે પૈસા માટે કામ કરનાર તેના એજન્ટોની નજરમાં તેની વિશ્વસનીયતા પણ ઘટી જશે.

બી રમન લખે છે, "શરૂઆતમાં જનતા સરકારે રૉના બજેટમાં 50 ટકાનો કાપ કરી દીધો. જેના લીધે રૉએ પોતાના ઘણા જાસૂસોની સેવાઓ સમાપ્ત કરી દેવી પડી. પછીથી મોરારજી દેસાઈએ 50 ટકા કાપ પર વધુ ભાર ન મૂક્યો, પરંતુ ત્યારે પણ રૉના બજેટમાં ઘણો મોટો કાપ કરવામાં આવ્યો."

"નવા જાસૂસોની ભરતી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. વિદેશોમાં ઘણાં સ્ટેશનોનાં ઘણાં ડિવિઝન બંધ કરી દેવાયાં. આ બધાંનું પરિણામ એ આવ્યું કે રૉ ફરીથી એક નાનું સંગઠન બની ગયું, જે ઈ.સ. 1971 સુધી હતું."

મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોરારજી દેસાઈના મનમાંથી એ શંકા ક્યારેય દૂર ન થઈ કે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીનો વિરોધ કરનારા લોકોને હેરાન કરવા માટે રૉનો ઉપયોગ કર્યો હતો

કાવ વિરુદ્ધની તપાસમાં એક પણ પુરાવો નહીં

કાવ પ્રત્યે મોરારજી દેસાઈને એટલો અવિશ્વાસ હતો કે તેમણે કૅબિનેટ સચિવ નિર્મલ મુખરજીને એ સુનિશ્ચિત કરવા માટે કાવની ઑફિસે મોકલ્યા હતા કે તેઓ સંકરનને કાર્યભાર સોંપતાં પહેલાં કોઈ કાગળ નષ્ટ ન કરી દે.

પરંતુ થોડા દિવસ સત્તામાં રહ્યા પછી કાવ પ્રત્યેની જનતા સરકારની ધારણા બદલાઈ ગઈ હતી.

રૉના પૂર્વ અધિકારી આરકે યાદવ પોતાના પુસ્તક 'મિશન રૉ'માં લખે છે, "ચરણસિંહે કાવની સમક્ષ સ્વીકાર્યું કે ગૃહમંત્રી તરીકે તપાસ કરાવ્યા પછી તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ છે કે કાવે બિલકુલ યોગ્ય રીતે કામ કર્યું હતું અને તેમના વિરુદ્ધ કરવામાં આવેલા આરોપ પાયા વગરના હતા. વર્ષો પછી કાવે કહ્યું હતું કે ચરણસિંહનો આ વ્યવહાર તેમના દિલને સ્પર્શી ગયો હતો."

રૉની જવાબદારીઓ અંગે સરકારમાં મતભેદ

ચૌધરી ચરણસિંહ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહે કાવના કામ માટે સંતોષ પ્રકટ કર્યો હતો

રૉના ભવિષ્ય અંગે સરકારના ઉચ્ચ નેતૃત્વમાં એકમત નહોતો. એક બાજુ મોરારજી ઇચ્છતા હતા કે સંગઠનમાં મોટા પ્રમાણમાં કાપ કરવામાં આવે; જ્યારે ચરણસિંહનો મત હતો કે સંગઠન સાથે વધુ છેડછાડ કરવામાં ન આવે.

તો, વાજપેયીનો મત હતો કે રૉ એવા દેશો પર વધુ ધ્યાન આપે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે.

રમન લખે છે, "આ કારણે રૉનાં ભવિષ્ય અને જવાબદારી વિશે ટોચના નેતૃત્વના નિર્દેશ સ્પષ્ટ નહોતા, સૂચના એ વાત પર આધારિત રહેતી હતી કે તે સમયે સરકારમાં કોના વિચારોને મહત્ત્વ આપવામાં આવે છે."

વાજપેયીના વલણમાં પણ પરિવર્તન

કાવે પછીથી આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં જનતા સરકારમાં વિદેશમંત્રી રહેલા અટલ બિહારી વાજપેયીનું તેમના પ્રત્યેનું વલણ આક્રમક હતું.

જ્યારે પોતાનું પદ છોડવાના સમયે કાવ તેમને મળવા ગયા હતા, ત્યારે વાજપેયીએ તેમના પર તેમની જાસૂસી કરવાનો અને તેમના અંગત જીવનની વાતો ઇંદિરા ગાંધી સુધી પહોંચાડવાનો આરોપ કર્યો હતો.

મોરારજી દેસાઈ સાથેની પોતાની છેલ્લી મુલાકાતમાં કાવે વાજપેયીના વ્યવહારની ફરિયાદ કરી હતી.

કાવની વાત સાંભળ્યા પછી દેસાઈએ કહેલું કે વાજપેયીએ તેમની સાથે આ પ્રકારે વાત નહોતી કરવી જોઈતી. તેમણે વચન આપ્યું હતું કે આ બાબતમાં તેઓ વાજપેયી સાથે વાત કરશે. તેમણે વાત પણ કરી હતી.

થોડા દિવસ પછી વાજપેયીએ કાવને બોલાવીને મોરારજી દેસાઈને પોતાની ફરિયાદ કરવા અંગે નારાજગી પ્રકટ કરી હતી. પરંતુ, થોડા સમય પછી કાવ માટેની વાજપેયીની ધારણા સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. ઈ.સ. 1998માં વડા પ્રધાન બન્યા પછી તેમણે કાવનાં ખબરઅંતર પૂછ્યાં હતાં.

કારગિલ યુદ્ધ પરનો કારગિલ સમીક્ષા સમિતિનો રિપોર્ટ આવ્યા પછી વાજપેયીએ કાવને બોલાવીને તેમની સાથે વિચારવિમર્શ પણ કર્યો હતો.

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને રામનાથ કાવ

ઇમેજ સ્રોત, BLOOMSBURY

ઇમેજ કૅપ્શન, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને રામનાથ કાવ

સંતૂકે રૉની સ્થિતિ સંભાળી લીધી

1980માં જ્યારે ઇન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યાં, ત્યારે તેમણે રૉમાં કામ કરતા ભારતીય પોલીસ સેવાના ચાર અધિકારીઓને એવી શંકાના આધારે તેમના પદ પરથી હટાવી દીધા હતા કે તેઓ મોરારજી દેસાઈ અને ચરણસિંહના નિકટતમ હતા.

આ રૉના સૌથી અંધકારમય દિવસો હતા, પરંતુ પરિસ્થિતિને સંભાળી રૉના નવા પ્રમુખ બનેલા નૌશેરવા એફ સંતૂકે. સંતૂક તે સમયે સંયુક્ત જાસૂસ સમિતિના અધ્યક્ષ હતા. ત્યાં પ્રતિનિયુક્તિ પર જતાં પહેલાં રૉમાં તેઓ કાવ અને સંકરન પછી ત્રીજા નંબરે હતા.

તેમણે ભારતીય નૌસેનાથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર પછી તેઓ ભારતીય પોલીસ સેવામાં આવી ગયા હતા. ત્યાર પછી પૂર્વોત્તર રાજ્યોમાં વહીવટી તંત્ર માટે બનાવવામાં આવેલી ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેશન સર્વિસમાં તેમને પસંદ કરવામાં આવ્યા હતા.

સંતૂકે ત્રણ વડા પ્રધાનો સાથે કામ કર્યું

કાવ સંતૂકને પહેલાંથી ઓળખતા હતા, તેમણે તેમને રૉમાં આવવા માટે મનાવી લીધા.

બી રમન લખે છે, "નાયરની જેમ સંતૂક પણ વ્યાવસાયિક અને બિન-રાજકીય અધિકારી હતા. રૉના પ્રમુખ બન્યા પછી તેમણે બ્રિગેડિયર આઇએસ હસનવાલિયાને પોતાના નંબર બે તરીકે પસંદ કર્યા હતા. તેમની નિવૃત્તિ પછી એસપી કાર્નિક અને ત્યાર પછી શિવરાજ બહાદુર તેમના નંબર બે બન્યા હતા."

"સંતૂક રૉના એકમાત્ર એવા અધિકારી હતા જેમને જુદા જુદા સ્વભાવના ત્રણ વડા પ્રધાન મોરારજી દેસાઈ, ચરણસિંહ અને ઇંદિરા ગાંધી સાથે કામ કરવાની તક મળી હતી.

મોરારજીના કટર વિરોધી રહેલાં ઇંદિરા ગાંધીએ ઈ.સ. 1980માં ફરી સત્તામાં આવ્યા પછી પણ તેમને તેમના પદ પરથી હટાવ્યા નહોતા.

રૉના સંસ્થાપક રામનાથ કાવ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, BLOOMSBURY

ઇમેજ કૅપ્શન, રૉના સંસ્થાપક રામનાથ કાવ

સંતૂક અને દેસાઈ વચ્ચે સારો તાલમેળ

સંતૂકમાં અનેક ગુણો હતા. તેમને ડંફાશો મારવાની અને પોતાના પૂર્વવર્તીઓની ખોદણી કરવાની ટેવ નહોતી.

સંજોય કે. સિંહ પોતાના પુસ્તક 'મેજર ઑપરેશન્સ ઑફ રૉ'માં લખે છે, "સંતૂક ઇચ્છતા તો કાવ અને ઇંદિરા ગાંધીનાં રાજ ખોલીને મોરારજીની નજીક જઈ શકતા હતા, પરંતુ તેમણે એવું ન કર્યું. તેઓ વ્યક્તિગત રીતે કાવ પ્રત્યે પણ વફાદાર રહ્યા."

"મોરારજીના સમયમાં રૉમાં કાવને બાદ કરતાં બીજા કોઈ મોટા અધિકારીને તેમના પદ પરથી ન હટાવવાનું શ્રેય સંતૂકને આપવું જોઈએ. પદ સંભાળ્યાના થોડાક મહિનામાં તેમણે દેસાઈ સાથે એક સારું વ્યક્તિગત સમીકરણ બેસાડી લીધું હતું, જેનું એક કારણ તેઓ ગુજરાતી બોલતા હતા તે પણ હતું."

સંજોય કે. સિંહનું પુસ્તક ‘મેજર ઑપરેશન્સ ઑફ રૉ’, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, LENIN MEDIA

ઇમેજ કૅપ્શન, સંજોય કે. સિંહનું પુસ્તક 'મેજર ઑપરેશન્સ ઑફ રૉ'

સેઠના દ્વારા મોરારજી દેસાઈ પર દબાણ

1977માં સંતૂકને વિશ્વાસુ લોકો પાસેથી જાણવા મળ્યું કે વિદેશ મંત્રાલયનાં અમુક જૂથો ભારત પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરે તે અંગે ગંભીરતાથી વિચાર કરતાં હતાં.

સંતૂકની દૃષ્ટિએ આ ભારતના હિતમાં નહોતું. સંતૂકને ખબર હતી કે વડા પ્રધાન મોરારજી દેસાઈ મુંબઈમાં રહેતા પરમાણુ વૈજ્ઞાનિક ડૉક્ટર હોમી શેઠની સલાહને નજરઅંદાજ નહીં કરે.

નીતિન ગોખલે લખે છે, "સંતૂકને એવો પણ અંદાજ હતો કે માત્ર રામનાથ કાવ જ સેઠનાને મોરારજી દેસાઈ સાથે વાત કરવા માટે તૈયાર કરાવી શકતા હતા. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન રહ્યાં તે દરમિયાન સેઠના અને કાવે ઘણાં વર્ષો સુધી સાથે કામ કર્યું હતું. કાવે રૉના એક અધિકારી વી બાલાચંદ્રનને સેઠનાને મળવા મોકલ્યા. તેમની બ્રીફ હતી કે તેઓ સેઠનાને કહે કે તેઓ મોરારજીને સમજાવે કે પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષપ કરવા ભારતના હિતમાં નથી."

સેઠના અને મોરારજી વચ્ચે શી વાતચીત થઈ તે તો પબ્લિક ડોમેન પર ઉપલબ્ધ નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારત પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરવાના આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂક્યું નહીં.

ગોખલે લખે છે, "જો ભારતે તે સંધિ પર હસ્તાક્ષર કરી દીધા હોત, તો, ન તો પોખરણ–ટુ થયું હોત, ન ભારતની પાસે કોઈ પરમાણુ હથિયાર હોત અને ન તો ભારત અને અમેરિકાની વચ્ચે કોઈ પરમાણુ સમજૂતી થઈ હોત."

પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. હોમી સેઠના, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, PHOTO DIVISION

ઇમેજ કૅપ્શન, પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. હોમી સેઠના

રૉનો જૂનો સમય પાછો આવ્યો

વડા પ્રધાન હતા ત્યારે જ મોરારજી દેસાઈને રૉ દ્વારા મળતી રણનીતિ-સંબંધી ગુપ્ત માહિતીના મહત્ત્વનો અંદાજ આવી ગયો હતો.

સંતૂકના નેતૃત્વમાં, 1979 પહેલાં, રૉ મોરારજી દેસાઈના મનમાંથી નકારાત્મક છાપ હટાવવામાં સફળ થઈ ગયું હતું.

પરંતુ, એ પહેલાં કે તેઓ તેની સેવાઓનો ઉપયોગ કરી શકે, જનતા પાર્ટીમાં ભાગલા પડી ગયા હતા અને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું.

1980માં ઇન્દિરા ગાંધી ફરીથી સત્તામાં આવ્યાં પછીથી રૉના મહત્ત્વનો જૂનો સમય પાછો આવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન