"મને મારા નિર્ણય પર હવે પસ્તાવો થઈ રહ્યો છે," - નવા H-1B વિઝા નિયમોથી મૂંઝવણમાં મૂકાયેલા ભારતીયોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, SANTOSH KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
અમેરિકામાં હજારો દક્ષિણ એશિયન દેશોના પ્રોફેશનલ્સ માટે એચ-1બી વિઝા લાંબા સમયથી શૈક્ષણિક કારકિર્દી, સંશોધનની તકો અને વિશ્વના સૌથી મોટા ટેકનૉલૉજી બજારમાં નોકરીઓ મેળવવાનો પ્રવેશદ્વાર રહ્યો છે.
પરંતુ હવે આ રસ્તો અચાનક ઓછો સુરક્ષિત લાગવા માંડ્યો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી એચ-1બી વિઝા અરજીઓ પર એક લાખ અમેરિકન ડૉલરની ફી લાદવાના ઍક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નિયમ 21 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
આ જાહેરાત પછી ભારતીય એચ-1બી વિઝા ધારકો અને કંપની માલિકો બંને મૂંઝવણમાં મૂકાયા છે.
આ આદેશ જાહેર થતાંની સાથે જ તેના કાર્યક્ષેત્ર અંગે પણ મૂંઝવણ ફેલાઈ ગઈ છે. વકીલો, નોકરીદાતાઓ અને વિઝા ધારકો એમ બધાને તે સમજવામાં મુશ્કેલી પડી રહી છે.
આ સંદર્ભમાં વૉશિંગ્ટન ડીસીના ઇરમ અબ્બાસીએ બીબીસી માટે એચ-1બી વિઝા ધારકો અને અમેરિકામાં રહેતા નિષ્ણાતોના મંતવ્યો લીધાં.
દરમિયાન ભારતમાં બીબીસી સંવાદદાતા ઇશાદ્રિતા લાહિરીએ એવા ભારતીયો સાથે વાત કરી જેઓ આ આદેશના સમયે પોતાના વતન પરત ફરી રહ્યા હતા અને હવે મૂંઝવણમાં મુકાયા છે.
અમેરિકા પાછા ફરવું કે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરમ અબ્બાસી, વૉશિંગ્ટન ડીસીથી...
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાઉથ એશિયન બાર ઍએસોસિયેશન દ્વારા બોલાવવામાં આવેલી એક ઇમરજન્સી બેઠકમાં વકીલોએ કહ્યું, "આદેશના લખાણને કાળજીપૂર્વક વાંચ્યા પછી પણ તેનો અમલ કેવી રીતે થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી."
તેમણે અમેરિકામાં પહેેલેથી જ રહેતા એચ-1બી વિઝા ધારકોને સલાહ આપી હતી કે "અત્યાર પૂરતી આંતરરાષ્ટ્રીય મુસાફરી ટાળો કારણ કે સરહદ પર રહેલા અધિકારીઓ પાસે આ નવા આદેશનું વ્યાપક (કોઈ બીજું) અર્થઘટન કરવાનો અધિકાર હોઈ શકે છે."
અમેરિકાની બહાર હોય તેવા લોકોને 'જો શક્ય હોય તો 21 સપ્ટેમ્બરની સમયમર્યાદા પહેલાં પાછા ફરવાની અથવા તો કોર્ટના આદેશોની રાહ જોવાની' સલાહ આપવામાં આવી છે.
તાજેતરમાં વિઝા લોટરીમાં પસંદ કરાયેલા અરજદારોને 'સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાનું ટાળવાની" સલાહ પણ આપવામાં આવી હતી.
પરંતુ 48 કલાકની અંદર વ્હાઇટ હાઉસે આ ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ઍક્સ પર લખ્યું હતું કે, "આ ફી વાર્ષિક ચાર્જ નથી પરંતુ એક વખતનો જ ખર્ચ છે. જે ફક્ત નવી અરજીઓ પર જ લાગુ થશે."
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "જેઓ પહેલેથી જ એચ-1બી વિઝા ધરાવે છે અને હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સની બહાર છે તેમની પાસેથી ફરીથી પ્રવેશ માટે એક લાખ અમેરિકન વસૂલવામાં આવશે નહીં."
તેમણે એમ પણ કહ્યું હતું કે, "હાલના વિઝાધારકો પહેલેની જેમ મુસાફરી કરી શકશે અને તેમનો દરજ્જાને રિન્યૂ પણ કરી શકશે."
લેવિટે કહ્યું હતું કે, "આગામી H-1B લોટરીમાં આ ફેરફાર પહેલીવાર લાગુ કરવામાં આવશે."
તેમ છતાં, આ અનિશ્ચિતતાએ કંપનીઓ અને કર્મચારીઓ બંનેને હચમચાવી નાખ્યા છે.
અહેવાલો અનુસાર ઘણી મોટી ટૅક્નૉલૉજી કંપનીઓએ વિદેશમાં તેમના એચ-1બી સ્ટાફને તાત્કાલિક પાછા ફરવાની અથવા નવા નિયમો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
પ્યૂ રિસર્ચ સેન્ટર અનુસાર, "2023માં મંજૂર કરાયેલા તમામ એચ-1બી વિઝામાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ વિઝા ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા હતા. ચીન તેમની પાછળ ખૂબ જ પાછળ હતું, તેને 11 ટકા વિઝા મળ્યા હતા."
અમેરિકી સરકારના ડેટા પણ પુષ્ટિ કરે છે કે ઑક્ટોબર, 2022 અને સપ્ટેમ્બર, 2023 વચ્ચે જાહેર કરવામાં આવેલા તમામ એચ-1બી વિઝામાંથી 70 ટકાથી વધુ ભારતીયોને મળ્યા છે.
આ વર્ચસ્વનો અર્થ એ છે કે આટલા મોટા ફેરફારની પહેલી અને સૌથી મોટી અસર ભારતીય વ્યાવસાયિકો પર થવાની શક્યતા છે.
ટ્રમ્પના નિર્ણયથી જીવન અસ્તવ્યસ્ત થયાં

ઇમેજ સ્રોત, Getty Images
મિઝોરી યુનિવર્સિટીમાં એક ભારતીય પોસ્ટડૉક્ટરલ ફેલોએ બીબીસીને કહ્યું, "આ નિયમે મારા જીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત નાખ્યું છે."
તેમના વિઝા આવતા વર્ષે રિન્યૂ થવાના છે, અને તેમને શંકા છે કે તેઓ તેમની યુનિવર્સિટીને એક લાખ અમેરિકન ડૉલરની ફી ચૂકવી નહીં શકે.
તેમણે સમજાવ્યું હતું કે કે તેઓ અમેરિકા એટલા માટે જ આવ્યા હતા કારણ કે એચ-1બી વિઝા પ્રોગ્રામ તેમના જેવા સંશોધકોને શૈક્ષણિક કારકિર્દી બનાવવામાં મદદ કરે છે.
તેઓ કહે છે કે, "નવા નિયમો અંગેના વિરોધાભાસી સંદેશાઓએ મારા સાથીદારોમાં ચિંતા વધારી છે અને ભારતીય રાજદ્વારીઓ પાસેથી હસ્તક્ષેપની માંગણીઓ કરી છે."
નામ ન આપવાની શરતે તેમણે બીબીસીને જણાવ્યું કે એચ-1બી વિઝાના આધારે કારકિર્દી બનાવવી ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ છે.
તેઓ સૌપ્રથમ સમાજશાસ્ત્રમાં પીએચડી કરવા માટે સ્ટુડન્ટ વિઝા પર યુએસ આવ્યાં હતાં.
ત્યારબાદ તેમણે એચ-1બી વિઝા મેળવ્યા હતા અને છેલ્લાં ચાર વર્ષમાં તેમણે ત્રણ સંસ્થાઓમાં કામ કર્યું છે.
દરેક વખતે તેમને નવા સ્થાને જવું પડ્યું. તેમનું નેટવર્ક ફરીથી બનાવવું પડ્યું અને નવા વ્યાવસાયિક વાતાવરણમાં અનુકૂલન સાધવું પડ્યું. તેમનો પરિવાર ભારતમાં જ રહે છે. આ સમય દરમિયાન તેઓ તેમના પિતાની હૃદયની સર્જરી અને તેમની બહેનના લગ્ન ચૂકી ગયાં. કારણ કે તેમને આંતરરાષ્ટ્રીય મુસાફરી પરવડે તેમ ન હતી.
તેમના પતિ પણ પાછળથી યુએસ આવ્યા હતા. તેમના પતિને પોતાની વર્ક પરમિટ મેળવતા બે વર્ષ લાગ્યાં હતાં. તેમણે કહ્યું કે સતત અસ્થિરતાએ તેમના સ્વાસ્થ્ય પર અસર કરી હતી અને તણાવથી ઓટોઇમ્યુન બીમારી વધી ગઇ હતી.
તેમણે કહ્યું હતું કે શૈક્ષણિક ક્ષેત્રના પગાર ઊંચા વિઝા ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા નથી.
એચ-1બી વિઝા પર અમેરિકામાં કામ કરતા એક પાકિસ્તાની નાગરિકે નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું, "હું સંપૂર્ણપણે મૂંઝવણમાં છું અને વધુ માહિતીની રાહ જોઈ રહ્યો છું."
તેમણે કહ્યું કે તેઓ દરરોજ સત્તાવાર અપડેટ્સ અને કાનૂની સલાહનું નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ નિયમો કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું નથી.
"અનિશ્ચિતતાએ મને મૂંઝવણમાં મૂક્યો છે."
તેઓ કહે છે. "મને ખબર નથી કે અમેરિકામાં લાંબા ગાળાની યોજનાઓ બનાવવી કે અચાનક ઘરે પાછા ફરવાની તૈયારી કરવી. હું શું કરું?"
નિષ્ણાતો શું કહી રહ્યા છે?
અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલના પૉલિસી ડિરેક્ટર જ્યોર્જ લોવેરીએ બીબીસીને જણાવ્યું હતું કે, "આ નીતિ કોઈ પણ સૂચના વિના, કોઈ પણ માર્ગદર્શન વિના અને કોઈ પણ આયોજન વિના લાગુ કરવામાં આવી છે."
તેમણે ઉમેર્યું હતું કે, "અમે ફક્ત વિઝા ધારકો અને તેમના પરિવારોમાં જ નહીં, પરંતુ નોકરીદાતાઓ અને યુનિવર્સિટીઓમાં પણ મૂંઝવણનો માહોલ જોઈ રહ્યા છીએ. બધા લોકો આ આદેશનું પાલન કેવી રીતે કરવું તે સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સરકારની જવાબદારી છે કે તેઓ નિયમો સ્પષ્ટ કરે, ખાસ કરીને જ્યારે કે જીવન અને કારકિર્દી જોખમમાં હોય."
અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વકીલ ગુંજન સિંહે બીબીસીને જણાવ્યું હતું કે, "આ આદેશ કઠોર અને અસ્પષ્ટ છે."
"તેનાથી H-1B નોકરીઓ માટે કતારમાં રહેલા વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓમાં પહેલાંથી જ ગભરાટ ફેલાયો છે."
તેમણે ચેતવણી આપી હતી કે, "એક લાખ ડૉલરની ફી સંશોધકો અને બિન-લાભકારી સંસ્થાઓમાં કામ કરતા લોકો પર સૌથી વધુ અસર કરશે કારણ કે તેમના પગાર કોર્પોરેટ અને ટૅક્નૉલૉજી સંસ્થાઓ કરતાં ઘણા ઓછા હોય છે."
ગુંજન સિંહ કહે છે કે આ આદેશે યુએસ કૉંગ્રેસને પણ દરકિનાર કરી છે. જે કેટલાક બંધારણીય પ્રશ્નો પણ ઉભા કરે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, "ઇમિગ્રેશન અધિકારીઓ તરફથી મળેલી સ્પષ્ટતા સૂચવે છે કે ફી ફક્ત નવા કેસ પર જ લાગુ થશે, જે હાલના એચ-1બી વિઝા ધારકોને થોડી રાહત આપશે."
પાછા ભારત કેવી રીતે આવીને શરૂઆત કરવી

ઇમેજ સ્રોત, Getty Images
ઇશાદ્રિતા લાહિરી, દિલ્હીથી...
20 સપ્ટેમ્બરના રોજ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા અંગે નવી જાહેરાત પછી તરત જ રોહન મહેતા (નામ બદલ્યું છે) એ માત્ર આઠ કલાકમાં આઠ હજાર ડૉલરથી વધુ ખર્ચ કરી નાખ્યા.
તેઓ સતત નાગપુરથી અમેરિકા સુધીની ફ્લાઇટ્સનું બુકિંગ અને રિબુકિંગ કરી રહ્યા હતા.
તેમણે કહ્યું, "મેં ઘણા વિકલ્પો બુક કર્યા કારણ કે મોટાભાગની ફ્લાઇટ્સ કટઑફની ખૂબ નજીક હતી. જો કોઈ વિલંબ થયો હોત તો હું સમયમર્યાદા ચૂકી ગયો હોત."
સૉફ્ટવેર પ્રૉફેશનલ એવા રોહન મહેતા છેલ્લાં 11 વર્ષથી તેમના પરિવાર સાથે અમેરિકામાં રહે છે. આ મહિનાની શરૂઆતમાં તેઓ તેમના પિતાની પુણ્યતિથિ માટે નાગપુર આવ્યા હતા.
મહેતાએ કહ્યું, "મને ખુશી છે કે મારી પત્ની અને પુત્રી મારી સાથે ન આવ્યાં. આ ખૂબ જ ડરામણો અનુભવ હતો. મને મારા જીવનના નિર્ણયોનો અફસોસ છે. મેં મારી યુવાનીનો શ્રેષ્ઠ સમય જે દેશમાં માટે કામ કરવામાં વિતાવ્યો એને હવે મારી જરૂર નથી."
તેમણે ઉમેર્યું, "મારી દીકરીએ પોતાનું આખું જીવન અમેરિકામાં વિતાવ્યું છે. મને સમજાતું નથી કે હું ત્યાંથી કેવી રીતે પોતાને ઉખેડી નાખું અને ભારત આવીને નવેસરથી બધું શરૂ કરી શકું."
બીબીસીએ ઘણા અન્ય એચ-1બી વિઝાધારકો સાથે વાત કરી. જેમાંથી ઘણા દાયકાઓથી અમેરિકામાં કામ કરી રહ્યા છે.
તેમાંથી કોઈએ પણ તેમના નામ પ્રકાશિત કરવાની મંજૂરી ના આપી. તેમના નોકરીદાતાઓએ તેમને આમ કરવાની પરવાનગી નહોતી આપી.
ઘણાએ તેઓ નજર રાખી રહ્યા છે એવું કહીને અમારી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો.
જોકે, અમે જેમની સાથે વાત કરી હતી તે દરેક વ્યક્તિ આ ઑર્ડર વિશે ચિંતિત દેખાતા હતા.
ટ્રમ્પ વહીવટીતંત્ર શું કહે છે?

ઇમેજ સ્રોત, AARON SCHWARTZ/CNP/BLOOMBERG VIA GETTY IMAGES
ટ્રમ્પ વહીવટીતંત્રે આ પગલાંનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે અમેરિકન કામદારોનું રક્ષણ કરવું, વિઝા સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા અને ફક્ત કુશળ અને વિદેશી વ્યાવસાયિકો સૌથી વધુ પગાર મેળવવાને લાયક છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે.
રૉઇટર્સના જણાવ્યા અનુસાર, યુએસ વાણિજ્ય સચિવ હૉવર્ડ લુટનિકે કહ્યું, "જો તમે કોઈને તાલીમ આપવા જઈ રહ્યા છો, તો તમારે આપણા દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી તાજેતરના સ્નાતકોને તાલીમ આપવી જોઈએ. અમેરિકનોને તાલીમ આપવી જોઈએ. વિદેશથી લોકોને લાવીને અમારી નોકરીઓ છીનવી લેવાનું બંધ કરો."
વ્હાઇટ હાઉસે પણ રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેમાં જણાવ્યું છે કે સંવેદનશીલ ઉદ્યોગોમાં વિદેશી કામદારો પર વધુ પડતી નિર્ભરતા અમેરિકાની ક્ષમતાઓને નબળી પાડે છે.
ભારતીય વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી છે. એક નિવેદન અનુસાર, આ નિર્ણયની સંપૂર્ણ અસરને સમજવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભારતીય ઉદ્યોગે એચ-1બી વિઝા સંબંધિત કેટલાક મુદ્દાઓને સ્પષ્ટ કરતો પ્રારંભિક અહેવાલ પણ રજૂ કર્યો છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ બંને ઉદ્યોગમાં નવીનતા અને સર્જનાત્મકતામાં રસ ધરાવે છે અને અમે આગળનો માર્ગ નક્કી કરવા માટે પરસ્પર પરામર્શની રાહ જોઈ રહ્યા છીએ."
નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે આ પગલું ઘણાં પરિવારો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સરકારને આશા છે કે યુએસ અધિકારીઓ આ મુશ્કેલીઓનો યોગ્ય ઉકેલ શોધી કાઢશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












