અમેરિકા, કૅનેડામાં ભણવા માટે ગુજરાતી વિદ્યાર્થીઓનું આકર્ષણ ઘટ્યું, હવે કયા દેશો ફેવરિટ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે, પરંતુ અલગ-અલગ કારણોસર તાજેતરના સમય માં તેમની પસંદગી ઝડપભેર બદલાઈ રહી છે.
અમેરિકા એ હંમેશાથી હાયર એજ્યુકેશન માટે ગુજરાતી સહિતના ભારતીય વિદ્યાર્થીઓનો પસંદગીનો દેશ રહ્યો છે. તેની સાથે-સાથે કૅનેડા જતા સ્ટુડન્ટની સંખ્યા પણ બહુ મોટી છે, પરંતુ હવે ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા અને કૅનેડા સિવાયના દેશો તરફ નજર દોડાવી રહ્યા છે.
એજ્યુકેશન ટેક્નૉલૉજી કંપની અપગ્રેડના ટ્રાન્સનૅશનલ એજ્યુકેશન (ટીએનઈ) રિપોર્ટ 2024-25 પ્રમાણે, અમેરિકન યુનિવર્સિટીઓ માટે ભારતીય વિદ્યાર્થીઓની અરજીમાં છેલ્લા એક વર્ષમાં 13 ટકાનો ઘટાડો થયો છે.
બીજી તરફ જર્મની, યુએઈ જેવા દેશો માટે ભારતીય સ્ટુડન્ટ્સની અરજીઓ વધી છે.
રિપોર્ટ કહે છે કે જર્મનીમાં ભણવા જવા માટેની અરજીઓ 32.6 ટકા વધી છે. તેની સાથે-સાથે યુકે પણ મનપસંદ દેશોમાં સ્થાન ધરાવે છે.

દુબઈ અને કતાર જેવા મિડલ ઇસ્ટના દેશોમાં અમેરિકન યુનિવર્સિટીઓ પોતાના સેટેલાઇટ કૅમ્પસ ધરાવે છે તેથી ત્યાં ભણવા જવાનું ભારતીય વિદ્યાર્થીઓ પસંદ કરી રહ્યા છે.
અપગ્રેડના રિપોર્ટને ટાંકીને બિઝનેસ સ્ટાન્ડર્ડનો અહેવાલ જણાવે છે 2022માં 19 ટકા ભારતીયો અમેરિકામાં ભણવા માટે અરજીઓ કરતા હતા, જ્યારે 18 ટકા અરજીઓ કૅનેડા માટે થતી હતી.
તે મુજબ "2023માં 60 ટકા અરજીઓ યુએસમાં ભણવા માટે કરવામાં આવતી હતી, પરંતુ ત્યાર પછી તેનું પ્રમાણ ઘટીને 47 ટકા થયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, "કૅનેડા માટે પણ અરજીઓની સંખ્યા 2022માં 18 ટકાથી ઘટીને 2024-25માં માત્ર 9 ટકા થઈ ગઈ છે."


ઇમેજ સ્રોત, Bhavin Thaker
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીયોમાં ફોરેન એજ્યુકેશનના ટ્રેન્ડ વિશે યુએસ વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકરે બીબીસીને જણાવ્યું કે "સ્ટુડન્ટ વિઝા માટે હાલમાં અમેરિકા અને કૅનેડાની માંગ ઘટી ગઈ છે. તેની જગ્યાએ ઑસ્ટ્રેલિયા, યુરોપ અને યુકેની ડિમાન્ડ વધી છે."
"ન્યૂ ઝીલૅન્ડની સરકાર પણ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા પ્રયાસ કરી રહી છે."
આના કારણ આપતા ઠાકર કહે છે, "અમેરિકા માટે સેન્ટિમેન્ટ ખરડાયું છે. યુએસના નિયમો વારંવાર બદલાય છે, જેનાથી વિદ્યાર્થીઓ ચિંતિત છે."
"અમેરિકા જવા માટે વ્યવસ્થિત રીતે વિઝા મળે અને ત્યાં કારકિર્દી બનતી હોય તો ગુજરાતીઓની પહેલી પસંદ ચોક્ક્સ અમેરિકા જ હોય, પરંતુ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી તેના પર ભરોસો નથી રહ્યો."
ભાવિન ઠાકરે કહ્યું, "વિઝા અરજી સ્વીકારવાનો રેશિયો ઘટી ગયો છે, ઇન્ટરવ્યૂ માટે તારીખ નથી મળતી. તેથી અનિશ્ચિતતાના કારણે યુવાનો બીજા વૈકલ્પિક દેશો પસંદ કરે છે."
જૂન 2025ના બીબીસીના અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે દુનિયાભરમાં અમેરિકન દૂતાવાસોને સૂચના આપી હતી કે સ્ટુડન્ટ વિઝાની નવી અપૉઇન્ટમેન્ટ્સ અટકાવી દેવામાં આવે અને અરજકર્તાઓની સોશિયલ મીડિયા પોસ્ટ્સની આકરી ચકાસણી કરવામાં આવે.
આ અહેવાલમાં શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આગામી સેમેસ્ટર માટે અમેરિકન યુનિવર્સિટીઓમાં અરજીઓની સંખ્યામાં ઓછામાં ઓછા 30 ટકાનો ઘટાડો થયો હતો.
તેના કારણે વિદ્યાર્થીઓ જર્મની, યુકે અથવા ઑસ્ટ્રેલિયા ભણવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ગયા વર્ષે અમેરિકાના એફ-1 વિઝા રિજેક્ટ થવાનો રેશિયો પણ 10 વર્ષની ટોચે પહોંચી ગયો હતો અને 41 ટકા વિદેશી વિદ્યાર્થીઓની અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી.

ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધો તંગ બન્યા પછી ભારતીય સ્ટુડન્ટ્સ માટે કૅનેડા જવાનું મુશ્કેલ બની રહ્યું છે.
ઇમિગ્રેશન, રૅફ્યૂજી ઍન્ડ સિટીઝનશિપ કૅનેડાના (આઈઆરસીસી) ડેટા પ્રમાણે, 2025માં કૅનેડાએ ભારતીય વિદ્યાર્થીઓની 80 ટકા વિઝા અરજીઓ નામંજૂર કરી છે.
તમામ વિદેશી વિદ્યાર્થીઓની અરજીઓ જોવામાં આવે તો ગયા વર્ષે 52 ટકા અરજીઓ નકારવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 62 ટકા અરજીઓ રિજેક્ટ થઈ છે.
ભાવિન ઠાકર કહે છે કે, કૅનેડા માટે પણ વિઝા મંજૂર થવાનો રેશિયો ઘટ્યો છે. એક સમયે કૅનેડામાં એટલા બધા વિદ્યાર્થીઓ આવવા લાગ્યા કે જેના કારણે હાઉસિંગની સમસ્યા થઈ હતી. હવે સ્થિતિ સેટલ થઈ છે, પરંતુ આઈટીની જોબ મળવી મુશ્કેલ છે.
તેમને લાગે છે કે 2027 સુધીમાં કૅનેડા એક વ્યવસ્થિત નીતિ બનાવીને ફરીથી વિદેશી સ્ટુડન્ટને આકર્ષવાનું શરૂ કરી દેશે.
કૅનેડા અત્યારે પણ સ્ટડી પરમિટની સંખ્યા ઘટાડવાનું વિચારે છે. ગયા વર્ષની તુલનામાં ચાલુ વર્ષમાં લગભગ 10 ટકા ઓછી અરજીઓ સ્વીકારીને પરમિટની સંખ્યા ઘટાડીને 4.37 લાખ સુધી લાવવાની યોજના છે.

અમેરિકા અને કૅનેડામાં સ્થિતિ મુશ્કેલ થવાથી ભારતીય વિદ્યાર્થીઓ દેખીતી રીતે જ બીજા વિકલ્પો અજમાવી રહ્યા છે.
વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકરે કહ્યું કે યુરોપ એટલા માટે પસંદ કરવામાં આવે છે, કારણ કે તે સસ્તું પડે છે. તેવી જ રીતે ઑસ્ટ્રેલિયા હાલમાં કૅનેડાનો વિકલ્પ બની રહ્યો છે, કારણ કે તે ઝડપથી વિઝા ઇસ્યૂ કરે છે અને પીઆર પણ આપે છે.
યુકે માટે અંગ્રેજી બહુ સારું હોવું જરૂરી નથી. આ ઉપરાંત યુકે પાસે અમેરિકા સાથે સ્પર્ધા કરે તેવી યુનિવર્સિટીઓ પણ છે.
ઑસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશનવિરોધી માહોલ હોવા છતાં 2026 સુધીમાં વિદેશી સ્ટુડન્ટની લિમિટને 9 ટકા વધારવાની જાહેરાત કરી છે.
ઑગસ્ટ મહિનામાં ઑસ્ટ્રેલિયા સરકારે જાહેરાત કરી કે 2025 માટે 2.70 લાખ વિદેશી વિદ્યાર્થીઓની મર્યાદા નક્કી કરવામાં આવી હતી અને વિઝા ફી વધારાઈ હતી. હવે વિદ્યાર્થીઓની સંખ્યાની લિમિટ વધારીને 2.95 લાખ કરવામાં આવશે.
રોયટર્સના અહેવાલ પ્રમાણે 2023માં ઑસ્ટ્રેલિયાએ લગભગ 6 લાખ સ્ટુડન્ટ વિઝા ઇસ્યૂ કર્યા હતા. ઑસ્ટ્રેલિયામાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીન અને ભારતથી આવે છે.
શિક્ષણ વિભાગના આંકડા પ્રમાણે, ઑસ્ટ્રેલિયામાં 1.26 લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે, જ્યારે ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા 1.70 લાખ જેટલી છે.

ઇમેજ સ્રોત, Getty Images
જર્મનીના સત્તાવાર ડેટાને ટાંકીને ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે કે હાલમાં જર્મનીમાં લગભગ 49,000 ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.
છેલ્લા એક વર્ષમાં જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 15.1 ટકા વધી છે અને ચીન કરતાં પણ ભારતીય સ્ટુડન્ટની સંખ્યા વધારે છે. છેલ્લા પાંચ વર્ષમાં જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણા કરતા પણ વધારે વધી છે.
યુરોપમાં જર્મનીને કેમ વધારે પસંદ કરવામાં આવે છે તેના વિશે ભાવિન ઠાકરે કહ્યું, "જર્મની પ્રમાણમાં સસ્તું પડે છે અને જર્મન ભાષા આવડતી હોય, તો ત્યાંની પબ્લિક યુનિવર્સિટીઓમાં ટ્યૂશન ફી માફ થઈ જાય છે. જર્મન ભાષા ન આવડતી હોય તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ એડમિશન લઈ શકાય છે."
રોયટર્સના અહેવાલ પ્રમાણે ન્યૂ ઝીલૅન્ડ 2034 સુધીમાં પોતાના ઇન્ટરનૅશનલ એજ્યુકેશન માર્કેટને બમણું કરશે જેના માટે વિદેશી વિદ્યાર્થીઓ માટે ભણવાની સાથે સાથે પાર્ટ-ટાઇમ જોબના નિયમો હળવા કરવામાં આવશે.
2024માં 83 હજાર વિદેશી વિદ્યાર્થીઓએ ન્યૂ ઝીલૅન્ડમાં એડમિશન લીધું હતું. તેની સંખ્યા 2034 સુધીમાં 1.19 લાખ કરવાની યોજના છે.
ભાવિન ઠાકર કહે છે, "ન્યૂ ઝીલૅન્ડમાં રિવર્સ માઇગ્રેશન ચાલે છે અને હજારો લોકો ન્યૂ ઝીલૅન્ડ છોડીને ઑસ્ટ્રેલિયા અથવા બીજા દેશોમાં જતા રહ્યા છે. તેથી ન્યૂ ઝીલૅન્ડ માઇગ્રેશન પ્લાન બનાવી રહ્યું છે, જેથી વિદેશી યુવાનો ત્યાં આવીને ભણે અને સેટલ થાય. આના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ન્યૂ ઝીલૅન્ડ તરફ પણ વળશે એવું લાગે છે.
ગયા મહિને સ્ટેટિસ્ટિક્સ ન્યૂ ઝીલૅન્ડ ના ડેટા પ્રમાણે, છેલ્લા એક વર્ષમાં 71800 ન્યૂ ઝીલૅન્ડવાસીઓ દેશ છોડી ગયા હતા. ન્યૂ ઝીલૅન્ડના લોકો દેશ છોડી જતા હોય તેનું પ્રમાણ 13 વર્ષની ટોચ પર છે. તેમાંથી એક તૃતીયાંશ કરતા વધુ લોકો 30 વર્ષથી ઓછી વયના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












