સામૂહિક હત્યાકાંડથી માંડીને વિદ્રોહ સુધી : નેપાળનો 250 વર્ષનો ઇતિહાસ કેવો રહ્યો છે?

નેપાળ, રાજા મહેન્દ્ર, રાણી રતન રાજ્ય લક્ષ્મી દેવી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળના તત્કાલીન રાજા મહેન્દ્ર તેમનાં પત્ની રાણી રતનરાજ્ય લક્ષ્મીદેવી અને પુત્રી સાથે (આ તસવીર 1960માં લંડનમાં લેવાઈ હતી)
    • લેેખક, ટીમ બીબીસી હિન્દી

18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં ગોરખા ઓળખે એવો વેગ પકડ્યો કે અન્ય તમામ ઓળખ અને પ્રાંતો એક થયા અને હિમાલયના ખોળામાં વસેલા નેપાળી રાષ્ટ્રનો પાયો નંખાયો.

ભારત અને ચીન જેવા વિશાળ અને શક્તિશાળી દેશોની પડોશમાં આવેલા આ દેશમાં વિશ્વના આઠ સૌથી ઊંચાં શિખરો છે, જેમાં માઉન્ટ એવરેસ્ટનો પણ સમાવેશ થાય છે. નેપાળમાં તેને 'સાગરમાથા' કહેવામાં આવે છે.

ભારત અને નેપાળ 1751 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, જે સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પસાર થાય છે.

નેપાળ, વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક, એક એવી અર્થવ્યવસ્થા ધરાવે છે જે નાણાકીય સહાય અને પર્યટન પર આધારિત છે, પરંતુ આજે વાત એનાં ભૂગોળ કે અર્થતંત્ર વિશે નહીં પણ નેપાળના ઇતિહાસની કરવી છે.

આ કારણે બ્રિટને નેપાળની સ્વતંત્રતા સ્વીકારી

લંડન, વિક્ટરી પરેડ , ભારત, નેપાળ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1946માં લંડનમાં વિક્ટરી પરેડ દરમિયાન ભારત અને નેપાળના તેમના સાથીદારો સાથે જનરલ સિંહ શમશેર જંગ બહાદુર રાણા (ડાબેથી બીજા)

ઈ.સ. પૂર્વે એક હજાર વર્ષ પહેલાં નેપાળ નાનાં રજવાડાં અને કુળના સંઘોમાં વહેંચાયેલું હતું, પરંતુ મધ્યયુગીન રાજ્યો વચ્ચે સદીઓ જૂની દુશ્મનાવટનો અંત લાવવાનું શ્રેય ગોરખા રાજા પૃથ્વી નારાયણ શાહને જાય છે.

રાજા પૃથ્વી નારાયણ શાહે 1765માં નેપાળની એકતા માટે ઝુંબેશ શરૂ કરી હતી અને 1768 સુધીમાં તેમાં સફળ થયા હતા. અહીંથી જ આધુનિક નેપાળનો જન્મ થયો હતો.

ત્યાર બાદ શાહ વંશના પાંચમા રાજા રાજેન્દ્ર વિક્રમ શાહના શાસન દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નેપાળની સરહદના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો અને 1815માં યુદ્ધ શરૂ થયું, જેનો અંત સુગૌલી સંધિ સાથે થયો.

નેપાળના રાજવી પરિવારમાં જૂથવાદ વધ્યો, જેના કારણે અસ્થિરતા વધી. 1846માં રાજા સુરેન્દ્ર વિક્રમ શાહના શાસનકાળ દરમિયાન જંગ બહાદુર રાણા એક શક્તિશાળી લશ્કરી કમાન્ડર તરીકે ઊભરી આવ્યા.

એમનો પ્રભાવ ઓછો કરવા માટે રાણીએ એક કાવતરું રચ્યું, એક ભયંકર યુદ્ધ થયું, રાણીના સેંકડો સમર્થકો માર્યા ગયા અને જંગ બહાદુર રાણા વધુ શક્તિશાળી બન્યા.

આ પછી, રાજવી પરિવારે તેમને આશ્રય આપ્યો અને વડા પ્રધાનપદ વારસાગત બન્યું. રાણા પરિવાર અંગ્રેજોનો સમર્થક હતો. તેણે ભારતમાં 1857ની ક્રાંતિમાં બળવાખોરો સામે અંગ્રેજોને ટેકો આપ્યો હતો.

તેથી, 1923માં બ્રિટન અને નેપાળ વચ્ચે એક સંધિ પર હસ્તાક્ષર થયા, જેના હેઠળ નેપાળની સ્વતંત્રતા સ્વીકારવામાં આવી.

રાજમહેલનો સામૂહિક હત્યાકાંડ

નેપાળ, શાહી મહેલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1 જૂન, 2001ના રોજ નેપાળના શાહી મહેલમાં થયેલા સામૂહિક હત્યાકાંડથી આખી દુનિયા ચોંકી ગઈ હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1940ના દાયકામાં નેપાળમાં લોકશાહી તરફી ચળવળ શરૂ થઈ અને રાજકીય પક્ષોએ રાણાની સરમુખત્યારશાહીની ટીકા કરવાનું શરૂ કર્યું.

જ્યારે ચીને તિબેટ પર કબજો કર્યો, ત્યારે ભારતને ચિંતા થઈ કે ચીન નેપાળ સુધી પહોંચી શકે છે.

ત્યાર બાદ ભારતની મદદથી રાજા ત્રિભુવન બીર વિક્રમ શાહને નવા શાસક જાહેર કરવામાં આવ્યા અને નેપાળી કૉંગ્રેસ પાર્ટીની સરકાર રચાઈ.

પરંતુ રાજા અને સરકાર વચ્ચે સત્તા માટેનો ઝઘડો ચાલુ રહ્યો. 1959માં રાજા મહેન્દ્ર બીર વિક્રમ શાહે લોકશાહી પ્રયોગનો અંત લાવીને પંચાયત વ્યવસ્થા લાગુ કરી.

1972માં રાજા બીરેન્દ્ર વિક્રમ શાહે રાજ્યની બાગડોર સંભાળી. લગભગ 17 વર્ષ પછી 1989માં ફરી એક વાર લોકશાહીના સમર્થનમાં જન આંદોલન શરૂ થયું અને રાજા બીરેન્દ્ર બીર વિક્રમ શાહે બંધારણીય સુધારા સ્વીકારવા પડ્યા.

નેપાળમાં મે 1991માં પહેલી બહુપક્ષીય સંસદની રચના થઈ હતી, પરંતુ 1996 સુધીમાં દેશમાં માઓવાદી ચળવળ શરૂ થઈ ગઈ હતી.

1 જૂન, 2001ના રોજ નેપાળના શાહી મહેલમાં રાજા, રાણી, રાજકુમારો અને રાજકુમારીઓને સામૂહિક હત્યાકાંડમાં મારી નાખવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ રાજાના ભાઈ જ્ઞાનેન્દ્ર બીર વિક્રમ શાહે ગાદી સંભાળી.

નેપાળ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળમાં વિશ્વના આઠ સૌથી ઊંચાં શિખરો છે

ફેબ્રુઆરી 2005માં રાજા જ્ઞાનેન્દ્રે માઓવાદીઓના હિંસક આંદોલનને દબાવવા માટે સત્તા પોતાના હાથમાં લીધી અને સરકારને બરતરફ કરી.

2006 અને 2007માં નેપાળમાં ઘણી મોટી ઘટનાઓ ઘટી. નવેમ્બર 2006માં સરકારે માઓવાદીઓ સાથે શાંતિકરાર પર હસ્તાક્ષર કર્યા અને લાંબા સમયથી ચાલતા હિંસક સંઘર્ષનો અંત આવ્યો.

જાન્યુઆરી 2007માં માઓવાદીઓ કામચલાઉ બંધારણની શરતો હેઠળ સંસદમાં પ્રવેશ્યા. તે જ વર્ષના એપ્રિલમાં માઓવાદીઓ કામચલાઉ સરકારમાં જોડાયા અને રાજકીય મુખ્ય પ્રવાહનો ભાગ બન્યા.

આ વર્ષે તેમણે વચગાળાની સરકાર છોડી દીધી અને રાજાશાહી નાબૂદ કરવાની માગ કરી. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ રદ રાખવામાં આવી.

ડિસેમ્બર 2007માં સંસદે માઓવાદીઓ સાથે શાંતિકરારના ભાગરૂપે રાજાશાહી નાબૂદ કરવાને મંજૂરી આપી, જે સરકારમાં પાછા ફરી.

મે 2008માં નેપાળ પ્રજાસત્તાક બન્યું અને જુલાઈમાં રામ બરન યાદવ નેપાળના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. ઑગસ્ટમાં માઓવાદી નેતા પુષ્પ કમલ દહલે ગઠબંધન સરકાર બનાવી.

ત્રણ પક્ષોની આસપાસ ફરતું નેપાળનું રાજકારણ

નેપાળ, અર્થતંત્ર, પર્યટન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળના અર્થતંત્રમાં પર્યટનનો મોટો ફાળો છે (નેપાળના પોખરાનો ફાઇલ ફોટો)

2008 પછીનાં વર્ષોમાં પણ નેપાળમાં રાજકીય વિકાસ ચાલુ રહ્યો, પરંતુ સપ્ટેમ્બર 2015માં સંસદે ઐતિહાસિક બંધારણ પસાર કર્યું અને નેપાળને ધર્મનિરપેક્ષ દેશ જાહેર કર્યો.

ઑક્ટોબર 2015માં કેપી શર્મા ઓલી નવા બંધારણ હેઠળ ચૂંટાયેલા પ્રથમ વડા પ્રધાન બન્યા.

પ્રજાસત્તાક બન્યા પછી નેપાળનું રાજકારણ મૂળભૂત રીતે ત્રણ પક્ષોની આસપાસ ફરતું રહ્યું છે અને દેશ રાજકીય રીતે અસ્થિર રહે છે.

હવે વાત કરીએ વર્ષ 2025ની. સપ્ટેમ્બરમાં નેપાળ સરકારે 26 પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવાં લોકપ્રિય સોશિયલ મીડિયા અને મૅસેજિંગ પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે.

સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા કંપનીઓને દેશના કાયદાનું પાલન કરવા, સ્થાનિક ઑફિસો ખોલવા અને ફરિયાદ અધિકારીઓની નિમણૂક કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.

ચીનની સોશિયલ મીડિયા કંપની ટીકટૉકે સમયસર આ શરતોનું પાલન કર્યું, તેથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહીં.

સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર પ્રતિબંધ બાદ યુવાનોએ વિરોધપ્રદર્શનનું આહ્વાન કર્યું.

નેપાળ, વિરોધ પ્રદર્શન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોમાં ખાનગી અને જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે

નેપાળમાં હાલમાં ટીકટૉક ટ્રૅન્ડ કરી રહ્યું છે. વિરોધપ્રદર્શનના આયોજકોએ ટીકટૉક પર ઘણા વીડિયો શૅર કર્યા અને યુવાનોને વિરોધપ્રદર્શનમાં જોડાવા અપીલ કરી.

ટિકટૉક પર 'નેપો બેબી' ટ્રૅન્ડ પણ શરૂ થયો હતો, જેમાં રાજકારણીઓનાં બાળકોના વૈભવી જીવનના ફોટા અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. આમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે રાજકારણીઓ તેમનાં બાળકોને ફાયદો કરાવી રહ્યા છે, પરંતુ દેશ માટે કામ નથી કરી રહ્યા.

આ મામલાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને મોટા પાયે હિંસા થઈ. ઘણા લોકો માર્યા ગયા. સરકાર વિરોધી પ્રદર્શનો બાદ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું.

કેપી શર્મા ઓલી અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાના નજીકના લોકો સહિત અનેક હાઈ-પ્રોફાઇલ રાજકારણીઓનાં ઘરો પર હુમલો અને તોડફોડ કરવામાં આવી હતી.

રાજકીય પક્ષના મુખ્યાલય પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે વિરોધીઓને વિખેરવા માટે ટીયરગૅસના શેલ છોડ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન