નેપાળમાં હવે શું થશે અને આખા દેશમાં જેમની ચર્ચા થઈ રહી એ બાલેન શાહ કોણ છે?

ઇમેજ સ્રોત, ShahBalen/fb
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
નેપાળના યુવાનો રોષે અને ગુસ્સે ભરાયેલા છે. તેમના હૃદયનો ગુસ્સો અને રોષ રસ્તાઓથી માંડીને સંસદ સુધી બધે જોવા મળી રહ્યો છે એટલું જ નહીં, તેમનો ગુસ્સો ઑનલાઇન પ્લૅટફૉર્મ પણ સ્પષ્ટપણે દેખાય છે.
નેતાઓનાં બાળકોની લક્ઝરી કાર, મોંઘાં બ્રાન્ડેડ કપડાં, મોંઘી ઘડિયાળો અને તેમના વિદેશ પ્રવાસ અથવા પર્યટનના વીડિયો તેમજ ફોટોગ્રાફ્સ વાઇરલ થઈ રહ્યા છે.
એક તરફ નેપાળના સામાન્ય લોકો ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ નેપાળી નેતાઓનાં સંતાનો તમામ પ્રકારની સુખ-સુવિધાઓ સાથે વૈભવી જીવન જીવી રહ્યાં છે. નેપાળના યુવાનો આ સંદેશો આપી રહ્યા છે.
સોમવાર, આઠમી સપ્ટેમ્બરે નેપાળમાં હજારો યુવાઓ રસ્તા (જનરેશન ઝી) રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. તેઓ નેપાળી સંસદના પરિસરમાં પણ પહોંચ્યા હતા. નારેબાજી કરી રહ્યા હતાઃ 'અમારો કર અને તમારી સંપત્તિ.'
નેપાળના યુવાઓ સવાલ પૂછી રહ્યા છે કે નેપાળી નેતાઓનાં સંતાનો પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે?
સામાન્ય નેપાળીઓ માને છે કે દેશમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે. સરકારી પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને સત્તામાં રહેલા લોકો બેશરમ બનીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
ઓલીએ આવું કેમ થવા દીધું?
નેપાળના લોકો કહી રહ્યા છે કે સરકારે ભ્રષ્ટાચાર પર લગામ તાણવી જોઈતી હતી. અલબત્ત, સરકારે ભ્રષ્ટાચારના વિરોધને દબાવવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન કેપી શર્મા ઓલીની નેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઇડ માર્ક્સવાદી-લેનિનવાદી) નેપાળી કૉંગ્રેસના સમર્થન વડે સત્તા પર હતા. આઠમી સપ્ટેમ્બરે સાંજે પ્રધાનમંડળની બેઠક યોજાઈ હતી અને નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપ્યું હતું.
વડા પ્રધાન ઓલીએ ફેસબુક, યુટ્યૂબ, ઍક્સ, વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય શા માટે કર્યો હતો? સરકારને અંદાજ ન હતો કે પ્રતિબંધ લાદવાથી લોકોનો રોષ ફાટી નીકળશે?
સરકારે વિરોધપ્રદર્શન સામે કેમ એવી રીતે કામ પાર પાડ્યું કે 20થી વધુ લોકોનાં મૃત્યુ થયાં? આવા સવાલો હવે થઈ રહ્યા છે.
રસ્તાથી સંસદ સુધી લોકોનો ગુસ્સો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાના નિર્ણયથી નેપાળી સરકાર સામે અસંતોષ ફેલાયો છે.
2008માં નેપાળમાં રાજાશાહીનો અંત આવ્યો ત્યારથી સામ્યવાદી પક્ષ એક યા બીજા સ્વરૂપે સત્તામાં રહ્યો છે, પરંતુ હવે તેની સામે ગુસ્સો વધી રહ્યો છે.
કેપી ઓલી શર્મા સરકાર નેપાળી કૉંગ્રેસના ટેકાના આધારે ટકી રહી. આ સ્થિતિમાં ટેકો પાછો ખેંચી લેવાનું દબાણ નેપાળી કૉંગ્રેસ પર પણ વધી ગયું.
નેપાળમાં આંદોલનકર્તાઓ કાઠમંડુના મેયર બાલેન શાહને રાજીનામું આપીને આંદોલનનું નેતૃત્વ કરવા આગ્રહ કરી રહ્યા છે. બાલેન શાહે આંદોલનને સમર્થન આપ્યું છે, પરંતુ રસ્તા પર ઊતર્યા નથી.
વિજયકાંત કર્ણ ડેનમાર્કમાં નેપાળના ભૂતપૂર્વ રાજદૂત છે. તેઓ કાઠમંડુમાં સેન્ટર ફૉર સોશિયલ ઇન્ક્લુઝન ઍન્ડ ફેડરલિઝમ (સીઈઆઈએસએફ) નામની એક થિંક ટેન્કનું સંચાલન કરી રહ્યા છે.
ઉપરોક્ત સવાલોના જવાબમાં તેમણે બીબીસીને કહ્યું હતું, "વડા પ્રધાન ઓલી લોકશાહીવિરોધી નેતા બની ગયા છે. તેમણે વિરોધીઓને દબાવવા માટે કોર્ટની આડમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદ્યો છે."
"કોર્ટે કહ્યું હતું કે સોશિયલ મીડિયાનું રજિસ્ટ્રેશન થવું જોઈએ અને તેના પર દેખરેખ માટે કાયદો બનાવવો જોઈએ. કોર્ટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું જ ન હતું."
વિજયકાંત કર્ણે ઉમેર્યું હતું, "ઓલીએ મીડિયા પર નિયંત્રણ લાદવાનો પ્રયાસ કર્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. તેઓ અગાઉ પણ મુખ્ય ધારાના મીડિયા વિરુદ્ધનો ખરડો લાવ્યા હતા."
સોશિયલ મીડિયા પરના પ્રતિબંધે આપ્યો આંદોલનને વેગ

ઇમેજ સ્રોત, KATHMANDU MAHANAGARPALIKA
નેપાળી મીડિયા કહી રહ્યું છે કે આંદોલન હવે સોશિયલ મીડિયા પરના પ્રતિબંધથી ઘણું આગળ વધી ગયું છે. વાસ્તવિક મુદ્દો ભ્રષ્ટાચાર છે.
નેપાળના અગ્રણી અંગ્રેજી અખબાર માય રિપબ્લિકાએ એક તંત્રીલેખમાં લખ્યું છે, "જેન ઝી ચળવળ સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ પૂરતી મર્યાદિત નથી."
"ભ્રષ્ટાચાર અને કુશાસનના મુદ્દે લોકો પહેલાથી જ ગુસ્સે હતા. હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પછી એ ગુસ્સો શેરીઓમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પરના પ્રતિબંધે એક ચિનગારીનું કામ કર્યું છે."
રિપબ્લિકાએ લખ્યું છે, "યુવાઓએ એક જ દિવસમાં સરકારના પાયા હચમચાવી નાખ્યા છે. નેપાળમાં ભ્રષ્ટ નેતાઓના પરિવારોની વૈભવી જીવનશૈલીને કારણે લોકોમાં ભારે રોષ છે. એક જ દિવસમાં અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે અને તેને અવગણી શકાય નહીં."
"ગૃહમંત્રીએ ભલે રાજીનામું આપી દીધું હોય અને તપાસ સમિતિની રચના કરવામાં આવી હોય, પરંતુ આટલાથી જવાબદારી પૂર્ણ થતી નથી."
નેપાળના આયોજનપંચના ભૂતપૂર્વ સભ્ય ગણેશ ગુરુંગ કાઠમંડુમાં નેપાળ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડૅવલપમૅન્ટ સ્ટડીઝ નામની સંસ્થા ચલાવે છે. તેમના કહેવા મુજબ, નેપાળી યુવાનો ભયાનક બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.
ગણેશ ગુરુંગે કહ્યું હતું, "નેપાળના વિદેશી રોજગાર વિભાગના આંકડા અનુસાર, દરરોજ સરેરાશ 2,200 લોકો નેપાળ છોડીને અખાતી દેશો સિવાય મલેશિયા અને દક્ષિણ કોરિયા જઈ રહ્યા છે."
"આમાં ભારત જેવા મિત્રદેશોમાં જતા લોકોનો સમાવેશ થતો નથી. ગેરકાયદેસર વિદેશ જતા લોકોનો સમાવેશ થતો નથી. આનાથી ખ્યાલ આવે છે કે નેપાળી યુવા કેટલા બેચેન છે."
ગણેશ ગુરુંગે ઉમેર્યું હતું, "વિદેશ જતા આવા લોકોની આવક નેપાળી અર્થતંત્ર માટે જીવનરેખા છે. દેશની જીડીપીમાં આવા નેપાળી લોકોનું યોગદાન 28 ટકા છે."
"નેપાળની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ફક્ત 25 ટકા છે, જ્યારે પર્યટનનો હિસ્સો તો છ-સાત ટકા જ છે. કુલ 40 લાખ નેપાળી લોકો વિદેશમાં કામ કરે છે. તેમાં ભારતમાં કામ કરતા નેપાળી લોકોનો સમાવેશ થતો નથી."
સામ્યવાદી પક્ષના કિસ્સામાં અપેક્ષાભંગ કેમ?

ઇમેજ સ્રોત, UML SECRETARIAT
નેપાળના પ્રખ્યાત બૌદ્ધિક સીકે લાલને સવાલ કર્યો હતો કે ઓલી આખરે શું કરવા માગે છે?
તેમણે બીબીસીને કહ્યું હતું, "ઓલીનું વલણ શરૂઆતથી જ વિરોધ સહન ન કરવાનું રહ્યું છે. આમાં કંઈ નવું નથી. તમારે યાદ રાખવું જોઈએ કે 2015માં મધેશ આંદોલન દરમિયાન આટલી જ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી."
"મધેશમાં બનેલી ઘટનાઓ કાઠમંડુના મીડિયામાં પ્રકાશિત થતી નથી. સાથે જ ઓલીમાં સત્તા પર હોવાનો અહંકાર આવી ગયો."
2008માં રાજાશાહીના અંત પછી નેપાળમાં કૉમ્યુનિસ્ટ પાર્ટી સત્તામાં છે. સવાલ એ પણ છે કે નેપાળમાં રાજાશાહીના અંત પછીનો ઉત્સાહ ઓસરી ગયો છે? નેપાળી લોકો નવો વિકલ્પ ઇચ્છે છે?
સીકે લાલે કહ્યું હતું, "જુઓ, લોકોની યાદશક્તિ ટૂંકી હોય છે. બીજી વાત એ છે કે આ એક નવી પેઢી છે. તેમણે રાજાશાહીની ક્રૂરતા જોઈ નથી. તેમને તેનો કોઈ અનુભવ નથી. જેમણે ક્રૂરતા જોઈ છે તેઓ જ સરખામણી કરી શકે."
"આઠમી સપ્ટેમ્બરના આંદોલનની વાત કરીએ તો એ બધા 25 વર્ષના યુવાનો હતા. તેમણે પ્રચંડ, ઓલી અને દેઉબાને સત્તામાં સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા જોયા છે. તેમને બીજું કંઈ યાદ નથી."
સીકે લાલના કહેવા મુજબ, "બીજી તરફ, જેઓ સત્તા પર છે તેઓ એવું વિચારે છે કે તેમણે ઘણું બલિદાન આપ્યું છે. તેથી તેઓ ગમે તે કરે, લોકો તેમને માફ કરશે. મને લાગે છે કે સમસ્યા બન્ને બાજુ છે."
નેપાળમાં નવું નેતૃત્વ ઊભરી આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ચળવળમાંથી નેપાળમાં નવું નેતૃત્વ ઊભરી આવશે? જૂના પક્ષો નબળા પડશે?
સીકે લાલે કહ્યું હતું, "તમે યુક્રેનમાં ઝેલેન્સ્કીના ઉદય પર નજર નાખો તો સમજાશે કે લોકપ્રિય નેતાઓ આવા આંદોલનમાંથી જ બહાર આવે છે, પરંતુ તેની સાથે સમસ્યા એ છે કે તેમાં કોઈ સંગઠન કે વિચારધારા નથી."
"નેતૃત્વ ઘણી વાર ભીડમાં અલગ દેખાવાથી જન્મે છે. આવા નેતૃત્વ પાસેથી મોટા પરિવર્તનની આશા રાખવી બહુ ખતરનાક છે."
કાઠમંડુના મેયર બાલેન શાહને, રાજીનામું આપીને નેતૃત્વની હાકલ નેપાળમાં લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે.
નેપાળમાં વૈકલ્પિક રાજકારણનો મુદ્દો આવે છે ત્યારે બાલેન શાહનું નામ અનેક વખત સામે આવે છે. લોકોને બાલેન શાહમાં આટલો ભરોસો કેમ છે?
સીકે લાલે કહ્યું હતું, "લોકોને બાલેન શાહનું વ્યક્તિત્વ આકર્ષક લાગે છે. બાલેન ગાયક હતા. તેમણે તેમના પ્રત્યક્ષ કામથી કોઈ પ્રભાવ પાડ્યો નથી. તેઓ માત્ર સરકાર વિરુદ્ધ બોલે છે. દાખલા તરીકે, બાલેન શાહે કહ્યું હતું કે સિંહ મહેલમાં આગ લગાવી દેશે."
"કોઈ જવાબદાર નેતા આવું બોલે નહીં, પરંતુ આવું બોલવું અયોગ્ય છે, એવું બાલેનને લાગતું નથી. આવી ભાષા અને આવા વ્યક્તિત્વ, મુશ્કેલીમાં ફસાયેલા અનેક લોકોને આકર્ષક લાગે છે."
વિજયકાંત કર્ણના જણાવ્યા મુજબ, બાલેન શાહની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી. અગાઉ તેઓ રૅપર હતા.
નેતા વિનાનું આંદોલન પૂર જેવું છે અને તે પોતાનો રસ્તો શોધી કાઢશે, એવું સીકે લાલ કહે છે ત્યારે સવાલ છે કે નેપાળમાં જેન ઝી ચળવળ પોતાનો માર્ગ શોધી શકશે?
સીકે લાલે કહ્યું હતું, "અત્યાર સુધી જેન ઝીના ગુસ્સાને કોઈ દિશા મળવાની શક્યતા દેખાતી નથી. આવા આંદોલનમાં એક ડર હોય છે. કેટલાક ચાલાક લોકો તેનો ઉપયોગ કરીને નેતા બની જાય છે."
નેપાળમાં ઓલી સરકાર નેપાળી કૉંગ્રેસના ટેકાથી ચાલી રહી છે. લોકો નેપાળી કૉંગ્રેસને સવાલ કરી રહ્યા છે કે તેઓ આ સમગ્ર મામલામાં ઓલી સરકારને ટેકો શા માટે આપે છે?
નેપાળી કૉંગ્રેસના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું, "નેપાળી કૉંગ્રેસ રાજકીય પહેલ કરનાર પક્ષ નથી. આ પક્ષ ઓલીનો અનુયાયી બની ગયો છે. તેઓ કોઈ પણ રીતે સત્તામાં ભાગીદાર બની રહેવા ઇચ્છે છે.
આંદોલનમાં મધેસ પણ સામેલ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કાઠમંડુમાં શરૂ થયેલુ જેન ઝીનું આંદોલન આખા નેપાળમાં પ્રસર્યું છે? તેમાં મધેશ પણ સામેલ છે?
સીકે લાલે કહ્યું હતું, "આંદોલનમાં હજુ સુધી તો મધેશની કોઈ અસર દેખાતી નથી. 2015માં પોતાની સાથે શું થયું હતું તે મધેશના લોકોને યાદ છે. એ બાબતે કાઠમંડુમાં કોઈએ કશું કહ્યું ન હતું."
"આંદોલન મધેશમાં ફેલાશે તો તેને અંકુશમાં લેવું મુશ્કેલ બનશે. મધેશમાં પહાડીઓના દબદબાવાળા વિસ્તારમાં આંદોલનની થોડી અસર જોવા મળે છે."
આ આંદોલન બાબતે ઓલી કહી રહ્યા છે કે તેમાં ઘૂસણખોરો સામેલ છે. ઘૂસણખોરો એટલે કોણ? કાઠમંડુના વરિષ્ઠ પત્રકાર નરેશ જ્ઞવાલીએ જણાવ્યું હતું કે ઘૂસણખોરોનો સંદર્ભ રાજાવાદી અને હિન્દુ રાષ્ટ્રની માગ કરતા લોકો છે.
જ્ઞવાલીએ કહ્યું હતું, "આવું કહીને ઓલી સરકાર તેની ભૂલો પર ઢાંકપિછોડાનો પ્રયાસ કરી રહી છે. કોઈ મોટા આંદોલનમાં અનેક પ્રકારના લોકો સામેલ હોઈ શકે છે. તેનો અર્થ એ નથી કે લોકોની માગ ખોટી છે અને તમે 20 બાળકોનો જીવ લઈ લો."
નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન બાબુરામ ભટ્ટરાઈને સવાલ કર્યો કે તેઓ ઘૂસણખોરો સંબંધી ઓલીના નિવેદન બાબતે શું માને છે?
ભટ્ટરાઈએ બીબીસીને કહ્યું હતું, "તેનો કોઈ અર્થ નથી. સરકારે લોકો પર ક્રૂરતા આચરી છે. મોટા આંદોલનમાં કેટલાક ખોટા લોકો ઘૂસી જાય તે શક્ય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે લોકો પર ગોળીબાર કરાવો."
"મને લાગે છે કે આપણી યુવાપેઢી નવું નેતૃત્વ પેદા કરશે અને જે પક્ષો સત્તામાં જામેલા છે તેને હાંકી કાઢશે."
આ આંદોલનની ઓલીના નેતૃત્વ પરની અસર બાબતે સીકે લાલે કહ્યું હતું, "ઓલી માને છે કે તેઓ પદ પર રહે કે ન રહે, પરંતુ તેમની ઇમેજને લાભ જ થશે."
"ઓલી માને છે કે તેમને રાષ્ટ્રવાદી નેતા તરીકે યાદ રાખવામાં આવશે. મને લાગે છે કે પહાડી બ્રાહ્મણો અને છેત્રી લોકોમાં તેમની ઇમેજ પર બહુ અસર થશે નહીં. રાષ્ટ્રવાદની મુશ્કેલી એ છે કે તે ષડ્યંત્ર શોધી કાઢે છે. ષડ્યંત્ર વિના રાષ્ટ્રવાદ ચાલતો નથી."
સીકે લાલ માને છે, "આંદોલનમાં મધેસી જોડાશે તો ઓલી માટે એવું કહેવું આસાન થઈ જશે કે આ બધું પ્રાયોજિત છે. મધેસી અત્યારે આંદોલનમાં સામેલ નથી. તેથી ઓલી માટે આવું કહેવું આસાન નથી."
સીકે લાલે કહ્યું હતું, "મધેસીઓને યાદ છે કે સાત વર્ષના ચંદન પટેલ અને 14 વર્ષના નીતુ યાદવના માથામાં ગોળી મારવામાં આવી હતી. 2015માં પણ આટલાં જ બાળકો માર્યાં ગયાં હતાં, પરંતુ ત્યારે કાઠમંડુ ચૂપ હતું."
બાલેન શાહ કોણ છે?

ઇમેજ સ્રોત, ShahBalen/fb
બાલેન શાહ મે 2022માં પહેલી વખત નેપાળની રાજધાની કાઠમંડુના મેયર બન્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું.
તેમણે નેપાળી કૉંગ્રેસનાં સૃજનાસિંહને હરાવ્યા હતા. બાલેન શાહને 61,767 મત મળ્યા હતા જ્યારે સૃજનાસિંહને 38,341 મત મળ્યા હતા.
ત્રીજા નંબરે ઓલીની પાર્ટીના ઉમેદવાર કેશવ સતપિત હતા.
બાલેન શાહ અપક્ષ ઉમેદવાર હતા અને તેમણે નેપાળના સ્થાપિત પક્ષોને હરાવીને પોતાની જાતને સાબિત કરી.
તેઓ એક લોકપ્રિય રૅપર હતા અને કાઠમંડુના મેયરની ચૂંટણીમાં ઊતર્યા ત્યારે તેમના વિશે જાતજાતની વાતો થતી હતી.
તેઓ માત્ર 32 વર્ષના હતા ત્યારે મેયરની ખુરશી પર પહેલેથી તેમની નજર હતી.
બાલેન શાહની ચર્ચા માત્ર યુવાનો પૂરતી ન હતી, પરંતુ નેપાળ બહારના લોકો પણ તેમના નામથી વાકેફ હતા.
દિલ્હીમાં કામ કરતા નેપાળના લોકો સાથે વાત કરીએ તો તેઓ પણ બાલેન શાહનું નામ ખૂલીને લેતા હતા.
2017માં નેપાળની સ્થાનિક ચૂંટણી વિશે બાલેન શાહે પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું, "હું આજે મતદાન નહીં કરું. હું ઉમેદવાર નથી. હું સિવિલ એન્જિનિયરિંગનો ગ્રેજ્યુએટ છું અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરું છું. મને ખબર છે કે દેશને કઈ રીતે સુધારવામાં આવે છે. હું આગામી ચૂંટણીમાં મારી જાતને મારો મત આપીશ. હું મારા દેશનો વિકાસ ઇચ્છું છું અને તેના માટે કોઈ બીજા પર નિર્ભર રહી ન શકું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












