સીપી રાધાકૃષ્ણન : તામિલનાડુમાં 93 દિવસની રથયાત્રા, સંઘ સાથે ઘરોબો અને ઉપરાષ્ટ્રપતિપદ સુધીની સફર

સીપી રાધાકૃષ્ણન, એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/CPRGUV

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો વિજય થયો છે.

સીપી રાધાકૃષ્ણનનો 152 મતની સરસાઈથી વિજય થયો છે.

રાજ્યસભાના જનરલ સેક્રેટરી અને આ ચૂંટણીના રિટર્નિંગ ઑફિસર પી.સી. મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં વિજેતાનું એલાન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "સી.પી. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. આથી સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે."

એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યરત્ છે.

વિદ્યાર્થી આંદોલન, સંઘ સાથે ઘરોબો અને ભાજપના સક્રિય નેતાની તેમની છબી રહી છે. તેઓ ઉપરાષ્ટ્રપતિપદે પહોંચ્યા ત્યાં સુધીની તેમની સફર પર એક નજર...

એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન કોણ છે?

સીપી રાધાકૃષ્ણન, એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/CPRGUV

ચંદ્રપુરમ પોનુસામી (સીપી) રાધાકૃષ્ણન ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા છે અને લાંબા સમય સુધી સંગઠનમાં સક્રિય રહ્યા છે.

તેઓ બે વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને પાર્ટીના તામિલનાડુ એકમના અધ્યક્ષ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સીપી રાધાકૃષ્ણને દક્ષિણ ભારતમાં ભાજપના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ તામિલનાડુના કોયમ્બતૂરથી બે વખત લોકસભામાં ચૂંટાયા હતા.

તેઓ અહીં 1998 અને 1999માં જીત્યા હતા. ત્યાર બાદ, 2004, 2014 અને 2019માં સતત ત્રણ વખત કોયમ્બતૂરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ફેબ્રુઆરી 2023માં તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઝારખંડના રાજ્યપાલ તરીકે રહીને તેમને તેલંગણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો હતો.

પછી જુલાઈ 2024માં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા હતા.

રાધાકૃષ્ણને તેમના રાજકીય જીવનની શરૂઆત વિદ્યાર્થી આંદોલનથી કરી હતી.

2007માં જ્યારે તેઓ તામિલનાડુના પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે તેમણે રાજ્યમાં 93 દિવસની 19,000 કિલોમીટર લાંબી 'રથયાત્રા' યોજી હતી.

આ યાત્રા દરમિયાન તેમણે મુખ્યત્વે નદીઓ જોડવાની યોજના, આતંકવાદ, સમાન નાગરિક સંહિતા, અસ્પૃશ્યતા અને નશાનાં દુષ્પરિણામ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

એ પછી પણ તેમણે ડૅમ અને નદીઓના મુદ્દે 280 કિલોમીટર અને 230 કિલોમીટર લાંબી બે યાત્રા યોજી હતી.

આરએસએસ સાથે જોડાણ અને પછી સક્રિય રાજકારણ

20 ઑક્ટોબર, 1957ના રોજ તામિલનાડુના તિરુપ્પુરમાં જન્મેલા સીપી રાધાકૃષ્ણને બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સ્વયંસેવક તરીકે શરૂઆત કરીને તેઓ 1974માં ભારતીય જનસંઘની રાજ્ય કાર્યકારિણી સમિતિના સભ્ય બન્યા હતા.

1996માં તેમને તામિલનાડુમાં ભાજપના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ કોયમ્બતૂરથી લોકસભાના સાંસદ બન્યા હતા.

સાંસદ તરીકે તેઓ સંસદીય સ્થાયી સમિતિ (કાપડ મંત્રાલય)ના અધ્યક્ષ પણ રહ્યા. ઉપરાંત, સીપી રાધાકૃષ્ણન સ્ટોક ઍક્સચેન્જ કૌભાંડની તપાસ માટે રચાયેલી વિશેષ સંસદીય સમિતિના સભ્ય પણ રહ્યા.

2004માં સીપી રાધાકૃષ્ણને સંસદીય પ્રતિનિધિમંડળના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી.

તેઓ તાઇવાન જનાર પ્રથમ સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય પણ હતા.

2016માં તેમને કોચીસ્થિત કોયર બોર્ડના અધ્યક્ષ બનાવાયા, જ્યાં તેમણે ચાર વર્ષ સુધી કામ કર્યું.

તેમના નેતૃત્વમાં ભારતમાંથી નાળિયેરના રેસાની નિકાસ રૂપિયા 2532 કરોડના રેકૉર્ડ સ્તરે પહોંચી હતી.

2020થી 2022 સુધી સીપી રાધાકૃષ્ણન ભાજપના કેરળ પ્રભારી રહ્યા હતા.

ભારતમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે?

સીપી રાધાકૃષ્ણન, એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SansadTV

બંધારણના અનુચ્છેદ 68ના ખંડ 2 મુજબ ઉપરાષ્ટ્રપતિના નિધન, રાજીનામું કે પદ પરથી હટાવવાના કારણે, અથવા બીજા કોઈ કારણથી સ્થાન ખાલી પડે તો તેને ભરવા માટે ઝડપથી ચૂંટણી કરવાની જોગવાઈ છે.

ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ સામાન્ય પરિસ્થિતિમાં આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વર્તમાન ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળના સમાપનના 60 દિવસની અંદર કરવાની હોય છે.

ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ ખતમ થાય તે પહેલાં જ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે.

પ્રમાણસર પ્રતિનિધિત્વ મુજબ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા ચૂંટણી થાય છે. આ વોટિંગ ગુપ્ત મતદાન દ્વારા એટલે કે સિક્રેટ બેલેટ મારફત થાય છે.

બંધારણના અનુચ્છેદ 66 મુજબ સંસદના બંને ગૃહ (લોકસભા અને રાજ્યસભા)ના સભ્યોનું બનેલું ઇલેક્ટોરલ કૉલેજ ઉપરાષ્ટ્રપતિને ચૂંટે છે.

ચૂંટણી અધિકારી ચૂંટણી અંગે પબ્લિક નોટ જાહેર કરે છે અને ઉમેદવારો પાસેથી નામાંકન મગાવે છે. ઉપરાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી લડવા માટે ઉમેદવાર પાસે પ્રસ્તાવક અને ઓછામાં ઓછા 20 અન્યનું સમર્થન હોવું જોઈએ.

પ્રસ્તાવક અને સમર્થક રાજ્યસભા અને લોકસભાના સભ્યો જ હોઈ શકે. ઉમેદવારને 15 હજાર રૂપિયા પણ જમા કરાવવાના હોય છે. એ બાદ ચૂંટણી અધિકારી નામાંકનપત્રો તપાસે છે અને યોગ્ય ઉમેદવારોનાં નામ બૅલેટમાં સામેલ કરાય છે.

કોઈ વ્યક્તિ ભારતના ઉપરાષ્ટ્રપતિ ચૂંટાવવા માટે ત્યારે જ લાયક હશે જ્યારે એ કેટલીક શરતો પૂરી કરતી હોય. જેમ કે, એ ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉંમર 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને એ રાજ્યસભા માટે ચૂંટાવાની યોગ્યતા ધરાવતો હોવો જોઈએ.

જો કોઈ ભારત સરકારે કે અન્ય રાજ્યની સરકારને આધીન લાભનું પદ ધરાવતો હોય તો એ ઉપરાષ્ટ્રપતિ ચૂંટાવા માટે યોગ્ય નહીં હોય.

આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકન ભરવાની અંતિમ તારીખ 21 ઑગસ્ટ છે. મતદાન 9 સપ્ટેમ્બરના રોજ થશે અને પરિણામ એ જ દિવસે જાહેર કરાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન