ઈવીએમથી થયેલી સરપંચની ચૂંટણીનો મામલો છેક સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સાડા ત્રણ વર્ષે હારેલા ઉમેદવારની જીત થઈ

ઇમેજ સ્રોત, Getty Images/Mohit Kumar
- લેેખક, અવતારસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"ન્યાયતંત્રમાં હજુ પણ આશા જીવિત છે. અમે સુપ્રીમ કોર્ટથી સંપૂર્ણપણે સંતુષ્ટ છીએ. ન્યાયતંત્રમાં અમારો વિશ્વાસ હતો, એ આ નિર્ણયથી હજુ વધુ મજબૂત થઈ ગયો છે."
હરિયાણાના મોહિતકુમારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઈવીએમમાં પડેલા વોટની ફરી એક વાર ગણતરી કરાઈ અને લગભગ ત્રણ વર્ષ બાદ તેઓ સરપંચપદ માટે વિજેતા જાહેર થયા.
મોહિતકુમારનું કહેવું છે કે આ ભૂલથી થયું કે જાણીજોઈને કરાયું એ જાણવું મુશ્કેલ છે, આની તપાસ થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે 11 ઑગસ્ટના રોજ પોતાના આદેશમાં હરિયાણાના સોનીપત જિલ્લાના ગામ બુઆના લાખુના મોહિતકુમારને લગભગ પોણા ત્રણ વર્ષના કાયદાકીય જંગ બાદ 51 મતથી ગ્રામપંચાયતની ચૂંટણીના વિજેતા જાહેર કર્યા.
2 નવેમ્બર, 2022ના રોજ થયેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં 7 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર કુલદીપસિંહને વિજેતા જાહેર કરાયા હતા.
એ બાદ મોહિતકુમારે આ પરિણામને કોર્ટમાં પડકાર્યો. બીજી તરફ કુલદીપનું કહેવું હતું કે જ્યારે તેમને જીતનું સર્ટિફિકેટ મળ્યું હોઈ એ માન્ય ગણવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરી વાર કરાયેલી ગણતરી પ્રમાણે આ ગામમાં કુલ 3,767 મત પડ્યા હતા. જેમાંથી 1051 મત મોહિતકુમાર અને કુલદીપસિંહને એક હજાર મત મળ્યા હતા.
સુપ્રીમ કોર્ટના ઓએસડી (રજિસ્ટ્રાર)ની દેખરેખમાં બંને પક્ષો અને તેમના વકીલોની હાજરીમાં આ ફેરગણતરીની પ્રક્રિયા કરાઈ હતી. આ સંપૂર્ણ પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને એન. કોટિશ્વરસિંહની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું, "ઓએસડી (રજિસ્ટ્રાર) તરફથી કોર્ટમાં રજૂ કરાયેલો રિપોર્ટમાં પહેલી નજરમાં કોઈ શંકા પેદા થતી નથી. ખાસ કરીને જ્યારે આખી રિ-કાઉન્ટિંગ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાઈ છે અને પરિણામો પર બંને પક્ષોના પ્રતિનિધિઓની સહી છે ત્યારે."
આદેશમાં આગળ કહેવાયું છે કે, "ફરી વાર થયેલી ગણતરીથી અમે સંતુષ્ટ છીએ. અરજદારને ગ્રામપંચાયત બુઆના લાખુ, જિલ્લા પાણીપતના સરપંચ જાહેર કરાવવા જોઈએ."
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં પાણીપતના ચૂંટણી અધિકારીને નિર્દેશ આપ્યો કે તેઓ આ બાબતનું નૉટિફિકેશન બે દિવસની અંદર જાહેર કરે.
ફરી મતગણતરી કરાવીને કેવી રીતે સરપંચ બન્યા?

ઇમેજ સ્રોત, Mohit Kumar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખરેખર તો, 2 નવેમ્બર, 2022ના રોજ સરપંચની ચૂંટણીમાં કુલદીપસિંહને 313 મતોથી વિજેતા જાહેર કરાયા હતા અને તેમને અધિકારીઓ તરફથી પ્રમાણપત્ર પણ જાહેર કરી દેવાયું હતું.
આ નિર્ણયને પડકારતાં મોહિતકુમારે અરજી દાખલ કરી.
મામલાના રેકૉર્ડ્સ પ્રમાણે, અરજદારના પક્ષમાં સુનાવણી કરતાં અધિક સિવિલ જજ (સિનિયર ડિવિઝન), ઇલેક્શન ટ્રિબ્યૂનલ, પાણીપતે 22 એપ્રિલ, 2025ના રોજ બૂથ નંબર 69ના મતોની ફેરગણતરીના આદેશ આપ્યા.
આ આદેશ અતંર્ગત ચૂંટણી અધિકારીને 7 મે, 2025 સુધી બૂથ નંબર 69 પર મતોની ફેરગણતરી કરાવવાના નિર્દેશ આપ્યા હતા, પરંતુ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે 1 જુલાઈ, 2025ના રોજ આ આદેશોને રદ કરી દીધા હતા.
મોહિતકુમાર કહે છે કે, "આખો વિવાદ માત્ર બૂથ નંબર 69 અંગેનો હતો. મારા મત બીજા ઉમેદવારના ખાતામાં નાખવામાં આવી હતી. તેમણે ક્રમ જ બદલી દીધો હતો. હું પાંચમા ક્રમે હતો અને મને 254 મત મળ્યા હતા, પરંતુ કુલદીપસિંહને પાંચમા નંબર પર દેખાડવામાં આવ્યા અને મને છઠ્ઠા નંબર પર જાહેર કરવામાં આવ્યો."
"મારા નામ પર માત્ર સાત મત દાખલ કરાયા, આ બધું ગણતરી દરમિયાનની દસ્તાવેજી પ્રક્રિયામાં થયું. એ જાણવું મુશ્કેલ છે કે આ કોઈ મેળવણીનું પરિણામ હતું કે ભૂલ. આ તપાસનો વિષય છે."
મોહિત જણાવે છે કે, "અમારી પાસે એ સાંજે થયેલી ફેરગણતરીનું વીડિયો રેકૉર્ડિંગ હતું. અમે આ બધું લઈને પાણીપતના ડેપ્યુટી કમિશનર અને અન્ય અધિકારીઓને મળ્યા."
મોહિતકુમારે આગળ કહ્યું, "બીજી તરફ કુલદીપસિંહને પહેલાંથી જ પ્રમાણપત્ર મળી ચૂકેલું હતું અને આ આધારે કુલદીપસિંહ હાઇકોર્ટ ગયા. તેમનો તર્ક હતો કે એક વાર પ્રમાણપત્ર જાહેર થઈ જાય તો એ પરિણામ માન્ય ગણવું જોઈએ."
સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, જ્યારે મામલો 31 જુલાઈ, 2025ના રોજ સુનાવણી માટે આવ્યો તો કોર્ટે ચૂંટણી અધિકારીને તમામ ઈવીએમ મશીનો અને મતદાન સાથે સંકળાયેલા રેકૉર્ડ કોર્ટના રજિસ્ટ્રાર સામે રજૂ કરાવાના નિર્દશ આપ્યા.
આ સાથે જ રજિસ્ટ્રારને માત્ર એક નહીં, બલકે તમામ પાંચ બૂથોના મતોની ફેરગણતરી કરાવવાનું કહેવાયું.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, "મતોની ફેરગણતરી હવે અમારા 31 જુલાઈ, 2025ના આદેશ પ્રમાણે પૂરી થઈ ચૂકી છે, તેથી હાઇકોર્ટના નિર્ણયને બરકરાર ન રાખી શકાય અને તેને રદ કરી શકાય છે."
હવે શપથ લઈ ચૂક્યા છે મોહિત

ઇમેજ સ્રોત, Mohit Kumar
કાયદાકીય લડાઈ જીત્યા બાદ સરપંચ બનેલા મોહિતકુમાર પ્રમાણે, આ ચૂંટણીમાં કોઈ પ્રકારનાં રાજકીય પક્ષપાત કે પક્ષલક્ષી ભાવના સામેલ નહોતાં.
તેમનું કહેવું છે કે તેઓ "માત્ર સત્યને સામે લાવવા માગતા હતા."
લાંબી કાયદાકીય લડાઈ લડવાની પ્રેરણા વિશે મોહિત કહે છે કે, "લોકોનો સાથ અને વિશ્વાસ હતો. મનમાં માત્ર એક જ વાત હતી કે સત્યને સામે લાવવું છે, આ કારણે જ હું સતત જોતરાયેલો રહ્યો."
તેઓ કહે છે કે, "મેં 14 ઑગસ્ટના રોજ શપથ લઈ લીધા છે. ગામલોકો ખુશ છે. તેમણે જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, એ અમે જાળવી રાખ્યો છે. હું એના પર ખરો ઊતરીશ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












