ગુજરાતની દ્વારકા દરિયામાં ડૂબી એ પહેલાં ત્યાં કોણ રહેતું હતું અને પ્રાચીન નગર કેવું હતું?

દ્વારકા, ઉત્ખનન, અંડરવોટર ઉત્ખનન, દ્વારકાનગરી, સમુદ્રમંથન, દ્વારકા મંદિર, ગુજરાત, જન્માષ્ટમી, કૃષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક તરફ ધાર્મિક સાહિત્યમાં દ્વારકાનગરી 'સોનાની બનેલી' હોવાની અને આખરે 'દરિયામાં ગરકાવ' થઈ ગઈ હોવાના સંદર્ભો મળે છે
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના દરિયાકાંઠે આવેલું દ્વારકાનગર હિન્દુ પુરાણકથાઓમાં વિષ્ણુના દસ અવતારમાંથી એક અવતાર મનાતા કૃષ્ણના ભક્તો અને માન્યતાઓને વિજ્ઞાનની કસોટીની એરણે મૂકીને અભ્યાસ કરતાં વિદ્વાનોને એક સરખું આકર્ષે છે.

મહાભારતકાળની કૃષ્ણની દ્વારિકા કઈ હતી, તેનું સ્વરૂપ કેવું હતું? એમાં કોણ રહેતું હતું અને તેમનું જીવન કેવું હતું? તેની પ્રમાણ આધારિત પુષ્ટિ કરવા આર્કિયૉલૉજિસ્ટ્સ (પુરાતત્ત્વવિદો) દ્વારકા શહેરમાં ઉત્ખનન તથા મરીન આર્કિયૉલૉજિસ્ટ (સામુદ્રિક પુરાતત્ત્વવિદ) મરજીવાઓને દ્વારકાના દરિયામાં ઉતારીને તેના તળિયેથી વિવિધ અવશેષોને મેળવીને સંશોધન કરી રહ્યા છે.

તાજેતરમાં જ ફેબ્રુઆરી મહિનામાં એક ટીમ દ્વારકાના પેટાળમાં ફરીથી ઉત્ખનન-સંશોધન કરવા માટે ગઈ હતી.

એક તરફ ધાર્મિક સાહિત્યમાં દ્વારકાનગરી 'સોનાની બનેલી' હોવાની અને આખરે 'દરિયામાં ગરકાવ' થઈ ગઈ હોવાના સંદર્ભો મળે છે.

દાયકાઓથી દ્વારકા ખરેખર કેવી રીતે ડૂબી ગઈ હતી. તે જાણવા માટે થયેલા પ્રયાસોમાં મૂળ દ્વારકા કઈ હતી તે પણ નક્કી કરવા માટે અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ચાર સ્થળોમાંથી મૂળ દ્વારકા કેવી રીતે નક્કી થઈ?

દ્વારકા, ઉત્ખનન, અંડરવોટર ઉત્ખનન, દ્વારકાનગરી, સમુદ્રમંથન, દ્વારકા મંદિર, ગુજરાત, જન્માષ્ટમી, કૃષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૂળ દ્વારકા કઈ તેના માટે પણ મુખ્યત્વે ચાર દાવેદારો હતા

હકીકતમાં તો મૂળ દ્વારકા કઈ તેના માટે પણ મુખ્યત્વે ચાર દાવેદારો હતા. જેમાં હાલનું દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુ, પોરબંદરથી 30 કિમી દૂર આવેલું વીસાવાડા, કોડીનાર પાસે આવેલું માધાપુર અને ગિરનાર એમ ચાર દાવેદારોનો સમાવેશ થતો હતો.

વીસાવાડા અને માધાપુરમાં ભારતની અગ્રણી આર્કિયૉલૉજી શિક્ષણ સંસ્થા ડૅક્કન કૉલેજ, પુણેના ભૂતપૂર્વ ડિરેક્ટર અને ભારતના પ્રાચીન ઇતિહાસના અધ્યાપક પ્રો. હસમુખ સાંકળિયા અને ભારતમાં મરીન આર્કિયૉલૉજીનો પાયો નાખનારા પુરાતત્ત્વવિદ અને સિંધુ ખીણની સંસ્કૃતિમાં મળેલા અવશેષો પરની લિપિ ઉકેલવાનું પ્રદાન કરનારા ડૉ. એસ.આર. રાવને કોઈ પ્રાગૈતિહાસિકકાળની વસાહતોના કોઈ અવશેષો ન મળ્યા, જ્યારે ગિરનારમાં તો દરિયો જ ન હોવાથી દ્વારકા બંદર હોવાનો કોઈ સવાલ જ ન હતો. અંતે હાલના દ્વારકા અને બેટ દ્વારકામાં અને તેની આસપાસ પછી સંશોધનો થયાં.

જામનગર જિલ્લામાં આવેલી આ જ જગ્યાને આઠમી-નવમી સદીથી સતત કૃષ્ણની દ્વારકા તરીકે સંબોધવામાં આવતી રહી છે.

અહીં જે સંશોધનો થયાં તેના પરથી દ્વારકાનગરીનું એક એવું ચિત્ર સામે આવે છે જેના પરથી અનેક નિષ્કર્ષો સુધી પહોંચી શકાય છે.

ડૂબી ગયેલી દ્વારકાની ખોજ કરતાં શું મળ્યું?

દ્વારકા, ઉત્ખનન, અંડરવોટર ઉત્ખનન, દ્વારકાનગરી, સમુદ્રમંથન, દ્વારકા મંદિર, ગુજરાત, જન્માષ્ટમી, કૃષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MIB/Marine Archeology of India

ઇમેજ કૅપ્શન, હાલના દ્વારકા અને બેટ દ્વારકામાં અને તેની આસપાસ પછી સંશોધનો થયાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દ્વારકાનગરીનાં રહસ્યો ખોજવાના પ્રયાસોમાં પહેલો મુખ્ય પ્રયાસ 1963માં ડેક્કન કૉલેજ, પુણેએ કરેલાં ઉત્ખનનને માનવામાં આવે છે, જેમાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહોતો. જોકે, એ પહેલાં પણ અનેક પ્રાથમિક ઉત્ખનન થયાં હતાં.

પ્રો. એસ.આર. રાવે અત્યાર સુધીમાં દ્વારકામાં અનેક સંશોધનો કર્યાં છે અને તેમણે આ વિશે એક પુસ્તક પણ લખ્યું છે.

પ્રો. એસ.આર. રાવ તેમના પુસ્તક 'મરીન આર્કિયૉલૉજી ઑફ ઇન્ડિયા'માં લખે છે કે, "1963માં જ ડેક્કન કૉલેજે દ્વારકાધીશ મંદિર પરિસરની બહાર કરેલા ઉત્ખનનમાં આ જગ્યા મહાભારતકાળની દ્વારકા હોવાનો નિષ્કર્ષ નીકળે છે."

1981માં સ્થાપના પછી મરીન આર્કિયૉલૉજી સેન્ટરે પણ બેટ દ્વારકાની જમીનમાં ઉત્ખનન કર્યું હતું.

સૌથી પહેલું દરિયાના પેટાળમાં ઉત્ખનન 1983માં બેટ દ્વારકામાં થયું હતું. પછી 1990 સુધી લગભગ નવ મોટાં ઉત્ખનન કરાયાં હતાં. 1991-92માં મોટા પાયે દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથમાં ઉત્ખનન કરવામાં આવ્યાં હતાં અને 1995 સુધીમાં લગભગ અઢાર મોટાં ઉત્ખનન કરાઈ ચૂક્યાં હતાં.

2001માં 'અન્ડરવૉટર આર્કિયૉલૉજી વિંગ'ની સ્થાપના પછી આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)એ દરિયાના પેટાળમાં વધુ ઉત્ખનન કર્યાં, જેમાં 2007નું ઉત્ખનન મુખ્ય મનાય છે.

બીબીસીએ દ્વારકા વિશે બનાવેલી એક ડૉક્યુમેન્ટ્રીમાં આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના પુરાતત્ત્વવિદ પ્રો. આલોક ત્રિપાઠી 2007માં થયેલા વિસ્તૃત અંડરવૉટર ઉત્ખનન વિશે માહિતી આપે છે. 2007માં જે મોટું ઉત્ખનન થયું તેના ડાયરેક્ટર ડૉ. આલોક ત્રિપાઠી હતા.

તેઓ કહે છે, "દ્વારકા એકમાત્ર એવું સ્થળ છે જે મહાભારતમાં વર્ણિત કરવામાં આવેલી ઘટનાઓને સમકાલીન છે. 1963ના ડેક્કન કૉલેજના ઉત્ખનન પછી એએસઆઈ સાથે જોડાયેલા પુરાતત્ત્વવિદોએ અનેક પ્રયત્નો કર્યા છે. જેમાં અનેક પ્રકારનાં વાસણો, ચીજવસ્તુઓ સહિત 500થી વધારે વસ્તુઓ મળી છે, જે ઓછામાં ઓછી 2000 વર્ષ પુરાણી છે. અંડરવોટર ઉત્ખનનમાં બાંધકામના અનેક નમૂના મળ્યા છે. એની રચના પરથી એ સ્પષ્ટ થાય છે કે ત્યાં એક બંદર હતું."

ડૉ. આલોક ત્રિપાઠી એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, "અનેક પ્રકારના સાહિત્યિક સ્રોતોમાંથી દ્વારકાના મૂળભૂત સ્થાન વિશે અમને જાણવા મળ્યું હતું. મહાભારત અને પુરાણોમાં પણ આ શહેરનું દરિયો આ નગરીને ગળી ગયો હોય તેવો ઉલ્લેખ છે. અનેક સ્રોતોમાંથી પસાર થયા પછી સંશોધન પછી અમે હાલની દ્વારકાને સૌથી સંભવિત જગ્યા તરીકે ચિન્હિત કરી અને ત્યાં ઉત્ખનન શરૂ કર્યું."

દ્વારકાનાં મકાનોની બાંધણી કેવી હતી?

પ્રો. એસ.આર. રાવે તેમના પુસ્તકમાં માહિતી આપી છે કે "ધોળાવીરા અને સુરકોટડા બંનેમાંથી મળી આવેલાં બાંધકામોમાં ઘસેલાં અને કુદરતી બંને પ્રકારના પથ્થરો હતા. જ્યારે દ્વારકામાં માત્ર ઘસીને આકાર આપવામાં આવ્યો હોય તેવા પથ્થરોથી બનેલી દીવાલોના અવશેષો મળી આવ્યા હતા. તેમાં નાના પથ્થરોથી લઈને બે મીટરની લંબાઈવાળા પથ્થરો પણ હતા."

એ સમયની દ્વારકામાં કેવાં પ્રકારનાં મકાનો હશે તેનો પણ આછેરો ખ્યાલ એમની વાતમાંથી મળે છે.

તેઓ ઉમેરે છે, "ઉત્ખનનમાં દીવાલ સાથેનાં સંપૂર્ણ મકાનો ખૂબ ઓછાં મળી આવેલાં હોવાથી એ વખતનાં ઘર કેવાં મોટાં હતાં તેનો અંદાજો લગાવવો મુશ્કેલ બને છે, પરંતુ જે મળ્યું તેના પરથી ઘર 20 મીટર લાંબાં અને 10 મીટર પહોળાં હોવાનું અનુમાન લગાવી શકાય છે."

આ સિવાય ઉત્ખનનમાં અનેક જાડા અને સુગઠિત થાંભલા પણ મળી આવ્યા હતા.

પ્રોફેસર એસ.આર. રાવ લખે છે, "ગોમતી નદી પરનું પ્રાચીન દ્વારકા ફક્ત સમુદ્રમાંથી મળી આવેલા અવશેષો સુધી મર્યાદિત નહોતું. દ્વારકાધીશ મંદિરના પ્રાંગણમાં કરવામાં આવેલા ઉત્ખનનમાં ધોવાણ થયેલો કાટમાળ મળી આવ્યો હતો. તેના પરથી તેના ભૂમિગત વિસ્તાર ઘણો મોટો હોવાનો અંદાજો લગાવી શકાય છે. સંભવતઃ ટેકરા પર આવેલા આધુનિક દ્વારકા શહેરની નીચે ઘણી મોટી પ્રાચીન દ્વારકાનગરી હોઈ શકે છે."

દ્વારકાની નગરરચના કેવી હતી?

દ્વારકા, ઉત્ખનન, અંડરવોટર ઉત્ખનન, દ્વારકાનગરી, સમુદ્રમંથન, દ્વારકા મંદિર, ગુજરાત, જન્માષ્ટમી, કૃષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MIB

ઇમેજ કૅપ્શન, પ્રો. એસ. આર.રાવે તેમના પુસ્તકમાં 1963 પછી થયેલાં ઉત્ખનન વિશે વિસ્તૃત માહિતી આપી છે

દ્વારકામાં કરવામાં આવેલા ઉત્ખનનમાં જે અવશેષો મળી આવ્યા તેના પરથી આદર્શ નગરરચનાના પણ કેટલાક સંકેતો મળે છે.

પ્રોફેસર એસ.આર. રાવ તેમના પુસ્તકમાં આ અંગે માહિતી આપતાં લખે છે, "બાળભવનથી ગોમતી સુધીના પટ્ટામાં લાંબી ખાઈ મળી આવી છે. આ પ્રકારની ખાઈ કિલ્લાઓની ફરતે હોય છે, જેમાં પાણી ભરીને રાખવામાં આવતું હોય છે."

દરિયાના પેટાળમાં કરવામાં આવેલા ઉત્ખનનમાં કિલ્લાના કેટલાક અવશેષો પણ મળી આવ્યા હતા.

તેઓ લખે છે, "મોટા પ્રમાણમાં ટાવરો મળી આવ્યા છે. આ પ્રકારનું બાંધકામ કિલ્લાઓની બહારની દીવાલે હોય છે અને સામાન્ય રીતે કિલ્લાના ખૂણામાં હોય છે. તેમની સંખ્યા 30થી 40 મળી આવી છે."

"મળી આવેલા અવશેષો પરથી પ્રતીત થાય છે કે દ્વારકા લગભગ ચાર કે છ ચોરસ કે લંબચોરસ ભાગમાં વહેંચાયેલું હોવું જોઈએ. કિલ્લાના ઓછામાં ઓછા ચાર પ્રવેશદ્વારો હોય તેવું ફલિત થાય છે, તેનાથી વધુ પણ હોઈ શકે. દ્વારકા એ ગોમતી નદી દરિયાને જ્યાં મળે છે એ મુખ પર આવેલું હોવાથી ત્યાં વૅરહાઉસ પણ બનાવવામાં આવ્યું હોય તેવું ફલિત થાય છે. આવતાં-જતાં વહાણો માટે તેનાથી સરળતા રહેતી હતી એવું માની શકાય."

દ્વારકા બંદરના અવશેષો પરથી શું જાણવા મળે છે?

દ્વારકા, ઉત્ખનન, અંડરવોટર ઉત્ખનન, દ્વારકાનગરી, સમુદ્રમંથન, દ્વારકા મંદિર, ગુજરાત, જન્માષ્ટમી, કૃષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MIB/Marine archeology of india

ઇમેજ કૅપ્શન, ઉત્ખનન દરમિયાન મળી આવેલ તાંબાનો લોટો અને કાંસાનો ઘંટ

પ્રો. એસ. આર. રાવે તેમનાં પુસ્તકમાં દ્વારકા બંદર વિશે પણ વિસ્તૃત રીતે લખ્યું છે.

તેઓ લખે છે, "ઈ.સ. પૂર્વે 2300ની શરૂઆતમાં લોથલના ઇજનેરોએ દ્વારકા બંદરની ગોદીની પશ્ચિમી દીવાલને અડીને 240 મીટર લાંબું અને 13 મીટર પહોળું ઈંટનું પ્લૅટફૉર્મ બનાવ્યું હતું. આ મોટા પ્લૅટફૉર્મની બાજુમાં જ 64 બ્લૉકનું મોટું વૅરહાઉસ હતું."

"દ્વારકાના ઇજનેરોએ ટેકરી જેવી જગ્યાનો ઉપયોગ ઘાટ તરીકે કર્યો હતો. તેની નજીક હજુ પણ થોડા પૅવમેન્ટ બ્લૉક્સ છે. જેની નજીક આવેલા વૅરહાઉસના અંદરના ભાગમાં એક રસ્તો હોવાનો પણ ખ્યાલ આવે છે જે ઘસાયેલા પથ્થરોથી ચિહ્નિત થાય છે. ટેકરીઓની પથરાળ હારમાળાને ચોક્કસ ઢબમાં કાપવામાં આવી હતી અને બંદર પર શિપડૉકિંગ માટે તેને યોગ્ય બનાવવામાં આવી હતી. તેના પરથી નાનાં-મોટાં વહાણો કઈ જગ્યાએ લાંગરતાં થતાં હશે એ પણ જાણવા મળે છે."

પ્રો. એસ. આર. રાવ નોંધે છે કે, "દ્વારકાના ઇજનેરો દ્વારા દરિયામાં સૌથી પહેલાં હાર્બર ટેકનોલૉજી બનાવવામાં આવી હતી અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે રીતે બેટ દ્વારકામાં તેના કારણે બંદર પર ઇન્ફ્રાસ્ટ્રક્ટરનું નિર્માણ થયું તે ભારતીય બંદરનિર્માણના ઇતિહાસમાં સૌથી નોંધપાત્ર છે."

દ્વારકા અને બેટ દ્વારકામાંથી સંશોધન દરમિયાન અત્યાર સુધીમાં અનેક પ્રકારના પથ્થરો, માર્બલ, તથા વિવિધ ધાતુઓમાંથી બનેલી વસ્તુઓ મળી આવી છે.

પ્રો. એસ. આર. રાવ લખે છે, "એક હાથમાં ગદા અને એક હાથમાં ચક્ર હોય એવી ભગવાન વિષ્ણુની 'ત્રિવિક્રમા' મૂર્તિ પણ મળી આવી છે."

"દ્વારકાનાં જગતમંદિર આગળ દરિયાના પટમાં કરવામાં આવેલા ઉત્ખનનમાંથી તાંબુ, કાંસું અને બ્રાસની અનેક વસ્તુઓ મળી આવી હતી. જેમાં ત્રણ લોટા, એક મોટો ઘંટ અને રથના અવશેષો મુખ્ય હતા."

અનેક પ્રકારની મૂર્તિઓ, ધાતુઓની ચીજવસ્તુઓ

દ્વારકા, ઉત્ખનન, અંડરવોટર ઉત્ખનન, દ્વારકાનગરી, સમુદ્રમંથન, દ્વારકા મંદિર, ગુજરાત, જન્માષ્ટમી, કૃષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MIB/Marine Archeology of India

ઇમેજ કૅપ્શન, સંશોધન દરમિયાન 500થી વધારે વસ્તુઓ મળી છે, જે ઓછામાં ઓછી 2000 વર્ષ પુરાણી મનાય છે

"તાંબાના આ પ્રકારના લોટા ભારતમાં તામ્રયુગથી વપરાતા હતા જેનો સંભાવિત સમયગાળો ઈ.સ. પૂર્વે 3000થી 700નો માનવામાં આવે છે.

જે પ્રકારની બ્રાસની ચીજવસ્તુઓ દ્વારકાના પેટાળમાંથી મળી આવી હતી એમાંની અનેક વસ્તુઓ ભારતની બીજી એક પણ ઐતિહાસિક જગ્યાઓથી મળી આવી નથી. કેટલીક મિશ્રધાતુઓના અવશેષો પણ અહીં મળી આવ્યા છે, જેમાં તાંબું અને ઝિંકનું મિશ્રણ હોય. પૈડાંવાળાં હાથી, ભેંસ અને ગેંડાની પ્રતિકૃતિઓ તેમાં મુખ્ય છે."

આ સંશોધનોમાં મુખ્ય વાત એ નીકળીને આવી હતી કે મળી રહેલી વસ્તુઓ અને શસ્ત્રોમાં લોખંડનું પ્રમાણ ખૂબ ઓછું હતું. એ સમયમાં લોખંડના ઓછા ઉપયોગ કે તંગી તરફ નિર્દેશ કરે છે એવું જાણકારોનું માનવું છે.

તેઓ લખે છે કે, "આ સિવાય લોઢાના નખ, પાણીની હૅન્ડલવાળી બૉટલ પણ મળી આવી હતી. આ પ્રકારનાં વાસણોમાં સિલિકોન, આયર્ન, મેંગેનીઝ, કૅલ્શિયમ, મેગ્નેશિયમ જેવી ધાતુઓના અવશેષો પણ મળી આવ્યા હતા. શંખમાંથી બનેલી વસ્તુઓ પણ મળી આવી હતી."

બેટ દ્વારકામાં કોણ રહેતું હતું?

દ્વારકા, ઉત્ખનન, અંડરવોટર ઉત્ખનન, દ્વારકાનગરી, સમુદ્રમંથન, દ્વારકા મંદિર, ગુજરાત, જન્માષ્ટમી, કૃષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CSIR-NIO

ઇમેજ કૅપ્શન, દ્વારકામાં કરવામાં આવેલા ઉત્ખનનમાં જે અવશેષો મળી આવ્યા તેના પરથી આદર્શ નગરરચનાના પણ કેટલાક સંકેતો મળે છે

બેટ દ્વારકામાંથી મળી આવેલા શિલાલેખો પરથી એ પહેલો સટીક પુરાવો મળ્યો હતો કે જેનાથી એ સાબિત થયું હતું કે ઈ.સ. પૂર્વ 1001થી 2000 સુધીમાં લખવાનું ચલણ હતું અને દ્વારકાના લોકો ભણેલા હતા.

પ્રો. એસ. આર. રાવ લખે છે કે, "આગળ જતાં તેણે ઇન્ડસ લિપિની ઉત્ક્રાંતિમાં મોટો ભાગ ભજવ્યો અને ઇન્ડસ અને બ્રાહ્મી લિપિ વચ્ચેની ખૂટતી કડીને જોડવામાં પણ ફાળો આપ્યો."

બેટ દ્વારકામાંથી મળી આવેલા શિલાલેખોમાં વપરાયેલા શબ્દો પરથી પણ એ ખ્યાલ આવે છે કે મહાભારત કાળમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કેટલી પ્રમુખતાથી થતો હશે. તો દ્વારકામાંથી મળી આવેલાં માટીનાં વાસણો અને અત્તરની શીશીઓ પરથી પણ એ સમયની કળા-કારીગરીનો અંદાજ મળે છે.

પ્રો. એસ. આર. રાવ પ્રમાણે, "પ્રાણીઓના મળી આવેલાં સીલ (લાકડાં કે અન્ય પદાર્થો પર મુદ્રિત) અલગ-અલગ સંસ્કૃતિ અને ધાર્મિક જૂથોનું જોડાણ સૂચવે છે. બળદ કદાચ ખેતી સાથે સંકળાયેલા લોકો દર્શાવે છે. મળી આવેલ યુનિકૉર્ન એ હકીકતમાં ઘોડો છે અને તેનું શિંગડું દિવ્યતાનું પ્રતીક છે. બકરી એ સમયગાળામાં મળી આવેલા માલધારી સમૂહો હોવાનું સૂચવે છે. પશુપતિ સીલમાં ત્રણ મોંવાળા દેવતાનું પણ ચિત્ર છે."

પ્રો. ત્રિપાઠીએ બીબીસીને અગાઉ જણાવ્યું હતું કે, "મોટાં ભાગનાં ઉત્ખનન ગોમતી નદી સમુદ્રને મળે છે તેની આસપાસ થયાં છે. ત્યાં અમે અનેક વાર ડાઇવિંગ કરીને ઉત્ખનન કર્યું છે. ઉત્ખનનમાં જેટલું મળ્યું છે એ સિવાય પણ હજુ ઘણું હોઈ શકે છે અને તે પ્રક્રિયા સતત શરૂ છે અને સંશોધનો શરૂ રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન