ઈરાને કેટલા દેશો પર હુમલાઓ કર્યા અને ત્યાં કેટલું નુકસાન થયું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા તથા ઈઝરાયલે કરેલા હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતાનું મોત થયું હતું, ત્યારથી મધ્ય પૂર્વ તથા અખાતી દેશોમાં ઈરાનના મિસાઇલ અને ડ્રૉનહુમલા ચાલુ છે.
ઈઝરાયલી સૈન્યએ સપ્તાહાંતે અમેરિકા સાથે વ્યાપક સંયુક્ત હુમલાઓ જાહેરાત કરી હતી, જેમાં પશ્ચિમ તથા મધ્ય ઈરાનમાં હવાઈ સંરક્ષણનો નાશ કરવામાં આવ્યો હતો.
એ પછી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે પોતાના તમામ ઉદ્દેશ પરિપૂર્ણ નહીં થાય ત્યાં સુધી વૉશિંગ્ટન "સંપૂર્ણ શક્તિ" સાથે લડાઈ ચાલુ રાખશે.
તહેરાનમાં કેટલું નુકસાન થયું છે?

ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે તેના તહેરાન પરના હુમલાઓમાં વરિષ્ઠ રાજકીય અને સુરક્ષાબળોની મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવી હતી.
ઈરાની રાજધાનીમાં ગત શનિવારે ધૂમાડાના ગોટેગોટા વૅરિફાઈડ વીડિયોઝમાં જોવા મળ્યા હતા.
બીબીસી વેરિફાઈએ એ શનિવારે સવારે લેવામાં આવેલી સેટેલાઈટ્સ ઈમેજીસ મેળવી હતી. તેમાં દેશના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની ઓફિસ, લીડરશીપ હાઉસના કમ્પાઉન્ડના એક હિસ્સા નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જોવા મળ્યું હતું.
બીબીસી વેરિફાઈએ અત્યાર સુધીમાં તેહરાનમાં 13 અલગ અલગ સ્થળો અને ઈરાનનાં 12 અન્ય નગરો તથા શહેરો પરના હુમલાઓના દૃશ્ય પુરાવાઓની પુષ્ટિ કરી છે.

ઇમેજ સ્રોત, Airbus
બાકીના ઈરાનમાં કેટલું નુકસાન?

અમેરિકા-ઈઝરાયલની સંયુક્ત કાર્યવાહીને લીધે ઈરાનમાં ઓછામાં ઓછા 555 લોકો માર્યા ગયા હોવાનું ઈરાની રેડ ક્રેસન્ટે જણાવ્યું હતું. હુમલા દરમિયાન અમેરિકન સર્વિસના ચાર કર્મચારી પણ માર્યા ગયા હતા અને પાંચ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઈરાની સરકારી મીડિયાના અહેવાલ મુજબ, દેશની દક્ષિણના મીનાબમાં એક કન્યા શાળા પર શનિવારે ત્રણ મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં ઓછામાં ઓછા 153 લોકો માર્યા ગયા હતા. આ સમાચારની પુષ્ટિ બીબીસી સ્વતંત્ર રીતે કરી શક્યું નથી.
કરમાનશાહ અને તાબ્રિઝમાં લશ્કરી સ્થળો તથા દેશની દક્ષિણે કોનારાકમાં ઈરાની નૌકાદળની સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન દળોએ ઈરાની નૌકાદળનાં નવ જહાજોને ડૂબાડી દીધાં હતાં અને તેના નૌકાદળના વડામથકના "મોટા હિસ્સાનો નાશ" કર્યો હતો.
લેબનોનમાં શું અસર થઈ છે?
ઈઝરાયલે બેરુતમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર સોમવારે હુમલા કર્યા પછી લેબનોનમાં ઓછામાં ઓછા 31 લોકોના મોતના અહેવાલ છે.
હિઝબુલ્લાહે ઈઝરાયલી શહેર હાઈફા પર રોકેટ્સ વડે હુમલો કર્યો એ પછી ઈઝરાયલે વળતો ફટકો માર્યો હતો. એક દિવસ પહેલાં એક ઈરાની મિસાઈલ ઈઝરાયલી શહેરમાં આશ્રય હેઠળના લોકો પર પડી હતી, જેમાં નવ લોકો માર્યા ગયા હોવાનું ઈમરજન્સી સર્વિસીસે જણાવ્યું હતું.
ઈઝરાયલના હવાઈ હુમલામાં લેબનોનની રાજધાનીના દક્ષિણના ઉપનગરોમાંના હિઝબુલ્લાહના ગઢ તેમજ શહેરના ઍરપૉર્ટની નજીકના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઈરાને ક્યાં ક્યાં હુમલો કર્યો?

ઈરાને બદલો લેવા માટે ઈઝરાયલ અને આ પ્રદેશમાંના અમેરિકન બેઝ પર હુમલા કર્યા છે તેમજ અખાતી દેશો પરના હવાઈ હુમલા માટે તેને દોષી ઠેરવવામાં આવ્યું છે.
કતારમાં એખ મુખ્ય ગૅસ પ્લાન્ટ પર નવા ઈરાની હુમલાના અહેવાલ મળ્યા છે. સંરક્ષણ મંત્રાલયે આ સંદર્ભે બાદમાં જણાવ્યું હતું કે તેણે બે ઈરાની વિમાન, સાત મિસાઈલ અને પાંચ ડ્રોન તોડી પાડ્યાં છે.
ઈમરજન્સી સર્વિસીસે જણાવ્યું હતું કે ઈઝરાયલી શહેર બીટ શેમેશ પર રવિવારે મિસાઈલ ત્રાટકતાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા.
દેશના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે દુબઈ અને અબુધાબીનાં પર્યટન સ્થળો સહિત સંયુક્ત આરબ અમિરાતમાં ત્રણ લોકો માર્યા ગયા છે તથા અનેક ઘાયલ થયા છે.
કુવૈતના આરોગ્ય મંત્રાલયે રવિવારે એક મૃત્યુની નોંધ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અલી અલ-સાલેમ ઍરબેઝને અનેક બૅલેસ્ટિક મિસાઈલ્સ વડે નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ એ હુમલાને સફળતાપૂર્વક ખાળવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના સૅન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે દેશની સેનાએ સોમવારે "એક દેખીતી મૈત્રીપૂર્ણ ફાયર દૂર્ધટના"માં અમેરિકાનાં ત્રણ ફાઈટર જેટ્સ તોડી પાડ્યાં હતાં. તેના ચાલક દળના તમામ, છ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને તેમને બચાવી લેવામાં આવ્યા હતા.
પાડોશી દેશ ઈરાકના ઈરબિલ ઍરપૉર્ટ પર અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધનના સૈનિકો રહે છે. આ ઍરપૉર્ટ પર આવતા ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યાં હતાં.
બહેરીનના નેશનલ કમ્યુનિકેશન સેન્ટરે શનિવારે જણાવ્યું હતું કે અમેરિકન નૌકાદળના પાંચમા કાફલાના સર્વિસ સેન્ટર પર શનિવારે "મિસાઈલ હુમલો" કરવામાં આવ્યો હતો.
મિસાઈલ હુમલો થયો તે ક્ષણ, બહેરીનમાં એક ચાલતા વાહનમાંથી ફિલ્માવવામાં આવેલા વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. તેની સચ્ચાઈ ચકાસવામાં આવી છે. તેમાં વિસ્ફોટ પછી હવામાં ઉડતા ટુકડાઓ અને કાટમાળ જોવા મળે છે.
અમેરિકન નૌકાદળના બેઝ પર રવિવારે સાંજે કરવામાં આવેલા ડ્રોન હુમલાને કારણે મોટી આગ લાગી હોવાનું એક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું. જોકે, તેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
અધિકારીએ ઉમેર્યું હતું કે બહેરીનમાંના ઈરાની હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા.

સાઉદી અરેબિયામાં સરકારી માલિકીની ઓઈલ કંપની અરમાકો સંચાલિત રાસ તનુરા રિફાઈનરી તરફ સોમવારે આવી રહેલા બે ડ્રોનને અટકાવવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ઈઝરાયલ સાથે સરહદ ધરાવતા જોર્ડનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારા પ્રદેશના નિશાન બનાવતી બૅલેસ્ટિક મિસાઈલ અમારાં સશસ્ત્ર દળોએ તોડી પાડી છે.
ઓમાનની સરકારી સમાચાર સંસ્થાએ સોમવારે એવો અહેવાલ આપ્યો હતો કે દુક્મ કોમર્શિયલ બંદરને બે ડ્રોન વડે નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં એક કામદાર ઘાયલ થયો હતો.
સાયપ્રસમાં શું નુકસાન થયું છે?

સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે જણાવ્યું હતું કે બ્રિટિશ રોયલ ઍરફોર્સ બેઝ એક્રોટિરીમાં મધરાતે (આંતરરાષ્ટ્રીય સમય અનુસાર રવિવારે રાતે દસ વાગ્યે) એક ઈરાની ડ્રોન તૂટી પડ્યું હતું.
કોઈ જાનહાનિના અહેવાલ નથી અને બેઝને "ઓછામાં ઓછું નુકસાન" થયું છે, પરંતુ યુનાઈટેડ કિંગ્ડમના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પરિવારના સભ્યોને અન્યત્ર ખસેડવામાં આવશે.
સાયપ્રસ સરકારના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે વધુ બે ડ્રોનને રોયલ ઍરફોર્સ અક્રોટિરી તરફ જતા અટકાવવામાં આવ્યા હતા.
આ સંઘર્ષની વૈશ્વિક અર્થતંત્ર પર કેવી અસર થઈ રહી છે?

ઑઈલ અને ગૅસના વૈશ્વિક ભાવમાં સોમવારે તીવ્ર વધારો થયો હતો. ઉત્પાદકો, વીમા કંપનીઓ અને શિપિંગ કંપનીઓને યુદ્ધ તથા હોર્મુઝ સામુદ્રધૂની બંધ થવાથી માઠી અસર થઈ છે.
પોતે ઉત્પાદન બંધ કરી દીધું હોવાનું વિશ્વના સૌથી મોટા લિક્વિફાઈડ નેચરલ ગૅસ ઉત્પાદક કતાર ઍનર્જીએ જણાવ્યું પછી યુરોપિયન ગૅસના ભાવમાં 30 ટકાથી વધુનો વધારો થયો હતો.
વિશ્વની કુલ લિક્વિફાઈડ નેચરલ ગેસ સપ્લાયનો લગભગ પાંચમો ભાગ કતાર સપ્લાય કરે છે.
હોર્મુઝ સામુદ્રધૂનીમાં છેલ્લા બે દિવસમાં શિપિંગ પર અનેક હુમલા થયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન







