કુર્દ પેશમર્ગા : ઈરાન પર ત્રાટકવા પાંચ દાયકાથી તૈયારી કરી રહેલા આ લડવૈયાઓ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઑર્લા ગુએરિન
- પદ, સિનિયર ઇન્ટરનૅશનલ કૉરસ્પોન્ડન્ટ, ઉત્તર ઇરાક
- વાંચવાનો સમય: 6 મિનિટ
ઈરાન ઉપર ઇઝરાયલ-અમેરિકાના હવાઇહુમલાને એક અઠવાડિયા કરતાં વધુનો સમય થઈ ગયો છે. ત્યારે શું ટૂંક સમયમાં ધરાતલ ઉપર સૈનિકોને ઉતારવામાં આવશે? કદાચ, હા. પરંતુ એ અમેરિકન નહીં હોય.
ઉત્તર ઇરાકમાં સક્રિય કૂર્દ લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ સરહદ પાર કરવા માટે સજ્જ છે – અને દાયકાઓથી આના માટે તત્પર છે. જોકે, કૂર્દ લડવૈયાઓએ ઘૂસણખોરી કરી દીધી હોવાની વાતને સ્પષ્ટપણે નકારે છે. ઉલ્લેખનીય છે કે મૂળ ઈરાનના આ કૂર્દ લોકો દાયકાઓથી ઉત્તર ઇરાકમાં નિર્વાસિત જીવન વીતાવે છે.
કુર્દીસ્તાન ફ્રીડમ પાર્ટીનો (પીએકે) દાવો છે કે તે સૌથી મોટું કુર્દ સંગઠન છે. આ સંગઠનનાં હાના યઝદનપનાનાં કહેવા પ્રમાણે, "ઇસ્લામિક ગરાજ્યની સ્થાપના થઈ ત્યારથી, છેલ્લાં 47 વર્ષથી અમે આના માટે તૈયારી કરી રહ્યાં છીએ."
હાના ભારપૂર્વક જણાવે છે કે "એક પણ પેશમર્ગાએ આગેકૂચ નથી કરી." કુર્દીશ ભાષામાં "જે મોતને ભેટવા આગળ વધે" તેમને 'પેશમર્ગા' તરીકે ઓળખવામાં આવે છે.
હાના યઝદનપનાએ જણાવ્યું હતું કે વિરોધ કરનાર છ જૂથ છે – તેમણે તાજેતરમાં એક યુતિ રચી છે. જેઓ એકબીજા સાથે રાજકીય અને સૈન્ય બાબતોમાં સંકલન સાધે છે.
હાનાનાં કહેવા પ્રમાણે, "કોઈ પણ (સંગઠન) એકલું હિલચાલ નથી કરતું."
"જો અમારા ભાઈઓ કૂચ કરવાના હોય, તો અમને ખબર હોય."
હાનાનું માનવું છે કે કુર્દ લડવૈયા આગામી એકાદ અઠવાડિયામાં આગેકૂચ નહીં કરે. પહેલાં અમેરિકા તેમના માટે રસ્તો સાફ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાના યઝદનપના કહે છે કે જ્યારથી હવાઇમાર્ગે "સફાઈ " ન થાય, ત્યાર સુધી તેઓ આગળ ન વધી શકે.
તેઓ કહે છે, "સરકારના (ઈરાનની) હથિયારના ભંડાર સાફ થઈ જાય એ અમારા માટે જરૂરી છે. નહીંતર આગળ વધવું આત્મઘાતી બની રહે. સરકાર ખૂબ જ ક્રૂર છે અને તેમની પાસે અત્યાધુનિક હથિયાર છે. જ્યારે અમારી પાસે સૌથી આધુનિક હથિયારના નામે કાલ્નિશ્કોવ છે."
હાના યઝદનપના કહે છે કે કુર્દ લડવૈયાઓને બચાવવા માટે અમેરિકાએ 'નૉ-ફ્લાય ઝોન' લાગુ કરવો રહ્યો. તેઓ કહે છે, "અમે ઘણી વખત તેની માંગણી કરી છે."
સાથે જ ઉમેરે છે કે, "મેં 'તાત્કાલિક કરવાની જરૂર છે'ની નોંધ સાથે ઇમેલ મોકલ્યા છે."
શું અમેરિકા કુર્દોનો ઉપયોગ કરશે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કુર્દોને હથિયારોથી સજ્જ કરવા અંગે વિચાર કરી રહ્યા હોવાના અહેવાલોને વ્હાઇટ હાઉસે નકારી કાઢ્યા છે.
ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સામે લડવા માટે આમાંથી કેટલાકને અમેરિકાના સશસ્ત્ર બળોએ જ તાલીમ આપી હતી.
જેમ-જેમ ઈરાનના કુર્દીશ દળોને આગળ મોકલવામાં આવશે, એવી ચર્ચા વધી રહી છે, તેમ-તેમ ઈરાને તેમની ઉપર હુમલા વધારી દીધા છે.
તાજેતરમાં બે અલગ-અલગ કુર્દ જૂથો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં પીએકેના મથક ઉપર બૅલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્ય હતો. જેમાં એક લડવૈયાનું મૃત્યુ થયું હતું.
હુમલાથી બચવા માટે કેટલાક કુર્દ જૂથોએ પોતાનાં ઠેકાણાં ખાલી કરી દીધાં છે અને લડવૈયાઓને અન્ય સલામત સ્થળોએ મોકલી દીધા છે.
ઈરાનની સરકાર સામેની લડાઈમાં જોડાવામાં મોટું જોખમ રહેલું છે, કારણ કે તેના બદલામાં ટ્રમ્પ શું આપશે, તેના વિશે કોઈ સ્પષ્ટતા નથી.
દગાથી ડરેલા કુર્દ

ઇમેજ સ્રોત, Matthew Goddard/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મધ્યપૂર્વ એશિયામાં સંખ્યાની દૃષ્ટિએ કુર્દોએ ચોથા ક્રમાંકનો મોટો વંશીય સમૂહ છે. જે ઈરાન, ઇરાક, સીરિયા અને તુર્કીમાં ફેલાયેલો છે. તેમની ઉપર અત્યાચાર તથા તેમની સાથે દગાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.
એટલે જ કુર્દોમાં કહેવત છે કે "આ પહાડો સિવાય કોઈ અમારું દોસ્ત નથી."
જો અમેરિકા દ્વારા કોઈ વાયદો કરે તો તેના ઉપર ભરોસો થઈ શકે કે કેમ? આઇએસ સામેની લડાઈમાં અનેક કુર્દો અમેરિકા અને તેના સાથીદળો સાથે જંગમાં ઉતર્યા હતા.
તાજેતરમાં ટ્રમ્પે સીરિયાની 'સક્રાન્તિકાલીન સરકાર'નો પક્ષ લીધો હતો. આ સરકાર કુર્દોનો વિરોધ કરે છે, જેથી કેટલાક કુર્દ ગુસ્સે ભરાયા હતા. જોકે, કેટલાક વરિષ્ઠ કુર્દ નેતાઓ વ્યવહારૂ વલણ ધરાવે છે.
કુર્દિસ્તન ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈરાનના (કેડીપીઆઈ) ઉપાધ્યક્ષ મુસ્તફા મોલુદી કહે છે, "અમેરિકા અને ઇઝરાયલે અમારી આકાંક્ષાઓ માટે નહીં, પરંતુ પોતાનાં હિતોને સાધવા માટે યુદ્ધ શરૂ કર્યું છે."
"પરંતુ તેઓ ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોરના (આઇઆરજીસી) મથકો ઉપર હુમલા કરી રહ્યા છે અને તે અમારા માટે સારી બાબત છે. તે અમને અંદર પ્રવેશવામાં મદદ કરશે."
આજે મુસ્તફાની ઉંમર 47 વર્ષની છે અને તેમણે લગભગ આખી જિંદગી ઈરાનની ઇસ્લામિક સરકારનાં પતનની રાહ જોઈ છે.
"હું પહેલાં ગામમાં જઈશ."

ઇમેજ સ્રોત, Matthew Goddard/BBC
પરંપરાગત કુર્દીશ પરિધાનમાં તેમણે પોતાના પરિવાર સાથે શું થયું તેની દર્દનાક યાદો વાગોળી હતી. સરકારે તેમના એક પિત્રાઈની હત્યા કરી નાખી, જેની ઉંમર13 વર્ષ હતી. જ્યારે અન્ય એક પિત્રાઈ ભાઈ છેલ્લાં 31 વર્ષથી જેલમાં છે. તેણે વિપક્ષ સાથે સાંઠગાંઠ કરી હોવાની સરકારને આશંકા હતી.
મુસ્તફાના કહેવા પ્રમાણે, રાજકીય પ્રવૃત્તિ કરવાને કારણે તેમના પરિવારના 60 ટકા સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અથવા તેમની સાથે દુર્વ્યવહાર થયો છે.
મુસ્તફા મોલુદી પોતાના માદરે-વતનની માટી ઉપર પરત ફરશે, ત્યારે શું કરશે તેનું ચિત્ર મગજમાં રચે છે.
તેમણે અમને જણાવ્યું, "હું પહેલાં ગામમાં જઈશ."
"ત્યાં જઈને ઊંચા અવાજે કહીશ :'હું તમારા માટે લડી રહ્યો હતો, તમે મારા લોકો છો, અને હવે વધુ લડાઈ લડીશ.'"
તા. 21મી માર્ચે નવરોઝ છે. જે કુર્દોનું નવવર્ષ છે. મુસ્તફા મોલુદીને આશા છે કે તેઓ આ વખતનું નવવર્ષ પોતાનાં ગામમાં ઊજવશે.
ઈરાનની વસતિ નવ કરોડ જેટલી છે, જેમાં કુર્દોની ટકાવારી 10 ટકા જેટલી છે. કુર્દ સમાજના નેતાઓ આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન કરી રહ્યા છે કે તેઓ ટ્રમ્પનું સમર્થન કરે અને કુર્દોને ટેકો આપે.
ઈરાનના કુર્દિસ્તાનની કોમલા પાર્ટીના મહાસચિવ અબ્દુલ્લાહ મોહતાડીના કહેવા પ્રમાણે, "રાજકીય દૃષ્ટિએ અમે ઇરાનનું સૌથી સંગઠિત જૂથ છીએ."
"અને અમે આ (પરિવર્તન માટેની) તકને વેડફાય જવા દેવા નથી માંગતા."
તેઓ યુકેનાં વલણથી હતાશ છે.
અબ્દુલ્લાહ કહે છે, "બ્રિટન જ (યુરોપ) ખંડનો એકમાત્ર એવો દેશ છે કે જેણે આઇઆરજીસીને આતંકવાદી સંગઠનની યાદીમાં નથી મૂક્યું, એ વાતનું મને આશ્ચર્ય થાય છે."
ઈરાન ઉપર હુમલો કરવા માટે બ્રિટનનાં મથકોનો ઉપયોગ કરવા દેવામાં "ખચકાટ"ની પણ અબ્દુલ્લાહ મોહતાડીએ ટીકા કરી હતી.
કેટલા કુર્દ લડવા જશે?
કુર્દો કેટલા લડવૈયા એકઠા કરી શકશે, એ વાતનો અંદાજ મૂકવો કપરો છે.
એક સ્થાનિક કુર્દ પત્રકારના કહેવા પ્રમાણે, "આ સંખ્યા અમુક હજારમાં હોય શકે છે અને કેટલાક પહેલાંથી જ અંદર પ્રવેશી ગયા છે."
"તેઓ ઈરાનમાં પરિવર્તનનો હિસ્સો બનવા માંગે છે, તેઓ ભવિષ્ય માટે ભાગીદાર થવા માંગે છે. ઇતિહાસે પાઠ ભણાવ્યા છે, તેમ છતાં તેઓ આશાસ્પદ છે."
ઈરાની મૂળના કેટલાક કુર્દોનું માનવું છે કે – અમેરિકા વચન આપે કે ન આપે, અત્યારે કાર્યવાહી કરવાનો સમય છે.
ઈરાનની સરહદ પાસે આવેલાં સુલેમાનિયા શહેરમાં એક મહિલાએ કહ્યું, "અમને અમારા વતનની જરા પણ આશા દેખાતી હોય, તો અમારા માટે તે પૂરતી છે."
"અમે તેને (ઈરાનની) ઇસ્લામિક સરકારને કસાઈઓની સરકાર કહીએ છીએ. અમે તેમને ખૂબ જ નફરત કરીએ છીએ. તેમણે અમારા ઘણા લોકોને મારી નાખ્યા છે."
એ લોકો ઈરાકમાં ખૂબ જ કપરી પરિસ્થિતિમાં જીવે છે. તેમને આશંકા છે કે પાસે ચાલી રહેલાં યુદ્ધમાં તેમને પણ ઢસડી લેવાશે.
ઇરાકની સરકારે કહ્યું છે કે તે કોઈ જૂથને "ઇરાકની જમીન ઉપરથી ઈરાનની સરહદમાં ઘૂસવાની કે સરહદ પાર કરીને આતંકવાદી પ્રવૃત્તિ કરવાની છૂટ નહીં આપે."
જો કુર્દ દળો સરહદ પાર કરે તો કુર્દીસ્તાન ફ્રીડમ પાર્ટીનાં (પીએકે) હાના યઝદનપના માટે કડવી-મીઠી ઘડી હશે.
તેઓ કહે છે, "મારી પોતાની ધરતી ઉપર પરત ફરવું એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે."
મારા અનેક કાકા-મામા અને વડીલો અહીં (ઉત્તર ઇરાક) મૃત્યુ પામ્યા છે. મને નથી ખબર પડતી કે તેના માટે ખુશ થાવ કે ગમગીન, કારણ કે આ દિવસો વીતી ગયા, તે જોવા માટે તેઓ અમારી સાથે હોવા જોઇતા હતા."
વિટ્સ્કે બુરેમા, મૅથ્યૂ ગોદાર્દ અને બિઝહાર શરીફ દ્વારા વધારાનું રિપોર્ટિંગ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













