નીટની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ, એ પહેલાં મેડિકલના અભ્યાસ માટે પ્રવેશપ્રક્રિયા શું હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કમલાદેવી નલ્લાપનેની
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
નીટ... અને એનટીએ... આ બે નામ પાછલા ચાર દિવસથી સમાચાર માધ્યમોમાં સતત સાંભળવા મળી રહ્યાં છે. એનટીએએ જણાવ્યું છે કે, ત્રીજી મેના રોજ હાથ ધરવામાં આવેલી નીટની પરીક્ષા કેન્દ્ર સરકારની મંજૂરીને પગલે રદ કરી દેવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે પેપર લીક થઈ જતાં પરીક્ષા રદ કરી દેવાઈ છે.
આ સંદર્ભમાં નીટની પરીક્ષા હાથ ધરતી નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
તો, વાસ્તવમાં નીટ શું છે? આ પરીક્ષા આપવા માટે કઈ લાયકાત હોવી જરૂરી છે?
આ પરીક્ષાઓ હાથ ધરતી એજન્સી એનટીએના શિરે કઈ-કઈ જવાબદારીઓ રહેલી છે?

ઇમેજ સ્રોત, Getty Images
નીટ શું છે?
નેશનલ એલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) એ મેડિકલ શિક્ષણ માટે રાષ્ટ્રીય સ્તર પર લેવામાં આવતી પરીક્ષા છે. આ પરીક્ષા દેશભરમાં મેડિકલ ક્ષેત્રની તમામ પ્રવેશપરીક્ષાઓને એકીકૃત કરવાના પ્રયાસના ભાગરૂપે 2013માં સીબીએસઇ દ્વારા શરૂ કરવામાં આવી હતી. નીટની પરીક્ષા એપીઆઇએમટી (ઑલ ઇન્ડિયા પ્રિ-મેડિકલ ટેસ્ટ) તથા રાજ્ય સ્તરની અન્ય પરીક્ષાઓના સ્થાને શરૂ કરવામાં આવી હતી.
નીટની પરીક્ષા તેલુગુ, તામિલ, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અસમિયા તથા બંગાળી ભાષાઓમાં હાથ ધરવામાં આવે છે.
દેશભરની સરકારી તથા ખાનગી મેડિકલ કૉલેજોમાં અંડરગ્રૅજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમો (એમબીબીએસ)માં પ્રવેશ માટે આ પરીક્ષા યોજાય છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા દર વર્ષે નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પરીક્ષા તમામ સરકારી અને ખાનગી મેડિકલ સંસ્થાઓમાં અંડરગ્રૅજ્યુએટ મેડિકલ શિક્ષણ તથા બીડીએસમાં ઍડમિશન માટે હાથ ધરવામાં આવે છે.
આયુર્વેદિક વિજ્ઞાન, યુનાની ઉપચાર, હોમિયોપેથિક ચિકિત્સા, યોગિક ચિકિત્સા, સિદ્ધ વિજ્ઞાન વગેરેનાં ઍડમિશન પણ નીટ મારફતે કરવામાં આવે છે. તેનો અર્થ એ કે, જે કોઈ પણ વ્યક્તિ કોઈ મેડિકલ અભ્યાસક્રમમાં ભણવા માગતી હોય, તેના માટે નીટની પરીક્ષા આપવી જરૂરી છે.
નીટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે.
નીટ પહેલાંની પ્રવેશપ્રક્રિયા કેવી હતી?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક સમયે મેડિસિનનો અભ્યાસ કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ માટે રાજ્ય સ્તરે ખાસ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હતું. ગુજરાતમાં નીટ પહેલાં મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ કરવા માટે રાજ્યસ્તરે ગુજરાત કોમન ઍન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) લેવાતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે અંડરગ્રૅજ્યુએટ મેડિકલ શિક્ષણ માટેની તમામ પ્રવેશપરીક્ષાઓને જાકારો આપવામાં આવ્યો અને તેના સ્થાને નીટ લાગુ કરવામાં આવી.
નીટની પરીક્ષા સૌપ્રથમ 2013માં રજૂ કરવામાં આવી હતી. તે સમયે કેટલાંક રાજ્યો તેમજ ખાનગી કૉલેજોના વિરોધને કારણે તેનો અમલ કરવામાં આવ્યો નહોતો.
2017થી લગભગ તમામ રાજ્યોએ નીટને માન્ય રાખી છે.
વળી, નીટ 2020થી મેડિકલ શિક્ષણ માટેની મુખ્ય પ્રવેશપરીક્ષા બની ગઈ છે.
ધારો કે, તમે વિદેશમાં તમારું મેડિકલ શિક્ષણ પૂર્ણ કર્યું હોય અને તમે ભારતમાં ડૉક્ટર તરીકે પ્રસ્થાપિત થવા ઇચ્છતા હો, તો તમારે નીટની પરીક્ષા આપવી ફરજિયાત છે.
આ પરીક્ષા આપવા માટે, ઉમેદવારની વય 17 વર્ષ કરતાં ઓછી અને 25 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. એસસી, એસટી, ઓબીસી તથા દિવ્યાંગ લોકો માટે તેમાં પાંચ વર્ષની છૂટ અપાઈ છે.
આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ હૉસ્પિટલ્સ દ્વારા હાથ ધરવામાં આવતા બી.એસસી. નર્સિંગ કોર્સમાં ઍડમિશન મેળવવા માગતા મિલિટરી નર્સિંગ સર્વિસ-એમએનએસ ઉમેદવારો માટે નીટની લાયકાત ફરજિયાત છે.
તામિલનાડુ નીટનો તીવ્ર વિરોધ કરે છે. 2025માં તત્કાલીન સ્ટાલિન સરકારે રાજ્યને નીટમાંથી બાકાત રાખવાની માગણી સાથે તામિલનાડુ ઍસેમ્બલી અંડરગ્રૅજ્યુએટ મેડિકલ ડિગ્રી કોર્સિસ ઍડમિશન્સ બિલ, 2021 પસાર કર્યું હતું.
પરંતુ રાષ્ટ્રપતિએ તે બિલને મંજૂર કર્યું ન હતું. તામિલનાડુએ રાષ્ટ્રપતિનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
એનટીએ શું કરે છે?
ભારતમાં ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓ હાથ ધરતી સ્વાયત્ત સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી નીટનું આયોજન કરે છે. તે સોસાયટીઝ રજિસ્ટ્રેશન ઍક્ટ, 1860 હેઠળ રજીસ્ટર્ડ છે.
આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ ઉમેદવારોની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે કાર્યક્ષમ, પારદર્શી અને આંતરરાષ્ટ્રીય માપદંડની પરીક્ષાઓ હાથ ધરવાનો છે. આ સંગઠનની સ્થાપના 2017માં શિક્ષણ મંત્રાલય (અગાઉ માનવ સંસાધન વિકાસ મંત્રાલય)ના ઉપક્રમે કરવામાં આવી હતી.
એનટીએએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, તે જેઇઇ મેઇન્સ, નીટ (યુજી), કોમન યુનિવર્સિટી ઍન્ટ્રન્સ ટેસ્ટ, યુજીસી એનઇટી તથા મફત ઓનલાઇન શિક્ષણ સ્વપરીક્ષાઓ યોજશે.
એનટીએની રચના થઈ, તે પહેલાં નીટની પરીક્ષા સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા યોજવામાં આવતી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતકાળના વિવાદો
એન્જિનિયરિંગ, મેડિસિન, મૅનેજમેન્ટ અને ફાર્મસી જેવાં ક્ષેત્રોમાં પ્રવેશપરીક્ષાઓ તથા જૉબ પ્લેસમેન્ટ ટેસ્ટ્સ હાથ ધરતી એનટીએ ભૂતકાળમાં વિવાદોમાં ઘેરાયેલી રહી છે. નીટ તથા જેઇઇ જેવી પરીક્ષાઓના આયોજનને અંગે તેણે ટીકાનો સામનો કરવો પડ્યો છે. 2024માં યુજીસી નેટ રદ કરાતાં તે સમયે ભારે ઉહાપોહ થયો હતો.
બીબીસી સાથેની વાતચીતમાં ચૈતન્ય કૉલેજીઝના એક્ઝિક્યુટિવ ડીન શંકરનારાયણે કહ્યું હતું કે, ભૂતકાળમાં જ્યારે રાજસ્થાન અને બિહાર જેવાં રાજ્યોમાં પેપર લીકના આક્ષેપો થયા હતા, ત્યારે ફક્ત તે રાજ્યોમાં જ નીટ રદ કરાઈ હતી, પણ આ વખતે આખા દેશમાં નીટની પરીક્ષા રદ કરી દેવાઈ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, નીટની પરીક્ષા રદ કરવા અંગે નિરાશા વ્યાપી હોવા છતાં તે પરીક્ષા ફરીથી યોજીને એવા વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવશે, જેમણે પૂરી મહેનતથી અભ્યાસ કર્યો હતો.
2024માં નીટને અંગે વિવાદ થયો, ત્યારે નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની કાર્યક્ષમતા સામે નિષ્ણાતોએ સવાલો કર્યા હતા. જ્યારે એનટીએએ જાહેરાત કરી કે, અમુક ઉમેદવારો પરીક્ષાનો સમય ચૂકી ગયા હોવાથી એજન્સી તેમને એક્સ્ટ્રા માર્ક આપ્યા હતા, ત્યારે પણ વિવાદ થયો હતો.
2004થી લઈને 2010 સુધી એનસીઇઆરટીના ડિરેક્ટર રહેલા ક્રિષ્નાકુમારે તે સમયે કહ્યું હતું, "એનટીએમાં કોઈ કાયમી કર્મચારી નથી. દર છથી આઠ મહિને કર્મચારીઓ બદલાય છે. સિસ્ટમમાં જ ખામી રહેલી છે. આ માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવી શકાય એમ નથી."
આ વર્ષે લગભગ 22 લાખ ઉમેદવારોએ નીટ (યુજી)ની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા ત્રીજી મેના રોજ યોજાઈ હતી.
પરીક્ષા રદ થતાં હવે તે તમામ ઉમેદવારોએ ફરીથી પરીક્ષા આપવી પડશે.
જોકે, તે માટે કોઈ વધારાની ફી ચૂકવવી પડશે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























