140 આયરાણીએ દેહત્યાગ કર્યો અને 500 વર્ષ સુધી આહીરોએ પાણી ન પીધું

ગરબો

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી

સાતવિસુ સતીયું રમે આયરાણી

ઢોલીરૂપે કાનો આયો તો વ્રજવાણી

કે ગોપીરૂપે રાસ રમે આયરાણી

આ લોકગીતના ઉદ્ભવની કહાણી કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય, પરંતુ કચ્છના વાગડ પ્રદેશમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ઢોલીરૂપે અહીં આવ્યા હતા અને એક ઘટનાને કારણે 140 આયરાણીઓએ અહીં દેહનો ત્યાગ કર્યો હતો.

લગભગ 550 વર્ષ સુધી આહીરોએ આ ગામનું પાણી પીધું ન હતું અને 'અપિયા' કર્યા હતા.

સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહી છે.

સ્થાનિકોની માન્યતા પ્રમાણે, એ સમયે વ્રજવાણી તથા આસપાસનાં 12 ગામોમાં આહીરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા એટલે જ આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાતું હતું. એ સમયે વાગડના ઢોરની દેશદેશાવરમાં ચર્ચા થતી અને તેમનું પાલન આહીરોનો મુખ્ય વ્યવસાય હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્થાનિકોની માન્યતા પ્રમાણે, વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા. ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકાવીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું.

ત્રણ દિવસ અને રાત સતત આમ ચાલતા પરિવારોના વૃદ્ધોને ચિંતા થઈ. ઢોલી કોઈ કામણગારો કે તાંત્રિક હોવાની પણ આશંકા થઈ. એટલે યુવાનોને રાસના સ્થળે મોકલવામાં આવ્યા. ઉશ્કેરાયેલા એક યુવકે ઢોલીનું મસ્તક ઉતારી લીધું, પરંતુ તેનો દેહ અદૃશ્ય થઈ ગયો.

ઢોલ બંધ થવાને કારણે ભાનમાં આવેલી આયરાણીઓને ઢોલી સાથે બનેલી ઘટના અંગે જાણ થતાં ધરતીએ જગ્યા કરી આપી અને ધરતીમાં સમાઈ ગઈ.

વ્રજવાણી ધામના મૅનેજર વસ્તાભાઈ આહીરના કહેવા પ્રમાણે, "કૃષ્ણે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું."

અહીં 140 પાળિયા ઉપરાંત ઢોલીનો પણ પાળિયો છે, જેની ઉપર કાન માંડનારને ઢોલના અવાજ સંભળાતા હોવાનું મુલાકાતીઓના મોઢેથી સાંભળ્યું છે, જેના વાસ્તવિક અનુભવ અંગે મતમતાંતર હોઈ શકે.

140 આયરાણીઓ અને ઢોલીના પાળિયા સાથેની જોડાયેલો ઇતિહાસ એકઆયામી નથી અને બીજી કેટલીક વાયકાઓ પણ તેના સાથે જોડાયેલી છે.

વીડિયો કૅપ્શન, 37, 000 મહિલાઓનો દ્વારકામાં મહારાસ, જાણો કેવી રીતે થયું આયોજન
બીબીસી ગુજરાતી

સતી થવાની વાયકા

વ્રજવાણી ધામના

ઇમેજ સ્રોત, Vastabhai Ahir

ઇમેજ કૅપ્શન, વ્રજવાણી ધામના મૅનેજર વસ્તાભાઈ આહીરના કહેવા પ્રમાણે, "કૃષ્ણે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું."

'આહીરોની ઉદારતા' પુસ્તકનું છઠ્ઠું પ્રકરણ કચ્છના વ્રજવાણી વિશે છે. જેમાં આહીર જ્ઞાતિના વહીવંચા ભીમજીભાઈ ભુરાભાઈ બારોટને (ચોબારીવાળા) ટાંકતાં અમરાસર તળાવના કાંઠે મૃત્યુ પામનારાં 140 આયરાણીનાં નામ લખ્યાં છે.

ગુજરાતમાં સદીઓ સુધી વહીવંચા બારોટોની પરંપરા રહી છે. જેમાં વર્ષમાં તેઓ એક વખત પરિવારની મુલાકાત લે, પરિવારમાં નવા ઉમેરાયેલા સભ્યોનાં નામોનો વંશાવલીમાં ઉમેરો કરવામાં આવે તથા મૃતકોનાં નામ-સમયની નોંધ કરવામાં આવે. પરિવારજનોની શૂરવીરતા અને તેમના ઇતિહાસ અંગે વાંચન કરવામાં આવે, જેથી કરીને પરિવાર તેમના પૂર્વજનોના પરાક્રમો વિશે વાકેફ થાય અને તેનાથી પ્રેરિત થાય.

પુસ્તકની નોંધ (પેજનંબર 64-69) પ્રમાણે, વાગડ પ્રદેશમાં આહીરો ગાય-ભેંસો ચારતા. અહીંના માલઢોરની દેશદેશાવરમાં ચર્ચા રહેતી. જેને સાંભળીને પારકરના યવનોએ ધણ વાળવા હુમલો કર્યો. આહીરો અને યવનો વચ્ચે રકતરંજીત હોળી ખેલાય છે અને યવનો પાછા વળે છે, પરંતુ અનેક આહીર યુવાન કામમાં આવી ગયા.

વજ્રવાણીધામ

ઇમેજ સ્રોત, Vastabhai Ahir

એ સમયે આયરાણીઓ વ્રજવાણીમાં રાસ રમતાં હતાં, ત્યારે જ્ઞાતિના પટેલ ખોખા ડાંગર આવીને તેમને કહે છે, 'તમારાં સગપણ થઈ ગયાં છે એ બધા આહીર યુવાનો ગાયોને માટે કામમાં આવી ગયા છે. તમે બધા અહીં રાસ રમો છો, એટલે હવે તમારા પતિઓને ઓળખી કપાળે તિલક કરીને રાસ રમવા આવો.'

ઉપસ્થિત આયરાણીઓએ એમ કરે છે અને સુદ્ધ-બુદ્ધ ગુમાવીને છેલ્લી વખતના રાસ રમે છે. ઢોલી ઢોલ પીટે છે અને પછી સવાર સુધીમાં એક પછી એક 140 યુવતીઓ દેહનો ત્યાગ કરે છે. પુસ્તકમાં સરતી નામના ઢોલી સ્વરૂપે કૃષ્ણ હોવાનો અને તમામનાં મૃત્યુ પછી તે પણ દેહ છોડી દે છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

છેલ્લે ખોખા ડાંગર ગામને દૂધની ધારવડી આપીને નીકળી જાય છે. આ કરૂણ ઘટનાને કારણે આહીરોએ ગામનું પાણી અગરાજ કર્યું અને સદીઓ સુધી અહીં અને પાસેના અમરાસર તળાવનું પાણી પીધું ન હતું. એ પછી આહીરોએ દેવીસર (ખેરાઈ) વસાવ્યું.

એ અરસામાં સરહદ પરના વિસ્તારોમાં હુમલા અને કોઈ ઘટના પછી ગામોની સામૂહિક હિજરત એ અસામાન્ય બાબત ન હતી.

બીબીસી ગુજરાતી

ઇર્ષ્યાએ નોતર્યો વિનાશ?

વ્રજવાણી ધામ

ઇમેજ સ્રોત, Vastabhai Ahir

ઇમેજ કૅપ્શન, વ્રજવાણી ધામમાં આયરાણીઓની મૂર્તિઓ બનાવવામાં આવી છે

ઉપરોક્ત પુસ્તકમાં ધરતીએ જગ્યા આપતાં તેમાં સમાઈ ગઈ હોવાની વાયકાનો પણ 'નોંધ'ના શિર્ષક હેઠળ ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય 'આહીર રત્નભાગ-1' તથા અન્ય લખાણોને ટાંકતા પુસ્તકમાં આયરાણીઓની ખાંભીઓના ઇતિહાસ અંગે મતમતાંતર વ્યક્ત કરવામાં આવ્યા છે.

અન્ય એક વાયકા મુજબ, ઢોલીના તાલે આહીરની દીકરીઓ મનમૂકીને રાસ રમી રહી હતી, ત્યારે કોઈ વટેમાર્ગુએ આહીરોની કાનભંભેરણી કરી, જેથી તેને મારી નાખવામાં આવે છે. પોતાને કારણે ઢોલીનો જીવ ગયો હોવાથી તથા તેમની ઉપર શંકા થઈ હોવાનું લાગી આવતાં તેઓ દેહ છોડી દે છે. એ પછી આહીરો ગામ છોડી દે છે અને અમરાસરનું પાણી ત્યજી દે છે.

વ્રજવાણી ધામના 'સરકારી ઇતિહાસ'માં પણ આવો જ કંઇક ઉલ્લેખ જોવા મળે છે. કચ્છ ગૅઝેટિયર (પૃષ્ઠક્રમાંક 162-163) પરના ઉલ્લેખ પ્રમાણે, રાપર તાલુકાના વ્રજવાણીમાં એક ઢોલી હતો તે એટલો પારંગત હતો કે તેના ઢોલ ઢબૂકે એટલે આયરાણીઓ ઘરનાં કામકાજ પડતાં મૂકીને પણ રાસ રમવા દોડી જતી.

એક આહીર યુવકે ઇર્ષ્યામાં ઢોલીના માથા પર પ્રહાર કર્યો અને તેની હત્યા કરી નાખી. વ્યથિત આયરાણીઓએ તેમનાં હાથીદાંતના ચૂડલા કપાળે મારીને દેહ છોડી દીધા.

જોકે, સરકારી ગૅઝેટિયરમાં 120 આયરાણીઓએ દેહનો ત્યાગ કર્યો હોવાનો તથા તેમનાં 120 પાળિયા હોવાનું નોંધવામાં આવ્યું છે. એ પછી શું થયું તેના વિશે કોઈ ઉલ્લેખ નથી.

લાઇન

હેલ્લારો, વ્રજવાણી અને અગ્રાજ

હેલારો

ઇમેજ સ્રોત, Abhishek Shah/FB

ઇમેજ કૅપ્શન, અભિષેક શાહ દ્વારા દિગ્દર્શિત 'હેલારો' ફિલ્મ પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીના સશક્તીકરણની વાત કરે છે.

'લોકકથા પર આધારિત' ફિલ્મ 'હેલ્લારો' વર્ષ 1975 આસપાસ આકાર લે છે, જેમાં કચ્છની પૃષ્ઠભૂમિ, રૂઢિચુસ્ત સમાજ અને ઢોલી કેન્દ્રસ્થાને છે. ફિલ્મમાં સમાજની મહિલાઓના રાસ રમવા ઉપર નિષેધ હતો અને ફિલ્મની ચરમ પર મહિલાઓ પોતાના પરના પ્રતિબંધોને ફગાવી દે છે. એ સમયે ફિલ્મ સાથે વ્રજવાણીની સરખામણી કરતા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા હતા.

વસ્તાભાઈ આહીરના કહેવા પ્રમાણે, "ફિલ્મ અને વ્રજવાણી વચ્ચે કોઈ સમાનતા નથી તથા આના વિશે સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. સદીઓથી આહીર કે યાદવ મહિલાઓ/દીકરીઓ પરિવારજનોની વચ્ચે રાસ લે છે અને અગાઉ બહારના લોકોની સામે રાસ ન રમતી."

આયરાણીઓનાં મૃત્યુ કે સતી થયા પછી આહીરોએ પાસેના અમરાપરમાં મૃતકો માટે 140 કુવા ગળાવ્યા. વર્ષો સુધી આહીરો નવા વર્ષ કે અન્ય તહેવાર પર અહીં આવતાં, પરંતુ પીવાનું પાણી પોતાની સાથે જ લાવતાં અને અહીનું પાણી ન પીતા.

વસ્તાભાઈ આહીરના જણાવ્યા પ્રમાણે, 2012માં વૈશાખ સુદ ચોથના દિવસે અહીં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી અને 140 આયરાણીઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી. સાથે જ તેમના નામોલ્લેખ પણ છે.

આ સિવાય અહીં રહેવા-જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. જનમાષ્ટમી તથા વૈશાખ મહિનાના પહેલા અઠવાડિયામાં અહીં વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

સામાન્ય રીતે અપિયા સો કે 200 વર્ષના હોય, પરંતુ આહીરોએ 550 વર્ષ કરતાં વધુ સમય સુધી તેનું પાલન કર્યું હતું. 2012 પછી સમાજના તથા અન્ય ધાર્મિક આગેવાનો દ્વારા અગ્રાજનો ત્યાગ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

જે પછી અમુક આહીરોએ તેનો ત્યાગ કર્યો હતો, છતાં હજુ પણ અમુક આહીર પરિવારો અમરાસર તળાવનું પાણી નથી પીતા.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી