ગુજરાતનો ઇતિહાસ : પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છના લખપતનો કિલ્લો 'કુંવારો કિલ્લો' કેમ કહેવાય છે?

ઇમેજ સ્રોત, GUJARAT TOURISM
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
કહેવાય છે કે કુદરતની સામે મનુષ્ય પાંગળો છે. કુદરત ઇચ્છે તો જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ (જળથળ) કરી નાખે.
આવું જ એક સ્થળ છે ગુજરાતના કચ્છમાં આવેલું લખપત, જેના નામ સાથે તેના વૈભવની ગાથા જોડાયેલી છે.
સત્તાધીશની મહત્ત્વાકાંક્ષા અને આંતરરાષ્ટ્રીય પરિબળોએ લખપતને વિકસાવવામાં મદદ કરી હતી, તો આજ પરિબળોએ કુદરતની સાથે મળીને તેના મહત્ત્વને ઝાંખપ લગાડી.
છતાં તેનું વ્યૂહાત્મક મહત્ત્વ અણનમ રહેવા પામ્યું છે, એટલે જ વિભાજન પછી પણ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલમાં લખપતની ઉપર દાવો કર્યો હતો.

સુલતાનનું પતન, કચ્છનો ઉદય

ઇમેજ સ્રોત, GUJARAT TOURISM
ગુજરાતના છેલ્લા સુલતાન મુઝ્ઝફરશાહને માટે વર્તમાન સમયના જામનગરની પાસે રાજપૂતો અને મુગલો વચ્ચે ભૂચરમોરીનું નિર્ણાયક યુદ્ધ ખેલાયું, જેમાં રાજપૂતોનો પરાજય થયો અને ગુજરાતમાં નિર્ણાયક રીતે મુગલોનું પ્રભુત્વ સ્થપાયું.
એ પછી મુઝ્ઝફરશાહે પહેલાં બરડા ડુંગરમાં પછી દ્વારકામાં અને ત્યાંથી દરિયાઈમાર્ગે કચ્છ જઈને ત્યાંના રાવ ભારમલનો આશરો લીધો. મુઝ્ઝફરશાહને પકડવા માટે પ્રયાસરત અકબરના દૂધભાઈ અઝીઝ કોકાને આ વાતની જાણ થઈ ત્યારે, તેમણે કચ્છ ઉપર સવારી કરવાની ધમકી આપી.
રાવ ભારમલે તેમના જ જાડેજા ભાયાત જામ સતાજીના (તત્કાલીન નવાનગરના શાસક) હાલ જોયા હતા. આથી, રાવ ભારમલે જો મોરબીનું પરગણું આપવામાં આવે, તો સુલતાન મુઝ્ઝફરશાહને સોંપવાની તૈયારી દાખવી.
અઝીઝ કોકાએ આ શરત સ્વીકારી લીધી. મુઝ્ઝફરશાહને (ડિસેમ્બર-1592) બંદીવાન તરીકે પકડીને દિલ્હી લઈ જવાઈ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તામાં આત્મહત્યા કરી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુગલોનો સુવર્ણકાળ હજુ આવવાનો હતો, એ પહેલાં જ કચ્છના રાજા રાવ ભારમલના તેમની સાથે સારા સંબંધ સ્થપાયા. કચ્છમાં જાડેજાનું સ્વતંત્ર અસ્તિત્વ જળવાઈ રહ્યું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇતિહાસના પૂર્વ પ્રાધ્યાપક ડૉ. રાજકુમાર હંસના (એકાંત, સિઝન-1, એપિસોડ-4) મતે, "ઈસ. 1617 (અકબરના મૃત્યુ પછી) જહાંગીર ગુજરાત આવ્યા હતા, ત્યારે કચ્છથી હજ પઢવા જનારાઓ ઉપર કોઈ પણ પ્રકારનો કર લાદવામાં ન આવે કે કોઈપ ણ પ્રકારની શરતો મૂકવામાં ન આવે તો તેમની ખંડણી માફ કરવાનું ઠેરવ્યું. આથી, કચ્છની સ્વતંત્રતા જળવાઈ રહી અને મુગલ સામ્રાજ્યનું દબાણ ઘટી ગયું."
આ સિવાય કચ્છના રાવને તેમના નામના સિક્કા બહાર પાડવાની પણ છૂટ આપવામાં આવી. જહાંગીર સાથેની મુલાકાત સમયે રાવે દિલ્હીના શાસકને અનેક ભેટ-સૌગાતો પણ આપી હતી.
'ગુજરાતનો ઇતિહાસ ખંડ 5- સલ્તનતકાળ'માં (સંપાદક રસિકલાલ પરીખ તથા હરિપ્રસાદ શાસ્ત્રી, પૃષ્ઠક્રમાંક 154) પર લખે છે: જામ રાવળની જમીન કબજે કરતાં-કરતાં ખેંગારજીએ દબાવી લીધી હતી, એટલે જામ રાવળ ત્યાંથી પલાયન કરીને સૌરાષ્ટ્ર-હાલાર આવી ગયા. એણે સદાને માટે કચ્છનો ત્યાગ કર્યો. ઈસ. 1548માં સમગ્ર કચ્છ પર તેની આણ પ્રવર્તી અને તે કચ્છના પ્રથમ 'રાવ' બન્યા.

લખપતની જાહોજલાલી

ઇમેજ સ્રોત, RANMAL SINDHAV
'લખ'પત નામ સાથે તેની જાહોજલાલી અને બે માન્યતાઓ પણ જોડાયેલી છે. સ્થાનિક ગાઇડ ઉસ્માનભાઈએ બીબીસીને જણાવ્યા પ્રમાણે, "લાખોની ઉપજ કરનાર એટલે લખપત. આ સિવાય અહીં રાવ લખપત થઈ ગયા, આમ બંને બાબતોની કહાણી લખપત સાથે જોડાયેલી છે. અહીં દરરોજ લાખોની આવક થતી એટલે બંને કારણસર લખપત નામ મળ્યા."
અહીંથી મોઝામ્બિક, ઝાંઝીબાર, ઓમાન અને મસ્કત સહિતના પૂર્વ આફ્રિકા અને મધ્યપૂર્વના દેશો સાથે વેપાર થતો. તે બસ્તા બંદરના નામે પણ ઓળખાતું. લખપત તેની સમૃદ્ધિની ચરમ પર હતું, ત્યારે તેની વસતિ 10 હજાર આસપાસ હતી.
રાવ લખપતના સમયમાં કચ્છની સમૃદ્ધિનું વર્ણ કરતા 'ગુજરાતનો ઇતિહાસ ખંડ 6- મુઘલ કાલ'માં (સંપાદક પરીખ તથા શાસ્ત્રી, પૃષ્ઠક્રમાંક 269-270) પર લખે છે:
કચ્છમાં રાવ લખપતના સમયમાં (ઈસ. 1741-1761) લખપતમાં હુન્નરકળાનો સારો એવો વિકાસ થયો હતો. પુરાતનકાળથી કચ્છ પ્રદેશ સમુદ્ર વ્યવહારથી વિદેશો સાથે જોડાયેલો હતો. ત્યાંના વેપારીઓ અને વહાણવટીઓ દરિયો ખેડતા અને વિદેશથી સમૃદ્ધિ દેશમાં ખેંચી લાવતા.

- ગુજરાતના કચ્છમાં આવેલા લખપતના નામ સાથે તેના વૈભવની ગાથા જોડાયેલી છે
- લાખોની ઉપજ કરનાર એટલે લખપત. આ સિવાય અહીં રાવ લખપત થઈ ગયા, આમ બંને બાબતોની કહાણી લખપત સાથે જોડાયેલી છે, અહીં દરરોજ લાખોની આવક થતી એટલે બંને કારણસર લખપત નામ મળ્યા
- કચ્છમાં રાવ લખપતના સમયમાં (ઈસ. 1741-1761) લખપતમાં હુન્નરકળાનો સારો એવો વિકાસ થયો હતો
- 'શ્રી યદુવંશ પ્રકાશ' મુજબ ફતેહ મહમંદના પૂર્વજ હિંદુ હતા અને તેમણે કચ્છમાં તુણા બંદરને વિકસાવ્યું અને વાગડ પ્રદેશમાં પોતાના નામ પરથી 'ફતેહગઢ' નામનો કિલ્લો બંધાવ્યો
- 1869માં સુએઝ કૅનાલ ખૂલી થતા ગુજરાતનાં બંદરોની માઠી બેઠી, સિંધના કરાંચી બંદરના ઉદય સાથે માંડવી અને લખપત બંદરોનો વેપાર ખૂબ ઘટી ગયો
- 1980ના દાયકાના અંત ભાગમાં લખપત ખાતેની સરકારી કચેરીઓને અન્યત્ર ખસેડી લેવામાં આવી એટલે તેનું મહત્ત્વ ઘટતું ગયું
- ગુરુ નાનક દેવ પોતાની બીજી ઉદાસી દરમિયાન (ઈ.સ. 1506- '09)ના સમયગાળામાં પહેલી વખત લખપત પહોંચ્યા હતા
- ગુરુ નાનક દેવની સ્મૃતિરૂપ ચરણપાદુકા ઉદાસી સંપ્રદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે

પિતા રાવ દેશળજી તરફથી રાવ લખપતને તિજોરીમાં મોટો વારસો મળ્યો હતો અને રાવ લખપતે પણ વિવિધ સાધનો દ્વારા તેમાં વધારો કર્યો હતો.
રાવ લખપતે પોતાના રાજ્યમાં વિદેશીઓને વસવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને પોતાના (આયના) મહેલને યુરોપિયન કળાકારીગરીથી સજાવ્યો હતો. એનું આયોજન રામસિંહ માલમ નામના કુશળ કારીગરે કર્યું હતું.
રામસિંહ માલમે પોતે અનેક વખત વિદેશનો વેપાર ખેડ્યો હતો અને લાંબા સમય સુધી હોલૅન્ડમાં રહ્યા હતા. રામસિંહે કચ્છમાં તોપ, કાચ અને રેશમ બનાવવાનાં કારખાનાં સ્થાપ્યાં હતાં. કચ્છના કારીગરોને ઘડિયાળ બનાવવાનું કામ રામસિંહે શીખવ્યું હોવાનું મનાય છે.
એ જ પુસ્તકમાં (મુઘલ કાલ, પરીખ-શાસ્ત્રી, પેજનંબર 377) પર લખે છે કે રાવ લખપત પોતે સાહિત્યપ્રેમી અને કવિ હતા. વ્રજભાષામાં કાવ્યની રચના કરવા માટે તેણે ભુજમાં પાઠશાળા સ્થાપી હતી અને તેના નિર્વાહ માટે એક ગામ આપ્યું હતું. જૈન યતિઓને કારણે આ પાઠશાળા ગુજરાત અને રાજસ્થાનમાં અદ્વિતીય હતી.

...ત્યારે કચ્છ લીલુંછમ હતું

ઇમેજ સ્રોત, District Administration Kutch
કચ્છ અને સિંધની વચ્ચે લખપત એ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. વારંવાર સિંધના અમીર તરફથી હુમલા થતા હતા, જેનો મુખ્ય હેતુ વિસ્તાર વધારવાનો નહીં, પરંતુ ધનદોલત મેળવવાનો હતો.
રિપોર્ટ્સ ઑફ ઇન્ટરનેશનલ આર્બિટ્રલ ઍવૉર્ડ્સ (VOLUME XVII, પેજનંબર 32) પર જણાવ્યા પ્રમાણે, ઈસ. 1760માં રાવ ગોડજીએ કચ્છની ગાદી સંભાળી. વર્ષ 1762માં સિંધના કાલહોરા શાસક ગુલામશાહે હુમલો કર્યો. કચ્છના શાસક અગાઉથી સતર્ક હતા, પરંતુ રણમાં લાંબી મુસાફરી કરીને પાણીના અભાવ વચ્ચે ઝારા પહોંચેલા સિંધના હુમલાખોરોની ઉપર તત્કાળ હુમલો કરવાને બદલે બે દિવસ રાહ જોઈ.
જેના કારણે આક્રમણકારોને આરામ કરવાનો મોકો મળી ગયો. જ્યારે વાસ્તવમાં યુદ્ધ થયું, ત્યારે જાડેજા ભાયાતો ટક્કર આપી ન શક્યા. સામસામી ખુંવારી બાદ ગુલામશાહે રાજકન્યાની માગ કરી. આ શરતનું પાલન નહીં થતાં સિંધમાં મોરા ખાતે પૂરણ નદીનો કચ્છ આવતો પ્રવાહ અટકાવી દીધો.
'શ્રી યદુવંશ પ્રકાશ'માં (દ્વિતીય ખંડ, પેજનંબર 181) ઉલ્લેખ પ્રમાણે, સિંધુ નદીની કોરી નામની શાખા દ્વારા કચ્છના બન્ની અને ગરડા સુધી પાણી આવતું. સિંધમાં બંધ બંધાવવાને કારણે પ્રવાહ અટકી ગયો અને કચ્છને દરસાલ થતી આઠ લાખ કોરીની પેદાશ અટકાવી અને કચ્છને હિમાલયના પાણીથી કાયમને માટે વિમુખ કરી દીધો.
ઈ.સ. 1764માં ખાખરના જાડેજાનાં ઉપપત્નીનાં પુત્રીને પરણાવીને ગુલામશાહને વાળવામાં આવ્યા.
1764માં ગુલામશાહે લખપત ખાતે પાંચ હજાર માણસોનું થાણું બેસાડ્યું. સિંધના શાસકના મૃત્યુ બાદ તેના દીકરા સરફરાઝના હાથમાં સત્તા આવી. તેણે લખપત ખાતેનું થાણું પાછું ખેંચી લીધું.
લખપતના રાવ શાસકોમાં રાજકીય અસ્થિરતા પ્રવર્તમાન હતી ત્યારે સત્તાના સૂત્રો દીવાન કે પડદા પાછળ રહેલી વ્યક્તિઓના હાથમાં રહેતા. એવા સમયમાં લખપતમાં ફતેહ મોહમ્મદ નામના જમાદાર ઇતિહાસમાં પોતાની છાપ છોડવાના હતા.

જમાદાર ફતેહ મહંમદ

ઇમેજ સ્રોત, GUJARAT TOURISM
સ્થાનિકોમાં પ્રચલિત વાયકા પ્રમાણે, ફતેહ મહમદનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો અને ઘેટાં-બકરાં ચરાવવાનું તેનું મુખ્ય કામ હતું. એક વખત તે ઝાડ નીચે ઊંઘી રહ્યા હતા, ત્યારે એક પીર તેને પાટું માર્યું. ફતેહ મહમદની ઊંઘ ઊડી ગઈ અને પીર પર ગુસ્સે થવાને બદલે તેઓ હસવા લાગ્યા.
આ જોઈને ફકીરને પણ આશ્ચર્ય થયું અને કહ્યું કે તે નામ કાઢશે. સાથે જ ફકીરે તેને રાવને (કચ્છના રાજા) મળવાની સલાહ પણ આપી. આથી, ફતેહ મહંમદે સેનાપતિ ડોસલવેણ સાથે મુલાકાત કરી, જેણે યુવકથી પ્રભાવિત થઈને તેને 20 પાયદળની જમાદારી આપી.
કચ્છના શાસક રાયધણજી દ્વિતીયે ઇસ્લામ અંગીકાર કરીને કચ્છમાં મૂર્તિભંજનના પ્રયાસ કર્યા હતા, એટલે તેમને હઠાવીને તેમના નાના ભાઈ પૃથ્વીરાજજીને ગાદીએ બેસાડવામાં આવ્યા, જેઓ ભાઈજી બાવા તરીકે ઓળખાતા. રાજકાર્ય માટે 'બારભાયા રાજમંડળી'ની સ્થાપના કરવામાં આવી હતી, જેમાંથી ડોસણવેલ એક હતા.
જમાદાર ફતેહ મહમંદે પોતાની વ્યવહારકુશળતા, રાજકીય કુશળતા અને કાર્યકુશળતાથી ભાઈજી બાવા પર ઊંડી છાપ ઊભી કરી હતી. ટૂંક સમયમાં તેણે કચ્છની સર્વોપરી સત્તા હાથ કરી.
પ્રો. હંસના જણાવ્યા પ્રમાણે, આ કિલ્લાનું નિર્માણકાર્ય ઈ.સ. 1801માં પૂર્ણ થયું. જમાદાર ફતેહ મહંમદે આસપાસનાં રજવાડાંના હુમલાથી વેપારીઓનું રક્ષણ કરવા માટે સાત કિલોમીટરના વિસ્તારમાં કિલ્લાનું નિર્માણ કરાવડાવ્યું હતું. પરંતુ તેની ક્યારેય જરૂર પડી જ નહીં અને લખપતનો કિલ્લો 'કુંવારો કિલ્લો' રહી ગયો.
સ્થાનિક ગાઇડ ઉસ્માનભાઈના કહેવા પ્રમાણે, "એ સમયના વેપારીઓને આસપાસનાં રજવાડાંનો ભય સતાવતો, જેઓ હુમલા કરી શકતા હતા અને માલ લૂંટી જતા. જો આમ થાય તો વેપારીઓએ નુકસાન વેઠવું. લખપતના કિલ્લા ઉપર ક્યારેય કોઈ રજવાડાએ ચઢાઈ નથી કરી એટલે લખપતના કિલ્લાને 'કુંવારો કિલ્લો' પણ કહેવામાં આવે છે."
1807માં કંપની સરકાર સાથે લખપત વતી જમાદાર ફતેહ મહંમદે કરાર કર્યા, જે તેની પહોંચ દેખાડે છે. ચાંચિયાગીરી અને લૂંટફાટ બંધ થાય તે માટે તેને કરાર મુજબ પ્રયાસ કર્યા ન હતા, આ માટે અંગ્રેજો દ્વારા રજૂઆત કરવા છતાં પણ ફતેહ મદંમદે તેનો અમલ કર્યો ન હતો.
ફતેહ મહંમદે તત્કાલીન શાસકો સાથે સારાસારી રાખવાના પ્રયાસો કર્યા હતા. મૈસૂરના ટીપુ સુલતાને શ્રીરંગાપટ્ટનમ ખાતે બનેલી તોપ ભેટ આપી હતી, જે આજે પણ મ્યુઝિયમમાં સચવાયેલી છે.

ફતેહ મહંમદ પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
'શ્રી યદુવંશ પ્રકાશ'ના દ્વિતીય ખંડમાં કચ્છના જાડેજા વંશના ઇતિહાસની સાથે ફતેહ મહંમદ વિશેનો પણ ઉલ્લેખ (પૃષ્ઠક્રમાંક 183થી 185) પર જોવા મળે છે. જે મુજબ :
ફતેહ મહમંદના પૂર્વજ હિંદુ હતા. જામ રાયધણજીના નોતીયાર નામના કુંવરે ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો હતો અને ફતેહ મહંમદ તેમના જ વંશજ હતા. તેમણે કચ્છમાં તુણા બંદરને વિકસાવ્યું અને વાગડ પ્રદેશમાં પોતાના નામ પરથી 'ફતેહગઢ' નામનો કિલ્લો બંધાવ્યો.
'ગુજરાતનો ઇતિહાસ ખંડ 7 : મરાઠા કાલ' (સંપાદક પરીખ તથા શાસ્ત્રી, પૃષ્ઠક્રમાંક 171) પર લખે છે કે જમાદાર ફતેહ મહંમદે ગરાસિયા, મિયાંણા અને ધર્મસ્થાનોને અપાયેલાં ગામો પર વેરો નાખ્યો હતો, આથી ધમડકાના (તા. અંજાર) ગરાસિયા ભાયાતે જમાદાર ફતેહ મહંમદની હવેલીમાં ઘૂસીને તેને મારી નાખવાનો પ્રયાસ કરેલો. ફતેહ મહંમદ ઘાયલ થયો અને ચારેક મહિને બેઠો થયો. તેના માણસે ગરાસિયા હુમલાખોરની હત્યા કરી.
'શ્રી યદુવંશપ્રકાશ'માં ઉલ્લેખ પ્રમાણે, થયેલા વધુ પડતા ખર્ચને પહોંચી વળવા ફતેહ મહંમદે આસપાસનાં રજવાડાં પર ચઢાઈઓ કરી. તેણે નવાનગરના બાલંભાના કિલ્લાને પોતાનો ગણાવીને તેની પર ત્રણ-ત્રણ વખત સવારી કરી,પરંતુ મેરૂ ખવાસે શામ-દામ અને ભેદ વાપરીને કિલ્લાને પોતાના હાથમાંથી જવા ન દીધો.
'શ્રી યદુવંશ પ્રકાશ'માં ઉલ્લેખ પ્રમાણે ઈ.સ. 1813 (વિક્રમ સંવત 1870) આસપાસ પ્લૅગને કારણે ફતેહ મહંમદનું અવસાન થયું. કેટલાંક લખાણોમાં કૉલેરાને કારણે મૃત્યુ થયું હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.

અંતનો આરંભ

ઇમેજ સ્રોત, Getty Images
'ગુજરાતનો ઇતિહાસ 8 : બ્રિટિશ કાલ' (સંપાદક પરીખ અને શાસ્ત્રી પેજનંબર 268) કે 1818માં ગુજરાતનો દોર મરાઠાઓના હાથમાંથી અંગ્રેજોના હાથમાં ગયો હતો. એ સમયે સુરત, ધોલેરા, ભાવનગર, લખપત અને માંડવી જેવાં અનેક બંદરોનો જે રીતે વિકસિત હતાં, તે દેખાડે છે કે ગુજરાતનાં ગામડાં નગરોને પોષી શકવાની ક્ષમતા ધરાવતા હતા. જો તેઓ પોતાના વપરાશ પૂરતું જ અનાજ પકવતા હોત તો આ બંદરોનો વિકાસ જ ન થયો હોત.
ઉપરોક્ત પુસ્તકમાં (પેજનંબર 294) પર પરીખ અને શાસ્ત્રી લખે છે કે અંગ્રેજોની નૌકાસૈન્યની તાકતને કારણે ચાંચિયાગીરીનો અંત આવ્યો. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં ઈ.સ. 1807માં 'વૉકર સેટલમૅન્ટ હેઠળ' ચાંચિયાગીરીનો અંત લાવવા માટે સૌરાષ્ટ્રના રાજવીઓ સાથે કરાર થયા હતા, જે મુજબ તેમણે ચાંચિયાગીરી છોડી દેવાનું અને તણાઈ આવેલાં જહાજના ભંગાર અને માલ પરથી હક્ક ઉઠાવી લેવાનું સ્વીકાર્યું હતું.
અંગ્રેજોના સમયમાં સુવ્યવસ્થા સ્થપાઈ, પરંતુ વેપાર અને ખેતીની અવદશા થઈ. વરાળથી ચાલતી આગબોટોને કારણે સુરત, ભરૂચ, ખંભાત અને ભાવનગર જેવાં બંદરોના વેપારમાં ઓટ આવી.
કાપને કારણે ખંભાતનો અખાત અને તાપી નદીમાં વારંવારના પૂરને કારણે સુરતના બારા છીછરા થઈ ગયા હતા. સુરતના નવાબના ત્રાસથી અંગ્રેજોએ તેમની કોઠી મુંબઈ ખસેડી. રેલવેને કારણે આંતરપ્રદેશ સાથે મુંબઈનો સંપર્ક સ્થપાયો અને સુરતનો વેપાર ત્યાં ઢસડાઈ ગયો.
1869માં સુએઝ કૅનાલ ખૂલી થતા ગુજરાતના બંદરોની માઠી બેઠી. સિંધના કરાંચી બંદરના ઉદય સાથે માંડવી અને લખપત બંદરોનો વેપાર ખૂબ ઘટી ગયો.
1819માં કચ્છમાં ભૂકંપને કારણે કોરી ખાડી છીછરી બની ગઈ. તેથી સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો મુંબઈ અને કરાંચી તરફ આકર્ષાયા. આથી (હાલના) ગુજરાતના વેપાર અને વહાણવટાને ધક્કો લાગ્યો.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ધાકધમકીને કારણે વણકરોએ કાપડ વણવાનું છોડી દીધું. વિદેશથી આયાત થતું કપડું સસ્તું હતું એટલે કાપડની નિકાસ ઘટી ગઈ.
ઇંગ્લૅન્ડે ભારતનાં વહાણો દ્વારા વેપાર ઉપર પ્રતિબંધ લાદ્યો હતો, એટલે ગુજરાતના વહાણ બાંધવાના ઉદ્યોગમાં ઓટ આવી. જોકે દેશી રજવાડાંના પ્રોત્સાહનને કારણે તેઓ ટકી ગયા.

લખપતમાં શીખધર્મ

ઇમેજ સ્રોત, Raju Bhai Sardar
1980ના દાયકાના અંત ભાગમાં લખપત ખાતેની સરકારી કચેરીઓને અન્યત્ર ખસેડી લેવામાં આવી એટલે તેનું મહત્ત્વ ઘટતું ગયું.
શીખ ધર્મનાં અધિકૃત પુસ્તકો અને સ્રોતો અનુસાર ગુરુ નાનક દેવે ચાર ધર્મયાત્રાઓ કરેલી, જેના માટે 'ઉદાસી' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ચોથી ઉદાસી દરમિયાન ગુરુ નાનક દેવે ઇસ્લામમાં પવિત્ર મનાતા મક્કા-મદીના, યહૂદી તથા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર મનાતા જેરુસલેમ તથા અન્ય ધાર્મિક સ્થળોની યાત્રા કરી હતી.
આ દરિયાઈયાત્રા તેમણે એ સમયના ખૂબ જ પ્રસિદ્ધ લખપત બંદરે શરૂ કરી હતી. પંજાબ સરકાર દ્વારા પ્રકાશિત પુસ્તક (ગુરુનાનક્સ બ્લેસ્ડ ટ્રેઇલ્સ, પેજનંબર-10) પર જણાવ્યા પ્રમાણે, ગુરુ નાનક દેવ પોતાની બીજી ઉદાસી દરમિયાન (ઈ.સ. 1506- '09)ના સમયગાળામાં પહેલી વખત લખપત પહોંચ્યા હતા, તો ચોથી ઉદાસી દરમિયાન ઈ.સ. 1518-21ના સમયગાળામાં લખપત થઈને મક્કા-મદીના ગયા હતા.
મોટા ભાગની યાત્રા ગુરુ નાનક દેવે પગપાળા ખેડી હતી અને આ સમયે ભાઈ મરદાના તેમની સાથે હતા. લખપતમાં તેઓ અંદાજે 41 દિવસ રહ્યા હોવાનું કહેવાય છે. લખપતમાં ટિકેયાવાલા સ્થાન પર રોકાણ દરમિયાન ગુરુ નાનક દેવે તમામ ધર્મ-સંપ્રદાયના સાધુ-સંતો સાથે સત્સંગ કરેલો.
ગુરુ નાનક દેવની સ્મૃતિરૂપ ચરણપાદુકા ઉદાસી સંપ્રદાયના સંતો દ્વારા જે સ્થાન પર સાચવી રાખવામાં આવેલી, ત્યાં આજે ગુરુદ્વારા છે અને એમાં આજે પણ ગુરુ નાનક દેવની ચરણપાદુકા (ચાખડી) સચવાયેલી છે. શીખ ધર્મના પ્રથમ ગુરુ સાથે સંકળાયેલું આ ગુરુદ્વારા હોવાથી તે શીખ પરિભાષા અનુસાર 'પહેલી પાતશાહી ગુરુદ્વારા' તરીકે પણ વિખ્યાત છે.
1998નાં વાવાઝોડાં અને 2001ના ધરતીકંપને કારણે લખપતના અન્ય વિસ્તારોની સાથે આ ગુરુદ્વારાના પુરાતન મકાનમાં ક્ષતિગ્રસ્ત થયેલું અને સમારકામની તાતી જરૂર હતી. વર્ષ 2003માં આ ઐતિહાસિક સ્થાનનું સમારકામ ખૂબ જ ચીવટ, કાળજી અને સૂઝબૂઝ સાથે કરવામાં આવ્યું.
મકાનની મૂળ સંરચનામાં જરાય ફેરફાર કર્યા વિના તથા સ્થાનિકસ્તરે ઉપલબ્ધ અને પુરાતનકાળમાં વપરાતી સામગ્રીઓનો જ ઉપયોગ કરીને તેનું સમારકામ કરવામાં આવેલું.
આઝાદી પછી 1968માં આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલમાં ગુલામશાહે બેસાડેલા લખપતના થાણાનો ઉલ્લેખ કરીને કચ્છના આ વિસ્તાર ઉપર દાવો કર્યો હતો.
આજે કચ્છનું લખપતએ દેશનો છેવાડાનો વિસ્તાર છે. ત્યાં જોવા મળે છે કેટલાક સ્થાનિકો, શ્રદ્ધાળુઓ, સુરક્ષાકર્મીઓ અને કેટલાક છૂટાછવાયા પ્રવાસીઓ, જેઓ ઇતિહાસનાં પન્નાં પર ચઢેલી ધૂળને ખંખેરીને કંઈક વાંચવાનો પ્રયાસ કરતા જણાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















