ભૂચર મોરી : સૌરાષ્ટ્રમાં થયેલી લડાઈ, જેણે ગુજરાતમાં મુગલ શાસનનો પાયો નાખ્યો

ઇમેજ સ્રોત, Darshan Thakkar
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના મેળાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અન્ય શહેરોમાં કામ કરતા લોકો ઘરે પરત ફરીને પરિવાર સાથે ઉજવણી કરવાનું પસંદ કરતા હોય છે.
જામનગરમાં પણ તેની રોનક જોવા મળે છે. છતાં એક તબક્કે લગભગ અઢીસો વર્ષ સુધી સ્થાનિકોએ શીતળા સાતમની ઉજવણી કરી ન હતી.
એની પાછળ વર્ષ 1591માં આ જ દિવસે થયેલું ઐતિહાસિક યુદ્ધ જવાબદાર હતું, જેને 'સૌરાષ્ટ્રની પાણીપતની લડાઈ' કહેવામાં આવે છે. ભૂચર મોરીની લડાઈમાં જામનગરના મિંઢોળબંધા રાજકુંવરનું મૃત્યુ થયું હતું.
આ સંગ્રામ બાદ ગુજરાતમાંથી સલ્તનતકાળનો અંત આવ્યો અને અકબરના સમયમાં સૌરાષ્ટ્રના વિસ્તારો પર મુઘલોનું નિર્ણાયક પ્રભુત્વ સ્થપાયું. અકબરે તેમના વિશ્વાસુ એવા અઝીઝ કોકાની ગુજરાતના સૂબેદાર તરીકે નિયુક્તિ કરી હતી.
લગભગ અઢીસો વર્ષ પછી વધુ એક ઘટના ઘટી, એ પછી જામનગરવાસીઓએ શીતળા સાતમની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું.

મુઝ્ઝફરશાહ

ઇમેજ સ્રોત, Darshan Thakkar
દિલ્હીમાં તઘલઘ વંશના પતન પછી ગુજરાતના સૂબેદાર મુઝ્ઝફરશાહે ખુદને સુલતાન જાહેર કર્યા. એ પછી મુઝ્ઝફર શાહ ત્રીજા સુધી આ ક્રમ ચાલતો રહ્યો. આ અરસામાં દિલ્હીમાં મુગલ સામ્રાજ્યના પગ મજબૂત થઈ રહ્યા હતા.
નિવૃત્ત આઈઈએસ અધિકારી એમએસ કમિશારિયાત, ધ મુઘલ પિરિયડ : ફ્રૉમ 1573થી 1758માં (પેજ નંબર 17-31) નોંધે છે :
ઈસવીસન 1572માં અકબર પહેલી વખત ગુજરાત આવ્યા, ત્યારે કડી પાસે તેમણે પોતાનું રાજ અકબરને સોંપી દીધું. અકબરે ગુજરાતમાં મુગલ સૂબેદાર તરીકે શિહાબ ખાનની નિમણૂક કરી. રાજા ટોડરમલ છ મહિના માટે ગુજરાત આવ્યા અને આગામી દસ વર્ષ માટેની મહેસૂલવ્યવસ્થા નક્કી કરી આપી. ગુજરાતના વિજયની સ્મૃતિમાં અકબરે તેમના શાસનમથક આગ્રાની પાસે ફતેહપુર સિકરી ખાતે 'બુલંદ દરવાજા'નું નિર્માણ કરાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુઝ્ઝફરશાહને રાજકાજની પ્રવૃત્તિથી દૂર સન્માનજનક રીતે રાખવામાં આવ્યા. આવું લગભગ છએક વર્ષ સુધી ચાલ્યું. ઈસવીસન 1578માં મુઝ્ઝફરશાહ નજરકેદમાંથી છટકી ગયા. તેમણે સૌ પહેલાં રાજપીપળાના રાજાને ત્યાં અને પછી રાજકોટ પાસે આવેલા ખેરડીના કાઠી દરબાર લોમા ખુમાણની પાસે આશરો લીધો. તેમને યોગ્ય તકની રાહ હતી.
આ અરસામાં ગુજરાતમાં અંધાધૂંધી પ્રવર્તમાન હતી અને તત્કાલીન મુગલ સૂબેદારે મુઝ્ઝફરશાહનું પગેરું દાબવા માટે ખાસ કોઈ પગલાં લીધાં નહીં. મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્ર બાજુનાં લૂંટારાંની રંજાડ વધી ગઈ હતી. આ બધી ફરિયાદો અકબરના દરબાર સુધી પહોંચી હતી, એટલે ઈ.સ. 1583માં ગુજરાતમાં નવા સૂબેદાર ઇતિમદ ખાનની નિમણૂક કરવામાં આવી. હજુ તેમણે પદભાર સંભાળ્યો જ હતો કે સ્થિતિ વકરી ગઈ.
મુગલોની સાથે મધ્ય એશિયામાંથી લડવા આવેલા લગભગ સાત હજાર જેટલા ભાડૂતી સૈનિકોને છૂટા કરી દીધા અને તેમને પોતાની જાતે પોતાની વ્યવસ્થા કરી લેવા માટે કહેવામાં આવ્યું. તેમણે મુઝ્ઝફરશાહનો સંપર્ક સાધ્યો. આ સિવાય તેમને લોમા ખુમાણ તથા અન્ય કેટલાક રાજવીઓના કટકનો સાથ મળ્યો.

ઇમેજ સ્રોત, Darshan Thakkar
બળવાખોરો ધોળકા નજીક પહોંચ્યા ત્યારે ગભરાયેલા ઇતિમદ ખાને એક ભૂલ કરી દીધી. તેમણે રાજધાની અમદાવાદ છોડીને મદદ માટે પોતાના પુરોગામીને મનાવવા માટે ગયા. પોતાને હઠાવવાથી નારાજ શિહાબ ખાન સશર્ત ઇતિમદ ખાનને મદદ કરવા તૈયાર થયા.
આ સ્થિતિ મુઝ્ઝફરશાહ માટે ખૂબ જ સાનુકૂળ હતી. બળવાખોરો રાયખડ દરવાજાથી શહેરમાં પ્રવેશ્યા. જેમાં તેમને પુષ્કળ સોનું, હીરા-ઝવેરાત તથા કિંમતી કપડાં મળ્યાં.
શિહાબ ખાન તથા અન્ય મુઘલોને રસ્તામાં અમદાવાદના પતનના સમાચાર મળ્યા. છતાં શિહાબ ખાનને વિશ્વાસ હતો કે બળવાખોર મુગલ સૈનિકો તેમની વાત માનશે અને તેમનો સાથ આપશે, પરંતુ તેમણે મુઝ્ઝફરશાહના પ્રભાવને ઓછો આંક્યો હતો. ગુજરાતના સ્થાનિક રાજવીઓને માટે મુગલો 'બહારના' હતા અને મુઝ્ઝફરશાહ તથા તેમના પુરોગામીઓ પ્રત્યે ઝુકાવ વધુ હતો.
ખાનપુર દરવાજા પાસે મુગલો હજુ પહોંચ્યા જ હતા કે મુઝ્ઝફરશાહનાં દળોએ હુમલો કરી દીધો. સપરિવાર આવેલા મુગલ સૈનિકોએ છેક પાટણ સુધી વ્યૂહાત્મક પીછેહઠ કરી, જેમાં તેમણે સામાન, હાથીઓ અને બીજી કેટલીક વસ્તુઓ મૂકીને નાસવું પડ્યું.
11 વર્ષ પછી મુઝ્ઝફરશાહે ફરી એક વખત અમદાવાદમાં પ્રવેશ કર્યો. જામા મસ્જિદમાં તેમણે પોતાના નામનો ખુતબો પઢાવ્યો. પોતાને મદદ કરનારા લોકોને જાગીરો અને ઇકલાબો વહેંચ્યાં. તેમણે અમદાવાદને વધુ સુરક્ષિત કરવાના પ્રયાસ શરૂ કર્યા અને દક્ષિણ ગુજરાતમાં મુગલો નબળા હોય તેમને વધુ સફળતા મળી. ફરી એક વખત તેમના નામના સિક્કા ચલણમાં આવ્યા.
શિહાબ ખાનને કારણે મુગલોનું ઉત્તર તરફ વધુ પલાયન અટક્યું. મુઝ્ઝફરશાહ ભરૂચમાં હતા ત્યારે અકબરે પાટણ ઉપરાંત માળવા તરફથી પણ પૂરક દળોને ગુજરાત ફતેહ કરવા માટે મોકલ્યા હતા. પાંચેક મહિનામાં ફરી એક વખત મુઝ્ઝફરશાહના શાસનનું પતન થયું.
પાંચેક વર્ષ બધું રાબેતા મુજબ ચાલતું રહ્યું, પરંતુ મુઝ્ઝફરશાહ હજુ આઝાદ હતા. તેમણે પોતાની લોકપ્રિયતા અને ખજાનાની મદદથી પહેલાં મહેમદાવાદ, ત્યાંથી ખંભાત અને પછી કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યું.
વધુ એક વખત અમદાવાદને હાંસલ કરવાની તેમની મહત્ત્વકાંક્ષા હજુ પણ જોર કરી રહી હતી. મુગલ દળોએ બીજી વખત મુસીબત ઊભી ન થાય તે માટે મુઝ્ઝફરશાહનું પગેરું દાબવાનું શરૂ કર્યું. આ વખતે અકબરે ગુજરાતની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા મિર્ઝા અઝીઝને મોકલ્યા. મુઝ્ઝફરશાહે પોતાના બીજા શાસનકાળ દરમિયાન મિર્ઝાના કાકા કુતુબુદ્દીન ખાનની દગાપૂર્વક હત્યા કરાવી નાખી હતી.

અકબરના 'અઝીઝ' કોકા

ઇમેજ સ્રોત, Getty Images
મુગલ શાસક અકબરને મિર્ઝા અઝીઝ પર વિશેષ લગાવ હતો. તેઓ અકબરના દૂધભાઈ હોવાથી 'કોકા' તરીકે ઓળખાતા હતા. આ પ્રકારનું જોડાણ તેમને શાહી દરબારમાં વિશેષ સ્થાન અપાવતું હતું. અકબર અને તેઓ સાથે રમીને મોટા થયા હતા, એટલે જ પોતાના શાસનકાળ દરમિયાન અકબરે તેમના સાથીની કેટલીક નાફરમાનીને નજરઅંદાજ કરી હતી અને તેમને 'ખાન-એ-આઝમ'ની પદવી પણ આપી હતી.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પૂર્વ પ્રાધ્યાપક તથા મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસુ પ્રો. હરબંસ મુખિયાએ તેમના પુસ્તક 'ધ મુઘલ્સ ઑફ ઇન્ડિયા'માં (પૃષ્ઠ ક્રમાંક 55) પર વિવરણ આપતાં લખ્યું છે :
'અઝીઝનાં માતા જીજી અંગાએ અકબરનો ઉછેર કર્યો હતો અને તેમણે અકબરને પોતાનું દૂધ પિવડાવ્યું હતું. એક વખત અકબરે આ વિશે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે 'દૂધની નદીઓ મને અને અઝીઝને જોડે છે.''
'અકબરે તેમના જીવનકાળમાં માત્ર બે વખત જ માથું અને મૂંછ મૂંડાવ્યાં હોવાનું નોંધાયું છે. એક વખત તેમનાં માતા મરિયમ મકાનું નિધન થયું ત્યારે તથા અન્ય એક વખત તેમને પ્રિય ધાઈમાતા જીજી અંગાનું મૃત્યુ થયું ત્યારે.'

જામનગર, જૂનાગઢ અને મુઝ્ઝફરશાહ

ઇમેજ સ્રોત, Darshan Thakkar
જૂન-1590માં અઝીઝ કોકાએ ગુજરાત આવીને પદભાર સંભાળી લીધો. જૂનાગઢના શાસક અમીન ખાન ઘોરી તથા નવાનગરના શાસકોએ મુગલ શાસકોએ સારાસારી રાખીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખ્યું હતું, બીજી તરફ તેઓ મુઝ્ઝફરશાહને પણ મદદ કરી રહ્યા હતા, આ વાત મુઘલ અધિકારીઓથી છૂપી રહી ન હતી.
'ગુજરાતનો ઇતિહાસ - મુઘલકાળ'માં (સંપાદક રસિકલાલ પરીખ તથા હરિપ્રસાદ શાસ્ત્રી, પૃષ્ઠ ક્રમાંક-48) પર લખે છે: અઝીઝ કોકાની ગણતરી મુઝ્ઝફરશાહ તથા તેમને મદદ કરી રહેલા અન્ય સાથીઓને નમાવીને કાયમી શાંતિ સ્થાપવાની હતી. તેઓ સૌરાષ્ટ્રને મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ કરી દેવા માગતા હતા.
બીજી બાજુ, સુલતાન મુઝ્ઝફરશાહને પોતાના સમર્થકો ઉપરાંત, જામનગરના જામ, જૂનાગઢના દોલત ખાન, રાયજાદા રા ખેંગાર તથા લોમા ખુમાણની સેના મળી હતી. આ સિવાય દ્વારકાની (કેટલાંક વિવરણો પ્રમાણે હિંગળાજ મંદિરની) જાત્રાએ જઈ રહેલા 1500 જેટલા અતીત બાવાની ટુકડી પણ જામસાહેબની પડખે રહીને લડ્યા હતા. આમ મળીને તેમની કુલ સંખ્યા લગભગ 30 હજાર જેટલી હતી, જ્યારે મુઘલ લશ્કર દસ હજાર આસપાસ હતું.
ચોમાસાને લીધે મુઘલ સૈનિકો માટે સ્થિતિ પ્રતિકૂળ હતી, તેમના માટે ખાવા-પીવાની ચીજવસ્તુઓ મળવી મુશ્કેલ બની રહી હતી. બીજી બાજુ, સંખ્યામાં વધુ હોવા છતાં સમવાયી દળો માટે આવી કોઈ સમસ્યા ન હતી.
શરૂઆતમાં સમાધાનના પ્રયાસો થયા, પરંતુ તેમાં સફળતા ન મળી. અંતે ભૂચર મોરી ખાતે 17 જુલાઈ, 1591ના દિવસે બંને સેનાઓ વચ્ચે સામ-સામે ટક્કર થઈ. ભૂચર મોરીએ જામનગર જિલ્લાના ધ્રોળ પાસે આવેલી જગ્યા છે. જામ સતાજી સાથેના જૂના મતભેદને કારણે પોતાના વિસ્તારમાં યુદ્ધ લડાતું હોવા છતાં ધ્રોળના ભાયાતો તેમની પડખે રહીને લડ્યા ન હતા.

ક્યારે થયું યુદ્ધ?
ભૂચર મોરીનું યુદ્ધ ક્યારે લડાયું તેના વિશે મુઘલ યુદ્ધવૃત્તાંતો, ઇતિહાસકારો, ભારતીય ઇતિહાસકારો, પાળિયાં પર નોંધાયેલી તારીખો તથા સ્થાનિક ઇતિહાસકારોમાં મતમતાંતર પ્રવર્તે છે. આ અંગે 'તબકાતે અકબરી', 'અકબર નામા', 'મિરાતે અહમદી', 'તારીખે સોરઠ વ હાલાર', 'મિરાતે સિકંદરી' તથા 'વિભા વિલાસ'માં પણ વિરોધાભાસી વિગતો મળે છે.
વધુમાં સમકાલીન મુઘલ ઇતિહાસકારોએ ઇસ્લામિક કૅલેન્ડર હિજરી સંવતનું અનુસરણ કર્યું છે, જે ચંદ્રની કળા ઉપર આધારિત હોય છે. હિજરી સંવતનું એક વર્ષ 354-355 દિવસનું હોય છે, જ્યારે સ્થાનિક રાજવીઓના ઇતિહાસકારોએ મહદંશે વિક્રમ સંવતનું અનુસરણ કર્યું છે, જે સૂર્ય આધારિત છે. તેનું એક વર્ષ 365-366 દિવસનું હોય છે. એટલે તારીખોનો તફાવત આવે તે સ્વાભાવિક છે.
છતાં યુદ્ધનો નિર્ણાયક દિવસ 'શિતળા સાતમ'નો હતો, તે અંગે જામનગરવાસીઓનાં મનમાં કોઈ સંદેહ નથી, કારણ કે એ દિવસે તેમના મિંઢોણબંધા પાટવીકુંવર જામ અજોજી લડાઈમાં ખપી ગયા હતા. તેના શોકમાં લગભગ અઢીસો વર્ષ સુધી નગરજનોએ આ તહેવારની ઉજવણી કરી ન હતી.
આના વિશે નાનપણમાં વડીલો પાસેથી સાંભળ્યું છે તથા 'ગુજરાત સમાચાર'માં લોકકથાકાર જોરાવરસિંહ જાધવની કૉલમ 'લોકજીવનનાં મોતી'માં આના વિશે વાંચ્યું છે.

દગો? હાર અને હાલ

ઇમેજ સ્રોત, Darshan Thakkar
મુગલદળોએ વિરમગામ પાસે મુકામ કર્યો હતો. મોરબી તથા હળવદના શાસકો મારફત જામ સસાજીને જણાવવામાં આવ્યું કે તેઓ મુઝ્ઝફરશાહને હાંકી કાઢે, પરંતુ તેમને પોતાના રાજપૂત આશરાધર્મનું ગૌરવ હતું. આ સિવાય મુઝ્ઝફરશાહે પોતાના શાસનકાળ દરમિયાન જામસાહેબને સ્વતંત્ર રીતે 'કોરી' (ચાંદીના ચલણી સિક્કા) બહાર પાડવાની છૂટ આપી હતી તથા અન્ય છૂટછાટો મળેલી હતી, જે મુઘલ શાસનમાં ન મળે તેવી આશંકા પણ તેમને હોય.
પ્રારંભિક છૂટી-છવાઈ અને છાપામાર લડાઈઓમાં સમવાયી દળોને મુગલદળો ઉપર સરસાઈ મળી. વરસાદ, અપૂરતા રૅશન તથા આયોજનના અભાવે મુઘલ સૈનિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો હતો.
તત્કાલીન જામનગર સ્ટેટ દ્વારા વર્ષ 1934માં 'શ્રીયદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ' નામનું પુસ્તક પ્રકાશિત કરાવવામાં આવ્યું હતું. જેમાં ભૂચર મોરીના યુદ્ધ સમયે બનેલી ઘટનાઓ વિશે (પૃષ્ઠ ક્રમાંક 191-202) જામનગર સ્ટેટના દૃષ્ટિકોણથી વિવરણ આપવામાં આવ્યું. જે મુજબ :
યુદ્ધના તબક્કે હળવદના રાજવી ચંદ્રસિંહને મુગલ સૂબા યુદ્ધના દંડ પેટે રૂપિયા ત્રણ લાખ ચૂકવવા તૈયાર હતા. જેમાં બે લાખ જામ સતાજીને , જ્યારે ચંદ્રસિંહને અંદરખાને એક લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
આના વિશે રાત્રે સમવાયી દળોની બેઠક મળી તેમાં ચંદ્રસિંહ રૂપિયા બે લાખના દંડનો પ્રસ્તાવ લઈને આવ્યા. આને કારણે જૂનાગઢ તથા ખેરડીના શાસકોને ફાળ પેઠી. તેમને થયું કે જો નવાનગરના જામ તાકતવર થઈ જશે તો તેમણે પોતાના રાજ ગુમાવવા પડશે. આ સિવાય ભૂતકાળનાં મનદુ:ખો પણ તાજાં થયાં હતાં.
આથી તેમણે અંદરખાને સૂબેદારને સંદેશો મોકલાવ્યો કે 'તમે સમાધાન ન કરશો, અમે તમારી પડખે રહીને લડીશું.' આ પ્રસ્તાવની ધારી અસર થઈ અને હળવદના ચંદ્રસિંહના યુદ્ધને અટકાવવા માટેના પ્રયાસો નિષ્ફળ થયા. છેવટે, તેમણે બીજા દિવસે યુદ્ધ માટે તૈયાર રહેવા જામ સતાજીને માટે જણાવ્યું.
બીજા દિવસે જામ સતાજીને 'ફોસલાવી'ને દોલત ખાન તથા લોમા ખુમાણ અગ્રીમ હરોળમાં રહ્યા. આ તબક્કે નવાનગરના કૂટનીતિજ્ઞ જેસા વજીરને શંકા પડી ગઈ હતી. યુદ્ધના સમયે લોમા ખુમાણે જામ સતાજીને કહ્યું કે તમે હાથી ઉપર છો, તોપનો ગોળો કે કોકબાણ તમને વિંધી શકે છે, એટલે તમે નીચે ઘોડા ઉપર આવી જાવ.
એ જમાનામાં આવી રીતે અંબાડી ખાલી મૂકવી એ વ્યૂહાત્મક ભૂલ હતી, જ્યારે જેસા વજીરને આના વિશે ખબર પડી ત્યારે તેમણે જામ સતાજીને ફરી એક વખત હાથી ઉપર બેસાડ્યા. અન્યથા લશ્કરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હોત અને વેરવિખેર થઈ ગયું હોત.
અગાઉ નક્કી થયું હતું, તેમ અણીના સમયે દોલત ખાન તથા લોમા ખુમાણના કટક રણમેદાન છોડી ગયા. આથી, સૈનિકોનું મનોબળ તૂટી ગયું. એ રાત્રે જામના લશ્કરમાં ચર્ચા થઈ. જેસા વજીર સહિતના રાજપૂત લડવૈયાઓએ જામ સતાજીને નવાનગર જઈને પરિવારજનોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા વિનંતી કરી. શરૂઆતમાં તો જામ સતાજી આવી રીતે યુદ્ધ છોડવા તૈયાર ન થયા, પછી મનેકમને કેટલાક અંગરક્ષકો સાથે પરત ફરવા તૈયાર થયા.

મિંઢોળબંધા રાજકુમાર

ઇમેજ સ્રોત, Darshan Thakkar
હિંદુઓમાં સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં લગ્ન આયોજિત કરવામાં નથી આવતા, પરંતુ કહેવાય છે કે જામ અજાજી યુદ્ધમાં ન આવે એટલા માટે એ અરસામાં જ તેમનાં લગ્ન નિર્ધારવામાં આવ્યાં હતાં.
'શ્રીયદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ'ના વિવરણ પ્રમાણે, જ્યારે જામ સતાજી નગર પરત આવ્યા, ત્યારે જામ અજાજીને લડાઈ હજુ ચાલુ હોવાની જાણ થઈ. તેમણે જામ સતાજીની મંજૂરીથી 500 જાનૈયા રાજપૂતોને લઈને ભૂચર મોરી તરફ જવા માટે રવાના થયા. તેમાં નાગડો વજીર (જેસા વજીરના દીકરા) સાથે રણમેદાન પહોંચ્યા.
પાટવીકુંવરના આગમનથી જામના લશ્કરમાં જોશ ભરાયું. બીજા દિવસે સવારે 'અલ્લા હુ અકબર' તથા 'જય મા આશાપુરા'ના નારા સાથે બંને લશ્કર સામ-સામે ટકરાયાં. યુદ્ધનું પરિણામ ખબર હોવા છતાં રાજપૂતો લડ્યા. એક તબક્કે જામ અજાજીએ ઘોડો કુદાવીને અઝીઝ કોકા ઉપર ભાલાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ ચૂકી ગયા, પરંતુ મુગલ સૈનિકોએ કોઈ ચૂક ન કરી અને તેમના પ્રહારથી અજાજીનું મૃત્યુ થયું. એમની સાથે નાગડો વજીર, જેસા વજીર સહિત અનેક યોદ્ધાઓ ખપી ગયા.
તોપ, હાથી તથા અનેક લડાઈઓ લડી ચૂકેલા ખૂનખાર અને લૂંટમાં ભાગ મળવાની આશાએ લડનારા સૈનિકો સામે જામના સૈનિકો લાંબા સમય સુધી ટકી ન શક્યા. જામ સતાજીના 70 જેટલા પરિવારજનોનો પણ તેમાં સમાવેશ થતો હતો.
વર્ષોથી લગાડવામાં આવતાં સિંદૂર તથા 430 કરતાં વધુ વર્ષથી ખુલ્લામાં રહેવાથી પાળિયાં પરનાં લખાણ ભૂંસાઈ ગયાં છે. છતાં અમુક વિગતો સ્પષ્ટ છે. એક શીલાલેખમાં અઝીઝ કોકાના હાથી ઉપર બેઠા છે તથા જામ અજાજી પોતાના ઘોડાને કુદાવીને ભાલાનો પ્રહાર કરી રહ્યા છે તેવું દૃશ્ય આલેખાયેલું છે. આનું વિવરણ કરતાં કેટલાક દુહા પણ ચારણી સાહિત્યમાં ઉપલબ્ધ છે.
લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ નાગડા વજીર, તેના વ્યક્તિત્વ અને બહાદુરીની વાતો સાંભળીને તેમને કેન્દ્રમાં રાખીને વર્ષ 1938માં 'સમરાંગણ'ના નામથી નવલકથા લખી છે. આ સિવાય તેમણે અન્ય પુસ્તકોમાં ભૂચર મોરીના યુદ્ધ, અજાજીના પરાક્રમ તથા સૂરજકુંવરબાના સતી થવા વિશેના દુહા નોંધ્યા છે.
એ જ પુસ્તકમાં (પૃષ્ઠ ક્રમાંક 306) પર જામ રણમલજીને આઠ રાણી, સાત પુત્ર તથા એક પુત્રી હોવાનો ઉલ્લેખ છે. તેમાંથી પાટવીકુંવર બાપુભાસાહેબનો જન્મ શ્રાવણ વદ સાતમના દિવસે થયો હતો અને ત્યારથી જ જામનગરમાં સાતમની સવારીએ ચઢવાની શરૂઆત થઈ હોવાની નોંધ મળે છે, પરંતુ જામ અજાજીના અવસાનને કારણે વર્ષો સુધી શીતળા સાતમની ઉજવણી ન થઈ હોવાનો ઉલ્લેખ નથી મળતો.

કેટલા લોકોનાં મૃત્યુ થયાં ?

ઇમેજ સ્રોત, Darshan Thakkar
સૌરાષ્ટ્રના ઇતિહાસના અભ્યાસુ પ્રો. પ્રદ્યુમન ખાચરે આ સંઘર્ષ ઉપર 'ભૂચર મોરીની લડાઈ' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે અલગ-અલગ વૃત્તાંતોમાં આપવામાં આવેલા મૃત્યુના આંકડાની છણાવટ કરી છે, જે મુજબ :
'મિરાતે અહમદી'માં મુગલોના 200 સૈનિક મૃત્યુ પામ્યા હોવાનું તથા 500 સૈનિક ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે જામ સતાજીના 500 સૈનિક મૃત્યુ પામ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. 'તબકાતે અકબરી'માં ચાર હજાર રાજપૂતોનાં મૃત્યુ થયાં હોવાનું જણાવવામાં આવ્યું છે.
'તારીખે સોરઠ વ હાલાર'માં શાહી સેનાના ખ્વાજા મોહમ્મદ રફી, ખ્વાજા શેખ સૈયદ શરિફુદ્દીન, સૈયદ કબીર, સૈયદ અલી ખાન જેવા સરદારો સહિત 200 જેટલા મુગલ સૈનિકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે પાંચસો જેટલા ઘાયલ થયા હતા, જ્યારે 700 ઘોડા ખપી ગયા હતા.
જ્યારે મુહણૌત નૈણસીની ખ્યાત પ્રમાણે, જામસતાજીના એક હજાર તથા કોકાના 700 સૈનિક મૃત્યુ પામ્યા હતા. જેના આધારે પ્રો. ખાચરના તારણ કાઢે છે કે, આ સમરાંગણમાં ઓછામાં ઓછા એક હજાર લોકોનાં મૃત્યુ થયાં જ હશે.

અંતમાં આરંભ

ઇમેજ સ્રોત, Darshan Thakkar
જેમ પાણીપતની પહેલી લડાઈ મુગલ શાસક બાબર તથા ઇબ્રાહિમ લોધી વચ્ચે થઈ હતી અને તેના પછી ભારતમાં મુગલ સત્તાની સ્થાપના થઈ હતી, એવી જ રીતે ભૂચર મોરીને 'સૌરાષ્ટ્રની પાણીપતની લડાઈ' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ પછી સૌરાષ્ટ્રમાં મુઘલ સત્તા નિર્ણાયક રીતે સ્થાપિત થઈ હતી.
અજાજીના અવસાન તથા મુગલ લશ્કર નવાનગર તરફ આવતું હોવાની માહિતી મળતા જામ સતાજીએ જનાનખાનાની સ્ત્રીઓને વહાણમાં બેસાડીને દરિયામાં રવાના કરી તથા સૂચના આપી કે જો શાહી સેના તેમની પાછળ દરિયામાં આવે તો વહાણને ડુબાડી દેવું, પરંતુ તેમના હાથમાં ન આવવું.
ગોપાળ બારોટ જામ અજાજીની પાઘડી લઈને નવાનગર પહોંચ્યા, તેને જોઈને તેમનાં રાણી સૂરજકુંવરબાએ જનાના રથને યુદ્ધમેદાને લઈ જવાની આજ્ઞા કરી. કેટલાક રાજપૂત અંગરક્ષો સાથે તેમની સાથે રહ્યાં.
રસ્તામાં મુગલ લશ્કરે તેમના કાફલાને અટકાવ્યો. અત્યારસુધી ધ્રોળના ઠાકોર તટસ્થ રહ્યા હતા, પરંતુ અજાજીના અવસાન પછી તેમણે દખલ દીધી અને કાફલાને સલામત રીતે જવા દેવાની વ્યવસ્થા કરી. ભૂચર મોરીમાં સૂરજકુંવરબા પતિની ચિતા સાથે સતી થયાં. આ માટે ધ્રોળના ભાયાતોએ જરૂરી વ્યવસ્થા કરી આપી હતી.
પરીખ-શાસ્ત્રી તેમના પુસ્તકમાં (પેજ નંબર-49) પર લખે છે: બીજા દિવસે અઝીઝ કોકાના લશ્કરે જામનગર કૂચ કરીને તેને લૂંટ્યું. એ પછી તેણે જૂનાગઢને કબજે કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રતિકૂળ સંજોગોને કારણે સફળતા ન મળી અને પાછા ફર્યા.
જામ સતાજી પોતે બરડા ડુંગરમાં ઊતરી ગયા. સુલતાન મુઝ્ઝફરશાહે પહેલાં બરડામાં પછી, દ્વારકા અને પછી દરિયામાર્ગે કચ્છમાં આશરો લીધો.
1992માં સૌરાષ્ટ્રને જીતવાના નિર્ધાર સાથે અઝીઝ કોકાએ પૂરતી તૈયારી સાથે પુનરાગમન કર્યું અને એક પછી એક સૌરાષ્ટ્રનાં બંદરો જીતી લીધાં. તેણે ત્રણ મહિના સુધી જૂનાગઢનો ઘેરો ઘાલ્યો અને છેવટે 27મી ઑગસ્ટ 1592ના દિવસે જૂનાગઢના કિલ્લા ઉપર કબજો મેળવ્યો. ઘેરા દરમિયાન દોલતખાન ઘોરીનું મૃત્યુ થયું હતું, પરંતુ અઝીઝ કોકાએ ઘોરીના બે પુત્ર તથા અન્ય 50 જેટલા લોકોને ક્ષમાદાન આપ્યું.
જૂનાગઢમાં મુગલ ફોજદારની નિમણૂક થવા લાગી. આ અરસામાં જામ સતાજીએ મધ્યસ્થીઓ મારફત કોકા સાથે સમાધાન કર્યું અને જૂનાગઢના ઘેરા દરમિયાન રૅશન વગેરેની મદદ કરી. બદલામાં તેમને જામનગરનું રાજ પરત મળ્યું. જામનગર સૌરાષ્ટ્રમાં આવતું હોવા છતાં તે મુઘલ ફોજદાર હેઠળ ન આવતા અલગ જમીનદારી રાજ્ય સ્વીકારવામાં આવ્યું અને તેની ખંડણી નક્કી થઈ.
મુઝ્ઝફરશાહને કચ્છના રાવ ભારમલે આશ્રય આપ્યો છે, એવી માહિતી મળતાં અઝીઝ કોકાએ કચ્છ કૂચ કરવાની ધમકી આપી. રાવ ભારમલે જામ સતાજીના હાલ જોયા હતા, વધુમાં તેમણે મોરબીનું પરગણું આપવામાં આવે તો મુઝ્ઝફરશાહ મુગલોને સોંપવાની તૈયારી દાખવી. અઝીઝ કોકાએ આ શરત સ્વીકારી લીધી.
23 ડિસેમ્બર, 1592ના દિવસે તેમને કેદી તરીકે પકડવામાં આવ્યા. મુઝ્ઝફરશાહે રસ્તામાં ધમડકા ખાતે આપઘાત કરી લીધો. તેના મૃત્યુની ખાતરી કરાવવા માટે તેના શિરને નિઝામુદ્દીન બક્ષી મારફત અકબરના દરબારમાં મોકલી આપવામાં આવ્યું હતું.
આગળ જતાં વધુ ત્રણ વખત ગુજરાતના સુબેદાર તરીકે અઝીઝ કોકાની નિમણૂક થઈ. તેણે બિહાર તથા દખ્ખણના બળવાને ડામવા માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં તેમને મિશ્ર સફળતા મળી હતી. તેમના પુત્રીઓના નિકાહ અબકર ઉપરાંત જહાંગીરના પુત્રો સાથે પણ થયા હતા. જોકે, જહાંગીરના કાર્યકાળમાં તેમનો દબદબો ઘટ્યો હતો.
અઝીઝ કોકાએ પોતાના જીવનકાળ દરમિયાન જ દિલ્હીમાં પોતાના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું, જે 'ચોસઠ ખંભા' તરીકે ઓળખાય છે. 64 સ્તંભવાળી સફેદ માર્બલની આ ઇમારતનું નિર્માણ જહાંગીરના સમયમાં કરવામાં આવ્યું હતું, જે ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા દરગાહ પરિસરમાં આવેલી છે.
લૅન્ડ ઑફ રણજી ઍન્ડ દુલિપમાં ચાર્લ્સ કિનકૅડ (પેજ નં. 69) લખે છે કે જામ સતાજીના કહેવાથી જામ જસોજી ખેરડી ભાંગ્યું હતું અને લોમા ખુમાણ તથા તેના પરિવારજનોની હત્યા કરી હતી.
અન્ય એક કથન (સૌરાષ્ટ્રનો ઇતિહાસ, શંભુપ્રસાદ દેસાઈ) પ્રમાણે, નવાનગરમાં વરાવેલાં પોતાનાં ધર્મનાં બહેન સાથે લોમા ખુમાણ જામનગરના મહેલમાં ગયા હતા, ત્યારે તેમને હથિયાર બહાર મૂકીને અંદર જવા માટે દરવાન દ્વારા કહેવામાં આવ્યું. આ વાત અપમાનજનક લાગતાં તેમની અને ચોકીદારોની વચ્ચે અથડામણ થઈ. ઘાયલ અવસ્થામાં જામે પૂછ્યું, 'અત્યારે તને જીવતો જવા દેવામાં આવે તો તું શું કરે?' જવાબમાં લોમા ખુમાણે કહ્યું કે 'તાવડીમાં રોટલો ઉથલાવે તેમ નગરને ઉથલાવી નાખું.' એ પછી ઘાયલ અવસ્થામાં જ જામનગરમાં તેમનું અવસાન થયું.
આ મુદ્દે રક્ષકો તથા એક ટ્રસ્ટના માધ્યમથી અહીં આવેલાં પાળિયાં, છતરીઓ, જામના પડખે રહીને લડનારા મુસ્લિમોની કબરો, અતીત બાવાઓની સમાધિઓ, મુઘલ મૃતકોની કબરો, અતીત બાવાની સમાધિઓને સાચવવાના પ્રયાસ થાય છે. વનવિભાગ દ્વારા સ્મૃતિવન પણ ઊભું કરવામાં આવ્યું છે.
ભૂચર મોરીની લડાઈ લશ્કરી દૃષ્ટિએ નિર્ણાયક હતી તથા તે મોટાપાયા ઉપર લડાઈ હોવાથી જનમાનસમાં જીવિત રહેવા પામી હતી, પરંતુ તેની 400મી વર્ષગાંઠ પછીથી મોટાપાયે ઉજવણીઓ શરૂ થઈ છે. તાજેતરનાં વર્ષોમાં અહીં રાજ્યસ્તરની ઉજવણીઓ શરૂ થઈ છે. અહીં યોજાતા કાર્યક્રમોમાં મુખ્ય મંત્રીસ્તરના પદાધિકારીઓએ તેમાં હાજરી આપે છે, જેથી આ યુદ્ધકથા પ્રચલિત બની છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













