રવાન્ડા : એ નરસંહાર જેમાં 100 દિવસમાં આઠ લાખ લોકો માર્યા ગયા

યુક્રેનનાં શહેરોમાં નરસંહાર કરવાનો આરોપ રશિયાના માથે છે. આ વચ્ચે પૂર્વ-મધ્ય આફ્રિકાનો દેશ રવાન્ડા એવો છે, જે 90ના દાયકામાં આચરાયેલા સરકાર પ્રેરિત નરસંહારના ઓથારમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યો છે. રવાન્ડા ભૌગોલિક દૃષ્ટિએ અલગઅલગ દેશોથી ઘેરાયેલો છે.

રવાન્ડાના નરસંહારની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

1994ના એપ્રિલ અને જૂનના ગાળા દરમિયાન આશરે 100 દિવસમાં અહીં આઠ લાખ લોકોની હત્યા કરી દેવાઈ હતી.

આ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના તુસી સમુદાયના હતા. જ્યારે હત્યાકાંડ આચરનારા હુતુ સમુદાયના હતા.

line

એ વખતે શું થયું હતું?

રવાન્ડાના નરસંહારની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ વાત 90ના દાયકાની છે. 6 એપ્રિલ 1994ના રોજ કાઇગાલી ઍરપૉર્ટ પર રવાન્ડાના રાષ્ટ્રપતિ હુએનલ હેબિયારિમાનાનું વિમાન તોડી પડાયું. જેમા રાષ્ટ્રપતિનું મૃત્યુ નીપજ્યું. રાષ્ટ્રપતિ પોતે હુતુ સમુદાયના હતા.

એક ફ્રૅન્ચ ન્યાયાધીશે આ મામલે એ વખતના તુસી વિદ્રોહી સંગઠનના વડા પૉલ કગામે પર આરોપ લગાવ્યો.

આરોપ એવો લગાવાયો કે વિદ્રોહી સંગઠન અને તેના કેટલાક સાથીદારોએ રાષ્ટ્રપતિના વિમાન પર રૉકેટથી હુમલો કર્યો હતો.

જોકે, કગામેએ વળતો આરોપ લગાવ્યો કે હુતુ અંતિમવાદીઓએ તુસી સમુદાયનો સમૂળો નાશ કરવા માટે હુમલો કરાવ્યો છે.

આ ઘટના બાદ દેશમાં તુસી સમુદાયના નરસંહારનો ઘટનાક્રમ શરૂ થયો હતો.

જોકે એ હત્યા માટે જવાબદાર કોઈ પણ હોય, એ ઘટનાના ગણતરીના કલાકોમાં જ દેશની રાજધાની કાઇગાલીમાં હિંસા ફાટી નીકળી હતી.

જોતજોતામાં હિંસાએ આખા દેશનો ભરડો લઈ લીધો. હિંસાનો એ દાવાનળ એટલો ભયાનક હતો કે ત્રણ મહિના સુધી રવાન્ડા એમાં સળગતું રહ્યું હતું.

આને આફ્રિકાના વર્તમાન ઇતિહાસમાં સૌથી લાંબો ચાલેલો નરસહાંર ગણવામાં આવે છે.

line

હિંસક ઇતિહાસ

રવાન્ડાના નરસંહારની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રવાન્ડાના ઇતિહાસમાં હિંસા એ કોઈ નવી વાત નથી. અહીં વર્ષોથી હુતુ સમુદાયની બહુમતી છે અને લઘુમતીમાં તુસી સમુદાય છે, બંને વચ્ચે વિખવાદ રહ્યો હતો.

આમ તો બન્ને સમુદાયોમાં ખાસ ફેર નથી. બોલવા-ચાલવાથી લઈને રહેણીકરણીની બાબતે પણ બન્ને સમુદાયો સમાનતા ધરાવે છે.

જોકે, તુસી સમુદાયના લોકો હુતુની સરખામણીએ લાંબા અને પાતળા હોય છે. જેથી કેટલાક લોકોનું માનવું છે કે એમનાં મૂળ અન્ય આફ્રિકન દેશ ઇથિયોપિયામાં છે.

એટલે જ નરસંહાર દરમિયાન તુસી લોકોના મૃતદેહોને ઇથિયોપિયામાં પરત મોકલવામાં આવી રહ્યા છે, એવું કહીને નદીમાં વહાવી દેવાયા હતા.

આ બન્ને સમુદાય વચ્ચેના વિખવાદની ખાઈ યુરોપીયન ઉપનિવેશ દરિયાન વધુ પહોળી થઈ હતી.

રવાન્ડા પર જ્યારે બેલ્જિયમનું શાસન હતું, ત્યારે અહીં સમુદાય અનુસાર આઇડૅન્ટિટી કાર્ડ જાહેર કરાયા હતા.

બેલ્જિયનોનું માનવું હતું કે હુતુ લોકોની સરખામણીએ તુસી લોકો વધુ ચડીયાતા છે.

આ સંસ્થાનવાદી વિચારને તુસી લોકોએ આવકારી લીધો હતો અને બે દાયકા સુધી તેમણે દેશમાં સારી નોકરીઓ અને સારા શિક્ષણની સવલતો ભોગવી હતી. હુતુ લોકોને આ પસંદ ના આવ્યું અને તુસી વિરુદ્ધ તેમનામાં અસંતોષ જન્મ્યો.

એ અસંતોષે 1959માં હુલ્લડને જન્મ આપ્યો, જેમાં 20 હજાર તુસી લોકો માર્યા ગયા. એ વખતે મોટી સંખ્યામાં તુસી લોકો બુરુન્ડી, તાન્ઝાનિયા તેમજ યુગાન્ડા જેવાં પડોશી રાષ્ટ્રોમાં જતાં રહ્યાં.

1962માં બેલ્જિયમે રવાન્ડાને સ્વતંત્રતા આપી અને એ સાથે જ હુતુ લોકોએ પોતાનું સ્થાન મેળવી લીધું.

line

રાષ્ટ્રપતિની હત્યા કોણે કરી હતી?

પૉલ કગામેની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

આ ઘટનાક્રમની શરૂઆત એ સમયે થઈ જ્યારે દેશની આર્થિક સ્થિતિ કથળવા લાગી હતી અને રાષ્ટ્રપતિ હુએનલ હેબિયારિમાનાની લોકપ્રિયતા ઘટવા લાગી હતી.

એ વખતે યુગાન્ડામાં રહેતા તુસી નિરાશ્રિતો અને હુતુ સમુદાયના કેટલાક ઉદારમતવાદી લોકોએ મળીને રવાન્ડા પૅટ્રિઑટિક ફ્રન્ટ (આરપીએફ)ની સ્થાપના કરી.

જેનું નેતૃત્વ પૉલ કગામેને સોંપવામાં આવ્યું. ફ્રન્ટનો ઉદ્દેશ હેબિયારિમાનાને પદભ્રષ્ટ કરી તુસી સમુદાયનો વતન પરત ફરવાનો રસ્તો સાફ કરવાનો હતો.

પણ, હેબિયારિમાનાએ આ વાતને વટાવી અને પોતાના વિરોધી હુતુ લોકોને પણ પોતાની બાજુ કરી લીધા. તેમણે રવાન્ડામાં રહેતા તુસી લોકોને પણ આરપીએફના સમર્થક ગણાવી દીધા હતા.

આખરે વર્ષ 1993ના ઑગસ્ટ માસમાં કેટલાય હુમલા અને વાટાઘાટો બાદ હેબિયારિમાના અને આરપીએપ વચ્ચે શાંતિ સ્થાપવા માટેની સમજૂતી સધાઈ.

જોકે સમજૂતી છતાં દેશમાં શાંતિ સ્થાપી ના શકાઈ. દેશમાં ચાલી રહેલી હિંસક ઘટનાઓની હારમાળાના કૉફિનમાં છેલ્લો ખીલો એપ્રિલ 1994માં ઠોકાયો, જ્યારે હેબિયારિમાનાના વિમાનને તોડી પડાયું.

એ વિમાનમાં હેબિયારિમાના એકલા જ સવાર નહોતા, એમા બુરુન્ડીના રાષ્ટ્રપતિ અને સ્ટાફના કેટલાય લોકો પણ સામેલ હતા. એ વિમાન કોણે તોડી પાડ્યું એ ક્યારેય ન જાણી શકાયું.

line

નરસંહાર

રવાન્ડાના નરસંહારની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વિમાન તોડી પડાયાની ઘટના બાદ તુરંત જ રાષ્ટ્રપતિના સુરક્ષાદળોએ બદલો લેવા હાકલ કરી હતી.

વિરોધ પક્ષના નેતાઓની હત્યા કરવાનું શરૂ કરાયું પણ સૌથી પહેલાં તુસી અને હુતુ સમુદાયના ઉદારમતવાદી લોકોને મારવાનું શરૂ કરી દેવાયું.

ગણતરીના કલાકોમાં જ સૈનિકોને દેશઆખામાં નરસંહારને અંજામ આપવા માટે રવાના કરી દેવાયા.

નરસંહારની આ જઘન્ય બીનામાં પહેલાં માત્ર સૈન્ય, રાજકારણીઓ અને વેપારીઓ જ જોડાયા હતા. જોકે, થોડા સમયમાં જ એમાં અન્ય લોકો પણ ભળી ગયા.

1994માં સત્તાનાં સૂત્રો જે અંતિમવાદી હુતુ સરકારનાં હાથમાં હતાં એમનું માનવું હતું કે શાસન ચાલું રાખવાનો એકમાત્ર ઉપાય છે કે તુસી સમુદાયનું અસ્તિત્વ જ ખતમ કરી દેવામાં આવે.

સરકારી પ્રૉપેગન્ડાને પગલે ઇન્ટરહામ્વેનામ (એક સાથે મળીને હુમલો કરનારા) નામે ઓળખાતા અનઅધિકૃત ઉગ્રવાદીઓ ઊભા થયા અને હુમલા શરૂ કરાયા.

સૈનિકો અને પોલીસ અધિકારીઓએ પણ સામાન્ય લોકોને આ હત્યાકાંડમાં ભાગ લેવા જણાવાયું. એવા પણ કિસ્સા બન્યા કે હુતુ નારિકોને તેમના પડોશી તુસીની હત્યા કરવા માટે સૈન્યએ દબાણ કર્યું હોય.

તુસી લોકોની હત્યા કરનારાઓને ઇનામ કે અન્નની લાલચ અપાઈ તો કેટલાક લોકોને એવું પણ કહેવાયું કે તુસી લોકોની હત્યા કર્યા બાદ નધણિયાત થઈ ગયેલી એમની સંપત્તિ પર તેઓ કબજો કરી શકશે.

આ સમગ્ર ઘટનાક્રમને પગલે પરિસ્થિતિ એટલી કથળી ગઈ હતી કે UN દળના 10 સૈનિકોની હત્યા કરી દેવાઈ. જે બાદ UNએ તેમના સૈનિકોને રવાન્ડામાંથી પરત બોલાવી લીધા.

line

અંતે...

રવાન્ડાના નરસંહારની એક તસવીર

ઇમેજ સ્રોત, AFP

આખરે જુલાઈમાં આરપીએફે કાઇગલી પર કબજો કરી લીધો. સરકાર તૂટી પડી અને આરપીએફે યુદ્ધવિરામની જાહેરાત કરી.

આ દરમિયાન આરપીએફને વિજય તરફ આગળ વધતા જોઈ લગભગ 20 લાખ જેટલા હુતુ ડૅમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો તરફ હિજરત કરી ગયા.

આખરે દેશમાં મલ્ટિ-ઍથનિક સરકાર સ્થપાઈ. પાસ્ટર બિઝિમન્ગ્યુ નામના હુતુ નેતાને રાષ્ટ્રપતિ બનાવાયા જ્યારે કાગમેને તેમને ડેપ્યુટી તરીકેનો કાર્યભાર સોંપાયો.

જોકે, આ જોડી પણ તૂટી અને બિઝિમન્ગ્યુને વંશીય હિંસા ભડકાવવાના આરોપસર જેલ થઈ. આ સાથે જ કગામેને દેશના રાષ્ટ્રપતિ જાહેર કરાયા.

રવાન્ડામાં પણ હત્યાકાંડની શ્રેણીઓનો અંત આવી ગયો પણ કૉંગોમાં હુતુ ઉગ્રવાદીઓ હાજરીએ વર્ષો સુધી સંઘર્ષ ચાલું રાખ્યો. જેના ખપ્પરમાં 50 લાખ લોકો હોમાઈ ગયા.

હાલ રવાન્ડાની તુસી બહુમતી ધરાવતી સરકાર બે વખત પડોશી દેશમાં ઉગ્રવાદીઓ પર ત્રાટકી ચૂકી છે.

બીજી બાજુ, કૉંગોમાં વિદ્રોહીઓ હથિયાર મૂકવા તૈયાર નથી. તેમને ડર છે કે સંઘર્ષ વિરામ કરતાની સાથે જ તેમના સમુદાયનો નરસંહાર કરી દેવાશે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો