KGF : એ ખાણ જ્યાંથી 900 ટન સોનું નીકળ્યું, શો છે કોલાર ગોલ્ડ ફીલ્ડ્સનો ઇતિહાસ?

    • લેેખક, હર્ષલ આકુડે
    • પદ, બીબીસી મરાઠી

2022માં રિલીઝ થયેલી ફિલ્મોમાં સૌથી સફળ ફિલ્મોમાં ગણાતી કન્નડ સિનેમાના સુપરસ્ટાર યશની ફિલ્મ KGF-2ની સરખામણી રાજામૌલીની ઐતિહાસિક બાહુબલિ સાથે થવા લાગી હતી.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે કેજીએફ-2ને બ્લૉક બસ્ટર ગણાવી સાડા ચાર સ્ટાર આપ્યા હતા અને ફિલ્મ પણ બૉક્સ ઑફિસ પર ટંકશાળ સાબિત થઈ હતી.

કેજીએફ-2એ ફક્ત ચાર જ દિવસમાં 552 કરોડથી વધારે કમાણી કરી લીધી હતી. શું છે આ ફિલ્મની કહાણી?

ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં અભિનેતા સંજય દત્તનો એક ડાયલૉગ ઘણો ચર્ચામાં રહ્યો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, "કહી દેજો એમને, હું આવી રહ્યો છું મારી KGF લેવા."

આ ફિલ્મમાં સંજય દત્ત, રવિના ટંડન અને પ્રકાશ રાજ સહિત મુખ્ય ભૂમિકા ભજવી રહેલા કન્નડ સુપર સ્ટાર યશ મુખ જેવા મોટા અભિનેતા પણ છે

ઇમેજ સ્રોત, KGF FACEBOOK

ઇમેજ કૅપ્શન, આ ફિલ્મમાં સંજય દત્ત, રવિના ટંડન અને પ્રકાશ રાજ સહિત મુખ્ય ભૂમિકા ભજવી રહેલા કન્નડ સુપર સ્ટાર યશ મુખ જેવા મોટા અભિનેતા પણ છે
line

KGFનો ઇતિહાસ

KGF અર્થાત્ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ કર્ણાટકના દક્ષિણપૂર્વ ક્ષેત્રમાં આવેલી છે

ઇમેજ સ્રોત, AFP/GETTY

ઇમેજ કૅપ્શન, KGF અર્થાત્ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ કર્ણાટકના દક્ષિણપૂર્વ ક્ષેત્રમાં આવેલું છે

KGF અર્થાત્ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ કર્ણાટકના દક્ષિણપૂર્વ ક્ષેત્રમાં આવેલું છે. દક્ષિણ કોલાર જિલ્લાના મુખ્ય મથકથી 30 કિલોમીટર દૂર રોબર્ટસનપેટ નામે તાલુકો છે, જ્યાં આ ખાણ છે.

બૅંગલુરુના પૂર્વમાં આવેલા બૅંગલોર-ચેન્નાઈ એક્સપ્રેસ-વે પર 100 કિલોમીટર દૂર KGF ટાઉનશિપ છે. ન્યૂઝ વેબસાઇટ 'ધ ક્વિન્ટ'એ એક રિપોર્ટમાં KGFના શાનદાર ઇતિહાસ વિશે લખ્યું છે.

આ રિપોર્ટ અનુસાર, 1871માં ન્યૂઝીલૅન્ડથી ભારત આવેલા બ્રિટિશ સૈનિક માઇકલ ફિટ્ઝગેરાલ્ડ લેવેલીએ બૅંગલુરુમાં પોતાનું ઘર બનાવ્યું હતું. એ સમયે તેઓ પોતાનો મોટા ભાગનો સમય વાંચવામાં જ પસાર કરતા હતા.

દરમિયાન, 1804માં એમણે એશિયાટિક જર્નલમાં છપાયેલો ચાર પાનાંનો એક લેખ વાંચ્યો. એમાં કોલારમાં મળતા સોના વિશે જણાવાયું હતું. આ લેખ વાંચીને એમને કોલારમાં રસ પડ્યો.

એના વિશે વાંચતાં વાંચતાં લેવેલીના હાથમાં બ્રિટિશ સરકારના લેફ્ટનન્ટ જૉન વૉરેનનો એક લેખ આવ્યો. લેવેલીને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 1799ની શ્રીરંગપટ્ટનમના યુદ્ધમાં અંગ્રેજોએ ટીપુ સુલતાનને માર્યા પછી કોલાર અને આસપાસના વિસ્તારો પર પોતાનો કબજો કરી લીધો હતો.

એના થોડા સમય પછી અંગ્રેજોએ આ જમીન મૈસૂર રાજ્યને આપી દીધી, પણ સરવે કરવા માટે એમણે કોલારની જમીન પોતાની પાસે જ રાખી.

line

સોનાની શોધ

વીડિયો કૅપ્શન, ભરૂચ: 'સોનાનો પથ્થર' રસ્તા પર કોણે મૂક્યો?

ચોલ સામ્રાજ્યમાં લોકો હાથેથી જમીન ખોદીને જ સોનું કાઢતા હતા. ત્યાર બાદ વૉરેને સોના અંગે એમને માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી.

એ જાહેરાતના થોડા દિવસ પછી એક બળદગાડામાં કેટલાક ગ્રામીણો વૉરેન પાસે આવ્યા. એ બળદગાડાને કોલાર વિસ્તારની માટી ચોંટેલી હતી. ગામલોકોએ વૉરેનની સામે જ માટી ધોઈ બતાવી, તો એમાં સોનાના કણ જોવા મળ્યા.

વૉરેને ફરી એની તપાસ શરૂ કરી. વૉરેનને ખબર પડી કે કોલારના લોકો જે રીતે હાથથી ખોદીને સોનું કાઢે છે એનાથી 56 કિલો માટીમાંથી ગૅલન ભરીને સોનું કાઢી શકાતું હતું.

વૉરેને કહ્યું, "આ લોકોના ખાસ કૌશલ અને તકનીકની મદદથી વધારે સોનું ખોદી કાઢી શકાય એમ છે."

વૉરેનના રિપોર્ટ પછી, 1804થી 1860 સુધીમાં આ વિસ્તારમાં ઘણાં સંશોધન અને સરવે થયાં પરંતુ એનાથી અંગ્રેજ સરકારને કશું હાથ ન લાગ્યું. કશો લાભ થવાને બદલે આ શોધ દરમિયાન ઘણાએ જીવ ખોવો પડ્યો. ત્યાર પછી ત્યાં થનારા ઉત્ખનન પર પ્રતિબંધ મૂકી દેવાયો.

જોકે, 1871માં વૉરેનનો રિપોર્ટ વાંચીને લેવેલીને કોલારમાં વધારે રસ પડ્યો.

લેવેલીએ બળદગાડામાં બેસીને બૅંગલુરુથી કોલાર સુધીની 100 કિલોમીટરની યાત્રા કરી. લગભગ બે વરસ સુધી ત્યાં શોધ કર્યા પછી 1873માં લેવેલીએ મૈસૂરના મહારાજા પાસે તે સ્થળે ખોદકામ કરવાની મંજૂરી માગી.

લેવેલીએ કોલાર ક્ષેત્રમાં 20 વર્ષ સુધી ખોદકામ કરવાનું લાઇસન્સ મેળવ્યું. ત્યાર પછી 1875માં સાઇટ પર કામકાજ શરૂ કર્યું.

શરૂઆતનાં થોડાં વરસો સુધી લેવેલીનો મોટા ભાગનો સમય પૈસા એકઠા કરવામાં અને લોકોને કામ કરવા માટે સમજાવવામાં પસાર થયો. ઘણી મુશ્કેલીઓની આખરે KGFમાંથી સોનું કાઢવાનું કામ શરૂ થઈ ગયું.

line

KGF: વીજળી ધરાવતું ભારતનું પહેલું શહેર

KGFની ખાણમાં પહેલાં મશાલો અને કેરોસિનથી સળગતા ફાનસથી અજવાળાની વ્યવસ્થા કરવામાં આવતી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, KGFની ખાણમાં પહેલાં મશાલો અને કેરોસિનથી સળગતા ફાનસથી અજવાળાની વ્યવસ્થા કરવામાં આવતી હતી

KGFની ખાણમાં પહેલાં મશાલો અને કેરોસિનથી સળગતા ફાનસથી અજવાળાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. પરંતુ આ વ્યવસ્થા અપૂરતી હતી. તેથી ત્યાં વીજળીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ રીતે KGF વીજળી મેળવનારું ભારતનું પહેલું શહેર બની ગયું.

કોલાર ગોલ્ડ ફીલ્ડની વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે ત્યાંથી 130 કિલોમીટર દૂર કાવેરી વિદ્યુતમથક સ્થાપવામાં આવ્યું. જાપાન પછી તે એશિયાનો બીજા ક્રમાંકનો સૌથી મોટો પ્લાન્ટ છે. એનું નિર્માણ કર્ણાટકના હાલના માંડ્યા જિલ્લાના શિવનસમુદ્રમાં કરવામાં આવ્યું.

KGF ભારતનું સૌ પહેલું એવું શહેર હતું જ્યાં સમગ્ર શહેરમાં વીજળી પહોંચી હોય. પાણી દ્વારા વિદ્યુત ઉત્પાદિત કરાયા પછી ત્યાં ચોવીસે કલાક વીજળી ઉપલબ્ધ થઈ ગઈ. સોનાની ખાણના લીધે બૅંગલુરુ અને મૈસૂરના બદલે KGFને અગ્રતાક્રમ મળવા લાગ્યો.

વીજળી પહોંચ્યા પછી KGFમાં સોના માટેનું ઉત્ખનન વધારી દેવાયું. ત્યાં ખોદકામની ઝડપ વધારવા માટે પ્રકાશનો બંદોબસ્ત કરીને ઘણાં મશીનો કામે લગાડી દેવાયાં.

એનું પરિણામ એ આવ્યું કે 1902 આવતાં સુધીમાં KGF ભારતનું 95 ટકા સોનું કાઢવા લાગી. પરિસ્થિતિ એ આવી કે 1905માં સોનાના ખોદકામની બાબતમાં ભારત દુનિયામાં છઠ્ઠા સ્થાને આવી ગયું.

line

KGF બની ગયું મિની ઇંગ્લૅન્ડ

તે સમયની બ્રિટિશ સરકારના અધિકારીઓ અને એન્જિનિયરો ત્યાં પોતાનાં ઘર બનાવવા લાગ્યા

ઇમેજ સ્રોત, KGF FACEBOOK

ઇમેજ કૅપ્શન, તે સમયની બ્રિટિશ સરકારના અધિકારીઓ અને એન્જિનિયરો ત્યાં પોતાનાં ઘર બનાવવા લાગ્યા

KGFમાંથી સોનું મળ્યા પછી ત્યાંની સૂરત (દશા) બદલાઈ ગઈ. તે સમયની બ્રિટિશ સરકારના અધિકારીઓ અને એન્જિનિયરો ત્યાં પોતાનાં ઘર બનાવવા લાગ્યા.

લોકોને ત્યાંનું વાતાવરણ પસંદ પડ્યું, કેમ કે એ સ્થળ ઠંડક ધરાવતું હતું. ત્યાં જે રીતે બ્રિટિશ શૈલીનાં ઘરોનું નિર્માણ થયું એનાથી એવું લાગતું હતું કે જાણે એ ઇંગ્લૅન્ડ જ છે.

ડેક્કન હેરાલ્ડ અનુસાર, એના કારણે KGFને મિની ઇંગ્લૅન્ડ કહેવાતું હતું.

KGFની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે બ્રિટનની સરકારે નજીકમાં જ એક તળાવનું નિર્માણ કરાવ્યું. ત્યાંથી KGF સુધી પાણીની પાઇપલાઇનની વ્યવસ્થા કરવામાં આવી. આગળ જતાં એ તળાવ ત્યાંના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયું.

બ્રિટિશ અધિકારીઓ અને ત્યાંના સ્થાનિક નાગરિકો એ સ્થળે પર્યટન માટે જવા લાગ્યા. બીજી બાજુ, સોનાની ખાણના લીધે ત્યાં પાસપડોશનાં રાજ્યોના મજૂરોની સંખ્યા વધવા લાગી.

ઈ.સ. 1930 પછી આ જગ્યાએ 30 હજાર મજૂરો કામ કરતા હતા. એ મજૂરોના પરિવારો ત્યાં નજીકમાં જ રહેતા હતા.

line

KGFનું રાષ્ટ્રીયકરણ

જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ભારત સરકારે આ જગ્યાને પોતાના હસ્તક લઈ લીધી

ઇમેજ સ્રોત, KGF FACEBOOK

ઇમેજ કૅપ્શન, જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ભારત સરકારે આ જગ્યાને પોતાના હસ્તક લઈ લીધી

જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ભારત સરકારે આ જગ્યાને પોતાના હસ્તક લઈ લીધી. એના લગભગ એક દાયકા પછી 1956માં આ ખાણનું રાષ્ટ્રીયકરણ કરી દેવાયું.

1970માં ભારત સરકારની ભારત ગોલ્ડ માઇન્સ લિમિટેડ કંપનીએ ત્યાં કામકાજ શરૂ કર્યું. શરૂઆતમાં સફળતા મળ્યા પછી કંપનીનો નફો ઘટતો ગયો. 1979 પછી તો એવી સ્થિતિ આવી કે કંપની પાસે મજૂરોને આપવા જેટલા પૈસા પણ ના બચ્યા.

ભારતના 90 ટકા સોનાનું ઉત્ખનન કરનારી KGFનું પ્રદર્શન 80ના દાયકામાં ખરાબ થતું ગયું.

એ વખતે ઘણા કર્મચારીઓને નોકરીમાંથી બરખાસ્ત કરી દેવાયા. સાથે જ કંપનીનું નુકસાન પણ વધતું જતું હતું. એક સમય એવો આવ્યો જ્યારે ત્યાંથી સોનું કાઢવા માટે જેટલા પૈસા વપરાતા હતા તે પ્રાપ્ત થતા સોનાની કિંમત કરતાં પણ વધારે થઈ ગયા હતા.

એવાં કારણસર, 2001માં ભારત ગોલ્ડ માઇન્સ લિમિટેડ કંપનીએ ત્યાં સોનાનું ઉત્ખનનકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી એ જગ્યા ખંડેર બની ગઈ.

line

સોનાનું ખોદકામ ફરી શરૂ કરવાના મોદી સરકારના સંકેત

121 વરસો કરતાં વધુ સમય KGFમાં ઉત્ખનન ચાલતું રહ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 121 વરસો કરતાં વધુ સમય KGFમાં ઉત્ખનન ચાલતું રહ્યું

121 વરસો કરતાં વધુ સમય KGFમાં ઉત્ખનન ચાલતું રહ્યું. 2001 સુધી ત્યાં ખોદકામ થતું રહ્યું. એક રિપોર્ટ અનુસાર, એ 121 વર્ષોમાં ત્યાંની ખાણમાંથી 900 ટન કરતાં વધારે સોનું મળ્યું છે. ખનન બંધ થયા પછી 15 વર્ષ સુધી KGFમાં બધું જ ઠપ પડ્યું રહ્યું.

જોકે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2016માં એ જગ્યાએ ફરીથી કામ શરૂ કરવાના સંકેતો આપ્યા હતા. કહેવાય છે કે KGFની ખાણોમાં આજે પણ ઘણું સોનું દટાયેલું પડ્યું છે.

કેન્દ્ર સરકારે 2016માં KGFને પુનઃ ધબકતી કરવા માટે હરાજીની પ્રક્રિયા શરૂ કરવાનું એલાન કર્યું હતું. જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે એ ઘોષણા પછી આગળ શું થવાનું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન